ભુલ્લર, ગુરબચન સિંહ

January, 2001

ભુલ્લર, ગુરબચન સિંહ (જ. 18 માર્ચ 1937, પિથો, જિ. ભટિંડા, પંજાબ) : પંજાબી લેખક. તેમને તેમની કૃતિ ‘અગ્નિ કલસ’ બદલ 2005નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી પંજાબી ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી મેળવી છે. તેમણે નવી દિલ્હીના યુ.એસ.એસ.આર.ના માહિતી ખાતાના સિનિયર સંપાદક તરીકે કારકિર્દી શરૂ કરી હતી. 26 વર્ષ સુધી પત્રકારત્વના ક્ષેત્રે તેઓ કાર્યરત રહ્યા. અધ્યાપક તરીકે પણ કામગીરી કરી. તેઓ હિંદી, અંગ્રેજી અને ઉર્દૂ ભાષાની જાણકારી ધરાવે છે. તેઓ 1999માં ચંડીગઢના ‘ટ્રિબ્યૂન’ દૈનિકના સંપાદકપદેથી સેવાનિવૃત્ત થયા.

તેમણે અત્યાર સુધીમાં 20થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ઓપરા મર્દ’ (1969), ‘વખતાં મારે’ (1975), ‘મૈં ગઝનવી નહિ’ (1985) પંજાબી વાર્તાસંગ્રહો છે. ‘ફિર મેહકી જિંદગી’ (1985) રશિયન ભાષામાંથી અનૂદિત નવલકથા છે. ‘મૌન કહાની’ (1986) કાવ્યસંગ્રહ છે; ‘સુબહ કિતની ખૂબસૂરત હૈ’ ઉર્દૂ વાર્તાસંગ્રહ અને ‘નરહે નરહે’ (1992) વ્યક્તિચિત્રો છે. ‘પંજાબી કહાની યાત્રા’ (1996) વિવેચનાત્મક ગ્રંથ છે. ‘નીલા ચાંદ’ (1996) હિંદીમાંથી અનૂદિત નવલકથા છે. તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને દિલ્હીની પંજાબી અકાદમી તરફથી નાનક સિંઘ ઍવૉર્ડ (1989), કુલવંત સિંઘ વર્ક ઍવૉર્ડ (1990), બલરાજ સાહની ઍવૉર્ડ (1992) અને સૈયદ વારિસ શાહ ઍવૉર્ડ (1995) એનાયત કરવામાં આવ્યા છે.

ગુરબચન સિંહ ભુલ્લર

તેમની પુરસ્કૃત કૃતિ ‘અગ્નિ કલસ’ વિવિધ વિષયવસ્તુ અને વિશિષ્ટ શૈલીવાળો વાર્તાસંગ્રહ છે. તેમાં પ્રત્યેક સમસ્યાનો ઉકેલ સૌંદર્યપરક રીતે રજૂ કરવામાં આવ્યો છે. તેમાં માનવસંબંધોની જટિલતાઓનું સુંદર ચિત્રાંકન અને વિષયવસ્તુઓનું રસાત્મક કથાલેખન હોવાથી પંજાબીમાં તે એક લાક્ષણિક નજરાણું ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા