ભૂગોળ : પૃથ્વીની સપાટી પરનાં અનેકવિધ લક્ષણોની માહિતી આપતું શાસ્ત્ર. ગુજરાતી ભાષામાં રૂઢ થઈ ગયેલો ‘ભૂગોળ’ શબ્દ પૃથ્વી ગોળ છે એવા શાબ્દિક અર્થ સિવાય કોઈ વૈજ્ઞાનિક અર્થ કે હેતુનો નિર્દેશ કરતો નથી, પરંતુ તેના અંગ્રેજી પર્યાય ‘geography’ દ્વારા વિષયની યથાર્થ સમજ મેળવી શકાય છે. ઈ. પૂ. બીજી સદીમાં ઇરેટોસ્થિનિસે સર્વપ્રથમ વાર આ શબ્દ પ્રયોજેલો. geo એટલે પૃથ્વી (ભૂ) અને graphia એટલે વર્ણન. આ અર્થઘટન મુજબ ભૂવર્ણન કરનાર વિજ્ઞાનને ભૂગોળ કહેવાય, અર્થાત્ પૃથ્વીની સપાટી પરની માહિતીની સમજ આપતું વિજ્ઞાન એટલે જ ભૂગોળ. આધુનિક સંદર્ભમાં ભૂગોળને પૃથ્વીની સપાટી પરનાં લક્ષણોના વ્યવસ્થિત, સુગ્રથિત અને પદ્ધતિસરના પરિપ્રેક્ષ્યમાં મૂલવવામાં આવે છે. ભૂગોળમાં પૃથ્વીના પટ પરનાં માનવજીવન, પ્રાણીજીવન, વનસ્પતિજીવન તથા તેમના પર અસર કરતી ભૌગોલિક પરિસ્થિતિનો વિગતે અભ્યાસ થાય છે. ભૌગોલિક જ્ઞાનને વિસ્તારવામાં વિજ્ઞાન સહાયક બની રહે છે.

મોટેભાગે જ્ઞાનસાહિત્યમાં વિજ્ઞાનને બે વિભાગોમાં વિભાજિત કરેલું છે : શુદ્ધ વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર વગેરે જેવાં શુદ્ધ વિજ્ઞાનોમાં તેમનાં વિષયવસ્તુ મહદ્અંશે ભૌતિક, સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક સ્વરૂપનાં હોય છે. આ બધાં વિજ્ઞાનોમાં પૃથ્વી પરની જે તે બાબત(aspect)ને લઈને તેનો અલગ અભ્યાસ કરવામાં આવે છે; તેના વિષયવસ્તુને સમજવા પદાર્થોને પ્રયોગશાળામાં લાવી શકાય છે; પરંતુ સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરેનાં વિષવસ્તુ સમજવા તેમને લગતી બાબતોને પ્રયોગશાળામાં લાવી શકાતી નથી, જોકે બહાર માનવ-પ્રાણી-વનસ્પતિ સમુદાય પર સામૂહિક રીતે પ્રયોગો કરી શકાય છે ખરા; જ્યારે ભૂગોળનું વિષવસ્તુ અંગુલિનિર્દેશ કરીને કહી શકાય એવું સ્પષ્ટ અને અલગ હોતું નથી. વાસ્તવમાં તો, પૃથ્વી સ્વયં ભૂગોળનું વિષયવસ્તુ બની રહે છે. અર્થાત્, ભૂગોળનું વિષયવસ્તુ વિશાળ તેમજ વ્યાપક છે. નવી નવી માહિતી ઉમેરાતાં વિષયવસ્તુ વિસ્તરતું જાય છે, એટલે જ તો ભૂગોળનાં વિષયવસ્તુને બહુધા પ્રયોગશાળામાં લાવવાનું શક્ય બનતું નથી. આથી જ કહેવાય છે કે સમગ્ર પૃથ્વી એ જ ભૂગોળની વિરાટ પ્રયોગશાળા છે. કેટલીક વાર પૃથ્વીની કે તેના વિષયવસ્તુને લગતી પ્રતિકૃતિ પ્રયોગશાળામાં લાવીને તેનો અભ્યાસ થઈ શકે છે. આ માટે સાંકેતિક ચિત્રો, આકારો કે નકશાઓનો ઉપયોગ થાય છે. આથી જ તો નકશાઓ ભૂગોળ અને ભૂગોળના અભ્યાસી માટે મહત્વનું સાધન છે.

