ભૂરચનાશાસ્ત્ર (ભૂપૃષ્ઠરચનાશાસ્ત્ર-Geomorphology)

January, 2001

ભૂરચનાશાસ્ત્ર (ભૂપૃષ્ઠરચનાશાસ્ત્ર-Geomorphology) : પૃથ્વીની સપાટી પરનાં ભૂમિસ્વરૂપો (landforms), તેમાં વખતોવખત થતા રહેતા ફેરફાર, ઘસારાચક્ર, તેમનાં વર્ણન તેમજ અર્થઘટન કરતી ભૂસ્તરશાસ્ત્રની શાખા. પૃથ્વી ગોળાકાર ગણાતી હોવા છતાં તેની સપાટી ખૂબ જ અસમતળ અને અનિયમિત છે. સપાટીની આ અનિયમિતતા ભૂપૃષ્ઠમાં ચાલતાં રહેતાં આંતરિક અને બાહ્ય બળોને કારણે ઉદભવતી હોય છે. પૃથ્વી પર જોવા મળતાં વિવિધ ભૂમિસ્વરૂપોને તેમનાં અન્યોન્ય અધ્યારોપણ લક્ષણો(relative superimposition)નો આયુકાળ તથા પ્રમાણમાપને આધારે સાત ક્રમો(orders)માં વર્ગીકૃત કરવામાં આવેલાં છે. આ પૈકી ખંડો અને દરિયાઈ થાળાં રચનાત્મક તેમજ સ્થળર્દશ્યની ર્દષ્ટિએ વિશેષ ઉલ્લેખનીય ગણાય. તેમાં પણ દરિયાઈ તળનાં સ્વરૂપો ખંડીય સ્વરૂપો કરતાં વધુ લાક્ષણિક હોય છે. ભૂમિસ્વરૂપોનાં સાત લક્ષણો પૈકીનાં પ્રથમ ત્રણ એક સામૂહિક વિભાગ રચે છે, તે ઘણાં મહત્વનાં અને વિશાળ કદ ધરાવતાં હોવાથી તેમને મોટા પાયા પરનાં લક્ષણો (megamorphs) કહે છે; ચોથા અને પાંચમા ક્રમનાં લક્ષણો મધ્યમ કદનાં હોવાથી તેમને મધ્યમસ્વરૂપી લક્ષણો (mesomorphs) કહે છે; જ્યારે છઠ્ઠા અને સાતમા ક્રમનાં લક્ષણો નાના કદનાં હોવાથી તેમને સૂક્ષ્મસ્વરૂપી લક્ષણો (micromorphs) કહે છે.

આ રીતે જોતાં, ભૂરચનાશાસ્ત્ર ભૂમિસ્વરૂપોના અભ્યાસને આવરી લે છે. વાસ્તવમાં તે પૃથ્વીની સમગ્ર સપાટી પર જોવા મળતા આકારોનું વર્ણન કરે છે. સમુદ્રતળના આકારોનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે. ભૂરચનાશાસ્ત્રમાં ખંડીય કે સમુદ્રીય ભૂમિસ્વરૂપોની ઉત્પત્તિ, તેમને માટેની જવાબદાર ક્રિયાપદ્ધતિઓ અને તેમની ઉત્ક્રાંતિ(થતા રહેતા ફેરફારો)નો સમાવેશ થાય છે; તેમાં ખંડો, સમુદ્ર-મહાસાગરતળ, પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો, ખીણપ્રદેશો વગેરે જેવાં લક્ષણોને આવરી લેવાય છે.

ખંડો-મહાસાગરોનાં સ્થળર્દશ્યોનું વિતરણ : પૃથ્વીના સમગ્ર પટ પર ખંડો અને મહાસાગરોનું વિતરણ સમપ્રમાણમાં નથી. મહાસાગરો પૃથ્વીની સપાટીનો 71 % અને ખંડો 29 % ભાગ આવરી લે છે. ઉત્તર ગોળાર્ધ વિષુવવૃત્ત અને ઉત્તર ધ્રુવવૃત્ત વચ્ચેનો 65 % ભૂમિભાગ આવરી લે છે; આ ગોળાર્ધમાં 47 % ભૂમિ અને 53 % સમુદ્રો આવેલા છે. દક્ષિણ ગોળાર્ધમાં 11 % ભૂમિ અને 89 % સમુદ્રભાગો આવેલા છે. પૃથ્વીની કુલ સપાટીના આશરે 45 % ભાગમાં દરિયા સામે દરિયા છે, જ્યારે 1.5 % ભાગમાં ભૂમિ સામે ભૂમિ છે; જ્યારે કુલ ભૂમિના 95% ભૂમિની સામેના ભાગમાં સમુદ્ર-મહાસાગરો આવેલા છે. આર્ક્ટિક મહાસાગરના કેન્દ્રભાગમાં ઉત્તર ધ્રુવ આવેલો છે, તેની આજુબાજુ બધે જ ખંડોનું વિતરણ જોવા મળે છે; ઍન્ટાર્ક્ટિક ખંડના મધ્યભાગમાં દક્ષિણ ધ્રુવ આવેલો છે અને આ ખંડની આજુબાજુ બધે જ મહાસાગરોનું વિતરણ થયેલું જોવા મળે છે.

