ભૂકંપ અને પર્યાવરણ : ભૂકંપની અસરથી ઉદભવતી પર્યાવરણીય પરિસ્થિતિ. પર્યાવરણનાં અજૈવિક પરિબળોમાં ભૂમિ, જમીન, હવા, પાણી, ખનિજો વગેરેનો સમાવેશ થાય છે. ભૂપૃષ્ઠ, ભૂગર્ભજળ અને ભૂસ્તર પણ જૈવિક પર્યાવરણ પર અસર કરતાં હોઈ પર્યાવરણના અભ્યાસનાં અંગ બની રહે છે. 26 જાન્યુઆરી 2001ના લગભગ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી દેનાર મહાભૂકંપ પછી પર્યાવરણીય અભ્યાસમાં ભૂકંપને એક નવા પરિબળ તરીકે લેખવામાં આવ્યું છે. ભૂકંપ એ એક કુદરતી આફત છે. સજીવો પૈકી માનવજાત પર તેની સૌથી વધુ ગાઢી અને વિનાશકારી અસર થતી આવી છે. માનવ અને માનવસંસ્કૃતિ પર ભૂકંપની અસર પ્રાગ્ઐતિહાસિક કાળથી જાણમાં છે. ભૂસ્તરીય અતીતમાં જોતાં મનુષ્યની ઉત્પત્તિ પહેલાં પણ ભૂકંપો, પ્રલયો અને ઉલ્કાપાતોએ પૃથ્વીને તેમના પરચા બતાવેલા છે, જેના પુરાવા ભૂપૃષ્ઠ અને ભૂસ્તરોમાંથી મળી રહે છે. પૃથ્વી પરના પર્યાવરણના ફેરફારો માટે અન્ય પરિબળોની સાથે ભૂકંપે પણ મોટો ભાગ ભજવ્યો છે.
પૃથ્વીના પટ પર દસથી પંદર હજાર વર્ષથી માનવોની વિવિધ જાતોએ સિંધુ-ગંગા, યાંગત્ઝેકિયાંગ, યુફ્રેટીસ-તૈગ્રિસ, નાઇલ વગેરે નદીઓને કાંઠે સ્થાયી વસવાટ કરી પોતપોતાની વિશિષ્ટ સંસ્કૃતિઓ વિકસાવી. આ પૈકીની કેટલીક સંસ્કૃતિઓ કાળના મુખમાં હોમાઈ પણ ગઈ, પરંતુ તેમાં ભારત અને ચીનની પરંપરાગત સંસ્કૃતિઓ અને ધર્મ જળવાઈ રહ્યાં છે. તેનું મુખ્ય કારણ આ બંને દેશોની સંસ્કૃતિઓ નૈસર્ગિક પર્યાવરણને અનુકૂળ રહી છે તે છે. આ બંને દેશોમાં પણ ભૂકંપો તો આવ્યા છે, પરંતુ આ દેશોએ પર્યાવરણના ફેરફારોને આત્મસાત્ કર્યા છે. મોહેં-જો-દડો અને હરપ્પન સંસ્કૃતિના જુદા જુદા કાળ દરમિયાનના વિવિધ તબક્કાઓનાં એંધાણ હજી ભારતમાં ઉપલબ્ધ છે. સિંધુ, ગંગા કે સરસ્વતી જેવી નદીઓ કાળક્રમે તેમનાં પાત્ર બદલતી રહી છે, તેની પાછળ ભૂકંપોનો હિસ્સો મોટો છે. સરસ્વતીનું લુપ્ત થઈ જવું, સિંધુનું વહેણ પશ્ચિમ ભાગમાં ખસી જવું વગેરે જેવા સમયભેદે થયેલા બનાવો ભૂકંપોને આભારી છે. 1819માં થયેલા ભૂકંપથી સિંધુ નદીએ પશ્ચિમ તરફ વહેણ બદલ્યું, ભારત-પાકિસ્તાન સરહદે સિંધના સીમાવર્તી વિસ્તારમાં ‘અલ્લાહ બંધ’નો પાળો (ટેકરો) રચાયો, પરિણામે કચ્છને સિંધુના પાણીથી વંચિત થવું પડ્યું, કચ્છનો મોટો ભાગ ખારાપાટ જેવા રણમાં ફેરવાઈ ગયો. આ જ રીતે ભૂતકાળમાં પણ નાના-મોટા ભૂકંપોએ ભૂપૃષ્ઠમાં ફેરફારો લાવી મૂક્યા છે અને પર્યાવરણીય ફેરફારો સર્જ્યા છે. પ્રત્યેક ફેરફાર સાથે તારાજી પણ આવી છે. આ કારણોથી માનવજીવન અને સંસ્કૃતિને સમજવા માટે જોખમકારક ભૂકંપોનો અભ્યાસ માનવીય ર્દષ્ટિકોણથી અને પર્યાવરણીય પ્રભાવની ર્દષ્ટિથી પુન: હાથ ધરવો આવશ્યક બન્યો છે.
