ભૂતબલિ : હિંદુ ધર્મશાસ્ત્ર અનુસાર હિંસાના પાપમાંથી છૂટવા નિત્ય કરવાના પાંચ મહાયજ્ઞોમાંનો એક વિધિ. દ્વિજમાત્ર માટે દરરોજ ષટ્કર્મ કરવાં આવશ્યક હોવાનું વિધાન ધર્મશાસ્ત્રમાં કરવામાં આવ્યું છે.
स्नानं सन्ध्या जपो होमः स्वाध्यायः पितृतर्पणम् ।
वैश्वदेवातिथेयश्च षट्कर्माणि दिने दिने ।।
આ છ કર્મોમાં વૈશ્વદેવ અને અતિથિસત્કાર દ્વારા વ્યક્તિનો વૈશ્વિક સંબંધ બાંધવામાં આવ્યો છે. સમગ્ર બ્રહ્માંડની ઉત્પત્તિના મૂળમાં પંચ-મહાભૂત – પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ – રહેલાં છે. આ પંચમહાભૂતાત્મક સ્થૂળ-સૂક્ષ્મ સૃષ્ટિ સાથેનો સંબંધ ભૂતબલિ સાથે જોડાયેલો છે.
‘બલિ’ શબ્દની વિભાવના અનુસાર પૂજા અને સ્વનું અર્પણ કરવાની ભાવના રહેલી છે. પૂજાપદ્ધતિમાં, પંચોપચારમાં પણ આ પંચમહાભૂત સમાવિષ્ટ છે. પૃથ્વીનો પ્રધાન ગુણ ગંધ છે. જળનો પ્રધાન ગુણ રસ છે. તેજનો પ્રધાન ગુણ રૂપ છે. વાયુનો ગુણ સ્પર્શ છે અને આકાશનો ગુણ શબ્દ છે. આ પાંચેયના પ્રતીકરૂપ અનુક્રમે ગંધ, નૈવેદ્ય, દીપ, ધૂપ અને પુષ્પ અર્પણ કરાય છે. આ માટે પ્રત્યેક ભૂતતત્વનાં બીજ लँ वँ रँ यँ हँ પ્રયોજાય છે.
ૐ लँ पृथिव्यात्मकं गन्धं समर्पयामि ।
ૐ हँ आकाशात्मकं पुष्पं समर्पयामि ।
ૐ यँ वायुरुपं धूपं समर्पयामि ।
ૐ रँ वहन्यात्मकं दीपं दर्शयामि ।
ૐ वँ वरुणात्मकं नैवेद्यं निवेदयामि ।
પ્રાણીઓની માફક માનવદેહ પંચભૂતાત્મક છે. આ પાંચેય મહાભૂતોને આ પંચમહાભૂતના પ્રતીકરૂપે પાંચ દ્રવ્યો અર્પણ કરવામાં આવે છે.
પંચભૂતાત્મક સૃષ્ટિ સાથેના આવા સંબંધના ઉપલક્ષ્યમાં જીવ-હિંસાને અનુલક્ષી પંચમહાયજ્ઞને પણ માનવજીવનમાં સ્થાન આપવામાં આવ્યું છે.
पज्च सूना गृहस्थस्य चुल्लीपेषण्युपस्कर: ।
कण्डनी चोदकुम्भश्च बध्यते यास्तु बाह्यत: ।।
तासां क्रमेण सर्वासां निष्कृत्यर्थ महर्षिभि: ।
पज्च क्लृप्ता महायज्ञा: प्रत्यहं गृहमेधिभिः ।।
ચૂલો, ઘંટી, પૂંજો વાળવો, ખાંડણિયો અને પાણિયારું આ પાંચ અનિવાર્ય હિંસાનાં સ્થાનો છે. તેથી તેમાંથી છૂટવા પ્રત્યેક ગૃહસ્થે પંચમહાયજ્ઞ કરવા જોઈએ.
આ પંચ મહાયજ્ઞ આ પ્રમાણે છે :
अध्यापनं ब्रह्मयज्ञः पितृयज्ञस्तु तर्पणम् ।
होमो दैवो बलिर्भौतो नृयज्ञोडतिथिपूजनम् ।।
અધ્યાપન-બ્રહ્મયજ્ઞ, તર્પણ-પિતૃયજ્ઞ, હોમ-દૈવયજ્ઞ, ભૂતબલિ-ભૂતયજ્ઞ અને નૃયજ્ઞ-અતિથિસત્કાર છે. આમ ભૂતબલિ એ પાંચ અતિપાતકનાં પ્રાયશ્ચિત્તરૂપે કરવામાં આવે છે. તેમાં પંચમહાભૂતાત્મક પ્રાણીઓને અર્પણ કરાતો આ યજ્ઞ છે.