પૃથ્વી પરના મોટાભાગના ખંડો ત્રિકોણાકાર રચનાવાળા છે, તેમના કોણીય છેડા દક્ષિણ તરફ ગોઠવાયેલા છે. આ પ્રકારના લાક્ષણિક આકારો થવાનાં બે કારણો છે : 1. ખંડોના ઉત્તર-તરફી અપવહન(drift)ને કારણે તેમની ઉત્તર કિનારીઓ અથડામણમાં બુઠ્ઠી બનેલી છે, જ્યારે દક્ષિણ છેડા ખેંચાવાની ક્રિયાથી અણીવાળા રહ્યા છે; 2. મૂળ એક વિશાળ સામૂહિક ખંડનાં અનેક ખંડોમાં ભંગાણ થવાથી આજના ત્રિકોણકાર ખંડોમાં ફેરવાયા છે. (દા.ત., કોઈ પણ એક ગોળાકાર–દળદાર પદાર્થ જો વિકેન્દ્રિત તડો પડવાથી વિભાજિત થાય તો તેનો દરેક તૂટેલો ભાગ ત્રિકોણ આકારમાં વહેંચાઈ જાય.)

આકૃતિ 1 : ભૂમિસપાટી અને સમુદ્રતળસપાટીનો આડછેદ–ઊર્ધ્વછેદ રજૂ કરતો વક્રાલેખ

આ આલેખ પૃથ્વીની સમગ્ર સપાટીની અનિયમિતતાઓને રજૂ કરે છે. તેમાં સપાટીનાં નામ, તેમની ઊંચાઈ/ઊંડાઈ વગેરે જેવી માહિતી દર્શાવેલી છે. સમુદ્રસપાટીના સંદર્ભમાં પૃથ્વી પરની સરેરાશ ભૂમિ-ઊંચાઈ 0.875 કિમી. જેટલી, જ્યારે મહાસાગરીય તળની સરેરાશ ઊંડાઈ 3.279 કિમી. જેટલી છે. ખંડોનું સરેરાશ ઊંચાઈ-સ્તર મહાસાગરના સરેરાશ ઊંડાઈ-સ્તરના સંબંધમાં 4.604 કિમી.નું થાય. એ જ રીતે પૃથ્વી પરનું ઊંચામાં ઊંચું સ્થળબિંદુ માઉન્ટ એવરેસ્ટ 8,872 મીટર છે. જ્યારે ઊંડામાં ઊડું સ્થળબિંદુ મરિયાના ખાઈનું આશરે 11 કિમી. જેટલું છે.

ભૂપૃષ્ઠલક્ષણોનું વર્ગીકરણ : ભૂમિસ્વરૂપોને તેમનાં પરિમાણો (dimensions), વિસ્તૃતિ વગેરે જેવાં લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવેલાં છે. પૃથ્વીની બાહ્ય સપાટી અસમતળ છે. આ અસમતળતા જે તે સ્થળનાં ઊંચાણ-નીચાણ, ઘસારો, નિક્ષેપરચના જેવાં કારણોથી ઉદભવેલી હોય છે. આવાં અસમતળ લક્ષણોમાં સ્થળર્દશ્યનો આકાર ઊભો થતો હોય છે. કોઈ પણ ભૂમિસ્વરૂપની અનિયમિતતાના પ્રમાણ મુજબ સ્થળર્દશ્ય ઊંચાણવાળું, નીચાણવાળું કે મધ્યમ ગણાય છે. તેમાં સમુદ્રસપાટીનો સંદર્ભ નહિ, પરંતુ આજુબાજુની ભૂમિનો સંદર્ભ લેવાનો હોય છે. ઓછી ઊંચાઈવાળું સ્થળશ્ય ઘણી ઊંચાઈવાળાં સ્થાનોમાં પણ હોઈ શકે; દા.ત., ઉચ્ચ સપાટ પ્રદેશ (plateau).

