ભૂપાલ, ગોપેન્દ્ર ત્રિપુરહર (ગોપેન્દ્ર તિપ્પ ભૂપાલ) (16મી સદી આશરે) : આચાર્ય વામન પરની ‘કામધેનુ’ નામની ટીકાના લેખક. તેમનાં બંને નામો તેઓ દક્ષિણ ભારતના રહેવાસી હશે એમ સૂચવે છે. દક્ષિણ ભારતના વિજયનગરના રાજ્યમાં શાલ્વ વંશનો અમલ થયેલો. તે શાલ્વ વંશના તેઓ રાજકુમાર અને પછી રાજા હતા.
આચાર્ય વામને રચેલા અલંકારશાસ્ત્રના જાણીતા ગ્રંથ ‘કાવ્યાલંકારસૂત્ર’ પર તેમણે ‘કામધેનુ’ નામની ટીકા લખી છે કે જેમાં વિદ્યાધર, વિદ્યાનાથ, મલ્લિનાથ અને ધર્મદ એ 14મી અને 15મી સદીમાં થઈ ગયેલા લેખકોનો તેમણે ઉલ્લેખ કર્યો છે. તદુપરાંત, ‘કવિગજાંકુશ’ નામના ગ્રંથમાંથી પણ તેમણે પ્રસ્તુત ટીકામાં ઉદ્ધરણો આપ્યાં છે. પરિણામે ભૂપાલ ગોપેન્દ્ર ત્રિપુરહર સોળમી સદીમાં થઈ ગયા હોવાનું અનુમાન કરી શકાય. એમની પ્રસ્તુત ટીકા કાશીમાંથી સર્વપ્રથમ પ્રગટ થઈ હતી. એ પછી વાણીવિલાસ પ્રેસ, શ્રીરંગમમાંથી પ્રગટ થયેલી છે.
પ્રસ્તુત ટીકા ઉપરાંત તેમણે સંગીતના માર્ગ અને દેશી એ બંને પ્રકારના તાલો વિશે ‘તાલદીપિકા’ નામનો ત્રણ પ્રકરણનો બનેલો ગ્રંથ રચ્યો હતો. ‘તાલદીપિકા’માં તમામ તાલનાં ઉદાહરણો તરીકે ભગવાન શિવની સ્તુતિ કરતાં ગીતો તેમણે આપ્યાં છે. ‘તાલદીપિકા’ની ઉપલબ્ધ હસ્તપ્રત અદ્યાપિ અપ્રકાશિત છે.
પ્ર. ઉ. શાસ્ત્રી