ભૂગોળના વિષયમાં સમગ્ર પૃથ્વીનો એકસાથે અભ્યાસ કરવાનું શક્ય બનતું નથી, તેમાં પ્રાદેશિક ભૂમિર્દશ્યોની વિવિધતાનો પદ્ધતિસરનો અભ્યાસ થઈ શકે છે. પૃથ્વીની સપાટી પર સ્વાભાવિક રીતે બે પ્રકારનાં ભૂમિલક્ષણો જોવા મળે છે : કુદરતી ભૂમિર્દશ્યો (પ્રાદેશિક લક્ષણો) અને સાંસ્કૃતિક ર્દશ્યો (માનવસર્જિત લક્ષણો). કુદરતી ભૂમિર્દશ્યો એટલે જે પ્રદેશોના નિર્માણમાં માનવીએ પોતાની શક્તિનો ઉપયોગ કર્યો નથી એવાં લક્ષણો; જેવાં કે, પહાડી પ્રદેશો, ઉચ્ચપ્રદેશો, મેદાનો, ખીણો, પંકપ્રદેશો, રણપ્રદેશો, હિમાચ્છાદિત પ્રદેશો વગેરે. આવા પ્રદેશોના નિર્માણમાં સ્થાન, પ્રાકૃતિક રચના, આબોહવા, વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ વગેરે જેવાં કુદરતી પરિબળો જવાબદાર હોય છે. આ બધાં પરિબળોના આંતરસંબંધોમાંથી કુદરતી ભૂમિર્દશ્યો તૈયાર થતાં હોય છે. માનવોએ પોતાનાં બુદ્ધિચાતુર્ય, ક્ષમતા તેમજ યાંત્રિક સહાયથી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોતાને અનુકૂળ વિકાસ સાધીને જે પ્રાદેશિક સ્વરૂપોને બદલ્યાં છે કે તેમનું નિર્માણ કર્યું છે, તેમને સાંસ્કૃતિક લક્ષણો કહે છે. ખેતી, સિંચાઈ, બંધો, જળાશયો, ઉદ્યોગો, ખાણકામ, પરિવહન, વેપાર, વાણિજ્ય, પશુપાલન જેવી માનવપ્રવૃત્તિઓ દ્વારા પૃથ્વીની સપાટી પર વિવિધ પ્રકારનાં સાંસ્કૃતિક ભૂમિર્દશ્યો ઊભાં થયાં છે. આ પ્રકારના નિર્માણકાર્યમાં જે તે પ્રદેશોમાં વસતા માનવસમુદાયો અને તેમના દ્વારા થતી પ્રવૃત્તિઓ જવાબદાર હોય છે. આ બધી જ બાબતોના અભ્યાસને ભૂગોળના વિષયમાં સમાવી લેવામાં આવે છે. એટલે યથાર્થ રીતે કહી શકાય કે ભૂગોળ એ પૃથ્વીની સપાટીનો પદ્ધતિસરનો અભ્યાસ કરાવનાર વિષય છે.

ઉપર્યુક્ત બાબતોમાં ફક્ત ભૂપૃષ્ઠનો જ ઉલ્લેખ થયેલો જણાય છે. આ પૂરતું નથી, ભૂગોળના અભ્યાસમાં ભૂપૃષ્ઠથી ઉપર-નીચેનાં આવરણોનું પણ મહત્વ ઓછું નથી. મૃદાવરણ, શિલાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણનો ફાળો પણ ભૂગોળના વિષયમાં નાનોસૂનો નથી. ભૂગોળનો અભ્યાસી આ આવરણોનો જુદા જુદા અનેક ર્દષ્ટિકોણથી અભ્યાસ કરે છે. આ બધાં આવરણો સાથે નૃવંશ-આવરણનું મહત્વ વિશેષ ઉલ્લેખનીય છે. આજે તો માનવરહિત પૃથ્વીની કલ્પના જ કરી શકાય તેમ નથી. માનવી પૃથ્વીની સપાટી પરનું ઘણું જ મહત્ત્વનું પરિબળ તેમજ અવિભાજ્ય અંગ બની રહેલ છે. માનવી જ જો પૃથ્વી પર ન હોત તો તેની પ્રવૃત્તિઓ દ્વારા કુદરતી પ્રદેશોમાં જે ફેરફારો થયા છે તે કદાચ થઈ શક્યા ન હોત; તેમ છતાં માનવી બધી જ જગાએ ફેરફાર લાવી શક્યો નથી, કેટલાક પ્રદેશોમાં માનવી પ્રતિકૂળ પરિસ્થિતિને અધીન થયો છે, તો વળી કેટલાક પ્રદેશોમાં પોતાની સૂઝબૂજથી અનૂકુળ પરિસ્થિતિનું નિર્માણ કરી તે સ્થળને અને ત્યાંના જીવનને સમૃદ્ધ પણ બનાવ્યું છે. આ જ કારણે તો પૃથ્વીની સપાટી પરના વિવિધ પ્રદેશોને ભિન્ન ભિન્ન સાંસ્કૃતિક સ્વરૂપો મળ્યાં છે.

