ભૂપાત (landslides, rockslides) : પહાડી ઢોળાવો પરથી ખડક- જથ્થાની એકાએક સરકી પડવાની ક્રિયા. ભૂપાત પૃથ્વીના પટ પર કોઈ પણ પ્રકારની આબોહવાવાળા કોઈ પણ પ્રદેશમાં થઈ શકે. ભૂપાત એ ભૂપૃષ્ઠરચનાત્મક અને ગતિવિષયાત્મક પ્રક્રિયા છે. કોઈ પણ પ્રકારનો ઘનિષ્ઠ કે છૂટો ખડકજથ્થો, ભૂમિજથ્થો, અવશિષ્ટ જમીનજથ્થો કે નિક્ષેપજથ્થો પહાડી ઢોળાવો (કોઈ પણ ભૂમિભાગ) પરથી ગુરુત્વાકર્ષણબળની અસર હેઠળ અસ્થિર સ્થિતિમાં ફેરવાતો જઈ, અલગ પડતો જઈ, ઉપરથી નીચે તરફ ઝડપથી કે ધીમે ધીમે ખસી પડે કે સરકી પડે તે ક્રિયાને ભૂપાત તરીકે ઓળખાવી શકાય. પૃથ્વીના ઘણા વિસ્તારોમાં ઘનિષ્ઠ કે છૂટા ખડકજથ્થાઓ ક્યારેક અસ્થિરતાની સમસ્યાઓ ઊભી કરતા હોય છે. આવા અસ્થિર જથ્થા ક્યારેક પોતાના મૂળ સ્થાનેથી એકાએક ધબી પડે છે. અથવા મંદગતિથી સરકતા રહે છે. ખડક-જથ્થાઓ જ્યારે ધોરી માર્ગો, રેલમાર્ગો, ખીણો, જળાશયો, કે ઇમારતો પર પડે ત્યારે મુશ્કેલ પરિસ્થિતિ સર્જાય છે. ખડક-જથ્થાઓ ઘનિષ્ઠ હોય કે છૂટા હોય, પડવાની ક્રિયા ઝડપી હોય કે મંદ હોય, મોટા પાયા પરની હોય કે ઓછી હોય, ગમે તે પ્રકારની હોય, ગમે તે દિશાની હોય, તેને ભૂપાત કહે છે.

આજે જ્યારે દુનિયાની વસ્તી કૂદકે ને ભૂસકે આગળ વધતી રહી છે ત્યારે તેની સાથે સાથે વધતી જતી માનવ- જરૂરિયાતોને પહોંચી વળવા અવરજવર માટે ધોરી માર્ગો, રેલમાર્ગો, બુગદાં વગેરે બનાવવાં પડે; આ પ્રકારના બાંધકામમાં પહાડી પ્રદેશો તૂટે અને અમુક પ્રમાણમાં વનસ્પતિ-આવરણ પણ ઘટે. ભૂમિપકડ ઓછી થતાં માર્ગોની આજુબાજુ ભૂપાત કે ખડકપાત થવાની શક્યતા વધી જાય. પહાડી પ્રદેશોમાં વહેતી નદીઓ પર બંધાતા બંધોને કારણે જળાશયોની જળસંગ્રહક્ષમતા વધતાં આજુબાજુના પ્રદેશને ભેજ મળી રહે, તેથી પણ ભૂમિપકડ ઘટે. ભૂસ્તરવિદો અને સિવિલ ઇજનેરો આ અંગે સજાગ હોઈ, આગોતરું આયોજન કરી જરૂરી ઉપાયો કરવા છતાં પણ અવારનવાર ભૂપાત-ખડકપાત થતા રહે છે. ક્યારેક ભૂકંપથી થતા ભૂપાતથી પણ જાનહાનિ-માલહાનિ થતી રહે છે. દા.ત., 1976ના જુલાઈમાં ઇન્ડોનેશિયામાં તથા 2000માં અલ સાલ્વાડોરમાં થયેલા ભૂકંપજન્ય ભૂપાતથી સેકંડો લોકોની જાનહાનિ તેમજ માલમિલકતને  નુકસાન પહોંચેલું.