ગુજરાત શક્ય એટલું વહેલું પગભર થાય અને ભવિષ્યમાં પણ કોઈ કુદરતી હોનારત ફરીથી આવે તો તેનો અસરકારક ઉપાય તાત્કાલિક કરી શકાય તે રીતે આખી પરિસ્થિતિ અને પર્યાવરણનો સંકલિત અભ્યાસ કરવો આવશ્યક બન્યો છે. ભૂકંપની પ્રક્રિયા બધે એકસરખી હોય છે, પરંતુ સ્થળભેદે તેની અસરો અલગ અલગ હોય છે. આથી અસરોનું વિશ્લેષણ કરી જે તે ભાગોમાં અનુરૂપ ઉપાયો યોજવાના રહે. જેમ કે જાનહાનિ, વિત્તહાનિ, વસ્તી, શારીરિક ઈજા, રોગચાળો, ભયનું વાતાવરણ, નિવાસસ્થાનો, નગરરચના, મકાનબાંધણી, નૈસર્ગિક સંપત્તિની જાળવણી, નિસર્ગની ઉપેક્ષા, વિજ્ઞાન અને તાંત્રિક વિદ્યાનો ભરોસો, લાંબા ગાળાનું આયોજન વગેરે રાષ્ટ્રીય હિત અને લોકશાહીના માળખાને લક્ષમાં રાખીને પરિપૂર્ણ કરવાનું રહે. આવા કાર્યમાં તમામ નાગરિકોની નૈતિક જવાબદારી એકસરખી તેમ છતાં વિવિધ રહે.
ભૂકંપ અને વનસ્પતિસૃષ્ટિ : કચ્છના શુષ્ક પ્રદેશમાં વનસ્પતિનું પ્રમાણ ઓછું છે. ઇમારતો ધરાશાયી થઈ ગઈ, પરંતુ વૃક્ષો ઊભાં છે. વૃક્ષોનાં જમીનમાં જડાયેલાં મૂળ તીવ્ર ધ્રુજારીના આંચકા સહન કરી શકે છે, વળી તે જમીનને ફાટી જતી અટકાવે છે. જ્યાં વૃક્ષોની ગીચતા વધુ છે ત્યાં આંચકાઓની અસર ઓછી અનુભવાઈ છે. વનસ્પતિના સાંનિધ્યમાં ભૂમિને રક્ષણ મળી રહે છે. વૃક્ષોમાં આંચકા જીરવવાની ક્ષમતા હોવાથી તે મૂળતંત્રના જાલક દ્વારા જમીનને જકડી રાખી શકે છે, તરંગોનો વેગ ઓછો કરવામાં મદદરૂપ બની રહે છે. શુષ્ક રેતાળ કે શુષ્ક કાંપવાળી જમીનો કરતાં ભેજવાળી ગોરાડુ જમીનો ભૂકંપના આંચકા અસરકારક રીતે ઝીલી લે છે. આ બાબત કચ્છના વિનાશક ભૂકંપે સમજાવી છે.
