ભીમ (3) (ઈ.સ.ની 15મી સદી) : મધ્યકાલીન ગુજરાતી કવિ અને અનુવાદક. બાણભટ્ટની ‘કાદંબરી’ના ભાલણે મધ્યકાલીન ગુજરાતી ભૂમિકામાં આખ્યાનશૈલીમાં કરેલા અસામાન્ય અનુવાદની પૂર્વે સંસ્કૃત ગ્રંથોનો એવો અનુવાદ આપનારો ભીમ કવિ 1485, 1490ની એની રચેલી બે કૃતિઓ શ્રીમદભાગવતના આખ્યાનાત્મક અનુવાદ ‘હરિલીલાષોડશકલા’ અને અગિયારમી સદીના મગધદેશના કવિ કૃષ્ણના સંસ્કૃત નાટક प्रबोधचंन्द्रोदयની ચોપાઈઓમાં કરેલા ગુજરાતી અનુવાદ ‘પ્રબોધપ્રકાશ’થી જાણવામાં આવ્યો છે. આમાંની પહેલી રચના એણે સિદ્ધપુરમાં રહીને કરી, જ્યારે બીજી રચના પ્રભાસપાટણમાં કરી. પહેલી રચના સિદ્ધપુરમાં કર્યા છતાં એનું નિવાસસ્થાન પ્રભાસપાટણ હોય એવું ‘પ્રબોધપ્રકાશ’ના અંતભાગમાંના ‘ત્યાંના નરસિંહ વ્યાસનો સેવક હતો’ એવા ઉલ્લેખ પરથી જાણી શકાય છે. ત્યાં એણે ‘શ્રી સોમેશ્વર નિજ આવાસ’ એવું જણાવ્યું છે; તેથી આવી સંભાવના થઈ શકે છે. આ રચનામાં એ પોતાના ગુરુ તરીકે ‘વેદાંતપારગ’ પુરુષોત્તમ નામના વિદ્વાનને નમસ્કાર કરી પદ્યમાં ભાષાંતર કરવાનું નોંધે છે. પ્રભાસપાટણના નરસિંહ વ્યાસનો ભીમ પુત્ર હતો કે કેમ એ કહેવું મુશ્કેલ છે. ‘તે ધરિ સેવક વૈષ્ણવદાસ’ પોતાને કહે છે. તેથી ‘પુત્ર’ જ હોય એ કહેવું મુશ્કેલ છે.
શ્રીમદભાગવતને આધારે રચેલી ‘હરિલીલાષોડશકલા’માં એ બોપદેવ અને એની સંરચના ‘હરિલીલાવિવેક’થી વાકેફ હોવાનું સ્પષ્ટ છે. એ રીતે સમજવા જેટલું એનું સંસ્કૃત ભાષાનું જ્ઞાન હોય એવું કહી શકાય છે. પેલા સંસ્કૃત નાટકના પદ્યાનુવાદ ‘પ્રબોધપ્રકાશ’ પરથી એ સંસ્કૃતનો સારો જ્ઞાતા હોય એવું કહી શકાય. મૂળને બરોબર સમજીને આ પ્રસાદગુણથી મંડિત અનુવાદ કર્યો છે. એ મધ્યકાલીન ગુજરાતીમાં વાંચતાં અનુવાદ છે એવી ખબર પણ ન પડે. એ સમયના અનુવાદકોની આ એક વિશિષ્ટતા હતી.
સંસ્કૃત ભાષાનો એ જ્ઞાતા હતો એ ‘પ્રબોધપ્રકાશ’ની હસ્તપ્રતમાં નોંધાયેલા સંસ્કૃત પદ ‘युगे जीवनं यदुकुलमंडनं कृष्णमेघं हरि वासुदेवं’ થી કહી શકાય; કેમ કે ‘ભીમ’ની છાપ ધરાવતું આ પદ તેની જ રચના હોઈ શકે. આ પ્રતમાં સંસ્કૃતમિશ્ર એક પદમાં ‘ભીમ કેશવદાસ’ એવી છાપ પણ છે. એ પણ એની રચના સંભવી શકે. સંભવ છે કે એના પિતાનું નામ કેશવદાસ હોય. એની જ્ઞાતિ વિશે ચોક્કસ રીતે કહી શકાય એમ નથી.
આખ્યાનધાટીની ‘હરિલીલાષોડશકલા’માં એણે ગેય પદો પણ આપ્યાં છે, જેમના ઉપર ‘વસંત વેરાડી’, ‘ધન્યાશ્રી’, ‘સામેરી’, ‘સીધૂઉ’, ‘શ્રીરાગ’ જેવાં રાગનામો આપવામાં આવ્યાં છે. એ રીતે એ ગાયક પણ હોઈ શકે.
નરસિંહની ‘હારમાળા’માં એક પાત્રનામ રૂપે ‘ભીમ’ શબ્દ મળે છે, પણ એ ભીમ તો નરસિંહ મહેતાનો સમકાલીન સંભવી શકે. એ આ ભીમ નથી લાગતો.
કે. કા. શાસ્ત્રી