ભીલ : એક આદિવાસી જાતિ. ‘ભીલ’ શબ્દ મૂળ દ્રવિડ કુળના ‘બીલ્લુ’ શબ્દ ઉપરથી ઊતરી આવ્યાનું મનાય છે. તેનો અર્થ બાણ અથવા તીર થાય છે. ભીલો પ્રાચીન કાળથી પોતાની સાથે બાણ રાખતા આવ્યા છે. આને કારણે ભીલ નામે ઓળખાયા હોય એવું માનવામાં આવે છે. હાલમાં બાણ-તીર માટે બીલ્ખું શબ્દ વપરાય છે. ભીલોમાં રક્ષણ માટેનું મુખ્ય હથિયાર તીર-કામઠું છે.
ભીલ માટે સં. भिल्ल શબ્દ કોશકારોએ વાપરેલો છે. ભીલ શબ્દ એક જ જાતિ માટે તેમજ બધી આદિવાસી જાતિઓની ઓળખ માટે વપરાયો છે. ગુજરાતની પૂર્વ સરહદે ભીલો રહે છે. સાતપુડાના પહાડોમાં ભીલો રહે છે.
ભીલોના ઘણા ઉલ્લેખો ભારતના પ્રાચીન સાહિત્યમાં મળે છે. રામાયણમાં શબરીનો અને મહાભારતમાં એકલવ્યનો ઉલ્લેખ છે.
આર્યોની પહેલાં ભારતમાં ભીલો વસતા હતા અને રાજ્યસત્તા ભોગવતા હતા. આર્યોના આગમન પછી આર્ય-અનાર્ય સંઘર્ષો થયા. તેમાં હાર થવાથી ભીલો જંગલમાં અને પહાડોમાં ચાલ્યા ગયા એવું મનાય છે.
આજ સુધી જે તપાસ થઈ છે અને અભ્યાસ થયો છે તે ઉપરથી એક મત એવો છે કે તેઓ દ્રવિડિયન વંશના નથી, પણ આર્ય વંશના છે. ખાસ કરીને ખોપરી, કપાળ, ગરદન, મુખમુદ્રા તથા છાતીનો બાંધો તપાસતાં તેઓ આર્ય વંશના જણાય છે, અને આર્યોની અગાઉ ભૂમધ્ય સાગરના પ્રદેશમાંથી આવી ભારતમાં વસ્યા હોય એમ મનાય છે. આમ છતાં આ દેશના જ મૂળ વતનીઓ છે કે બહારથી આવેલા છે તે સંબંધી ચોક્કસ કશું વિધાન કરવું મુશ્કેલ છે.
રાજપૂત રાજાઓએ, ઔરંગઝેબના સમયમાં મુસલમાનોએ અને મરાઠાઓએ જોરજુલમ કર્યો અને ભીલનાં રાજ્યો લઈ લીધાં. રાજગાદી પરના તેમના મૂળ અધિકારની સાબિતી રૂપે કેટલાંક રજપૂત રાજ્યોમાં રાજ્યાભિષેક વખતે ભીલના હાથના અંગૂઠાના લોહીથી રાજાને પહેલું તિલક કરવાનો રિવાજ હતો.
આર્ય કુળના સમાજથી ભિન્ન તે ભીલ. ગુજરાતમાં ભીલ નામથી ઓળખાતી જાતિ ગુજરાતની 29 આદિવાસી જાતિઓમાંની એક છે. તેઓ બનાસકાંઠાથી ઠેઠ ડાંગ સુધી એટલે અરવલ્લી—આરાસુર, વિંધ્યાચળ, સાતપુડા અને સહ્યાદ્રિની પહાડીમાં વસે છે, અને બધી આદિવાસી જાતિઓથી અર્ધા જેટલી વસતિ ધરાવે છે. આખી પટ્ટીમાં એક જ નામથી ઓળખાતા હોવા છતાં દરેક જિલ્લા અને તાલુકાના ભીલો જુદી જાતિ હોય એવું સામાજિક જીવન ધરાવે છે.
ભીલ જાતિની વધારે વસતિ હોય એવા ગુજરાતના જિલ્લા અને તાલુકા આ પ્રમાણે છે :
બનાસકાંઠા : પાલનપુર, દાંતા અને વડગામ.
સાબરકાંઠા : ખેડબ્રહ્મા, મેઘરજ, ભિલોડા, ઈડર, વિજયનગર.
ગોધરા (પંચમહાલ) : ગોધરા.
દાહોદ : સંતરામપુર, ઝાલોદ, દાહોદ, લીમખેડા, દેવગઢબારિયા.
વડોદરા : સંખેડા, નસવાડી, તિલકવાડા, છોટાઉદેપુર, કવાંટ.
ભરૂચ : ભરૂચ, વાગરા, જંબુસર, આમોદ, અંકલેશ્વર, હાંસોટ.
