ભીષ્મ : મહાભારતનું જાણીતું પાત્ર. રાજા શંતનુને ગંગાથી મળેલા આઠમાંના કનિષ્ઠ પુત્ર ગાંગેયની દેહકાંતિ દેવ જેવી દેદીપ્યમાન અને વ્રત-નિષ્ઠા નિશ્ચલ હોવાથી, તેમને ‘દેવવ્રત’ નામ મળ્યું. તેમના સાત અંગ્રજો મૃત્યુ પામ્યા હોવાથી, રાજ્યના તેઓ અધિકૃત વારસ હતા. દ્યુ નામના વસુના તેઓ અવતાર હતા.

‘પોતાનો દૌહિત્ર જ શંતનુ પછી રાજ્ય-વારસ બને’ એવી મત્સ્યગંધાના માછીમાર પિતાની શરત સ્વીકારીને, તેની સાથે પોતાના પિતા શંતનુનાં લગ્ન શક્ય બનાવવા માટે, તેમણે લીધેલી સંપૂર્ણ નૈષ્ઠિક બ્રહ્મચર્યની કઠોર પ્રતિજ્ઞાના ‘ભયંકર’ સૂચિતાર્થને કારણે, તેઓ ત્યારપછી આજીવન ‘ભીષ્મ’ નામે જ ઓળખાયા. તેમની આ અભૂતપૂર્વ ત્યાગવૃત્તિથી પ્રસન્ન થયેલા શંતનુએ તેમને ઇચ્છામૃત્યુનું વરદાન આપ્યું હતું.

શંતનુના અવસાન બાદ મત્સ્યગંધાનો મોટો પુત્ર ચિત્રાંગદ એક યુદ્ધમાં હણાયા પછી, ભીષ્મે નાના પુત્ર વિચિત્રવીર્યને રાજ્યગાદીએ બેસાડ્યો અને તેનાં લગ્ન માટે, અંબા–અંબિકા–અંબાલિકાનું – કાશીરાજની આ ત્રણેય પુત્રીઓનું – સ્વયંવર – મંડપમાંથી જ હરણ કરીને તેઓ લઈ આવ્યા; પરંતુ અંબા પ્રથમથી જ શાલ્વને મનોમન વરી ચૂકી હોવાથી ભીષ્મે તેને જવા દીધી; પણ ભીષ્મ-સ્પર્શ – દૂષિતાને શાલ્વે ન સ્વીકારી. પોતાના આ દુર્ભાગ્ય માટે ભીષ્મ જવાબદાર હોવાથી, અંબાએ વૈરવૃત્તિથી તપ કર્યું અને સુદીર્ઘ કસોટી-પ્રક્રિયાને અંતે, તેને ‘શિખંડી’ તરીકે પુનર્જન્મ મળ્યો, જે પછીથી ભીષ્મના મૃત્યુનું કારણ બન્યો.

નિ:સંતાન વિચિત્રવીર્યનું પણ ક્ષયરોગથી અવસાન થતાં, મત્સ્યગંધામાંથી ‘સત્યવતી’ બનેલી રાજમાતાએ, ભીષ્મ-સંમતિથી, કૌમાર્યાવસ્થાના પોતાના પરાશર-પુત્ર વ્યાસને બોલાવીને, તેનો બંને વિધવા પુત્રવધૂઓ સાથે, પ્રચલિત ‘નિયોગ’-પ્રથા અનુસાર સમાગમ યોજ્યો, જેના પરિણામે અંબિકાએ જન્માંધ ધૃતરાષ્ટ્રને અને અંબાલિકાએ મંદકાંતિ ‘પાંડુ’ને જન્મ આપ્યો. પછી તો, ધૃતરાષ્ટ્રના સો પુત્રો (કૌરવો) અને પાંડુના પાંચ પુત્રો(પાંડવો)ના વડીલ સંરક્ષક તરીકે ભીષ્મ, સાચા અર્થમાં, કુરુવંશના ‘પિતામહ’ બની રહ્યા. તેઓ સર્વશાસ્ત્રના જ્ઞાતા હતા. તેમના વેદના ગુરુ વસિષ્ઠ અને ચ્યવન ભાર્ગવ; શસ્ત્રવિદ્યાના ગુરુ બૃહસ્પતિ, શુક્રાચાર્ય અને પરશુરામ; રાજનીતિ અને અર્થશાસ્ત્રના ગુરુ પરશુરામ તથા યતિધર્મના ગુરુ માર્કંણ્ડેય હતા.

કુરુક્ષેત્ર-યુદ્ધમાં, હસ્તિનાપુર રાજ્યના મોવડી-શ્રેષ્ઠ તરીકે, ભીષ્મ પ્રથમ દશ દિવસ, કૌરવસેનાના સેનાપતિ તરીકે લડ્યા, અને મૂળભૂત સ્ત્રી એવા શિખંડીને રથાગ્રે બેસાડીને, અર્જુને તેમના પર બાણવર્ષા ચલાવી ત્યારે, સ્ત્રી પર પ્રહાર ન કરવાની પ્રતિજ્ઞાને કારણે, અન્યથા અજેય એવા તે પડ્યા.

બાણશય્યા પરના ભીષ્મે, શ્રીકૃષ્ણની સૂચનાથી, વિજયી છતાં સ્વજન – મહાસંહારથી વિષણ્ણ યુધિષ્ઠિરને તથા અસંખ્ય ઋષિમુનિઓને પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય ઉપદેશ આપ્યો અને અંતે ઉત્તરાયણ-સમયનું ઇચ્છા-મૃત્યુ તેઓ પામ્યા. મૃત્યુસમયે તેમની વય સોથી વધુ હતી.

જયાનંદ દવે