ભૂમાનંદ સ્વામી (જ. 1796, કેશિયા; અ. 1868, માણસા) : સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટ સંતકવિઓમાંના એક. પૂર્વાશ્રમનું નામ રૂપજી. પિતા રામજીભાઈ રાઠોડ. માતા કુંવરબાઈ. જ્ઞાતિ કડિયા. બાળ રૂપજીને સામાન્ય વિષયોમાં પણ પદ્યબંધ રચવાની સ્વાભાવિક ટેવ હતી. મોટા થઈ તેઓ આજીવિકાર્થે જીરાગઢ અને તરધરીમાં પણ રહ્યા હતા. સંસારના કટુ પ્રસંગો જોઈ તેમણે લગ્ન કર્યાં ન હતાં.
ગઢડામાં ભગવાન સ્વામિનારાયણ રોઝે ઘોડેસવાર થઈ સંતમંડળ સાથે દાદા ખાચરના દરબારમાંથી લક્ષ્મીવાડીએ પધારી રહ્યા હતા. આ પ્રથમ દિવ્યદર્શને તેમનું અંતર દ્રવી ગયું અને હૈયેથી કીર્તન સરી પડ્યું – ‘સર્વે સખી જીવન જોવાને ચાલો રે’. ભગવાને લક્ષ્મીવાડીએ પધારી આંબાના વૃક્ષ નીચે સભામાં વિરાજી રૂપજી ભક્તને દીક્ષા આપી ‘ભૂધરાનંદ’ નામ આપ્યું. થોડા સમય પછી કીર્તનરચનામાં અનુકૂળ પડે એવું ‘ભૂમાનંદ’ નામ આપ્યું. ભગવાન સ્વામિનારાયણ ઉત્સવ સમૈયામાં કે સભામાં તેમની પાસે કીર્તનો ગવડાવીને રાજીપો દર્શાવતા, ક્યારેક માંદા સંતો પાસે પણ તેમને કીર્તનો ગાવા મોકલતા. એક વાર ચાર દિવસના ઉપવાસ પછી તેમને ઘઉંનો સૂકો પોંક મળ્યો. આ પોંક ઠાકોરજીને ધરાવતાં ધરાવતાં તેમણે ‘જમો થાળ જીવન જાઉં વારી’ ધ્રુવપંક્તિવાળો થાળ રચી ગદ્ગદ કંઠે ગાયો. ચાર દિવસ પછી તેઓ ગઢડા પહોંચ્યા. ભગવાન સ્વામિનારાયણે જમતી વખતે તેમની પાસે આ થાળ ત્રણ વખત ગવરાવ્યો. આજે પણ સંપ્રદાયમાં મંદિરોમાં અને હરિભક્તોના ઘરે ઘરે આ ભાવોર્મિસભર થાળ નિત્ય ગવાય છે. તેમણે સેંકડો કીર્તનો રચ્યાં છે. ભૂમાનંદ સ્વામીની હોરીઓ અને કુંડળિયા જ્ઞાનથી સભર છે.
ભૂમાનંદ સ્વામીએ ચાર ગ્રંથોની રચના કરી છે : 1. ઘનશ્યામ-લીલામૃતસાગર, 2. વાસુદેવમાહાત્મ્ય, 3. પંચમ સ્કંધ અને 4. દશમ સ્કંધ. પ્રથમ બે ગુજરાતીમાં અને અન્ય બે વ્રજ ભાષામાં રચ્યા છે.
કવીશ્વર દલપતરામ ભૂમાનંદ સ્વામી પાસેથી પંચવર્તમાનની સ્વામિનારાયણ સંપ્રદાયની ધર્મદીક્ષા ગ્રહણ કરી સત્સંગી થયા હતા. દલપતરામ પર ભૂમાનંદ સ્વામીનાં વ્યક્તિત્વ અને વાણીનો અદ્ભુત પ્રભાવ પડ્યો હતો. તેમણે ભૂમાનંદ સ્વામીની સાધુતા વિશે લખ્યું છે : ‘પ્રથમ તો વાર્તા કરનાર સ્વામીનો ચહેરો જોઈને તથા આંખો જોઈને વાતો સાંભળનારના મનને શાંતિ થઈ જાય. વચન તો પછી નીકળે.’
સાધુ રસિકવિહારીદાસ