નર્મદા : ઝઘડિયા, વાલિયા, નાંદોદ, ડેડિયાપાડા, સાગબારા.
સૂરત : સોનગઢ, વ્યારા, માંગરોળ, માંડવી, ઉચ્છલ, નિઝર.
ડાંગ : આહવા.
ભીલોમાં ડુંગરી ભીલ, ડુંગરી ગરાસિયા, ભીલ ગરાસિયા, ઢોલી ભીલ, રાવળ ભીલ, તડવી ભીલ, મેવાસી ભીલ, વસાવા, ડુંગરાભીલ, વસાવે, પાવરા એવી પેટાજાતિઓ છે.
બનાસકાંઠા અને સાબરકાંઠામાં ડુંગરી ભીલ, ડુંગરી ગરાસિયા, ભીલ ગરાસિયા વસે છે. તેઓ એકબીજાથી તદ્દન જુદી જાત જેવા ગણાય છે. ભાષા ભીલી છે. તેમનામાં ગમાર, તરાળ, પારધી, ડાભી, સોલંકી જેવાં ગોત્રો છે. એક જ ગોત્રનાં ભાઈબહેન ગણાય છે, એટલે પરાયા ગોત્રમાં લગ્ન થાય છે. પરંપરા પ્રમાણે લગ્ન થાય છે. જેઠ-અષાઢ લગ્નની મોસમના મહિના છે.
ડુંગરી ભીલોમાં ભક્તિપરંપરાની કંઠસ્થ સામગ્રીમાં રામાયણ, મહાભારત, દેવોના અરેલા છે. તે એમના ભગત-સાધુઓએ પૌરાણિક વાતોને પોતાની ભીલી પરંપરામાં ઉતારેલાં લૌકિક સ્વરૂપો છે. શ્રાવણમાં બીજ-પાટ અને ભાદરવામાં ધૂળાના ઠાકોરનો પાટ ઊજવાય છે. આસોમાં નોરતું, દશેરા, દિવાળી ઊજવાય છે. કારતકમાં વેહ (ભૂત) વંતર કાઢે, મંતર પાકા કરે. માગસર-પોષમાં જોગમાઈ, સુંડ, ધપસા, અબાવ ગોત્રદેવીઓનાં વતામણાં (વધામણાં) કરે. માનતા રાખેલા બાળકના વાળ ઉતારે. મહામાં કૉબરિયા ઠાકોરની કૉળી ઊજવે. ફાગણ-ચૈત્રમાં મેળા મહાલે, શત્રુનાં વેર વાળે, ઘૅરમાં બાલા-બાલીનો વેશ કાઢી હસવાનો લહાવો લે. એંદર (ઇંદ) રાજાને નમન કરી મેઘ માગવાનો ઉત્સવ ઊજવે છે.
પંચમહાલ-ગોધરા-દાહોદના ભીલોને બનાસકાંઠા-સાબરકાંઠાના ભીલો સાથે સંબંધ નથી. પંચમહાલનાં ભીલોમાં ડામોર, નિનામા, ડાંગી, બામણિયા, મુનિયા, પસાયા જેવી 42 અટકો છે. સમાજમાં ભગત, ઢોલી અને રાવળનું આધિપત્ય છે. ભગત દેવ-દેવીની આરાધના કરે અને આફતો વખતે સમાજને દોરે છે. રાવળ પૂજારાનું કામ કરે છે. ઢોલી ઢોલ વગાડવાનું કામ કરે છે. બહારના અભ્યાસીઓએ તેમને ભીલ જેવા દેખાતા હોવાથી રાવળ ભીલ, ઢોલી ભીલ કહ્યા છે. મુખી તડવી કહેવાય છે. તેથી ઢોલી ભીલ, રાવળ ભીલ અને તડવી ભીલ એવો પેટાજાતિનો ઉલ્લેખ થયો છે.
માંદા માણસની માંદગી વખતે ભૂવાઓ તેની તાંત્રિક સારવાર કરે છે. વિધિ વખતે મહાપુરુષો અને દેવ-દેવીઓનાં કથાગીત (ગાયણું) ગાય છે. તેમનાં નામ (1) ગણેહ (ગણેશ), (2) શારદા, (3) દેવ હાદરજો (4) ડામરા ભીલ, (5) મનાતો કુંવોર, અને (6) બાલીસર (બાણેશ્વર-ઓખા) છે.
તેમનામાં ભીલોડી રામાયણ નથી, પણ ભીલ સેવા મંડળના સમાજ-સેવક પાંડુરંગ ગોવિંદ વણીકરના ભાણેજ, જે દત્તમહારાજ તરીકે ઓળખાતા હતા, તેમણે ભીલોમાં રામભક્તિ ખીલે એવા આશયથી ભીલી ભાષાનાં લોકગીતોના ઢાળમાં ભીલોડી રામાયણનાં ગીતો બનાવ્યાં હતાં તે જ છે. તેનો રામનવમીના ઉત્સવ ઉપર ભીલ પ્રદેશમાં સ્થાપેલાં રામમંદિરોમાં ભીલ બાળકો પાઠ કરે છે.