પ્રમાણમાપ મુજબ ભૂમિસ્વરૂપોનું ત્રણ પ્રકારોમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે ; આ ત્રણ સમૂહોને ભૂપૃષ્ઠ–લક્ષણોના સાત ક્રમોમાં પણ વહેંચેલા છે. અહીં ક્રમગોઠવણીનો આધાર જે તે લક્ષણના પ્રમાણમાપ મુજબ તેમજ તેમના સાપેક્ષ અધ્યારોપણ પર રહેલો હોય છે. અહીં પ્રમાણમાપનું અર્થઘટન તે લક્ષણનાં પરિમાણો પ્રમાણે કરવાનું હોય છે; દા.ત., પર્વતપ્રદેશો એ ખંડો માટે અધ્યારોપિત લક્ષણ ગણાય. તેથી પર્વતો નીચલા ક્રમમાં આવે, જ્યારે ખંડો ઉપલા ક્રમમાં મુકાય.

તુલનાત્મક વિસ્તાર-પ્રમાણને આધારે તેમજ જે લક્ષણ કેટલી કાળ-અવધિ દરમિયાન રચાયું, તે પ્રમાણે સાત ક્રમોને વિશાળ ભૂમિસ્વરૂપો(megamorphs), મધ્યમ ભૂમિસ્વરૂપો (mesomorphs) અને નાનાં ભૂમિસ્વરૂપો(micromorphs)માં વર્ગીકૃત કરેલા છે. વિશાળ ભૂમિસ્વરૂપોમાં પ્રથમ ત્રણ ક્રમો (I, II, III), મધ્યમ ભૂમિસ્વરૂપોમાં IV અને V ક્રમોને તથા નાનાં ભૂમિસ્વરૂપોમાં VI અને VII ક્રમોને સમાવી લીધેલા છે. વિશાળ કદનાં ભૂમિસ્વરૂપો રચાવામાં (તૈયાર થવામાં) કરોડો વર્ષોનો ગાળો વીતી જતો હોય છે. નકશાઓ પર તેમને સરળતાથી અલગ પાડી પારખી શકાય છે. આવાં ભૂમિસ્વરૂપો પૃથ્વીની આંતરિક પ્રક્રિયાઓને પરિણામે રચાતાં હોય છે. મધ્યમ કદનાં ભૂમિસ્વરૂપોનાં પરિમાણ અને વય વચલા ગાળાનાં હોય છે. તેની રચના (વિકાસ) આંતરિક તેમજ બાહ્ય બળોની સંયુક્ત પ્રક્રિયાઓથી થતી હોય છે. નાના કદનાં ભૂમિસ્વરૂપો ઓછા સમયગાળામાં પૃથ્વીની સપાટી પરની બાહ્ય પ્રક્રિયાઓ દ્વારા બનતાં હોય છે. નીચેની આકૃતિ 2 લક્ષણો અને ક્રમ સમજવામાં ઉપયોગી બની રહે છે.

આકૃતિ 2 : ભૂપૃષ્ઠ – લક્ષણો અને તેમના ક્રમ

વિશાળ કદનાં ભૂમિસ્વરૂપો : ખંડો અને દરિયાઈ થાળાં એ પૃથ્વી પર જોવા મળતાં પ્રધાન લક્ષણો છે. વિશાળ પરિમાણ અને વયસાતત્યના સંદર્ભમાં તે અન્ય કોઈ પણ લક્ષણો કરતાં અલગ તરી આવે છે.

પ્રથમ ક્રમનાં લક્ષણો : સ્વરૂપો : ખંડો : ખંડો એ પૃથ્વી પરના, મહાસાગરોથી વીંટળાયેલા ભૂમિભાગો છે. તે પૃથ્વીની સપાટીનો લગભગ 13 ભાગ રોકે છે. ખંડો, તેમની નીચેના આવરણમાં થતા સંચલનને કારણે, કાયમી સંચલનની સ્થિતિમાં રહેલા હોવાનું મનાય છે. ખંડો એ કાયમી લક્ષણો નથી, પરંતુ તેમનાં આકાર, કદ અને સ્થાન બદલાતાં રહે છે. લાંબા ભૂસ્તરીય કાળગાળા દરમિયાન ખંડોનાં વિભાજન અને જોડાણ થતાં રહેલાં છે.

ખડક-પ્રકારો, વિશિષ્ટ ઘનતા, રાસાયણિક બંધારણ, વય તેમજ ઇતિહાસના સંબંધમાં ખંડો દરિયાઈ થાળાંથી ઘણી રીતે જુદા પડી આવે છે. 11 % ખંડીય ભૂમિસપાટી મહાસાગરો દ્વારા અવતલન પામેલી છે. દરિયાઈ થાળાંની કિનારીઓ પરથી તે બહાર તરફ ઊપસેલા છે. સમુદ્ર-સપાટીથી ખંડોની સરેરાશ ઊંચાઈ 875 મી. જેટલી છે. પૃથ્વી પર વધુમાં વધુ ઊંચાઈ (8,872 મીટર) માઉન્ટ એવરેસ્ટ ધરાવે છે. દરિયાઈ થાળાં ઉપર ખંડો તરતી સ્થિતિમાં રહેલા છે. તેનું કારણ ખંડીય ખડકોની ઓછી ઘનતા છે.

