ભૂવીજપ્રવાહ

January, 2001

ભૂવીજપ્રવાહ (Telluric Current) : 1. પૃથ્વીની સપાટી પર અથવા અધ:સપાટી (ઓછી ઊંડાઈ)નાં નિમ્ન પડોમાં બહોળા પટ સ્વરૂપે વહેતો રહેતો કુદરતી વીજપ્રવાહ. પ્રતિકારક્ષમતા સર્વેક્ષણ (resistivity surveying) માટેનાં સાધનો દ્વારા આ પ્રવાહોની માપણી કરી શકાય છે. પોપડાના સમગ્ર પટમાં ફરી વળવાની ક્ષમતા તેઓ ધરાવતા હોય છે, પરંતુ તેમાં સામયિક અને આંતરે આંતરે ફેરફારો થતા રહેતા હોવાથી તેમની તીવ્રતા અને દિશામાં ભિન્નતા રહેતી હોય છે. પૃથ્વી ઉપરાંત, વીજપ્રવાહોને અવકાશી ઘટનાઓમાં થતા રહેતા ફેરફારો સાથે પણ સંબંધ હોય છે; જેમ કે, જેમ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે તેમ આ વીજપ્રવાહોને અવકાશમાંના વીજભારવાળા કણો સાથે પણ સંબંધ છે. આ કણો ભૂચુંબકીય વિસ્તારમાં સપડાવાથી ‘વાન ઍલન વિકિરણ પટ્ટા’ ઉદભવે છે.

2. ભૂમિમાં ખોસેલા, વીજસ્થિતિમાન(electrical potential)ના તફાવતવાળા તારના બે છેડાઓમાંથી પસાર થતા વીજપ્રવાહને પણ ભૂવીજપ્રવાહ કહે છે. કુદરતી ભૂવીજપ્રવાહોમાં પણ આ પ્રકારનો તફાવત હોય છે, જે સામાન્ય રીતે તો મુદતી હોય છે, પરંતુ ક્યારેક વધારેપડતો પણ હોઈ શકે છે.

ગિરીશભાઈ પંડ્યા