ભીલ જાતિની કંઠસ્થ સામગ્રી ઘણી છે. તે ઉત્સવ, ડાળાંની માનતા, તહેવાર, લગ્ન અને નૃત્ય પ્રસંગે ગાય છે. સમય પસાર કરવા વારતાઓ કહેવાય છે.
વડોદરા જિલ્લામાં ભીલ નામે ઓળખાતી જાતિઓ ભીલ, વસાવા અને ડુંગરા ભીલ છે. એક દંતકથા મુજબ પાવાગઢ ઉપર ચંપા ભીલનું રાજ્ય હતું. જમાઈ રજપૂત હતા. ભીલનું મહેણું કુંવરીને ખૂબ ખટકતું, તેથી લગ્નની મિજબાનીના બહાને કુંવરીએ પોતાના બાપના કુટુંબને નોતર્યું. જમણવારમાં ઝેરના લાડુ જમાડ્યા. ઘણા ભીલો મરી ગયા. બચી ગયા તે પાવાગઢ છોડીને નાસી છૂટ્યા. તેથી પાવાગઢની આજુબાજુમાં ભીલોની વસતિ નથી. પાવાગઢથી નાસીને વડોદરા જિલ્લાના સંખેડા, નસવાડી અને તિલકવાડા તાલુકામાં વસેલા ભીલો પોતાને પાવાચુવાણ કહેવડાવે છે. તેમની ભાષા ગામઠી ગુજરાતી જેવી છે. સને 1927ની આસપાસ પાલા ગામે વિશ્વનાથ મહારાજે વસવાટ કર્યો. તેમના બોધથી ઘણા ભીલો ભગત થયેલા છે. જૂની લગ્નવિધિમાં વરકન્યાને દારૂના પડિયા આપતા અને તેની અદલાબદલી થાય એટલે લગ્ન થયાનું મનાતું હતું. હવે લગ્નોમાં બ્રાહ્મણ બોલાવે છે.
ભીલોમાં ગોત્ર નથી. તેથી સગાઈ ન થતી હોય તેવી જગ્યાએ લગ્નસંબંધ બાંધે છે. જાનમાં સ્ત્રીઓ પણ જાય છે. વરને સવારના પહોરમાં તોરણે લેવામાં આવે છે. એટલે લગ્નક્રિયા સૂર્યોદય પછી થાય છે.
આ જ ભીલોમાંથી ગઢબોરિયાદ સ્ટેટમાં જઈ વસેલા તેમણે વસતિ-ગણતરી વખતે મેવાસના ભીલ લખાવેલું તેથી મેવાસી ભીલની પેટાજાત કહેવાઈ છે, પણ તેવી કોઈ પેટાજાત નથી. તેઓ પંચમહાલ અને રાજપીપળાના ભીલોથી જુદા છે. મધ્યપ્રદેશના ભીલો સાથે તેમને કશો સંબંધ નથી. તેઓ બધાં હિંદુ દેવ-દેવીઓ અને વાઘણદેવ, જળદેવતી, ભાથુજી, ઇંદ્રદેવ, પુણ પાવા, ભૂતપલીતને પણ માને છે.
તેમની કંઠસ્થ સામગ્રીમાં ગીતો-કથાઓ છે. લગ્નપ્રસંગે અને મેળામાં નૃત્યો કરે છે.
ડુંગરા ભીલ નસવાડી અને ક્વાંટ તાલુકામાં વસે છે. તેમનો સંબંધ મધ્યપ્રદેશના વખતગઢ તરફના ભીલો સાથે છે. તેમનામાં રાઠવા જાતિમાં છે તેવાં ગોત્ર છે જે નાત તરીકે ઓળખાય છે. તેમની ભાષા અલગ છે.
પુરુષ કેડે લંગોટી, શરીરે ખમીસ અને માથે રંગીન ફાળિયું વીંટે છે. સ્ત્રીઓ કેડે લંગોટી પહેરી ઉપર આખું લૂગડું કચ્છ મારીને ઓઢે છે. શરીરે કબજો પહેરે છે. તેમનાં લૂગડાં મહારાષ્ટ્રની સાડીઓ જેવાં છે. સ્ત્રીઓ ઍલ્યુમિનિયમનાં ઘરેણાં, સિક્કાના હાર અને કીડિયાંની માળાઓ પહેરે છે.