ખંડો વાસ્તવમાં અસંખ્ય સપાટી-લક્ષણો ધરાવતી અનિયમિત સમતળ વ્યાસપીઠો જેવા છે. તેમના આકારો ત્રિકોણને મળતા આવે છે. દક્ષિણ ગોળાર્ધ કરતાં ઉત્તર ગોળાર્ધમાં તે વધુ એકત્રિત છે અને વધુ ભૂમિભાગ ધરાવે છે. ભૂકવચ, સ્થાયી ભૂમિની વ્યાસપીઠો અને ગેડ પર્વતપટ્ટા એ બધા ખંડોના ઘટકો છે. ખંડોના ખડકો પૈકીના કેટલાક ખડક-પ્રકારો 380 ± કરોડ વર્ષ જૂના પણ છે. કોઈ પણ ભૂમિભાગનો પ્રકાર અને લક્ષણ ખંડોના તે સ્થળની ભૌગોલિક સ્થિતિ પર આધાર રાખે છે.

દરિયાઈ થાળાં : દરિયાઈ થાળાં એ પૃથ્વીના પટ પર જોવા મળતાં અતિવિશાળ સપાટી-લક્ષણો છે. પૃથ્વીની સપાટીનો તે 3/5 ભાગ આવરી લે છે. જ્વાળામુખી પ્રક્રિયા અને ભૂસંચલનને કારણે તેમના તળ પર અનેક પ્રકારનાં સામુદ્રિક લક્ષણો ઉદભવેલાં છે. આ થાળાં દરિયાઈ જળથી કાયમ ભરાયેલાં રહેતાં હોવાથી આ બધાં લક્ષણો પ્રત્યક્ષ નજરે પડતાં નથી, માત્ર કેટલાક જ્વાળામુખીજન્ય ટાપુઓ જ દેખાય છે. 11 % ખંડીય કિનારીના ભાગો સમુદ્ર-જળ હેઠળ દબાયેલા છે. દરિયાઈ થાળામાં મળતા ખડકોની ઘનતા ખંડીય ખડકોની તુલનામાં વધુ હોય છે. સમુદ્ર-સપાટીથી નીચેના સમુદ્રતળની સરેરાશ ઊંડાઈ 3,700 મીટર જેટલી છે, જ્યારે મહત્તમ ઊંડાઈ (11,034 મીટર જેટલી) મરિયાના ખાઈ ખાતે આવેલી છે. ખંડો પર છે એવા ગેડવાળા પર્વતપટ્ટા અહીં સમુદ્રથાળાંઓમાં નથી. સમુદ્રતળ પર ઘસારાનું પરિબળ કાર્યરત ન હોવાથી ખંડો પર જોવા મળતાં ઘસારાજન્ય સ્થળર્દશ્યો જેવાં લક્ષણો અહીં હોતાં નથી.

દરિયાઈ પોપડો મુખ્યત્વે બૅસાલ્ટ જેવા જ્વાળામુખીજન્ય ખડકોથી બનેલો છે. તે સૂચવે છે કે દરિયાઈ થાળાંઓમાં જ્વાળામુખી-પ્રક્રિયા કાર્યરત છે. દરિયાઈ ખડકો ખંડીય ખડકોની તુલનામાં નવા વયના છે. તે 15 કરોડ વર્ષથી વધુ જૂના નથી. અહીં દાબનાં પ્રતિબળો કાર્ય કરતાં ન હોવાથી ગેડવાળા ખડકો પણ મળતા નથી.

દ્વિતીય ક્રમનાં સ્વરૂપો : ખંડો : (1) ભૂકવચ-ભાગો (shields) : ભૂકવચ-ભાગો એ સંભવત:ખંડોના એવા અતિપ્રાચીન વિસ્તારો છે, જેમની આજુબાજુ દ્રવ્ય એકઠું થતું જઈને તેમનો ખંડોમાં વિકાસ થયેલો છે. ભૂકવચ-વિસ્તારોની આજુબાજુ મળતા નવા વયના ખડકો આ ઘટનાની સાક્ષી પૂરે છે. રચના અને બંધારણમાં પૃથ્વી પરનાં બધાં ભૂકવચ જટિલ છે, પરંતુ તે બધાં વધુ ઊંચાઈ ધરાવતાં નથી. તેમની મહત્તમ ઊંચાઈ 100 મીટરથી વધુ નથી. તેમનું બંધારણ સ્ફટિકમય અગ્નિકૃત તથા ઉચ્ચકક્ષાના વિકૃત ખડકોથી બનેલું છે. બધાં જ ભૂકવચ સ્થાયી અને સંતુલિત સ્થિતિમાં છે, તેથી તે ઊર્ધ્વગમન કે અવતલન પામતાં નથી. પૃથ્વી પરનાં બધાં જ ભૂકવચ પ્રીકૅમ્બ્રિયન કાળના ખડકો ધરાવતાં હોવાથી તેમને પ્રીકૅમ્બ્રિયન ભૂકવચ પણ કહે છે. દુનિયાભરમાં મળી આવતા મોટા ભાગના આર્થિક ખનિજ-નિક્ષેપો આ ભૂકવચોમાંથી જ મળે છે. ભારતીય ભૂકવચ (દ્વીપકલ્પીય વિસ્તાર) અને કૅનેડાનું ભૂકવચ તેનાં ઉત્તમ ઉદાહરણો છે.

