ભૂસંચલન–આકારાન્તરક્રિયા

January, 2001

ભૂસંચલન–આકારાન્તરક્રિયા (diastropism) : ભૂપૃષ્ઠ પર કે પોપડાના વિભાગોમાં જોવા મળતી વિરૂપતા માટે જવાબદાર પ્રક્રિયા કે વિવિધ પ્રક્રિયાઓનું સંયોગીકરણ. વિરૂપતાથી થતી અસરો કે પરિણામોને માટે પણ આ શબ્દગુચ્છ વપરાય છે. યુ.એસ.ના કોર્ડિલેરન વિસ્તારમાંનાં મહત્વનાં ભૂસ્તરીય લક્ષણોનાં અભ્યાસ અને ચર્ચાઓ દરમિયાન તે વખતે વપરાતા ‘પૃથ્વીના પોપડાની વિરૂપતા’ જેવા લાંબા શબ્દપ્રયોગને સ્થાને માત્ર એક શબ્દની જરૂરિયાત જણાતાં જે. ડબ્લ્યૂ.  પૉવેલે diastropism (એટલે કે ‘ભૂસંચલનઆકારાન્તરક્રિયા’) શબ્દ ઉપયોગમાં લીધો. પ્રખર ભૂસ્તરશાસ્ત્રી તરીકે જાણીતા જી. કે. ગિલ્બર્ટ ત્યારે પૉવેલના સહકાર્યકર હતા. પૉવેલે પ્રયોજેલા આ શબ્દને તેમણે સહર્ષ સ્વીકાર્યો, પરંતુ આ પ્રકારની ક્રિયાઓથી ઉદભવતી અસરોના પરિણામરૂપ તફાવતો સમજાય તે માટે તેના અર્થને વિભાજિત કરવાનું પણ સૂચવ્યું. 1. પર્વત-પટ્ટાઓના વિસ્તારોમાં જોવા મળતી જટિલ વિરૂપતાઓ. 2. સ્તરભંગો અને ગેડીકરણથી આવૃત ઉચ્ચસપાટ પ્રદેશો અને થાળાંઓમાંની સરળ સંરચનાઓ. ગિલ્બર્ટે આ માટે બે શબ્દો પણ સૂચવ્યા. 1. ગિરિનિર્માણક્રિયા (orogeny) અને 2. ખંડનિર્માણક્રિયા (epeirogeny). ખંડનિર્માણક્રિયામાં સરળ ઉત્થાન અને અવતલન થતું હોય છે.

પૃથ્વીના પટ પર જોવા મળતાં ભૂરચનાત્મક લક્ષણો–ખંડો, સમુદ્રથાળાં, પર્વતો અને પર્વતપટ્ટા, ઉચ્ચસપાટપ્રદેશો, ખડકસ્તરોમાં ઉદભવતી ગેડરચનાઓ અને સ્તરભંગ-રચનાઓનો ભૂસંચલન આકારાન્તર ક્રિયાનાં પરિણામી સ્વરૂપોમાં સમાવેશ કરી શકાય.

ભૂસંચલન–આકારાન્તરક્રિયા સતત ચાલુ રહેતી ઘટના છે, અથવા કહી શકાય કે કાળભેદે, સંજોગભેદે, સ્થાનભેદે તે પૃથ્વીના ભૂસ્તરીય ઇતિહાસ દરમિયાન વારંવાર થતી રહી છે, પોપડાના વિક્ષેપિત વિભાગોમાં તેની અસરો નાનામોટા પ્રમાણવાળા ભૂકંપ સ્વરૂપે વરતાતી રહે છે અથવા તો માપી શકાય એવાં ભૂમિસપાટીનાં ઉત્થાન કે અવતલન કે ખસેડ સ્વરૂપે જોવા મળે છે. છેલ્લા ભૂસ્તરીય કાળ દરમિયાન જે સ્થળર્દશ્ય અને રચનાત્મક ફેરફારો થયેલા છે તે આજે આલ્પ્સ, એન્ડીઝ કે હિમાલય જેવી ઉત્થાન પામેલી ઉન્નત ગિરિમાળાઓ સ્વરૂપે દેખાય છે. તિબેટ અને કોલોરાડોના ઉચ્ચસપાટપ્રદેશો, આફ્રિકાની ફાટખીણો સહિતના ઉચ્ચસપાટપ્રદેશો, સિંધુ-ગંગાનું થાળું અને તેનું અફાટ મેદાન વગેરે ભૂસંચલન–આકારાન્તરક્રિયાનાં પરિણામો છે. પર્વતપટ્ટાઓમાં જોવા મળતી સરળ તેમજ જટિલ ગેડરચનાઓ, સાદા અને ધસારાજન્ય સ્તરભંગો પણ આ ઘટનાની જ પેદાશો છે. હિમાલય અને આલ્પ્સના વિભાગોમાં સર્જાયેલા મુખ્ય સીમા-સ્તરભંગોને પણ આ પ્રક્રિયાના ઉદાહરણરૂપ ગણાવી શકાય. અરવલ્લી કે ઍપેલેશિયન પર્વતમાળા આજે તો ઘણી ઘસાઈ ગઈ છે, તેમની ઘસારાની અને ધોવાણની સમભૂમિ તેમજ અન્ય રચનાત્મક લક્ષણો બતાવે છે કે એક કાળે તે પણ ઉન્નત ગિરિમાળાઓ હતી. વિકૃતિ પામેલા અને એક, બે કે ત્રણ વખત ગેડીકરણ પામેલા તેમાંના મૂળ જળકૃત ખડકસ્તરો આ ક્રિયાની અસરોનો આબેહૂબ ચિતાર રજૂ કરે છે. આ પ્રકારના પર્વતપટ્ટાઓના મધ્ય વિભાગોમાં જોવા મળતા ગ્રૅનાઇટ જથ્થા કે જે આજે ઉપરનાં આવરણોના ઘસારાથી વિવૃત બનેલા છે, તે તેમાં થયેલી આગ્નેય ઘટનાઓનો ખ્યાલ આપે છે. વળી જળકૃત કે વિકૃત ખડકોના ટુકડાઓ કે વિભાગો આવા આગ્નિકૃત ખડકોમાં સંડોવાયેલા પણ મળે છે, જે કાલાનુસારી થયેલી ભૂસંચલનઘટનાઓનાં સાપેક્ષ વય નક્કી કરી આપે છે. એટલે ભૂસંચલન–આકારાન્તરપ્રક્રિયા એ માત્ર ગેડીકરણ કે સ્તરભંગ જેવી રચનાઓ જ નહિ, પરંતુ વિકૃતીકરણ અને આગ્નેય પ્રક્રિયાઓનો ઇતિહાસ પણ રજૂ કરે છે; એટલું જ નહિ, તેમના પ્રકાર, તીવ્રતાનાં પ્રમાણ અને પરસ્પર સંબંધોની ઝાંખી પણ કરાવે છે.

ભૂસંચલન–આકારાન્તરપ્રક્રિયા થવા માટેનાં કારણો, વિવાદાસ્પદ રહ્યાં હોવા છતાં, પોપડા અને ભૂમધ્યાવરણમાં થતી રહેતી વિવિધ ક્રિયા-પ્રક્રિયાઓથી એકત્રિત થતાં જતાં અને છેવટે ઉદભવતાં જાતજાતનાં પ્રતિબળો પર આધારિત હોવાનું ગણાવી શકાય.

ગિરીશભાઈ પંડ્યા