ભૂકંપશાસ્ત્ર (seismology) : પૃથ્વી કે કોઈ પણ અન્ય ગ્રહ તેમજ તેમના કુદરતી ઉપગ્રહોમાં થતાં ભૂકંપ અને ભૂકંપીય તરંગપ્રસારણને લગતું વિજ્ઞાન. (પૃથ્વી માટે ભૂકંપ, ગ્રહો/ઉપગ્રહો માટે ગ્રહીય કંપ) પૃથ્વીના વિશેષ સંદર્ભમાં જોતાં, જે તે સ્થાનમાં જ્યારે પણ ભૂકંપ થાય ત્યારે તેના ઉદભવકેન્દ્રમાંથી પોપડામાં તેમજ પેટાળમાં ભૂકંપતરંગો પ્રસરણ પામે છે અને પૃથ્વીની સપાટી પર જુદાં જુદાં સ્થળોએ ગોઠવેલાં ભૂકંપલેખયંત્રો પર નોંધાય છે. ભૂકંપ-તરંગોની નોંધના અભ્યાસ પરથી ભૂકંપની ક્રિયાપદ્ધતિ અને પેટાળની રચનાનું અનુમાન મુકાય છે.

ભૂકંપની ઘટનાના માત્રાત્મક માપન માટે ભૂકંપલેખયંત્ર જેવાં સાધનોના વિકાસની સાથે સાથે 1880ના અરસામાં એક અલાયદા વિજ્ઞાન તરીકે ભૂકંપશાસ્ત્રનો પ્રારંભ થયો. ભૂકંપલેખયંત્રોમાં ક્રમશ: થતા ગયેલા સુધારાવધારાના ફેરફારોની સાથે સાથે આ વિજ્ઞાનમાં પણ નોંધપાત્ર પ્રગતિ થઈ છે. આ માટે વિશ્વવ્યાપી અધિકૃત ભૂકંપલેખયંત્રની જાળ(worldwide standard seismograph network)નું એક એવું વ્યવસ્થાતંત્ર ગોઠવવામાં આવ્યું છે, જેમાં ભૂકંપ કે અણુઅખતરામાંથી ઉદભવતા સંકેતો પૃથ્વી પરનાં 125 જેટલાં મથકો ખાતે તદ્દન સમાન લાક્ષણિકતાઓ ધરાવતાં સાધનો પર નોંધાય છે. તેમાંથી અંતરના પ્રમાણભેદે પહોંચતાં ભૂકંપીય તરંગ-સ્વરૂપોની ચોકસાઈભરી તુલના કરવામાં આવે છે. વળી, ભૂકંપીય લક્ષણો જાણવા માટેની વ્યવસ્થા મૉન્ટાના, નૉર્વે અને અલાસ્કા ખાતે પણ કરવામાં આવેલી છે. આ ઉપરાંત દુનિયાભરનાં કેટલાંક ખાસ પસંદ કરાયેલાં સ્થળોએ અતિસૂક્ષ્મગ્રાહી ભૂકંપલેખયંત્રો પણ ગોઠવવામાં આવ્યાં છે.

ગિરીશભાઈ પંડ્યા