આમ પૃથ્વીના પ્રદેશોની સાંસ્કૃતિક પરિસ્થિતિના સંદર્ભમાં તેમની ભૌગોલિક પરિસ્થિતિનું પણ અર્થઘટન કરવું તે આ વિષયનું કાર્યક્ષેત્ર છે. આ અર્થઘટનને લીધે પ્રદેશોની ભૌગોલિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ વચ્ચેના પારસ્પરિક સંબંધો ચકાસી શકાય છે. એટલે તો ભૂગોળના વિષયવસ્તુ માટે કહેવાય છે કે ભૂગોળ એ ભૌગોલિક પરિસ્થિતિ અને માનવ વચ્ચેના બદલાતા રહેતા પારસ્પરિક સંબંધોનો પદ્ધતિસર અભ્યાસ છે. આ કારણે માનવી પૃથ્વીને માત્ર એક ગ્રહ નહિ, પરંતુ ‘ઘર’ તરીકે સમજતો થયો છે. પૃથ્વી વસવાટયોગ્ય રહે એે માટે તે પ્રદૂષણ અને પર્યાવરણ પ્રત્યે જાગ્રત થયો છે; પરંતુ સાથે સાથે તેણે ખતરનાક યુદ્ધસામગ્રીનું સર્જન પણ કર્યું છે, જે જીવસૃષ્ટિના અસ્તિત્વ તેમજ અનુકૂળ પર્યાવરણ માટે સમસ્યારૂપ છે; તેમ છતાં માનવી ‘वसुधैव कुटुंबकम’ ભાવનાને ફળીભૂત કરવા કૃતનિશ્ચય બન્યો છે.

વિષયશાખાઓ : પૃથ્વીનું, ભૂપૃષ્ઠનું કે તેના કોઈ પણ નાના કે મોટા પ્રદેશનું સામાન્ય વર્ણન જે શાખામાં થાય તેને સામાન્ય ભૂગોળ કહી શકાય. કોઈ ભૂમિખંડ, દેશ કે પ્રદેશ વિષેનું પદ્ધતિસરનું વર્ણન જે શાખામાં કરવામાં આવે તેને પ્રાદેશિક ભૂગોળ કહે છે. આ પ્રકારની ભૂગોળમાં પ્રાકૃતિક તેમજ સાંસ્કૃતિક બંને બાબતોને આવરી લેવામાં આવે છે. પ્રાકૃતિક (ભૌતિક) ભૂગોળમાં મૃદાવરણ-શિલાવરણ, જલાવરણ અને વાતાવરણનો સમાવેશ થાય છે. મૃદાવરણ કે શિલાવરણની સપાટીનું સ્વરૂપ કંડારતી ભૂમિરચનાઓ(ભૂપૃષ્ઠ-સ્વરૂપો)નો અભ્યાસ જેમાં થાય છે તેને ભૂરચનાશાસ્ત્ર (ભૂસ્વરૂપવિદ્યા અથવા ભૂપૃષ્ઠરચનાશાસ્ત્ર) અને પ્રાકૃતિક ભૂસ્તરશાસ્ત્ર કહે છે. જલાવરણનો માહિતીપૂર્ણ અભ્યાસ જેમાં થાય તેને સમુદ્રવિદ્યા (સાગરશાસ્ત્ર) કહે છે. ટૂંકા અને લાંબા ગાળાની વાતાવરણીય પરિસ્થિતિનો અભ્યાસ જેમાં થાય છે તે શાખાને અનુક્રમે હવામાનશાસ્ત્ર અને આબોહવાશાસ્ત્ર કહે છે. માનવસૃષ્ટિ, પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિસૃષ્ટિને જેમાં ભૌગોલિક ર્દષ્ટિકોણથી મૂલવાય તેને માનવભૂગોળ, પ્રાણીભૂગોળ અને વનસ્પતિભૂગોળ કહે છે. મૃદાવરણની ઉપલી સપાટી પરની મૃદ-માટી-જમીનનાં પડોનો અભ્યાસ કરતી શાખાને જમીન-વિષયક ભૂગોળ કહે છે. પૃથ્વીનાં કદ, આકાર, ગતિ તેમજ અવકાશી ગ્રહોના અંતર-વિસ્તાર જેવી બાબતોને સમાવતી શાખા ગાણિતિક ભૂગોળ કહેવાય છે. ઉપર્યુક્ત પ્રત્યેક શાખાને તેના વિષયવસ્તુ માટે જે તે વિજ્ઞાન પર આધાર રાખવો પડે છે.

