ભુટ્ટો, બેનઝીર (જ. 21 જૂન 1953, કરાંચી; પાકિસ્તાન) : પાકિસ્તાન અને ઇસ્લામી દેશોનાં પ્રથમ મહિલા-વડાંપ્રધાન, રાજકારણી અને ઝુલ્ફિકાર અલી ભુટ્ટોનાં પુત્રી. હાર્વર્ડ અને ઑક્સફર્ડમાં તેમણે અભ્યાસ કર્યો તથા ફિલૉસૉફી, રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના વિષયો સાથે 1976માં સ્નાતક બન્યાં. 1977માં ઑક્સફર્ડ યુનિયનનાં પ્રથમ એશિયન મહિલા-પ્રમુખ બન્યાં. 1977ની મધ્યમાં પાકિસ્તાન પાછાં ફર્યાં, પરંતુ તે જ અરસામાં ઝુલ્ફિકાર અલી ભુટ્ટોને લશ્કરી બળવાને કારણે સત્તા છોડવી પડી હતી; તેથી બેનઝીર દેશ છોડી ગયાં અને 1977થી ’84 સુધી દેશવટો વેઠ્યો.
1986માં તેઓ પાકિસ્તાન પરત ફર્યાં. આ સમયે પાકિસ્તાનમાંથી માર્શલ લૉ ઉઠાવી લેવાયો હતો અને રાજકીય સ્વાતંત્ર્યની સ્થિતિ પ્રવર્તતી હતી, તેથી તેમણે મુક્ત ચૂંટણીઓની માંગ કરી. તેમણે ઝિયા ઉલ હક્કના શાસન સામે લોકોને ક્રાંતિ માટે ઉશ્કેર્યા; રાજકીય રૅલીઓ યોજી, સરકારના બહિષ્કારનું એલાન આપ્યું અને સરકારના કટ્ટર રાજકીય પ્રતિસ્પર્ધી તરીકે કાઠું કાઢ્યું. દરમિયાન 1987માં સંપત્તિવાન અને વ્યવસાયી ધનિક યુવાન આસિફ અલી ઝરદારી સાથે નિકાહ પઢ્યા. 1988ની ચૂંટણીઓમાં તેમના પક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને બહુમતી મળતાં 1988થી ’90 સુધી વડાંપ્રધાન રહ્યાં. 1993ની ચૂંટણીમાં પણ તેમના પક્ષને વિજય હાંસલ થતાં બીજી વાર વડાંપ્રધાન બન્યાં. 1996 સુધી આ હોદ્દા પર રહ્યાં તે દરમિયાન તેમના પર સરકારમાં ભારે ભ્રષ્ટાચારના આરોપો મુકાયા અને તેથી નવેમ્બર, 1996માં પ્રમુખ ફારૂક લેઘારીએ તેમને પદભ્રષ્ટ કર્યાં. 1997ની ચૂંટણીમાં તેમનો પાકિસ્તાન પીપલ્સ પાર્ટી પક્ષ પરાજિત થયો.
તેમના પતિને ભ્રષ્ટાચારના આક્ષેપોસર કેદ કરવામાં આવ્યા અને તે પાકિસ્તાન છોડી લંડન ચાલ્યાં ગયાં. બે પુત્રો સાથે હાલ તેઓ લંડનમાં વસે છે.
‘ડૉટર ઑવ્ ધી ઈસ્ટ’ તેમની આત્મકથા છે.
રક્ષા મ. વ્યાસ