(2) સ્થાયી પીઠિકાઓ (stable platforms) : ભૂકવચ પર આવરણરૂપે રહેલાં કોઈ પણ જાતની અસરથી મુક્ત જળકૃત ખડક-આચ્છાદનોને સ્થાયી પીઠિકાઓ કહે છે. તે બધી રચનાઓ ક્ષૈતિજ વલણવાળી જોવા મળે છે. છેલ્લાં 60થી 70 કરોડ વર્ષથી તે એવી જ સ્થાયી રહેલી છે, એટલું જ નહિ, ઊંચાઈની તેમની સ્થિતિ પણ એવી જ જળવાઈ રહેલી છે.

(3) ઉચ્ચપ્રદેશો : ઉચ્ચપ્રદેશ એ તેમની આજુબાજુના ભૂમિસ્તરથી ઊંચાઈએ આવેલું, પહોળાઈવાળું, ઉપરના ભાગમાં સપાટ શિરોભાગવાળું તથા બાજુઓમાં સીધા ઢોળાવવાળું ભૂમિસ્વરૂપ છે. તે ઉચ્ચસપાટપ્રદેશ નામથી પણ ઓળખાય છે. તે ક્ષૈતિજ વલણ ધરાવતા જળકૃત ખડકો કે લાવાના થરોથી બનેલા હોય છે. જૂના ઉચ્ચપ્રદેશો તેમના પરથી નદીઓ પસાર થવાને કારણે ભેદાયેલા છે. ભારતનો દખ્ખણનો લાવાનો ઉચ્ચપ્રદેશ તથા યુ.એસ.નો કૉલોરાડોનો ઉચ્ચપ્રદેશ તેનાં જ્વલંત ઉદાહરણો છે.

(4) ગેડ પર્વતપટ્ટા : ખંડીય કિનારીઓની ધારો પર ગેડ પર્વતપટ્ટા આવેલા છે. મૂળભૂત તો તે ક્ષૈતિજ વલણ ધરાવતા જમાવટ પામેલા જળકૃત ખડકો હતા, પરંતુ પછીથી દાબનાં બળોને કારણે દબાઈને, ઘનિષ્ઠતા પામીને ગેડસ્થિતિમાં ફેરવાયેલા છે; એટલું જ નહિ, દાબનાં પ્રતિબળોની અસર હેઠળ જ તે ઊંચકાઈને ગેડ પર્વતોરૂપે ઉત્થાન પામેલા છે. તેમના મધ્ય અંતરિયાળ ભાગોમાં આગ્નેય અંતર્ભેદકો પ્રવેશેલાં છે. સ્થળર્દશ્યના સંદર્ભમાં તે બધા પર્વતો રૂપે કે ઘસાઈ ગયેલાં મેદાનો રૂપે આજે જોવા મળે છે. આ પર્વતોમાં રહેલી ગેડો અને ફાટો પરથી પૃથ્વીના પોપડાની ગતિસ્થિતિનો તાગ મેળવી શકાય છે.

દરિયાઈ થાળાંનાં સ્વરૂપો : મહાસાગરીય ડુંગરધારો, અગાધ સમુદ્રતળ, ગિયોટ, ખાઈઓ અને ખંડીય કિનારીઓ વગેરે દરિયાઈ થાળામાં જોવા મળતાં સ્થળર્દશ્ય-લક્ષણો છે.