આ પંચમહાયજ્ઞ કરનાર ગૃહસ્થ આ પાંચ પાપોથી લેપાતો નથી :
पज्चौतान् यो महायज्ञान् यो हापयति शक्तितः ।
स गृहेडपि वसन्नित्यं सूनादोषैर्न लिप्यते ।।
આમ પાંચ પાપમાંથી બચવા પાંચ મહાયજ્ઞોમાં ભૂતબલિ પંચમહાભૂત કે પંચભૂતાત્મક પ્રાણીઓ તરફ વ્યક્તિનો ધર્મ દર્શાવી ‘જીવો અને જીવવા દો’ની ભાવનાને ‘बसुधैव कुटुम्बकम्’ સાથે વણી લીધી છે.
વૈશ્વદેવમાં પાકાન્ન—બનાવેલી રસોઈ–માંથી અન્ન-ભાતને ઘૃતયુક્ત કરી બોર જેવડી આહુતિઓ કુંડમાં દેવયજ્ઞ કરી ત્રણ બલિ પર્જન્ય, અપ્ અને પૃથ્વીને આપ્યા બાદ જમીન ઉપર એક વેંત ચતુરસ્ર મંડળ કરી આ ભૂતબલિ કરી ભૂતયજ્ઞ કરવામાં આવે છે. આ યજ્ઞ માનવેતર પ્રાણીને ઉદ્દેશીને કરવામાં આવે છે.
આ ભૂતબલિમાં સત્તર બલિ આપવામાં આવે છે. અગ્નિમાં ધાતૃ, ઈશાનમાં વિધાતૃ, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરમાં વાયુ, એ જ ક્રમે ચારેય દિશાઓને બલિ આપી તેમની વચ્ચે અનુક્રમે બ્રહ્મા, અંતરીક્ષ અને સૂર્યનો બલિ મૂકવામાં આવે છે. આ પછી પૂર્વમાં બલિ આપી તેની ઉત્તરે વિશ્વેદેવોને બે અને તેની ઉત્તરે ઉષા અને ભૂતોના પતિને (भूताना पतये) બલિ આપી ભૂતયજ્ઞ કરવામાં આવે છે.
ભૂતયજ્ઞ કર્યા સિવાય અર્થાત્ ભૂતબલિ અર્પણ કર્યા સિવાય ગૃહદેવતાને નૈવેદ્ય અર્પણ કરાય નહિ.
નૈવેદ્ય અર્પણ કરવામાં પણ પંચપ્રાણને અપાતી આહુતિ સાથે પણ પંચમહાભૂતોને સાંકળી લેવા મુદ્રાનો વિચાર કરવામાં આવેલો છે. પંચમહાયજ્ઞના અંતે ગોબલિ–ગાયને ગ્રાસ, શ્વાનબલિ–કૂતરાને ભાગ અને કાકબલિ–કાગડાને ભાગ અર્પણ કરવાની વિધિ પણ બલિનો એક ભાગ છે. દેવાદિ બલિમાં તો દેવ, મનુષ્યો, પશુપક્ષી, પ્રેત, પિશાચ, વૃક્ષોને પણ પોતાના અન્નમાંથી ભાગ આપવાનું કહ્યું છે.
देवा मनुष्याः पशवो वयांसि
सिद्धाः सयक्षोरगदैत्यसङ्धाः ।
प्रेताः पिशाचास्तरवः समस्ता
ये चान्नमिच्छन्ति मया प्रदत्तम् ।।
ગૃહસ્થ પોતાના અન્નમાં આ સૌ કોઈને ભાગ આપી પોષે અને પછી જ પોતે અન્નગ્રહણ કરે તે જીવન જીવવાની પરિપાટીમાં વ્યક્તિનો સમષ્ટિ અને પિંડનો બ્રહ્માંડ સાથે સંબંધ સ્વીકાર્યો છે. आब्रह्मस्तम्बपर्यन्त સમગ્ર સૃષ્ટિ પંચમહાભૂત સાથે સંકળાયેલ છે. એ પાંચ મહાભૂતોને આપવાનો બલિ એ ભૂતબલિ–ભૂતયજ્ઞ છે.
પંચમહાભૂતોનો સંબંધ સંસ્કારો સાથે પણ જોડાયેલો છે. અંત્યેષ્ટિ સંસ્કાર દ્વારા વ્યક્તિનું પંચમહાભૂતાત્મક શરીર પંચમહાભૂતોને અર્પણ કરવામાં યજ્ઞભાવના રહેલી છે. પંચમહાભૂતાત્મક માનવ ભૂતબલિ દ્વારા પંચમહાભૂતો સાથેના સંબંધને જીવનયાપન સાથે જોડી દેવામાં આવ્યો છે.
દશરથલાલ ગૌરીશંકર વેદિયા