ભૂખ : કશુંક ખાવાની ઇચ્છા કે જરૂરિયાત. તેને ક્ષુધા (hunger) પણ કહે છે. કોઈ ચોક્કસ વસ્તુ ખાવાની રુચિ (appetite) અથવા કશુંક કરવાની તીવ્ર ઇચ્છા (desire) દર્શાવવા માટેના અર્થમાં પણ આ શબ્દ વપરાય છે. દરેક પ્રાણીની આહાર મેળવવા માટેની ઇચ્છા કે તડપનને ભૂખ (hunger) કહે છે. તે પ્રાથમિક આવેગના સ્વરૂપે હોય છે અને તે જો અતિતીવ્ર હોય તો અદમ્ય હોય છે. કોઈ ચોક્કસ વાનગી કે આહારી પદાર્થ ખાવાની ઇચ્છાને રુચિ કહે છે. રુચિ શારીરિક કે માનસિક પ્રકારની સભાન જરૂરિયાતને સંતોષવાની ઇચ્છા કે આતુરતા (longing) છે. તેથી તેના પર નિયંત્રણ કે સંયમ લાવી શકાય છે. વધુ પડતી ભૂખ કે રુચિને અતિઆહારિતા (bulimia) કહે છે. ક્યારેક ખોટી તથા અપભ્રષ્ટ રુચિ(perverted appetite)ને કારણે બાળક માટી કે અન્ય બિનઆહારી વસ્તુ ખાય છે. તેને મૃત્તિકાભક્ષણ (માટીખાઉપણું) અથવા શાસ્ત્રીય પરિભાષામાં અપરુચિ (pica) કહે છે. ‘ભૂખ’ શબ્દ આહાર સિવાયની વસ્તુઓ માટેની અતિશય તડપનના સંદર્ભે પણ વપરાય છે. મા અને બાળક વચ્ચેની લાગણીઓની તીવ્ર ઇચ્છાને લાગણી-ભૂખ (emotional hunger) કે ભાવ-ભૂખ (affect hunger) કહે છે. શરીરની પેશીઓમાં રાસાયણિક વિકારને કારણે ઍસિડનો ભરાવો થયો હોય તો તેને અમ્લતા(acidosis)નો વિકાર કહે છે. તેવા સમયે શ્ર્વાસ લેવામાં તકલીફ પડે છે. તેને વાયવી ભૂખ (air hunger) કહે છે. કોઈ વ્યક્તિને નશો કરાવતી દવાની તીવ્ર ઇચ્છા થતી હોય તો તેને નશાની ભૂખ-તલપ (narcotic hunger) કહે છે. ખાવાનું ભાવે નહિ તેવી સ્થિતિને અરુચિ (loss of appetite અથવા anorexia) કહે છે. તે વિવિધ રોગોમાં તથા માનસિક વિકાર હોય તો સંભવે છે.
રોજના આહારમાંથી મળતી ઊર્જા (શક્તિ) અને તેના વપરાશ વચ્ચેના સંતુલન વડે શરીરનું વજન નિશ્ચિત થાય છે. તેનું નિયંત્રણ રોજેરોજનું તથા લાંબા ગાળાનું – એમ બંને પ્રકારનું હોય છે. આવું નિયંત્રણ દરેક જમણ(meal)ને પણ અસર કરે છે. જો કોઈ પ્રાણીને વધુ પડતું ખવડાવીને જાડું કરવામાં આવેલું હોય અને ત્યારપછી તેને મુક્ત રીતે ખાવા દેવામાં આવે તો તેનો આહાર ઘટે છે. તેવી જ રીતે ભૂખમરો ભોગવી ચૂકેલું પ્રાણી જ્યારે યથેચ્છ ખાવાની ક્રિયા કરે ત્યારે તેનો ખોરાક વધે છે. બંને પરિસ્થિતિઓમાં શરીરનું વજન મૂળ જેટલું હોય તેટલું થઈ જાય છે. તેને કારણે વજન ઉતારનારાઓ જ્યારે ઓછું ખાઈને આહારનિયંત્રણ (dieting) કરે ત્યારે તેમનું વજન ઘટે છે, પરંતુ આહારનિયંત્રણ બંધ થતાંની સાથે ફરી પાછું તેમનું વજન મૂળ સ્થાને (આશરે 95 %) આવી જાય છે. આવી જ રીતે માંદગી વખતે ઘટેલા વજનમાં વધારો થાય છે.
જે રીતે આહારનું નિયમન થાય છે તેવી જ રીતે વજનની વધઘટ સમયે ઊર્જાના વપરાશનું પણ નિયમન થાય છે. ખોરાક લીધા પછી તરત ખોરાકના પ્રકાર પ્રમાણે શરીરમાં વિશિષ્ટ ગતિશીલ ક્રિયા(specific dynamic action)ની સ્થિતિ ઉદભવે છે અને તેવી રીતે અનુકંપી ચેતાતંત્રની ક્રિયાશીલતા પણ વધે છે. આ બંને ક્રિયાઓ ઊર્જાનો વ્યય કરે છે. શરીરમાંની રાસાયણિક ક્રિયાઓને ચયાપચય (metabolism) કહે છે. તેમાં ઊર્જા ઉત્પન્ન કરવાની કે તેનો સંગ્રહ કરવાની રાસાયણિક ક્રિયાઓ થાય છે. ઓછામાં ઓછી ચયાપચયી ક્રિયા થતી હોય તેને ન્યૂનતમ ચયાપચયી દર (basal metabolic rate, BMR) કહે છે. જો ભૂખમરો કે લાંબા સમયના ઉપવાસ હોય તો BMR ઘટે છે, ઊર્જાનું ઉત્પાદન ઘટે છે અને તેનો સંગ્રહ થાય છે. લાંબા સમયની આહારવિહીનતા(ભૂખમરો અથવા લાંબા ગાળાના ઉપવાસ)માં ઊર્જાના સંગ્રહ માટે BMR ઘટે છે.
ભૂખ અને રુચિના નિયમનમાં અનેક પરિબળો કાર્ય કરે છે, પરંતુ તેનું મહત્વનું નિયમન મગજમાં આવેલા અધશ્ચેતક (hypothalamus) નામના વિસ્તાર દ્વારા થાય છે. મોટા મગજના નીચલા ભાગમાં અધશ્ચેતક નામનો વિસ્તાર આવેલો છે. તેમાં બે ચેતાકેન્દ્રો આવેલાં છે : (1) આહારકેન્દ્ર (feeding centre) અને (2) તૃપ્તિકેન્દ્ર (satiety centre). તૃપ્તિકેન્દ્ર મધ્યરેખા પાસે (મધ્યરેખાવર્તી અધશ્ચેતકમાં) અને આહારકેન્દ્ર બહારની બાજુ તરફ (પાર્શ્વવર્તી અધશ્ચેતકમાં) આવેલું છે. સભાન પ્રાણીના આહારકેન્દ્રનું ઉત્તેજન કરવામાં આવે ત્યારે તેને ખાવાની ઇચ્છા થાય છે અને જો તે કેન્દ્રનો નાશ કરવામાં આવે તો પ્રાણી ભૂખે મરી જાય છે. તેનાથી વિપરીત સ્થિતિરૂપે તૃપ્તિકેન્દ્રના ઉત્તેજનમાં પ્રાણી ખાવાનું બંધ કરે છે અને તેના નાશ પછી પ્રાણી અતિશય જાડું થઈ જાય તોપણ ખાધા કરે છે. તેને અધશ્ચેતકીય મેદસ્વિતા (hypothalamic obesity) કહે છે. તૃપ્તિકેન્દ્ર આહારકેન્દ્રનું અવદાબન (inhibition) કરીને ભૂખ ઘટાડે છે એવું આ બંને કેન્દ્રોને ઈજા પહોંચાડવાના પ્રયોગો દ્વારા નક્કી કરાયેલું છે. તેથી એવું મનાય છે કે આહારકેન્દ્ર લાંબા સમય માટે ઉત્તેજિત રહે છે અને તેનું તૃપ્તિકેન્દ્ર, જે સમય માટે અવદાબન કરે એટલા સમય માટે કાર્ય બંધ થાય છે અને તેને કારણે ખાવાનું અટકે છે એવું મનાય છે. જોકે એ નિશ્ચિત નથી કે આ ચેતાકેન્દ્રો ખરેખર ફક્ત ખાવાની ઇચ્છાનું નિયમન કરે છે; કેમ કે જે ઉંદરના આહારકેન્દ્રવાળા અધશ્ચેતકના ભાગને ઈજા પહોંચાડેલી હોય તેનું અમુક અંશે વજન વધે છે અને ત્યારપછી તે વજનના નવા (ઊંચા ગયેલા) સ્તરને જાળવવા માટે તેનું આહારકેન્દ્ર સક્રિય રહે છે. તેથી તે સમયે આહાર વધે છે. એક વખત નવી ઉપલી સપાટીએ પહોંચ્યા બાદ વધેલા આહારમાં કોઈ સતત વધારો ચાલુ રહેતો નથી. તેને કારણે અમુક અંશે વજન વધ્યા પછી વજનમાં સતત વધારો થતો નથી. શરીરનું વજન નવા વધેલા સ્તરે જળવાઈ રહે છે. તેથી કેટલાક નિષ્ણાતો માને છે કે અધશ્ચેતકનો આ વિસ્તાર વ્યક્તિના આહારનું નહિ, પણ શરીરના વજનનું નિયંત્રણ કરે છે.
દરેક જમણ વખતે તૃપ્તિકેન્દ્ર અને આહારકેન્દ્રનું ઉત્તેજન અને અવદાબન કરતી ઉત્તેજનાઓ કઈ હોઈ શકે તેની ઘણી ચર્ચા ચાલે છે. તૃપ્તિકેન્દ્ર દ્વારા થતા ગ્લુકોઝના ઉપયોગને અને તે કેન્દ્રના ઉત્તેજન વચ્ચે સંબંધ છે એવું શોધી કઢાયું છે. તેથી આ કોષોને શર્કરાસ્થાપકો (glucostat) કહે છે. આ કોષોને મળતા લોહીના પુરવઠામાં ગ્લુકોઝનું પ્રમાણ વધુ હોય તો તેમની ધમની અને શિરામાંના લોહીમાં ગ્લુકોઝના પ્રમાણનો તફાવત વધુ રહે છે અને તેઓ વધુ સક્રિય રહીને આહારકેન્દ્રના કોષોનું કાર્ય ઘટાડે છે. વ્યક્તિ જ્યારે આહાર લે છે ત્યારે તેના લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે અને તૃપ્તિકેન્દ્ર ઉત્તેજિત થાય છે, જે આહારકેન્દ્રનું અવદાબન કરીને વધુ આહાર લેવાની ઇચ્છાનું શમન કરે છે. આ વિચારને શર્કરાસ્થાયી ઉપસંકલ્પના (glucostatic hypothesis) કહે છે. તેના આધારરૂપ અનેક પ્રયોગોનાં પરિણામો ઉપલબ્ધ છે; તેથી જ્યારે પણ લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે ત્યારે ભૂખ લાગે છે. મધુપ્રમેહના દર્દીના લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધુ હોય છે, પરંતુ તેને કોષમાં પ્રવેશ અપાવવા માટેનું ઇન્સ્યુલિન પૂરતા પ્રમાણમાં કાર્યશીલ હોતું નથી. તેથી કોષોને તો ગ્લુકોઝ ઓછા પ્રમાણમાં મળે છે. તેથી વધુ ભૂખ લાગે છે. 2-ડીઑક્સિગ્લુકોઝ નામનું દ્રવ્ય નસ વાટે અપાય ત્યારે તે ગ્લુકોઝનો કોષો દ્વારા થતો ઉપયોગ ઘટાડે છે. તેને કારણે પણ ભૂખ લાગે છે. ચેતાતંત્રના મોટા-ભાગના કોષોને ગ્લુકોઝ મેળવવા માટે ઇન્સ્યુલિનની જરૂર પડતી નથી, પરંતુ તેના તૃપ્તિકેન્દ્રના કોષો જુદી રીતે વર્તે છે અને તેમના ગ્લુકોઝના ઉપયોગના દર વડે ભૂખનું નિયંત્રણ કરાય છે. તેની સાબિતી માટે ઉંદરમાં ઝેરી વિકિરણશીલ સુવર્ણપ્રતિસ્થાપિત (gold substituted) ગ્લુકોઝ આપીને તેના તૃપ્તિકેન્દ્રને ઈજા પહોંચાડવાનો પ્રયોગ જાણીતો છે. તેને કારણે ઉંદર પુષ્કળ ખાઈને જાડો બને છે, જેને અધશ્ચેતકીય મેદસ્વિતા કહે છે.
ભૂખ અને તૃપ્તિનું નિયંત્રણ કરતા ચેતાપથોમાં કેટેકોલએમાઇન અને ન્યુરોપેપ્ટાઇટ-Y નામના ચેતાસંદેશવાહકો (neurotrans-mitter) સક્રિય હોય છે. α2–ઍડ્રિનર્જિક સ્વીકારકો(receptors)ના ઉત્તેજકો પાર્શ્વવર્તી (lateral) અધશ્ચેતકમાં આવેલા તૃપ્તિકેન્દ્રનું ઉત્તેજન કરીને તૃપ્તિની સ્થિતિ સર્જે છે; જ્યારે β-ઍડ્રિનર્જિક સ્વીકારકોના ઉત્તેજકો અગ્રમધ્યવર્તી (ventromedial) અધશ્ચેતકમાં આવેલા આહારકેન્દ્રનું ઉત્તેજન કરીને ભૂખ લગાડે છે. તેને કારણે વજન ઘટાડવા એમ્ફેમાઇન નામનું ઔષધ ઉપયોગી રહે છે. આ જૂથનાં ઔષધો પાર્શ્વવર્તી અધશ્ચેતક પર અસર કરે છે. તેનાથી વિપરીત ન્યૂરોપેપ્ટાઇડ-Yને મગજમાંના નિલય (ventricle) નામના પોલાણમાં ઇન્જેક્શન રૂપે આપવાથી પણ ભૂખ ઊઘડે છે.
જઠર અને આંતરડાંમાં પ્રવેશેલો ખોરાક કોલિસિસ્ટોકાઇનિન (CCK) અને કેલ્સિટોનિન જેવા અંત:સ્રાવો(hormones)નું ઉત્પાદન વધારીને તેમને લોહીમાં પરિભ્રમણ માટે છોડે છે. તેથી ભૂખ ઘટે છે. કોલિસિસ્ટોકાઇનિનના 2 પ્રકારના સ્વીકારકો છે : CCK-A અને CCK-B. CCK-A પ્રકારના સ્વીકારકો જઠર-આંતરડાની દીવાલમાં રહીને સક્રિય રહે છે. જ્યારે CCK-Bની સક્રિયતા અધશ્ર્ચેતકમાં જોવા મળે છે. CCK-B આશરે 100ગણા વધુ પ્રબળ સ્વીકારકો છે.
વળી શરીરમાંનો મેદનો જથ્થો પણ ચેતાકીય (neural) કે રાસાયણિક (humoral) સંકેતો આપીને મગજને ઉત્તેજે છે, જેથી કરીને ભૂખ શમી જાય છે. તેને નકારાત્મક પ્રતિપોષી જોડાણ (negative feedback loop) કહે છે. શરીરના મેદકોષો (adipocytes) મેદોત્રસ (adipsin) નામના એક રસાયણને લોહીમાં છોડે છે. કદાચ તે જ આ સંકેત હશે એવું મનાય છે. આ માન્યતાને મેદસ્થાયી ઉપસંકલ્પના (lipostatic hypothesis) કહે છે. આવાં અન્ય રસાયણો પણ ઓળખી કઢાયાં છે, પરંતુ તેમનું મહત્ત્વ પૂરેપુરું સમજાયેલું નથી. શરીરમાંના મેદના જથ્થાની માફક ગરમ વાતાવરણ પણ ભૂખ ઘટાડે છે. તેનાથી વિપરીત ઠંડા વાતાવરણમાં વધુ ભૂખ લાગે છે (દા. ત., શિયાળો). ખાધા પછી ખોરાક ભરાવાને કારણે જઠર અને આંતરડાં પહોળાં થાય છે. તેને કારણે પણ ભૂખ ઘટે છે, પરંતુ ખાલી જઠરનાં સંકોચનો (ક્ષુધાસંકોચનો, hunger contractions) ભૂખને ઉત્તેજે છે. વાતાવરણ, ભૂતકાળના અનુભવો તથા ખોરાકની ગંધ, દેખાવ અને સ્વાદની અસર પણ ભૂખ પર જોવા મળેલી છે.
