ભૂકી છારો : ઇરિસિફેસી કુળની ફૂગ અને યજમાન છોડ વચ્ચે ખોરાક માટે આંતરિક ઘર્ષણ થવાથી યજમાનના આક્રમિત ભાગમાં ઉદભવતો રોગ. આ કુળની છ જાતિની ફૂગો, 1,500થી વધુ જાતિની વનસ્પતિમાં રોગ કરતી નોંધાયેલી છે. ખાસ કરીને વેલાવાળી શાકભાજીના પાકો, કઠોળ પાકો, ફૂલછોડ અને ફળ પાકોમાં આ રોગ વિશેષ નુકસાન કરે છે. આ ભૂકી છારાની ફૂગોને સામાન્ય રીતે ઠંડું અને સૂકું વાતાવરણ ખૂબ જ અનુકૂળ આવે છે. કેટલાક પાકોમાં એક જ વાર ફૂગનાશકના છંટકાવથી પાકને આ રોગથી બચાવી શકાય છે; જ્યારે કેટલાક પાકોમાં અગાઉથી ફૂગનાશક દવાનો છંટકાવ કરવા છતાં ભૂકી છારાથી બચવું મુશ્કેલ હોય છે.
આ ભૂકી છારાની ફૂગ પાન, ડાળી, ફૂલ અને ફળ પર આક્રમણ કરે છે. સામાન્ય રીતે રોગની શરૂઆત કુમળાં પાન અથવા ફૂલ ઉપર થાય છે. ફૂગનું આક્રમણ પાનની બંને બાજુ ઉપર થતાં પાનની બંને સપાટી ઉપર સફેદ ધાબાં જોવા મળે છે, જે વૃદ્ધિ પામી પાનની સપાટી પર પ્રસરવાથી તેની ઉપર ઝાંખા સફેદ રંગના બીજાણુદંડ અને બીજાણુઓ ભૂકી એટલે કે પાઉડર સ્વરૂપે જોવા મળે છે. આક્રમિત પાન સફેદ ભૂખરા રંગનું થતાં તે સંકોચાઈને બંને ધારેથી વળી જાય છે. આવાં રોગિષ્ઠ પાન નાનાં રહે છે. ડાળી પર તેનું આક્રમણ થતાં તે ભૂખરી થઈ કાળી થઈ જાય છે. પરિણામે આક્રમિત ફૂલો ખરી પડે છે. તેથી માત્ર સુકાયેલી કાળી ફૂલગુચ્છની દાંડી જોવા મળે છે. ફળ-પાકોમાં છોડના ફળ ઉપર આક્રમણ થતાં તેની સપાટીનો રંગ બદલાય છે અને તેની વૃદ્ધિ અટકી જતાં તેનાં કદ અને સપાટીના રંગમાં વિકૃતિ જોવા મળે છે. આ રોગથી દ્રાક્ષના ફળની સપાટી ઉપર ચીરા પડે છે અને માવો ખુલ્લો જોવા મળે છે.
આ ભૂકી છારાની ફૂગનું પ્રજનન લિંગી અને અલિંગી બીજાણુ – આમ બે પ્રકારે થાય છે. લિંગી બીજાણુ ફૂગના જીવનક્રમમાં અગત્યનો ભાગ ભજવે છે. જે ફૂગ પોતાના વિકાસ માટેના વિપરીત વાતાવરણમાં પાકના રોગિષ્ઠ ભાગોમાં સુષુપ્ત અવસ્થામાં રહે છે તે વાતાવરણ સાનુકૂળ બનતાં સક્રિય થઈ છોડને પ્રાથમિક ચેપ લગાડે છે. આ પ્રાથમિક ચેપના વિકાસથી કવકઝાળમાંથી બીજાણુદંડ સપાટી ઉપર પ્રસરે છે અને તેની ટોચના કોષમાંથી સાંકળ સ્વરૂપે અલિંગી બીજાણુઓ પેદા કરે છે, જે રોગના ફેલાવામાં અથવા દ્વિતીય ચેપમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આ બીજાણુઓમાં પાણીનું પ્રમાણ વધારે હોવાથી વાતાવરણના ખૂબ જ ઓછા ભેજમાં સ્ફુરણ કરી રોગનો ફેલાવો કરી શકે છે. આ બીજાણુઓ હવામાં 4,000 મીટરની ઊંચાઈ સુધી જઈ પવન મારફતે રોગનો ફેલાવો કરે છે. ઠંડા પડછાયાવાળા વાતાવરણમાં યજમાનના પાણીવાળા ભરાવદાર ભાગો પર આ ફૂગ ખૂબ જ ઝડપથી ફેલાય છે.
આ ભૂકી છારાની ફૂગને 11o સે. થી 28o સે. તાપમાન અનુકૂળ આવે છે. તમાકુનો ભૂકી છારો છાંયડામાં વધુ જોવા મળે છે. રબરનો ભૂકી છારો મલેશિયા દેશમાં વધુ ઊંચી જગ્યાએ સારી રીતે ફેલાયેલો જોવા મળે છે.
સામાન્ય રીતે પાક ઉપર ગંધકના પાઉડરના છંટકાવથી આ રોગ કાબૂમાં આવી જાય છે; પરંતુ ગંધકની પાકની વૃદ્ધિ પર ખરાબ અસર થતી હોવાથી વેલાવાળા અને સફરજનના પાકમાં કેરેથેન કે કાલિક્સિન ફૂગનાશક પ્રવાહીનો છંટકાવ કરવો પડે છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