ભૂખમરો (starvation) (આયુર્વિજ્ઞાન) :  સતત અને લાંબા સમય સુધી ખોરાક ન મળે તેવી સ્થિતિ. (તેનાં કારણો અને તેનાથી ઉદભવતા વિકારો તથા દેહધાર્મિક પરિણામો માટે જુઓ ‘ઉપવાસ’ તથા ‘ન્યૂનતાજન્ય વિકારો’.) જો કોઈ વ્યક્તિ પૂરતી કૅલરી(ઊર્જા)વાળો પણ અપૂરતા પ્રોટીનવાળો ખોરાક લાંબા સમય માટે લે તો તેના શરીરમાંના પ્રોટીનનો જથ્થો વપરાઈ જાય છે. તેને કારણે યુરિયા, યુરિક ઍસિડ તથા અસેંદ્રિય (inorganic) અને ઇથિરિયલ સલ્ફેટનો શરીરમાંથી થતો નિકાલ અથવા ઉત્સર્ગ (excretion) ઘટે છે, પરંતુ ક્રિયેટિનિનનો ઉત્સર્ગ જેમનો તેમ રહે છે. નાઇટ્રોજનનો ઉત્સર્ગ ઘટીને 3.6 ગ્રા./દિવસ થાય છે; પરંતુ તેથી વધુ ઘટાડો શક્ય નથી અને તેથી તેટલા પ્રમાણમાં નાઇટ્રોજનનું સંતુલન નકારાત્મક બને છે. ખોરાકમાંથી અનિવાર્ય એમિનો ઍસિડ (essential amino acids) ઉપલબ્ધ ન થતા હોવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તેને કારણે શરીરમાંના નાઇટ્રોજનયુક્ત દ્રવ્ય(પ્રોટીન)નો જથ્થો ઘટતો જાય છે. તેથી સ્નાયુ પાતળા પડે છે. જો દર્દીના આહારમાં તે સમયે ઊર્જા(કૅલરી)ની પણ ઊણપ હોય (કાર્બોદિત પદાર્થો અને ચરબીની) તો તે તેના પ્રોટીનનું દહન કરીને ઊર્જા મેળવે છે. તેથી નાઇટ્રોજનનો ઉત્સર્ગ વધીને 10 ગ્રા./દિવસ થઈ જાય છે. આમ પ્રોટીનનો વધુ વ્યય થાય છે. આ સ્થિતિને અપચય (catabolism) કહે છે. જો તે સમયે વ્યક્તિને થોડા પ્રમાણમાં પણ ગ્લુકોઝ આપવામાં આવે તો પ્રોટીનનું દહન અથવા અપચય ઘટે છે. તેથી પ્રોટીનનો શારીરિક જથ્થો જળવાઈ રહે છે. તેને ગ્લુકોઝની પ્રોટીનરક્ષક (protein sparing) અસર કહે છે. ગ્લુકોઝને કારણે ઇન્સ્યુલિનનો સ્રાવ વધે છે, જે ગ્લુકોઝનો ઊર્જા ઉત્પન્ન કરવામાં ઉપયોગ વધારે છે અને પ્રોટીનના અણુઓ બનાવવામાં પણ મદદ કરે છે. તેને પ્રોટીનનો ચય (anabolism) કહે છે. ચય અને અપચય કરતી રાસાયણિક ક્રિયાઓના સમૂહને ચયાપચય (metabolism) કહે  છે. જો થોડાક પ્રમાણમાં નસ વાટે એમિનો ઍસિડ અપાય તોપણ આવી જ પ્રોટીનરક્ષક અસર જોવા મળે છે. ગ્લુકોઝ અને એમિનો ઍસિડની માફક ચરબી પણ પ્રોટીનરક્ષક છે. જ્યારે પણ લાંબા સમયનો ભૂખમરો થાય ત્યારે ચરબીમાંથી કીટૉન દ્રવ્યો બને છે, જેમની મદદથી મગજ અને અન્ય પેશીઓ ઊર્જા પ્રાપ્ત કરે છે. કીટૉન દ્રવ્યના ઉપયોગને કારણે લ્યૂસીન, આઇસોલ્યૂસીન અને વેલીન નામના એમિનો ઍસિડનો સંગ્રહ કરી શકાય છે. આ એમિનો ઍસિડના નસ વાટે અપાતા દ્રાવણથી પણ પ્રોટીનરક્ષક અસર થાય છે.