ભૂકંપ અને વન્ય પ્રાણીઓ : આધુનિક વિજ્ઞાન હજી ભૂકંપની વેળાસર આગાહી કરવાની સ્થિતિમાં પૂરેપૂરું પહોંચ્યું નથી. તાજેતરનો ભૂકંપ થયો તે દિવસે થોડાક કલાક અગાઉ અને કેટલાંક સ્થાનોમાં આગલે દિવસે શિયાળ, કૂતરાં, ડુક્કર, ઉંદર અને પાલતુ પ્રાણીઓમાં અસ્વસ્થતા, વિહ્વળતા જોવા મળેલાં ખરાં. શિયાળ લાળી કરવા મંડેલાં, કંઈક અજુગતું થવાનાં આ એંધાણને લોકો પારખી શક્યા નહિ. પ્રાણીઓમાં ઘ્રાણશક્તિ, શ્રવણશક્તિ, ર્દષ્ટિતીવ્રતા, સ્પર્શજ્ઞાન વધુ હોવાથી તેઓ વધુ સંવેદનશીલ હોય છે. સાપ ભૂમિ પરના અલ્ટ્રાસૉનિક તરંગો પારખી શકે છે. દેડકાં વરસાદ પહેલાં હવામાં ભેજનો તફાવત પારખી શકે છે. સ્થળાંતર કરનારાં પક્ષીઓ હિમપાત થતા પહેલાં ઉત્તર ધ્રુવનાં પોતાનાં નિવાસસ્થાનો છોડીને દક્ષિણ તરફ પ્રયાણ શરૂ કરે છે.
પ્રાણીઓમાં આવી અગમચેતી માટેનું નિયંત્રણકેન્દ્ર તૃતીય નેત્ર-કાય(pineal body)માં હોય એવું મનાય છે. ઉત્ક્રાંતિની કક્ષાઓમાં મનુષ્યમાં આ અંગ અવશિષ્ટ બની ગયું, જ્યારે પ્રાણીઓમાં તે અકબંધ રહ્યું; અને પ્રાણીભેદે તે ઓછાવત્તા પ્રમાણમાં કાર્યશીલ હોય છે. પક્ષીઓમાં પણ પ્રેરણાકેન્દ્ર કામ કરતું હોય છે.
બૌદ્ધિક વિકાસ અને સાંસ્કૃતિક પ્રગતિની સાથે માનવનો નૈસર્ગિક પર્યાવરણ સાથેનો નાતો તૂટતો જાય છે. ભૂકંપનાં કારણો જે હોય તે, પરંતુ ભૂમિ પર તેની અસર માટે ભૂમિપ્રકાર, સ્થળર્દશ્ય, ભૂગર્ભીય જળસંચય, સપાટી-જળસંચય, વનસ્પતિ-આવરણ જેવાં પરિબળો જવાબદાર છે. અમદાવાદ જેવાં નગરોમાં ભૂમિનો અભ્યાસ કર્યા વિના આડેધડ ઊભી કરેલી માનવસર્જિત ખામીભરેલી ઇમારતી રચનાઓ પણ ઓછી જવાબદાર નથી.
ભૂકંપ-હાનિ-નિવારણ : ભૂકંપની ભયંકરતા અનુભવ્યા પછી નૈસર્ગિક પર્યાવરણને અનુકૂળ એવાં આયોજનો વિચારવાની જરૂર ઊભી થઈ છે : (i) જે તે વિસ્તારમાં વૃક્ષોની ઊંચાઈ કરતાં વધુ ઊંચાં મકાનો બાંધવાં હિતાવહ નથી. (ii) શક્ય એટલો વિસ્તૃત ‘ગ્રીન બેલ્ટ’-હરિત પટ્ટો આવા સમયે કિલ્લેબંધીનું કામ આપે છે. (iii) વન્ય કે પાલતુ પ્રાણીઓ, દરમાં રહેતાં પ્રાણીઓ અને પક્ષીઓનાં વર્તનનું બારીકાઈભર્યું નિરીક્ષણ કરવામાં આવે તો સંભવિત હાનિનું પ્રમાણ ઘટાડી શકાય અથવા સાવચેતીનાં પગલાં તો જરૂર લઈ શકાય.
રા. ય. ગુપ્તે