પ્રાદેશિક ભૂગોળના ભાગરૂપ બનતાં સાંસ્કૃતિક ભૂમિર્દશ્યોના નિર્માણમાં માનવ અને તેની પ્રવૃત્તિઓ કેન્દ્રસ્થાને રહે છે. ભૌગોલિક પરિસ્થિતિના સંદર્ભમાં આ વિષયશાખાને માનવભૂગોળ કહે છે. તેમાં માનવીય આવાસો, તેમની જીવનશૈલી, રાચરચીલું, પ્રવૃત્તિઓ વગેરેનો જે તે પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિના સંદર્ભમાં અભ્યાસ થાય છે. માનવભૂગોળની જે ઉપશાખાઓનો વિકાસ થયો છે, તેમાં સમાજવિજ્ઞાનો સહાયરૂપ બન્યાં છે. ભૂગોળ અને સમાજવિજ્ઞાનોના સંયોગથી રાજકીય ભૂગોળ, આર્થિક ભૂગોળ, સાંસ્કૃતિક ભૂગોળ, ઐતિહાસિક ભૂગોળ, સૈન્યભૂગોળ જેવી ઉપશાખાઓ વિકાસ પામી છે. આ ઉપરાંત વિષયવસ્તુની કેટલીક બાબતોના ઊંડા અભ્યાસમાંથી કેટલીક નવી પેટાવિષયશાખાઓ પણ અસ્તિત્વમાં આવી છે; જેમ કે, ખેતીને લગતી પ્રવૃત્તિઓનો વિગતે અભ્યાસ કરનાર શાખા ખેતીવિષયક ભૂગોળ, એ જ રીતે ઉદ્યોગો માટે ઔદ્યોગિક ભૂગોળ, પરિવહનપદ્ધતિઓનો વ્યવસ્થિત અભ્યાસ કરતી શાખા પરિવહનભૂગોળ, વેપાર માટે વેપાર-વાણિજ્ય-ભૂગોળ, વસ્તી માટે વસ્તી-ભૂગોળ, વસાહતો માટે વસાહત-ભૂગોળ. વસ્તી અને વસાહતો સાથે સંકલિત ગુના-ભૂગોળ, શહેરી ભૂગોળ અને ગ્રામીણ ભૂગોળ વગેરે. ભૂગોળની આ બધી વિષયશાખાઓ જે તે બાબતે પ્રવૃત્તિઓ ધરાવતા પ્રદેશોના વિતરણ તથા તેમની પ્રાદેશિક વિશિષ્ટતાઓનું વિવરણ કરે છે. વિવિધ પ્રાકૃતિક અને માનવસર્જિત તત્વોની જુદી જુદી તેમજ વિશિષ્ટ શાખાઓ ઉપરાંત ભૂગોળમાં વિશિષ્ટીકરણની માંગને કારણે આધુનિક શાખાઓમાં અવકાશ-ભૂગોળ, ધાર્મિક ભૂગોળ, વંશીય ભૂગોળ અને મતદાન-ભૂગોળ જેવી નવીન શાખાઓનો પણ સમાવેશ થાય છે.