ભૂખમરા-સમયે વપરાતું પ્રોટીન યકૃત, બરોળ અને સ્નાયુઓમાંથી આવે છે. હૃદય અને મગજમાં સંગ્રહાયેલું પ્રોટીન બહુ જ થોડા પ્રમાણમાં વપરાય છે. સૌપ્રથમ યકૃતમાંનો ગ્લાયકોજનનો સંગ્રહ વપરાય છે અને ત્યારપછી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે છે. તેને જાળવી રાખવા માટે ગ્લુકોઝ-નવસર્જન(gluconeogenesis)ની રાસાયણિક ક્રિયાઓ થાય છે, જે માટે વિવિધ એમિનો ઍસિડ વપરાય છે. ચરબીનો અપચય થવાથી કીટૉન દ્રવ્યો બને છે. વધુ પ્રમાણમાં બનતાં કીટૉન દ્રવ્યો પણ પેશાબમાં વહી જાય છે. જ્યારે ચરબીનો સંગ્રહ ખૂટી પડે છે ત્યારે ફક્ત પ્રોટીન(એમિનો ઍસિડ)નો ઉપયોગ વધી જાય છે. 70 કિલો વજનના પુરુષના યકૃતમાં 100 ગ્રામ ગ્લાયકોજન હોય છે અને બીજું 400 ગ્રામ ગ્લાયકોજન સ્નાયુમાં હોય છે. ગ્લાયકોજનનો જથ્થો 1 દિવસમાં વપરાઈ જાય છે. મોટાભાગની ઊર્જા ચરબીના સ્વરૂપે સંગ્રહાયેલી હોય છે. જો હૉસ્પિટલમાં દાખલ થયેલો કોઈ જાડો માણસ પાણી અને વિટામિન સિવાય કશું ન લે તો તે પ્રથમ 10 દિવસમાં દરરોજ 1 કિલોગ્રામના દરે વજન ગુમાવે છે; પરંતુ ત્યારપછી તેના વજનનો ઘટાડો ઘટીને 0.3 કિગ્રા./દિવસ પર સ્થિર થઈ જાય છે. વજનનો ઘટાડો થવાનું મુખ્યત્વે ચરબીના વ્યય દ્વારા સંભવે છે. ચરબીની પણ જ્યારે ઊણપ થાય ત્યારે સ્નાયુઓમાંનું પ્રોટીન વપરાય છે. આમ પ્રથમ ચરબીને કારણે અને ત્યારબાદ સ્નાયુઓમાંના પ્રોટીનના વપરાશને કારણે વજન ઘટે છે. ક્યારેક દર્દીનું લોહીનું દબાણ ઘટે છે અથવા તેને નજલા(gout)ના હુમલા થઈ આવે છે. અગાઉ આઇરિશ કેદીઓએ આમરણાંત ઉપવાસ કર્યા હતા ત્યારે તેઓ સરેરાશ 60 દિવસ બાદ મૃત્યુ પામ્યા હતા. આમ લગભગ 2 મહિને જીવનને જોખમ ઉદભવે છે એવું માની શકાય. જોકે જુદી જુદી વ્યક્તિઓના કિસ્સામાં તે સમયગાળો અલગ અલગ રહે  છે. હાલ વજન ઘટાડવા માટે કોઈ ચોક્કસ પ્રકારનો આહાર નિશ્ચિત કરી શકાયેલો નથી, પરંતુ મેદ વગરનો, ઓછી કૅલરીવાળો અને પૂરતા પ્રોટીનવાળો આહાર અને નિયમિત શ્રમપૂર્ણ કસરત કરવાથી વજન ઘટાડી શકાય છે.

શિવાની શિ. શુક્લ

શિલીન નં. શુક્લ