ભૃગુ : પ્રાચીન ભારતના પ્રભાવશાળી ઋષિ. ભાગવત વગેરે પુરાણો મુજબ તેઓ મહર્ષિ હતા અને મંત્રદ્રષ્ટા લેખક હતા. તેઓ શિવના પુત્ર હોવાની એક માન્યતા છે. તેમની પત્ની ખ્યાતિ કર્દમ ઋષિની દીકરી હતી. ભૃગુ ઋષિની પ્રથમ પત્ની ખ્યાતિ બે પુત્રો અને એક પુત્રીની માતા હતી. આ પુત્રીનું નામ ભાર્ગવી લક્ષ્મી હતું. તેને વિષ્ણુ સાથે પરણાવેલી. ભૃગુ ઋષિની બીજી પત્ની પુલોમાને ચ્યવન વગેરે ચૌદ પુત્રો હતા. પરશુરામ પણ ભૃગુ ઋષિના વંશમાં જન્મેલા. ભૃગુને સપ્તર્ષિઓમાં એટલે સાત મોટા ઋષિઓમાં સ્થાન મળ્યું હતું.

મહાભારત મુજબ તેઓ શિવના નહિ, પરંતુ બ્રહ્માના પુત્ર હતા. બ્રહ્માના વીર્ય વડે અગ્નિશિખાઓમાંથી ભૃગુની ઉત્પત્તિ થઈ હતી. પુરાણો મુજબ તેમણે મનુ પાસે વેદનો અભ્યાસ કરેલો અને ખુદ બ્રહ્મા પાસેથી તેમણે ક્રિયાયોગનું જ્ઞાન મેળવેલું. દક્ષયજ્ઞમાં શિવના પ્રધાન ગણ વીરભદ્રે તેમને કેદ કરી તેમની દાઢી કાપી લીધેલી. પાછળથી ભગવાન શિવના અનુગ્રહથી તેમણે બકરાની દાઢી લગાડેલી.

સપ્તર્ષિઓની પાસે પાલખી ઉપડાવીને સ્વર્ગના રાજા તરીકે જઈ રહેલા રાજા નહુષે અગસ્ત્યના મસ્તકમાં પ્રહાર કરતાં તેમની જટામાં સૂક્ષ્મ રૂપે બેઠેલા ભૃગુ ઋષિએ તેને સાપ થવાનો શાપ આપ્યો હતો.

વળી બધા ઋષિઓએ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રણ દેવોમાંથી કોની આરાધના ઋષિઓએ કરવી જોઈએ એ નક્કી કરવાનું કાર્ય ભૃગુ ઋષિને સોંપેલું. ભૃગુ બ્રહ્મા પાસે ગયા, પરંતુ બ્રહ્માએ તેમનો આદરસત્કાર ન કર્યો, કારણ કે તેઓ તેમના પ્રશંસકો વડે કરવામાં આવતી પ્રશંસાથી ખુશ થઈને બેઠા હતા. આથી ભૃગુ ઋષિએ બ્રહ્માને મનુષ્યો માટે પૂજા અને આરાધના અર્થે અયોગ્ય ઠેરવતો શાપ આપ્યો. એ પછી ભૃગુ ઋષિ શિવ પાસે ગયા તો શિવ પાર્વતી સાથે વિલાસ કરી રહ્યા હતા, માટે શિવને ભૃગુ ઋષિએ ‘યોનિ-લિંગ’ રૂપે પૂજાવાનો શાપ આપ્યો. છેલ્લે, ભૃગુ ભગવાન વિષ્ણુ પાસે ગયા તો વિષ્ણુને સૂઈ રહેલા જોયા, વિષ્ણુની આળસ અને કામ ન કરવાની વૃત્તિ જોઈ ગુસ્સે ભરાયેલા ભૃગુએ વિષ્ણુને છાતી પર લાત મારી જગાડ્યા. આથી વિષ્ણુ જાગ્યા અને ભૃગુના પગને દબાવવા લાગ્યા. પોતાને બ્રાહ્મણના પગનો સ્પર્શ થયો છે માટે પોતે ધન્ય છે એમ કહ્યું. વિષ્ણુની નમ્રતા જોઈને ભૃગુએ તેમને આરાધના માટે યોગ્ય દેવ જાહેર કર્યા. ભૃગુના બાર પુત્રો ‘યજ્ઞીય ભૃગુદેવ’ એવા નામથી ઓળખાતા હતા.

ભૃગુ નામના બીજા ઋષિઓ પણ છે. તેમાંના એક શ્રીકૃષ્ણના સમકાલીન, બીજા સૂર્યના રથ ઉપર રહેનારા, ત્રીજા અથર્વણ અગ્નિના પિતા, ચોથા શિલ્પ અને વાસ્તુવિદ્યાના પ્રવર્તક, પાંચમા વ્યાસના ગુરુ, છઠ્ઠા ઋગ્વેદના મંત્રદ્રષ્ટા અને સાતમા વિષ્ણુપુરાણને પ્રવર્તાવનાર ઋષિનો સમાવેશ થાય છે.

પ્ર. ઉ. શાસ્ત્રી