ભુલ્લર હરમનપ્રીત કૌર (જ. 8 માર્ચ 1989 મોગા, પંજાબ) : આંતરરાષ્ટ્રીય મહિલા ટી-ટ્વેન્ટી મૅચમાં સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટ ખેલાડી.
હરમનપ્રીત કૌરનો જન્મ શીખ પરિવારમાં થયેલો. માતા સતવિંદર કૌર ગૃહિણી હતાં. પિતા હરમંદર સિંહ ભુલ્લર અચ્છા વૉલીબૉલ અને બાસ્કેટબૉલ ખેલાડી હતા. હરમનપ્રીતને બાળપણથી ક્રિકેટ રમવામાં અભિરુચિ હતી. પિતા ખુદ ખેલાડી હોવાથી પુત્રીને ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહિત કરી. મોગામાં પોતાના નિવાસથી 30 કિલોમીટરના અંતરે જિયાન જ્યોતિ સ્કૂલ અકાદમીમાં હરમનપ્રીતને એટલા માટે પ્રવેશ અપાવ્યો કે એ શાળામાં ક્રિકેટનું સારું પ્રશિક્ષણ અપાતું. અહીં દાખલ થયા પછી હરમનપ્રીતે વિધિસર અને પદ્ધતિસર ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. ક્રિકેટ કોચ કમલદીપ સિંહ સોઢીએ હરમનપ્રીતને પ્રશિક્ષિત કરી. ક્રિકેટના ખેલની બારીકીઓ શીખવી. દરમિયાન, શાળાકીય શિક્ષણ બાદ જાલંધરના હંસરાજ મહિલા મહાવિદ્યાલયમાંથી ભણવાનું પૂરું કર્યું. ત્યારબાદ હરમનપ્રીત 2014માં મુંબઈ ચાલી ગઈ. સચિન તેંડુલકરની સહાયથી ભારતીય રેલવે માટે કામ કરવાનું શરૂ કર્યું.
આંતરરાષ્ટ્રીય મહિલાદિને જન્મેલી હરમનપ્રીત કૌરે સિદ્ધિ પણ આંતરરાષ્ટ્રીય સ્તરની હાંસલ કરી છે. હરમનપ્રીત કૌર ભારતીય મહિલા ક્રિકેટ ખેલાડી છે. ઑલરાઉન્ડર ક્રિકેટર છે. ભારતીય ક્રિકેટ ટીમમાં જર્સી ક્રમાંક સાતનો અર્થ હરમનપ્રીત કૌર થાય છે. ભારત સરકારે હરમનપ્રીત કૌરને 2017માં પ્રતિષ્ઠિત અર્જુન પુરસ્કારથી સન્માનિત કરેલી. નવેમ્બર 2018માં હરમનપ્રીત મહિલા ટી-ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મૅચમાં શતક ફટકારનાર ભારતની પહેલી મહિલા ક્રિકેટ ખેલાડી બનેલી. હરમનપ્રીત ભારત માટે ટ્વેન્ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ મૅચ રમી છે. એણે 150 ટ્વેન્ટી-20 મૅચમાં ખેલનું પ્રદર્શન કર્યું હતું. 150 ટ્વેન્ટી-20 મૅચ રમનાર એ પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર છે. કૅપ્ટન તરીકે પણ સૌથી વધુ ટ્વેન્ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચ રમનાર મહિલા ક્રિકેટર હરમનપ્રીત જ છે. ટ્વેન્ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચમાં સૌથી ઝડપથી 2000 રન બનાવનાર મિતાલી રાજ પછીની એ બીજી ખેલાડી છે. ટ્વેન્ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચમાં સૌથી વધુ રન બનાવનાર તરીકે પણ મિતાલી રાજ પછી હરમનપ્રીત બીજા ક્રમાંકની ક્રિકેટર છે. ટ્વેન્ટી-20 વિશ્વ-કપ ફાઈનલમાં ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ ફરીવાર કરી શકી હોય એવી બીજી કપ્તાન હરમનપ્રીત છે. પહેલા ક્રમાંકે મહેન્દ્રસિંહ ધોની છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પહેલીવાર ટ્વેન્ટી-20 વર્લ્ડકપ ફાઇનલ સુધી પહોંચાડવાનું શ્રેય પણ હરમનપ્રીતને જ મળ્યું છે. ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે વિઝડન ક્રિકેટર્સની 2023ના વર્ષમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ પાંચની યાદીમાં સ્થાન મેળવનાર પહેલી ભારતીય મહિલા ક્રિકેટર તરીકેનું સન્માન પણ હરમનપ્રીતને જ મળ્યું છે. સફળ બલ્લેબાજોમાં પોતાનું નામ સામેલ કરનાર હરમનપ્રીત કૌરે વીરેન્દ્ર સહેવાગથી પ્રભાવિત થઈને અને પ્રેરાઈને ક્રિકેટના ક્ષેત્રમાં નામ રોશન કર્યું છે.
