ભૂખણવાળા, કૃષ્ણકાન્ત (જ. 15 સપ્ટેમ્બર 1922, હાવરા, બંગાળ; અ. 24 ઑક્ટોબર 2016) : હિંદી, ગુજરાતી ચલચિત્રોના વિખ્યાત ચરિત્ર-અભિનેતા અને દિગ્દર્શક કે. કે.ના હુલામણા અને પ્રચલિત નામે પણ ઓળખાતા સૂરતના પ્રતિષ્ઠિત વ્યાપારી. સૂરતમાં માધ્યામિક શાળા સુધીનો અભ્યાસ પૂરો કરી ટૅકનિકલ શિક્ષણ લેવા માટે મુંબઈ રહેવા જવાનું બન્યું. વાયરલેસ અને વીજઇજનેરીમાં ડિપ્લોમાં મેળવ્યો પણ માટુંગામાં રહેવાને કારણે ફિલ્મ કલાકારો કુંદનલાલ સાયગલ, પૃથ્વીરાજ કપૂર, કે. એન. સિંગ વગેરેના સતત દર્શને ચલચિત્રની કારકિર્દી અપનાવવા પ્રેરાયા. ફિલ્મનિર્માતા ચીમનલાલ અને એમના દિગ્દર્શક પુત્રો સુરેન્દ્ર અને વીરેન્દ્ર દેસાઈ પાસે રહીને એમણે કેટલીક તદ્વિષયક જાણકારી પ્રાપ્ત કરી. બંગાળી દિગ્દર્શક નીતિન બોઝ દિગ્દર્શિત ચલચિત્ર ‘પરાયા ધન’(1943)માં સૌપ્રથમ અભિનય આપ્યો.
1945માં તેમને ફિલ્મિસ્તાન કંપનીના ચલચિત્ર ‘મઝદૂર’માં પણ તક મળી, પણ પ્રતિષ્ઠિત થયા બૉમ્બે ટૉકીઝની અત્યંત સફળ ફિલ્મ ‘મશાલ’(1950)થી. તેમાં જેલના એક ખૂંખાર કેદીનું પાત્ર પડદા પર જીવંત કર્યું. સ્વાતંત્ર્યસંગ્રામની પશ્ચાદભૂવાળી અને કિશોરકુમાર દ્વારા અભિનીત પ્રથમ ફિલ્મ ‘આંદોલન’(1951)માં પણ તેમનો અભિનય પ્રશંસા પામ્યો. આ ઉપરાંત તેમની અભિનય ધરાવતી 150થીય વધુ ફિલ્મોમાં ‘દાગ’ (1952), ‘પતિતા’ (1953), ‘બાગબાન’, ‘વિરાજવહુ’ (1954), ‘સીમા’ (1955), ‘જાગતે રહો’, ‘પટરાની’ (1956), ‘ભાભી’ (1957), ‘પરવરીશ’ (1958), ‘આરાધના’ (1969), ‘શર્મિલી’ (1971) વગેરે વિશેષ ધ્યાનાર્હ છે. પોતાની વય કરતાં મોટી ઉંમરનાં પાત્રોના સંકુલ મનોભાવોને, સંવાદો ઉપરાંત આંગિક અભિનય દ્વારા વ્યક્ત કરવાની તેમને સહજ ફાવટ હતી. તેઓ લાંબા કે ટૂંકા સંવાદોને પાત્રમય બની જઈને, તેમાં રહેલા હકારાત્મક કે નકારાત્મક કાકુઓને પકડીને જરા પણ મુખર થયા વગર વ્યક્ત કરવામાં નિપુણ ગણાયા. આ જ કારણે તેઓ દિલીપકુમાર, રાજકપૂર, દેવઆનંદ, અશોકકુમાર જેવા પ્રતિભાશાળી કલાકારો સાથે જરા પણ ઝંખવાયા વગર કામ કરી શક્યા અને તેથી જ તેમને નીતિન બોઝ ઉપરાંત બિમલ રૉય, જ્ઞાન મુકરજી, અમીય ચક્રવર્તી, આસિત સેન, શક્તિ સામંત, ફણી મઝુમદાર જેવા દુરારાધ્ય દિગ્દર્શકો પોતાનાં ચિત્રો માટે પસંદ કરતા હતા.