(1) મહાસાગરીય ડુંગરધારો : મહાસાગરીય ડુંગરધારો એ સમુદ્રતળનું પ્રધાન લક્ષણ ગણાય છે. મધ્ય આટલાન્ટિક ડુંગરધાર નામની ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી ઘણી લાંબી ડુંગરધાર આટલાન્ટિક મહાસાગરમાં મધ્યમાં આવેલી છે. પૅસિફિક મહાસાગરના તળ પર પૂર્વ તરફ પૂર્વ ‘પૅસિફિક ઉપસાવ’ નામની ડુંગરધાર આવેલી છે. હિન્દી મહાસાગરમાં હિન્દી મહાસાગરીય ડુંગરધાર રાતા સમુદ્ર(જે આજે વિકસતો જતો સમુદ્ર ગણાય છે)થી વિસ્તરેલી છે. બધી જ મહાસાગરીય ડુંગરધારો અન્યોન્ય સંકળાયેલી પણ છે. આ મહાસાગરીય ડુંગરધારો 1,400 કિમી. પહોળી અને સમુદ્રતળથી 3 કિમી. જેટલી ઊંચાઈ ધરાવે છે. તે તેમના ઊંચાઈવાળા મધ્યભાગમાંથી પૂર્વ-પશ્ચિમ તરફના ઢોળાવોવાળી પણ છે. તેમના મધ્યભાગમાં ફાટખીણો વિકસેલી છે. ડુંગરધારોની આખીય લંબાઈ અસંખ્ય ફાટોથી ખંડિત બનેલી છે. આ ફાટો માત્ર ફાટો જ નથી, પરંતુ આડા સ્તરભંગો છે, જે 4,000 મીટર લંબાઈવાળા છે. આ મહાસાગરીય ડુંગરધારો અન્યોન્ય દૂર ખસતી જતી ભૂ-તકતીઓની સીમાઓ રચે છે. વચ્ચેના ફાટખીણ-વિભાગમાંથી લાવા નીકળતો રહે છે, જવાળામુખી ખડકો બનતા જાય છે અને તકતીઓ એકબીજીથી દૂર ખસતી જાય છે. અહીંના ખડકો ચુંબકીય ધ્રુવત્વનાં વ્યુત્ક્રમણો બતાવે છે.

(2) અગાધ સમુદ્રતળ (the abyssal floor) : મહાસાગરીય ડુંગરધારોથી આગળ વિસ્તરતું મહાસાગરતળ પહોળાઈવાળા બહોળા સમતળ વિભાગમાં ફેરવાય છે, જે અગાધ સમુદ્રતળ તરીકે ઓળખાય છે. તેની ઊંડાઈ આશરે 3,000 મીટર જેટલી છે. અહીં 900 મીટર ઊંચાઈ ધરાવતી નાની ટેકરીઓ તથા મેદાની વિભાગો પણ છે. તે સમુદ્રતળનો ઘણો વિસ્તાર આવરી લે છે. અગાધ મેદાની વિભાગો ખંડીય કિનારીની લગોલગ આવેલા છે અને નિક્ષેપજન્ય દ્રવ્યથી બનેલા છે. તેમનાં આચ્છાદનો હેઠળ પણ કેટલીક ટેકરીઓ ઢંકાઈ ગયેલી છે.

(3) અગાધ ઉચ્ચપ્રદેશો : અગાધ મેદાનોના વિભાગથી ઉપર તરફ સેંકડો મીટરની ઊંચાઈવાળા પહોળા સપાટ વિસ્તારો આવેલા છે. તે બધા ખંડીય કિનારીઓથી શરૂ થઈને ઊંડાં સમુદ્રી થાળાં તરફ ઉગ્ર ઢોળાવવાળી બાજુઓ સહિત પૂરા થાય છે. ફ્લૉરિડાની પૂર્વમાં આવેલી ‘બ્લૅક પ્લેટો’ તથા ઑસ્ટ્રેલિયાની પૂર્વમાં આવેલો મેલેનીશિયન ઉચ્ચપ્રદેશ તેનાં ઉદાહરણ છે.

(4) દરિયાઈ પર્વતો : દરિયાઈ પર્વતો એ સમુદ્રજળ-સપાટી હેઠળનાં જ્વાળામુખી-શિખરો છે. તેમના બહાર દેખાતા ભાગો ટાપુઓ તરીકે ઓળખાય છે. તે સમૂહમાં કે છૂટાછવાયા મળે છે. તેમની સરેરાશ ઊંચાઈ 1,000 મીટરની હોય છે. આ પૈકીના સપાટ શિરોભાગવાળાં સ્વરૂપોને ગિયોટ (guyots) કહે છે. મહાસાગરોમાં તેમની સંખ્યા 20,000 જેટલી છે. તે તેમની આસપાસના સમુદ્રતળ કરતાં નવા વયના હોય છે.