ભૂગોળ વિષયનો હેતુ : ભૂગોળવિદ કુદરતી તેમજ સાંસ્કૃતિક પરિસ્થિતિનો અભ્યાસ કરે છે, તેમાંનાં વિવિધ પરિબળોનું વિશ્લેષણ કરીને એકબીજા વચ્ચેના પારસ્પરિક સંબંધોનો ઊંડો અભ્યાસ કરે છે. તેમનાં વિશ્લેષણ અને સંશ્લેષણ કરીને પ્રદેશોની કે બાબતોની આગવી વિશિષ્ટતાઓ શોધી કાઢે છે. પોતાના વિષયની કોઈ એક સમસ્યા સમજવા માટે અને તેને માટેનાં સચોટ તારણો આપવા માટે ભૂગોળવેત્તાને વિવિધ વિજ્ઞાનોની સહાય લેવી પડે છે. એટલે ભૂગોળવેત્તાઓનું સામાન્ય જ્ઞાન બહોળું હોય છે. આ જ કારણે તેઓ વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કામગીરી બજાવી શકે છે.

પ્રાદેશિક ભૂગોળના ઊંડા જ્ઞાનને લીધે પ્રદેશોમાં ક્યાં, કેટલી અને કયા પ્રકારની સંપત્તિનો જથ્થો રહેલો છે તે, તેમજ તે સંપત્તિનું આર્થિક અને વ્યૂહાત્મક મહત્વ ભૂગોળવેત્તા સમજી શકતો હોવાથી, તે જ તે પ્રદેશના આયોજનમાં મહત્વનો ભાગ ભજવી શકે છે. દુનિયાના દેશોની આર્થિક-ઔદ્યોગિક પરિસ્થિતિ તેમજ ભૂરાજકીય મહત્વ પણ ભૂગોળવિદ જાણતો હોઈ દેશના વિદેશવિભાગમાં સલાહકાર તરીકે ઉપયોગી થઈ પડે છે. આ ઉપરાંત ભૂગોળવેત્તાઓ નકશા બનાવવામાં કે પ્રકલ્પો તૈયાર કરાવવામાં પણ મહત્વનો ફાળો આપી શકે છે.

ભૂગોળ વિષયના વિકાસમાં વિદ્વાનોનો ફાળો : આ વિષયના વિકાસમાં ભારત અને ગ્રીસના વિદ્વાનોનો ફાળો અધિક રહ્યો છે. પ્રાચીન ભારતમાં ભૂગોળ સાહિત્યનાં વર્ણનોમાં વણાયેલી દેખાઈ આવે છે; જેમ કે, કાલિદાસે ભૂગોળને લક્ષમાં રાખીને ‘મેઘદૂત’ જેવી કૃતિની રચના કરી હોય એમ જણાય છે. કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’માં ભારતની ભૌગોલિક પરિસ્થિતિનું નિરૂપણ હોય એમ લાગે છે. સમ્રાટ અશોક અને પતંજલિનો ફાળો પણ ઉલ્લેખનીય ગણાય. પ્રાચીન ગ્રીકના મહાકવિ હોમર, થેઇલ્સ, અનાક્સિમંડેર, હિકાટેઇક્સ, હીરૉડોટસ, ઍરિસ્ટૉટલ, ઇરોટોસ્થિનિસ, પૉલિબિયસ, પોસીડોનિયસ વગેરેનો ફાળો પણ ઘણો છે.

ઈસુના જન્મ પછી જેમનો ફાળો રહેલો છે તેમાં ગ્રીસના ટૉલેમી, જ્યારે રોમન ભૂગોળવેત્તાઓમાં સ્ટ્રૅબો, પમ્પોનિયસ મેલા અને પ્લિનીનો સમાવેશ કરી શકાય. રોમન સામ્રાજ્યની પડતી પછી ઈ. સ. 300થી 1,200 સુધી ભૂગોળ વિષયનો વિકાસ જોવા મળતો નથી. આ સમયને ભૂગોળના અંધકારયુગ તરીકે ઓળખાવવામાં આવે છે; પરંતુ જે કેટલાક આરબ ભૂગોળવેત્તાઓએ થોડોઘણો ફાળો આપ્યો છે તે પૈકી સુલેમાન, અબુ દુલાફ (Abu-Dulaf), રામહુર-મુઝી, ઇબ્ને ફદ્લમ વધુ જાણીતા છે.