વસાવા સંખેડા, ડભોઈ, શિનોર અને બીજા તાલુકાઓમાં છૂટા-છવાયા વસે છે. પહેલાં કઠાળિયા ભીલ તરીકે ઓળખાતા હતા અને પોતાની અલગ ભાષા બોલતા હતા. સ્ત્રીઓ ઘાઘરાનો કચ્છ મારતી. લૂગડું ઓઢણા પેઠે ઓઢતી, પગમાં પિત્તળનાં કલ્લાં પહેરતી હતી. તેમનામાં શિક્ષણનો ઘણો પ્રચાર થવાથી જૂની ભાષા ભુલાતી ગઈ છે. આ જાતિનો સંપર્ક ભરૂચ અને નર્મદા જિલ્લાના વસાવા સાથે છે. ત્યાં શિક્ષણનું પ્રમાણ ઓછુ્ં હોવા છતાં સામાજિક સુધારણા થઈ છે.
ડેડિયાપાડા અને સાગબારાના વસાવા, વસાવે અલગ ભાષા બોલે છે. રાજા પાંઢા અને પાંઢર માતાને માને છે. મહાશિવરાત્રિ ઉપર દેવમોગરામાં મોટો મેળો ભરાય છે.
સૂરત અને ડાંગ જિલ્લામાં વસાવા, વસાવે અને ભીલ છે. તેમની ભાષા અલગ છે. તેમાં મરાઠીના ઘણા શબ્દો છે. તેઓ પોતાની પરંપરામાં જીવે છે. તેઓ ઉત્તર-મધ્યના ભીલો કરતાં મહારાષ્ટ્ર સાથે સંબંધ ધરાવે છે.
ડાંગમાં પહેલાં ભીલરાજાઓ રાજ્ય કરતા હતા. તેમની રહેણી-કરણી સાદી હતી. તેઓ લડાઈ લડવામાં શૂરવીર હતા. અંગ્રેજી અમલ વખતે સરકારને રેલના પાટા નાખવા, વહાણો બનાવવા અને બીજા કામે લાકડાની જરૂર પડતી. તેથી ડાંગનું જંગલ રાજાઓ પાસેથી ભાડાપટે લીધું હતું. વરસના પૈસા આપવા અંગ્રેજો મેળો ભરતા એને દરબાર કહેતા. પહેલાં વઘઈમાં દરબાર થતો, હવે આહવામાં દરબાર ભરવામાં આવે છે. ઈસવી સન 1971થી કેન્દ્ર સરકારે દેશી રાજાઓને સાલિયાણાં આપવાનું બંધ કર્યું છે, છતાં ડાંગના ભીલ રાજાઓને સાલિયાણાં આપવામાં આવે છે. ડાંગ દરબાર હોળી ઉપર ભરાય છે. તે વખતે મોટો મેળો ભરાય છે. ડાંગ દરબારમાં સરકાર વતી ડાંગના કલેક્ટર રાજાઓને સાલિયાણાંની રકમ આપે છે. ગાઢવી, દહેર, લીંગા, વાસુર્ણા, પીમ્પ્રી, પીપલાઈ દેવી અને ગારખડીના રાજાને સાલિયાણું મળે છે.
સમગ્રતયા બધા ભીલોમાં રંગે કાળા, ઘઉંવર્ણા અને ગોરા તથા ઊંચા અને નીચા કદના મળે છે. ખેતી, ખેતમજૂરી, વનપેદાશ વીણવાની મજૂરી તથા પશુપાલન કરે છે.
પહેરવેશમાં કેડે લંગોટી કે ટૂંકી પોતડી, શરીરે ડગલું, માથે ફાળિયું વીંટે છે. સ્ત્રીઓ કચ્છ મારીને ઘાઘરો પહેરે, છાતીએ કાપડું, કબજો અને શરીરે ઓઢણી ઓઢે છે. ડાંગમાં કેડે લૂગડું પહેરે છે.
હોળી, અખાતરી (અખાત્રીજ), દિવાસો, દશેરા, દિવાળી તેમના તહેવારો છે. હોળી મુખ્ય તહેવાર છે. ફાગણ માસમાં ચાડિયાના, ગોળગધેડાના, આંબળી અગિયારસના અને ચૂલના મેળા ભરાય છે.
તેમનામાં શિક્ષણનો પ્રવેશ થતો જાય છે. છતાં પરંપરાગત જીવન પણ ચાલુ છે. દારૂબંધી દાખલ થવા છતાં દારૂનો વપરાશ તદ્દન બંધ થયો નથી. ખેતીમાં સુધારો દાખલ થયો છે.
બધા ભીલોમાં દેવ-દેવીનાં પરાક્રમોની, નૃત્યની, વાદ્ય-સંગીતની અને કંઠસ્થ સામગ્રીની વૈવિધ્યપૂર્ણ નિરાળી દુનિયા છે.
શંકરભાઈ સોમાભાઈ તડવી