(5) મહાસાગરીય ખાઈઓ (oceanic trenches) : દ્વીપચાપો અને ખંડીય કિનારીઓ નજીક જોવા મળતાં સાંકડી ખીણો જેવાં સ્વરૂપો ખાઈ તરીકે ઓળખાય છે. પોપડાની સપાટી પરના તે ઊંડામાં ઊંડા ભાગો ગણાય છે. પૅસિફિક મહાસાગરમાં આવેલી મરિયાના ખાઈ પૃથ્વીની સપાટી પર આવેલું મહત્તમ ઊંડાઈ (11,034 મીટર) ધરાવતું લક્ષણ છે. મોટાભાગની ખાઈઓ પૅસિફિક મહાસાગરની ખંડીય કિનારી નજીક આવેલી છે. આ પૈકીની કેટલીક તો 25,000 મીટર લાંબી અને 200 કિમી. પહોળાઈવાળી છે તથા અભિકેન્દ્રિત ભૂ-તકતીઓની સીમાઓ બનાવે છે. જ્વાળામુખી-પ્રક્રિયા અને ભૂકંપ આ પ્રકારનાં લક્ષણો સાથે સંકળાયેલાં હોય છે.

તૃતીય ક્રમનાં સ્વરૂપો : ખંડો : (1) ખંડીય કિનારીઓ : ખંડીય કિનારીઓ ખંડીય છાજલી અને ખંડીય ઢોળાવના ભાગોને આવરી લે છે. (અ) ખંડીય છાજલી : ખંડીય છાજલી એ ખંડોની લગોલગ આવેલ જળનિમગ્ન વિસ્તાર છે, તે ભાગ પૃથ્વીની કુલ સપાટીનો 18 % ભાગ આવરી લે છે તથા કિનારારેખાથી આછા ઢોળાવ સહિત વિસ્તરતો જઈને ખંડીય ઢોળાવમાં ભળી જાય છે. ખંડીય છાજલીની પહોળાઈ 1,500 કિમી. સુધીની અને ઊંડાઈ સ્થાનભેદે 20 મીટરથી 550 મીટર સુધીની હોઈ શકે છે. સ્થળર્દશ્યની ર્દષ્ટિએ તે સમતળ સપાટ વિભાગો હોય છે, પરંતુ તે સમુદ્રસપાટીમાં થતા રહેતા ફેરફારોને પાત્ર હોવાથી અધોદરિયાઈ પ્રક્રિયાઓથી અસરમુક્ત રહી શકતી નથી.

(આ) ખંડીય ઢોળાવ એ દરિયાઈ થાળાનું ઉગ્ર ઢોળાવવાળી દીવાલ જેવું લક્ષણ છે. તેનો વિસ્તાર ખંડીય છાજલીના છેડાથી શરૂ થઈને ઊંડા દરિયાઈ થાળા સુધી પથરાયેલો હોય છે. ખંડોના ગ્રૅનાઇટ સમકક્ષ ખડકપ્રકારો અહીં તેના નીચલા છેડા સુધી મળી શકતા હોવાથી તેને ‘ખંડીય ઢોળાવ’ નામ અપાયેલું છે. તે ખંડોને ફરતા તેમજ ખંડીય ખડકબંધારણ ધરાવતા નજીકના ટાપુઓ ફરતા વિસ્તરેલા જોવા મળે છે. આ ઢોળાવો પૃથ્વીના પટ પર વધુમાં વધુ ઉગ્ર ઢોળાવવાળા, વધુમાં વધુ લંબાઈવાળા અને વધુમાં વધુ ઊંચાઈવાળા દીવાલસ્વરૂપી લક્ષણવાળા ગણાય છે. તેમની પહોળાઈ 20થી 40 મીટર અને સરેરાશ ઊંચાઈ 4,000 મીટર જેટલી હોય છે. ખંડીય છાજલીના છેડા પરની તેમની ઉપલી ધાર હજારો કિમી. સુધી સીધી ચાલી જતી હોય છે. સંચલન પામતા રહેતા ખંડો પરની આ ઢોળાવોની ઉપલી ધાર વિરૂપતા પામતી હોય છે, જ્યારે પાછલી ધારનો ઢોળાવ અસરમુક્ત રહે છે.

(2) ફાટખીણો : ફાટખીણો એ ખંડો પર જોવા મળતાં અને તણાવનાં પ્રતિબળોથી ઉદભવતી વિરૂપતામાં પરિણમતાં રેખીય ગર્ત-સ્વરૂપો છે. પોપડામાં ઉદભવતા બે કે વધુ સ્તરભંગોની વચ્ચેનો વિભાગ તૂટીને નીચે તરફ સરકી પડે કે અવતલન પામે ત્યારે જે ખીણસ્વરૂપી ગર્ત રચાય તેને ફાટખીણ (અથવા ગ્રેબન) કહે છે. પૂર્વ આફ્રિકી ફાટખીણ (સરોવરો અને રાતા સમુદ્ર સહિત), મૃત ખીણ  (death valley) અને રહાઇન ગ્રેબન તેનાં ઉદાહરણો છે. ગ્રેબનથી વિરોધાભાસી લક્ષણો ધરાવતું સ્વરૂપ ‘ખંડપર્વત’ (block mountains = horst) તરીકે ઓળખાય છે. તે બે સ્તરભંગો વચ્ચેનું ઊંચકાઈ આવેલું ભૂમિસ્વરૂપ હોય છે.