તેરમીથી સત્તરમી સદીમાં કેટલાક સાહસિક મુસાફરોનો ફાળો ઉલ્લેખનીય છે; જેમાં માર્કો પોલો, અમેરિગો, વેસ્પુસી અને પીટર માર્ટરનાં નામ મૂકી શકાય. અઢારમી સદીના વિચારકોમાં બુશિંગ, બાશે (Buache), જે. સી. ગૅટેરર, હોમેયર, ઝૂને, રીનહોલ્ડ ફૉર્સ્ટર અને ઇમૅન્યુઅલ કૅન્ટની ગણના થાય છે. ઓગણીસમી સદીના ભૂગોળવેત્તાઓમાં ઍલેક્ઝાન્ડર ફૉન હમ્બોલ્ટ, કાર્લ રિટર, ફ્રૉબેલ, પેસ્કલ, ફ્રીડરિક રૅટઝેલ, કાર્લ ટ્રૉલ, લીપ્લે અને આર્નોલ્ડ ગિયોટનો સમાવેશ થઈ શકે.

આધુનિક યુગ અર્થાત્ વીસમી સદીના નામાંકિત ભૂગોળવેત્તાઓમાં આલ્ફ્રેડ, રિશ્થોફેન, એ. હેટનર, આલ્બ્રેક્ટ પેન્ક, ડબ્લ્યૂ. એમ. ડેવિસ, વૉલ્થર પેન્ક, વિડાલ દ લાબ્બાશ, ગાલો, સોરે, જીન બ્રુન્જ, આલ્ફ્રેડ જૉન મેકિન્ડર, ઍન્ડ્રૂ જે. હર્બર્ટસન, પી. એમ. રૉક્સબી, એચ. જે. ફલ્યૂઅર એસ. ડબ્લ્યૂ. વુલ્ડીરિજ, સર એલ.ડી.સ્ટૅમ્પ, ઈ. સી. સેમ્પલ, એલ્સવર્થ હન્ટિંગટન આઇસાઇયા બૉમેન અને ગ્રિફિથ ટેલરનો ફાળો વિશેષ ગણાય છે.

ભારતમાં ભૂગોળ અને ભૂગોળવેત્તાઓ : ભારતમાં 19મી સદી પહેલાં ભૂગોળનું શિક્ષણ અપાતું ન હતું. તે પછી શાળા કક્ષાએ તેની શરૂઆત થઈ. 20મી સદીના પ્રારંભ સુધી તો ભૂગોળનો અભ્યાસ ઇતિહાસ સાથે સાંકળી લેવામાં આવતો હતો. 20મી સદીના બીજા દસકાથી ભૂગોળ વિષયને કૉલેજ અને યુનિવર્સિટી-કક્ષાએ સ્થાન મળ્યું. સર્વપ્રથમ વાર ભૂગોળ વિષયના શિક્ષણનો પ્રારંભ 1920માં પંજાબ યુનિવર્સિટીએ કર્યો. આજે તો દરેક રાજ્યની લગભગ બધી જ યુનિવર્સિટીઓમાં આ વિષયનું અધ્યાપનકાર્ય થાય છે.

ભારતના જાણીતા ભૂગોળવેત્તાઓમાં આર. એન. દુબે, એચ. એલ. છિબ્બર, એસ. પી. ચૅટર્જી, રામલોચન સિંહ, જ્યૉર્જ કુરિયન, પરમેશ્વર દયાલ અને મહંમદ શફીનો સમાવેશ કરી શકાય. અન્ય ભૂગોળવેત્તાઓમાં એસ. સી. ચૅટરજી, આર. પી. સિંગ, એહમદ, બાગચી, સેનગુપ્તા, મુથ્થુસ્વામી, કલ્યાણસુંદરમ્, એસ. સી. સિંગ, બિમલ ઘોષ, સી. ડી. દેશપાંડે, કે. આર. દીક્ષિત, વિદ્યાનંદ અને રાવનો ફાળો વિવિધ સંશોધનકાર્યોમાં ઉલ્લેખનીય રહ્યો છે.

નીતિન કોઠારી