ગુજરાતી ચલચિત્રોમાં મોડેથી પ્રવેશ કર્યો હોવા છતાં તેમાં પણ તેમનું ગણનાપાત્ર પ્રદાન રહ્યું છે. અભિનેતા તરીકે 1963થી 1987 સુધીમાં 9 ગુજરાતી ચલચિત્રોમાં કામ કર્યું, જેમાં સાહિત્યકાર ગુણવંતરાય આચાર્યની નવલકથા પરથી બનેલા ‘જીવલો જુગારી’ (1963), પન્નાલાલ પટેલની વાર્તા પરથી બનેલા અને રાષ્ટ્રીય ઍવૉર્ડ-વિજેતા ચિત્ર ‘કંકુ’ (1969), ગોવર્ધનરામ ત્રિપાઠીની પ્રશિષ્ટ કૃતિ ‘સરસ્વતીચંદ્ર’ના આધારે રચાયેલ ચિત્ર ‘ગુણસુંદરીનો ઘરસંસાર’ (1972), પોતે જ દિગ્દર્શિત કરેલા ચિત્ર ‘વિસામો’ (1978), હરકિસન મહેતાની નવલકથા ‘પ્રવાહ પલટાયો’ પરથી નિર્મિત ચિત્ર ‘ડાકુરાણી ગંગા’(1976)માં તેમનો અભિનય વિશેષ નોંધપાત્ર રહ્યો. ‘ગુણસુંદરીનો ઘરસંસાર’માં તેમણે માનચતુરની કેન્દ્રવર્તી ભૂમિકા અવિસ્મરણીય રીતે ભજવી હતી. તેમણે 12 ગુજરાતી ચલચિત્રો અને 2 હિંદી ચલચિત્રોનું દિગ્દર્શન પણ કર્યું હતું.
ગુજરાતી અને હિંદી ભાષાની અનેક ટેલિવિઝન શ્રેણીઓમાં અભિનય આપવા ઉપરાંત તેમણે ‘નંદીની ભાઈબંધી’ (1980) નામની ટેલિફિલ્મનું નિર્માણ પણ કર્યું હતું. તખ્તા ઉપરના તેમના સફળ અભિનયમાં ‘ધુમ્મસ’, ‘માણસ નામે કારાગાર’ અને ‘હિમ અંગારા’ ઉલ્લેખનીય છે.
તેમણે ‘રૂટ્સ ઑવ્ ઈવિલ’ (1946) અને ‘ઇન્ડિયન નૉક્ટ્રમ’ (1990) નામે 2 અંગ્રેજી અને ‘વિચાર’ (1946) અને ‘ઇક દિન રાત્રે’ (1956) નામે 2 બંગાળી ફિલ્મોમાં પણ અભિનય આપ્યો હતો.
ગુજરાતી ચલચિત્રોમાં અભિનય આપવા બદલ એમને રાજ્ય સરકાર તરફથી ઉત્કૃષ્ટ અભિનય અને દિગ્દર્શન માટે અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા. 1988ના પ્રતિષ્ઠિત ‘રાપા’ ઍવૉર્ડ ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા તેમને માન-સન્માન પ્રાપ્ત થયું છે. કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડમાં 1992–93માં તેઓ સલાહકાર સમિતિના સભ્ય હતા. મુંબઈના સિને આર્ટિસ્ટ એસોસિયેશન દ્વારા 1996માં તેમનું વિખ્યાત અભિનેતા દિલીપકુમારના હાથે બહુમાન થયું હતું. ગુજરાત રાજ્ય ફિલ્મ ઍવૉર્ડ કમિટીમાં 1992થી 1994 સુધી સભ્ય તરીકે અને ત્યારપછી અધ્યક્ષ તરીકે તેમણે સેવા આપી હતી.
રજનીકુમાર પંડ્યા