(3) કોતરો : ઘસારાજન્ય ક્રિયાઓ દ્વારા વિકસીને રચાયેલાં ઉગ્ર બાજુઓવાળાં ખીણસ્વરૂપો કોતરો તરીકે ઓળખાય છે.

દરિયાઈ સ્વરૂપો : (1) દ્વીપચાપો (island arcs) : સમુદ્રતળ પરથી સમુદ્રસપાટીની બહારની તરફ ટાપુરૂપે દેખાતાં કમાનાકાર સ્વરૂપોને દ્વીપચાપ કહે છે. પશ્ચિમ પૅસિફિક અને વેસ્ટઇન્ડિઝમાં તે જોવા મળે છે. આવાં દ્વીપચાપોના બહિર્ગોળ અગ્રઊંડાણવાળા (fore deep) ભાગોની ઊંડી ધારો પર ખાઈઓ આવેલી હોય છે. દ્વીપચાપો પૃથ્વી પરના ખૂબ જ સક્રિય વિભાગો ગણાય છે.

(2) અધ:સમુદ્રીય કોતરો : ખંડીય ઢોળાવોની ધાર પર તેમજ સમુદ્રતળની ધારો પર જોવા મળતાં નોંધપાત્ર ઊંડાઈ ધરાવતાં ‘V’ આકારનાં ખીણસ્વરૂપો અધ:સમુદ્રીય કોતરો તરીકે ઓળખાય છે. તેમની ઉત્પત્તિસ્થિતિ સમસ્યારૂપ છે. દુનિયાભરના ખંડીય ઢોળાવો પર જોવા મળતું આ એક વિશિષ્ટ લક્ષણ બની રહેલું છે. અધ:સમુદ્રીય ભૂપાતને પરિણામે ઉદભવતા આવિલપ્રવાહો(turbidity currents)થી તે કોતરાતાં હોવાનું મનાય છે.

કેટલાંક કોતરો 200 કિમી.નો તો કેટલાંક 1થી 2 કિમી.નો વિસ્તાર આવરી લેતાં જણાયાં છે.

(3) ફિયૉર્ડ (fiords) : ખંડોની અંશત: ડૂબેલી ખીણો ફિયૉર્ડ કહેવાય છે. તે હિમનદીઓનાં ઘસારાજન્ય લક્ષણો છે. ફિયૉર્ડ ધરાવતા સમુદ્રકિનારા, નજીકના મહાસાગરનાં જળના પૂરથી ક્યારેક છવાઈ જતા હોય છે.

ભૂરચનાત્મક સ્વરૂપો

સમૂહ ક્રમ ભૂમિસ્વરૂપો જવાબદાર પરિબળો- પ્રક્રિયાઓ
ખંડીય દરિયાઈ
વિશાળ કદનાં સ્વરૂપો

 

 

I ખંડો દરિયાઈ થાળાં ભૂતકતી-સંચલન
II સ્થાયી પીઠિકાઓ, મેદાનો, ઉચ્ચપ્રદેશો, ગેડ પર્વતસંકુલો ભૂકવચ મહાસાગરીય ડુંગરધારો, અગાધ મેદાનો, અને ઉચ્ચપ્રદેશો સમુદ્રખાઈઓ, દ્વીપચાપો, ખંડીય છાજલી, ખંડીય ઢોળાવો, દરિયાઈ પર્વતો, ભૂતકતી-સંચલન
III ફાટખીણો, ખંડ-પર્વતો, કોતરો, ટેકરીઓ, ખીણો અને ત્રિકોણ-પ્રદેશો, અધ:સમુદ્રીય કોતરો ફિયૉર્ડ ભૂસંચલન, ખવાણ અને ઘસારો
મધ્યમ કદનાં સ્વરૂપો

 

IV ઊર્ધ્વવાંક, અધોવાંક, ટેકરીઓ અને ખીણો ટેકરીઓ, સળ અને જળનિમગ્ન ખીણો ’’
V વિવિધ ભૂમિસ્વરૂપો અગાશીઓ, હિમ- ગુફાઓ, હિમ- અશ્માવલીઓ, સમુત્પ્રપાતો અગાશીઓ, સમુત્પ્રપાતો ’’
નાના કદનાં સ્વરૂપો

 

VI નાનાં ભૂમિસ્વરૂપો, પર્વતખીણો, નદીઓનાં સર્પાકાર વહન પીલો લાવા રચનાઓ ’’
VII સૂક્ષ્મ (નાનાં) ભૂમિલક્ષણો, દ્રવીભૂત લક્ષણો સમકક્ષ ગૌણ લક્ષણો ’’

ગિરીશભાઈ પંડ્યા