બંને ખભાની પાછળ આવેલા પાવડાના પાનના આકારનાં સ્કંધાસ્થિ (scapula) નામનાં હાડકાંની આસપાસ તથા તેમની વચ્ચેની જગ્યામાં અને મહાધમનીની આસપાસ છીંકણી ચરબી (brown fat) નામની એક વિશિષ્ટ પ્રકારની ચરબી(મેદ)નો જથ્થો આવેલો છે. તેમાં અનુકંપી ચેતાતંત્રના ચેતાતંતુઓ વિપુલ પ્રમાણમાં હોય છે અને તેના રાસાયણિક દહન વખતે ATPનું ઉત્પાદન ઓછું રહે છે. શરીરમાં પોષક દ્રવ્યોનું રાસાયણિક દહન થાય ત્યારે ATP ઉત્પન્ન થાય છે, જેના દ્વારા વિવિધ કાર્યો અને ક્રિયાઓ માટે જોઈતી ઊર્જા (શક્તિ) તથા જરૂરી ઉષ્મા (ગરમી) મળી રહે છે. છીંકણી ચરબીનું દહન થાય ત્યારે જરૂરી ઊર્જા અને ગરમી માટે વધુ ચરબીનું દહન કરવું પડે છે અને આમ શરીરની ચરબી ઘટે છે. જો પ્રાણીના અગ્રમધ્યવર્તી અધશ્ર્ચેતકમાં ઈજા કે વિકાર હોય તો ઠંડા વાતાવરણમાં આ છીંકણી ચરબીનું ઉત્તેજન થતું નથી; તેથી જરૂરી ગરમી ઉત્પન્ન થતી નથી અને તેને કારણે શરીરમાંની અન્યત્ર આવેલી વધુ ગરમી ઉત્પન્ન કરતી ચરબીનો વપરાશ રહે છે. તેને કારણે ઓછી ચરબીના દહનથી વધુ ગરમી ઉત્પન્ન થાય છે. તેથી ચરબીનો વપરાશ ઘટે છે અને મેદસ્વિતા (જાડાપણું) સર્જાય છે. જ્યારે પણ શરીરમાં વધુ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય ત્યારે તૃપ્તિકેન્દ્રનું ઉત્તેજન થાય છે, જે આવા કિસ્સામાં થતું નથી. તેથી પણ ભૂખ ઘટતી નથી. પારજનીની (transgenic) ઉંદરોમાં છીંકણી ચરબી હોતી નથી અને તેઓ અતિશય જાડા થઈ જાય છે. સામાન્ય માણસો અને પ્રાણીઓમાં આહારનું નિયંત્રણ કરતાં ઉપર જણાવેલાં વિવિધ પરિબળો એક એવા સંતુલનને જાળવી રાખે છે, જેથી લાંબા ગાળા માટે શરીરનું વજન જળવાઈ રહે. નાનાં બાળકોમાં જુદા જુદા ખોરાક માટે જુદી જુદી રુચિ હોય છે, તેમ છતાં તેમનું વજન સામાન્યત: જળવાઈ રહે છે અને તેમની વૃદ્ધિ થતી રહે છે; તેનું કારણ પણ આ જ પરિસ્થિતિ છે. ઉંમરના વધારા સાથે વ્યક્તિનું વજન વધે છે; પરંતુ તે પ્રક્રિયા ધીમી છે. એક ગણતરી પ્રમાણે સામાન્ય સ્ત્રી 25થી 65ની વય વચ્ચે 11 કિગ્રા. વજન વધારે છે, જેનો અર્થ થાય છે કે તે દરરોજ જરૂરિયાત કરતાં 350 મિગ્રા. જેટલો ખોરાક વધુ લે છે. આ આંકડો તેમના 40 વર્ષના કુલ આહારની સાથે સરખાવતાં ફક્ત 0.03 % જેટલો છે, જેને નગણ્ય કહી શકાય. આમ લાંબા ગાળાનું આહારનિયંત્રણ એક સક્ષમ દેહધાર્મિક ક્રિયા છે, જે શરીરનું વજન જાળવી રાખે છે. મેદસ્વિતા થવાનાં કારણોમાં આશરે 30 % ભાગ આહાર ભજવે છે, જ્યારે અન્ય 70 % ભાગ જનીની (genetic) બંધારણ અને જીવનશૈલી ભજવે છે એવું પણ તારણ કાઢવામાં આવેલું છે.
શિવાની શિ. શુક્લ
શિલીન નં. શુક્લ