હરમનપ્રીત કૌરે ઔપચારિકપણે ક્રિકેટમાં પદાર્પણ માત્ર વીસ વર્ષની ઉંમરે કર્યું હતું. વર્ષ 2009માં 7 માર્ચના દિવસે પાકિસ્તાન વિમેન અંતર્ગત અર્ક રાઇફલ્સ વિરુદ્ધ ક્રિકેટ રમવાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકેની કારકિર્દીનો આરંભ કર્યો. આ જ વર્ષે વિમેન્સ ક્રિકેટ વિશ્વકપમાં પણ રમવાનો એને મોકો મળ્યો. ત્યાર બાદ એણે પોતાની એક દિવસીય આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો આરંભ કર્યો. 11 જૂન, 2009ના હરમનપ્રીતે ટ્વેન્ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મૅચમાં પગરણ કર્યાં. ‘2009 આઈસીસી વિમેન્સ વર્લ્ડ ટ્વેન્ટી-20’ તરીકે જાણીતી આ ટુર્નામેન્ટમાં હરમનપ્રીત કૌરે ઇંગ્લૅન્ડ વિમેન વિરુદ્ધ પોતાની પહેલી મૅચ ખેલી હતી.
વર્ષ 2012માં વિમેન્સ ટ્વેન્ટી-20 એશિયા કપ ફાઇનલ મૅચમાં હરમનપ્રીતને ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરવાનો મોકો મળ્યો. એ સમયે ટીમની કૅપ્ટન મિતાલી રાજ અને વાઇસ કૅપ્ટન ઝૂલન ગોસ્વામી, બંને ઘાયલ હોવાને કારણે હરમનપ્રીતને કૅપ્ટનશિપ સોંપાયેલી. આ શ્રેણીમાં હરમનપ્રીતે પાકિસ્તાની મહિલા ક્રિકેટ ટીમ વિરુદ્ધ કપ્તાન તરીકે પદાર્પણ કર્યું. હરમનપ્રીતના નેતૃત્વમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 81 રનથી પાકિસ્તાનને હરાવીને એશિયા કપ જીતી લીધેલો. માર્ચ, 2013માં હરમનપ્રીતને બાંગલાદેશ વિમેન ટૂર માટે મહિલા ટીમની કૅપ્ટન બનાવવામાં આવી.
વર્ષ 2014માં હરમનપ્રીતે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું. 13 ઑગસ્ટ, 2014ના ઇંગ્લૅન્ડ વિમેન ક્રિકેટ ટીમ વિરુદ્ધ આ મૅચ રમાયેલી. ત્યાર બાદ નવેમ્બર, 2015માં મહિસુરના ગંગોત્રી ગ્લેડ ક્રિકેટ ગ્રાઉન્ડમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાયેલી મૅચમાં હરમનપ્રીતે નવ વિકેટ લેવામાં સફળતા મેળવી. પરિણામે ભારતીય ટીમ એક પારીથી ટેસ્ટમૅચ જીતી શકી. જાન્યુઆરી, 2016માં ઑસ્ટ્રેલિયા શ્રેણીની એક મૅચમાં હરમનપ્રીતે 31 બૉલમાં 46 રન બનાવેલા. ભારતીય મહિલા ટીમ આ સીરિઝ જીતી ગયેલી. વર્ષ 2017માં વિમેન ક્રિકેટ વર્લ્ડકપમાં હરમનપ્રીતે શાનદાર ક્રિકેટનું પ્રદર્શન કર્યું. 20 જુલાઈ, 2017ના વિશ્વકપ સેમી ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ 115 બૉલમાં 20 ચોક્કા અને સાત છગ્ગા સહિત નોટઆઉટ રહીને 171 રન બનાવ્યા. આ વર્લ્ડકપમાં ભારતીય ટીમ ફાઇનલ સુધી પહોંચેલી, પણ માત્ર 9 રનથી ઇંગ્લૅન્ડ સામે હારી ગયેલી.
ટ્વેન્ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચમાં હરમનપ્રીતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. 9 નવેમ્બર, 2018ના રોજ હરમનપ્રીતે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ-આઈસીસી ક્રિકેટ વિશ્વકપમાં ન્યૂઝીલૅન્ડ વિરુદ્ધ રમાયેલી ટ્વેન્ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચમાં 51 બૉલમાં 8 છગ્ગા અને 7 ચોક્કા ફટકારીને 103 રન બનાવેલા. આ પ્રકારની કામિયાબી મેળવનાર હરમનપ્રીત કૌર પહેલી ભારતીય મહિલા ક્રિકેટર છે. ટ્વેન્ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ન્યૂઝીલૅન્ડની ખેલાડી સૂજી બૅટ્સ બાદ એક કૅલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ક્રિકેટર હરમનપ્રીત કૌર છે.
ક્રિકેટના ક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન કરવા બદલ હરમનપ્રીત કૌરને કેટલાક પુરસ્કારોથી નવાજવામાં આવી છે. 2017માં અર્જુન પુરસ્કાર, આઈસીસી મહિલા ટ્વેન્ટી-20 ટીમ ઑફ ધ યર, અને બોર્ડ ઑફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા- બીસીસીઆઈની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તરીકેનું સન્માન હરમનપ્રીત કૌરને મળ્યું છે. હરમનપ્રીત ક્રિકેટના આકાશનો ઝળહળતો સિતારો છે.
ટીના દોશી