વર્ગીકરણ : દ્રવ્યઘનિષ્ઠતા, કણકદ, જળશોષણમાત્રા, ખસેડપ્રકાર, ખસેડપ્રમાણ, ગુરુત્વમધ્યબિંદુ-મુક્તિ વગેરે જેવાં પરિબળોના સંદર્ભમાં ભૂપાતને મુખ્ય ત્રણ પ્રકારો–ત્વરિતપાત (fall), ખસેડપાત (slide) અને વહનપાત(flow)માં વહેંચી શકાય તથા તેમને નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય :

પ્રકારો : (1) ત્વરિત પાત (falls) : ભેખડો, કોતરો કે પહાડોના ઉગ્ર ઢોળાવો પરથી દ્રવ્યજથ્થાની એકાએક મુક્તપણે સરકી પડવાની ક્રિયા ત્વરિત પાત ગણાય છે. મોટેભાગે તે આઘાત કે અથડામણની અસર હેઠળ પકડ ન જળવાય અથવા આધાર છૂટી જાય ત્યારે થતો હોય છે. દ્રવ્યના પ્રકાર મુજબ તેનાં નામ અપાય છે. (જુઓ સારણી.) દ્રવ્યજથ્થાનો પાત મુક્તપતનથી માંડીને ગબડવાનો, અફળાવાનો, તેમજ વિભાજિત થઈ જવા સુધીનો હોય છે. પહાડી માર્ગોની ઊભી બાજુઓ, નદીતટના નીચે તરફના કોરાયેલા ભાગો, મોજાંઘર્ષિત સમુદ્ર-ભેખડો, હિમગુફાઓ, ખીણો અને ખાણોની દીવાલો કે છત વગેરેમાં ત્વરિત પાત માટે શક્યતા વિશેષ પ્રમાણમાં રહે છે.

(2) ખસેડપાત (slide) : કોઈ પણ પ્રકારનો દ્રવ્ય-જથ્થો ભ્રમણ-ગતિ-સ્થિતિમાં કે સમતલ સમાંતર સ્થિતિમાં આંતરે આંતરે સરકતો જાય, તેને ખસેડપાત કહેવાય. દ્રવ્યપ્રકારભેદે તે જૂથ-ખસેડ (block slide), ખડક-ખસેડ (rock slide) કે શિલાચૂર્ણ-ખસેડ (debris slide) હોઈ શકે છે. આ પ્રકારમાં દ્રવ્યપકડનું પ્રમાણ ઓછુંવત્તું જળવાઈ રહે છે, જોકે સંચલન ઝડપી હોઈ શકે, દ્રવ્ય શુષ્ક કે ભેજવાળું હોઈ શકે.

(3) વહનપાત (flow) : ભૂપાતના જે પ્રકારમાં દ્રવ્યજથ્થો સ્નિગ્ધ હોય અને વહનક્રિયા થતી હોય તેને વહનપાત કહેવાય. દ્રવ્યપ્રકાર અને ભેજમાત્રા મુજબ તેનું પ્રમાણ ઓછુંવત્તું રહે છે.

ભૂપાત તદ્દન સરળથી માંડીને ગૂંચવણભરી મિશ્ર સ્થિતિવાળા હોઈ શકે છે. ક્યારેક તે જળનિમ્નભાગોમાં પણ થતા હોય છે, જે મોટે-ભાગે ખસેડ પ્રકારના હોય છે.

કારણો : ભૂપાત થવા માટે મુખ્ય ત્રણ પરિબળો જવાબદાર ગણાય છે : (1) દ્રવ્યજથ્થાના આંતરિક ગુણધર્મો : ખડકો, જમીનો કે શિલાચૂર્ણનાં લક્ષણોનો આ પરિબળમાં સમાવેશ થાય છે. દ્રવ્યની ઘનિષ્ઠતાનું પ્રમાણ, સંશ્લેષણનો પ્રકાર, સ્તરની કે જથ્થાની જાડાઈ, ગોઠવણી, સ્તરનમન, સ્તરનિર્દેશન, આકાર, કદ, વિતરણ, સ્તરભંગ, સાંધા, સંભેદ, સ્તરરચના, પત્રબંધી જેવાં લક્ષણો ભૂપાત થવા માટે કારણભૂત ગણાવી શકાય. (2) ભૌગોલિક પરિસ્થિતિ : ભૂપાતના જથ્થાનું અને તીવ્રતાનું પ્રમાણ સ્થાનિક ઢોળાવ પર આધારિત રહે છે. આબોહવા અને તેમાં થતા ફેરફાર, વનસ્પતિ-આવરણ અને તેનું પ્રમાણ, ભૂમિઢોળાવ, ભેજગ્રહણક્ષમતા વગેરે પરિબળો પણ ભૂપાત થવા માટે કારણભૂત ગણાય છે. (3) સ્વતંત્રપણે અસર કરતાં બાહ્ય બળો : વધુપડતું અને વધારે સમયગાળા માટે થતું વર્ષાપ્રમાણ, વાવાઝોડાં, ભૂકંપ તથા માનવસર્જિત ક્રિયાઓ (બંધ, જળાશયો, માર્ગબાંધકામ, ખનનક્રિયા, વનનાશ વગેરે) ભૂપાત થવા માટે કારણભૂત ગણાવી શકાય.

ભૂપાતના કેટલાક મુખ્ય પ્રકારો

ઉદાહરણો : 1963ના ઑક્ટોબરની નવમી તારીખે રાત્રે દક્ષિણ યુરોપના ઉત્તર ઇટાલીમાં આવેલા બેલુનો નજીક પિયાવ ખીણમાંના વાયોન્ટ બંધ પાછળના જળાશયમાં મોન્ટ ટો પરથી થયેલા ભૂપાતને 20મી સદીના વિનાશાત્મક તેમજ ઐતિહાસિક ઉદાહરણરૂપ ગણવામાં આવે છે. આ ભૂપાતમાં 26 કરોડ ઘનમીટર જેટલો ખડક માટેનો દ્રવ્યજથ્થો જળાશયમાં એકાએક ખાબક્યો, જળાશય આ જથ્થાથી ભરાઈને છલકાયું, ક્રૉંક્રીટ બંધ 257 મીટર ઊંચી દીવાલથી પણ ઉપર તરફ લગભગ 100 મીટર જળદીવાલ ઊંચકાઈ, જળઉછાળાથી ઉદભવેલ વિનાશક પૂરથી હેઠવાસમાં આવેલું આખુંય લોંગેરોન નગર તથા તેની આજુબાજુનાં સંખ્યાબંધ ગામડાં ધોવાઈ ગયાં, અને આ સાથે 2,200 માણસો પણ તણાઈ ગયાં. 2000માં મધ્ય અમેરિકાના અલ સાલ્વાડોરમાં થયેલા ભૂકંપથી ત્યાંના પાટનગરના વસ્તીવાળા ભાગ પર નજીકની ભેખડમાંથી ભૂપાત થવાથી ઘણાં મકાનોને નુકસાન થયેલું.

વર્ષાઋતુ પછી માર્ગની બાજુનો તૂટી પડેલો ભાગ

ભારતમાં ઉત્તરપ્રદેશનું કુમાઉની પર્વતમાળામાં આવેલું નૈનીતાલ (સરોવર અને નગર બંને) ભૂપાતનો વારંવાર ભોગ બનતું રહ્યું છે. સરોવરનો લગભગ ચોથો ભાગ ક્રમશ: થયેલા ભૂપાતથી પુરાઈ ગયો છે. નૈનીતાલ નગરની ટેકરીઓના ઢોળાવો સરકતા રહે છે, વૃક્ષો અને વીજળીના થાંભલા નમતા જાય છે, મકાનોની દીવાલોમાં ફાટો પડે છે અથવા ઢળે છે. અહીં આ ક્રિયા અવારનવાર થતી રહે છે.

નિયંત્રણ : જે વિસ્તારોમાં ભૂપાત થયેલા હોય અથવા ભૂપાતને ગ્રાહ્ય હોય તે વિભાગોને નવા બાંધકામમાંથી બાકાત રાખવા જોઈએ. જ્યાં જ્યાં ભૂપાત થવાની શક્યતા વરતાતી હોય ત્યાં ત્યાં મુશ્કેલીઓ ન (ઓછી) સર્જાય તે માટે જરૂરી આગોતરાં આયોજનો કરી ઉપાયો યોજવા જોઈએ. આવા નબળા વિભાગોમાં ઓછામાં ઓછો જળપ્રવેશ (કે ભેજપ્રવેશ) થાય તેની કાળજી લેવી જોઈએ. આ માટે જરૂરી પાળા, આડશો, થાંભલાઓ સહિતના જાળીવાળા અવરોધો મૂકીને, ભૂપાતથી થનારું નુકસાન અટકાવી કે ઓછું કરી શકાય. પહાડી માર્ગો પર કે જ્યાં સ્તરનમન માર્ગતરફી હોય એવી ખડકદીવાલોમાં લાંબા ખીલા બેસાડવા(rock-bolting)થી મર્યાદિત સમયગાળા પૂરતો ખડકપાત થતો નિવારી કે રોકી શકાય. રેલમાર્ગો અને ધોરી માર્ગો પર થતા રહેતા ભૂપાત માટે આગોતરી ચેતવણી આપવાથી વધુ નુકસાન થતું અટકાવી શકાય છે.

ગિરીશભાઈ પંડ્યા