ભીમદેવ બીજો (જ. ?; અ. 1242) : ગુજરાતનો સોલંકી વંશનો રાજા. મૂળરાજ બીજા પછી એનો નાનો ભાઈ ભીમદેવ બીજો ઈ. સ. 1178(વિ. સં. 1234)માં યુવાન વયે ગાદીએ આવ્યો અને ઈ. સ. 1242 (વિ. સં. 1298) સુધી એટલે 63 વર્ષ રાજ્ય કર્યું. આ રાજાના અનેક અભિલેખો મળ્યા છે, જેમાંના ઘણા દાનશાસનરૂપે છે. એના પહેલા લેખ ઈ. સ. 1178માં કિરાટકૂપ(કિરાડુ)માં તુરુષ્કોએ ભાંગેલી મૂર્તિની જગ્યાએ ભીમદેવે નવી મૂર્તિની પ્રતિષ્ઠા કર્યાનો નિર્દેશ છે. તામ્રપત્રો પર કોતરેલાં દાનશાસન ઈ. સ. 1186થી 1240 સુધીનાં છે, જેમાં ભીમદેવ માટે ‘પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર’ એ ત્રણ મહાબિરુદો ઉપરાંત ‘અભિનવ સિદ્ધરાજ’ અને ‘સપ્તમ ચક્રવર્તી’ જેવાં બિરુદો પણ ઉમેરાય છે. ક્યારેક ‘બાલનારાયણાવતાર’ બિરુદ પણ પ્રયોજાયેલું હતું. તેથી જણાય છે કે આ રાજા પોતાના વંશમાં અભિનવ–સિદ્ધરાજ હોવાનો તથા પુરાણપ્રસિદ્ધ છ ચક્રવર્તીઓ પછીનો સાતમો ચક્રવર્તી હોવાનો દાવો કરતો હતો.
આ રાજાએ જે દેવાલયોને ભૂમિદાન આપ્યાં તેમનામાં લીલાપુરમાં ભીમેશ્વરદેવ અને લીલેશ્વરદેવનાં મંદિર હતાં. આ મંદિરો રાજા ભીમદેવ તથા રાણી લીલાદેવીનાં નામો પરથી બંધાવેલાં હતાં. સૌરાષ્ટ્રને લગતા કેટલાક સમકાલીન શિલાલેખોમાં ભીમદેવના આધિપત્યનો નિર્દેશ આવે છે. ભીમદેવ બીજાએ સોમનાથ મંદિરમાં મેઘધ્વનિ કે મેઘનાદ નામે મંડપ કરાવ્યો હતો. આબુના પરમાર રાજ્ય પર પણ સોલંકી રાજાઓનું આધિપત્ય ચાલુ હતું. આમ ભીમદેવ સૌરાષ્ટ્ર, લાટ, વાગડ, મેવાડ, આબુ અને કિરાડુ પર આધિપત્ય ધરાવતો હતો. વળી તે સારસ્વત મંડલનાં મથકોમાંથી અનેક ભૂમિદાન આપતો હતો.
ભીમદેવ બીજાના સમયમાં આસપાસનાં રાજ્યોએ સોલંકી રાજ્ય પર આક્રમણો કર્યાં. રાજ્યમાં આંતરિક ખટપટો ચાલુ થઈ હતી. સોલંકી રાજ્ય એથી છિન્નભિન્ન થઈ ગયું. ભીમદેવના અમાત્યો અને માંડલિકો સ્વતંત્ર થઈ સત્તા પડાવતા ગયા. એમાં વાઘેલ ગામના ચૌલુક્ય (સોલંકી) લવણપ્રસાદ તથા એના પુત્ર વીરધવલે ધોળકામાં રાણક (રાણા) તરીકે સત્તા પ્રવર્તાવી. દરમિયાન ઈ. સ. 1210ના અરસામાં જયંતસિંહ નામના ચૌલુક્યે ભીમદેવનું રાજ્ય પડાવી લીધું. ઈ. સ. 1224માં એણે અણહિલપુરમાંથી ભૂમિદાન આપ્યાની વિગત મળે છે. એના દાનશાસનમાં મૂળરાજ પહેલાથી ભીમદેવ બીજા સુધીની વંશાવળી આપી છે. આ જયંતસિંહદેવે ભીમદેવને પદભ્રષ્ટ કરી. એની જગ્યાએ પોતાની રાજસત્તા પ્રવર્તાવી, ચૌલુક્ય રાજ્યનો ઉદ્ધાર કરવા પ્રયત્ન કર્યો હોવાનું ફલિત થાય છે.
આ દરમિયાન લવણપ્રસાદ-વીરધવલે ધોળકામાં રાણક તરીકે સત્તા ર્દઢ કરી હતી. ઈ. સ. 1220માં પુરોહિત સોમેશ્વરની ભલામણથી, ભીમદેવને વિનંતી કરી, પ્રાગ્વાટ (પોરવાડ) કુલના વસ્તુપાલ અને તેજપાલની પોતાના અમાત્યો તરીકે તેમણે નિમણૂક કરી.
અણહિલવાડમાં ભીમદેવની જગ્યાએ જયંતસિંહનું રાજ્ય પ્રવર્ત્યું. તે વખતે લવણપ્રસાદે એ રાજા સાથે પણ સારો સંબંધ રાખ્યો, કેમ કે જયંતસિંહે ઈ. સ. 1224(સં. 1280)માં જે ભૂમિદાન આપ્યું તે લવણપ્રસાદે પોતાનાં માતા-પિતાના નામે બંધાવેલાં શિવાલયોને દીધું હતું. જયંતસિંહની સત્તા (ઈ, સ. 1210થી 1225) લગભગ પંદરેક વર્ષ ટકી.
એ પછી ભીમદેવે પોતાની સત્તા પાછી મેળવી. ભીમદેવે સત્તા કેવી રીતે પાછી મેળવી એની માહિતી પ્રાપ્ત થતી નથી, પરંતુ ઈ. સ. 1226થી ભીમદેવ બીજો પાછો દાનશાસન ફરમાવ્યા કરે છે તેના પુરાવા સાંપડ્યા છે. તે ‘અભિનવ-સિદ્ધરાજ’ ઉપરાંત ‘સપ્તમ ચક્રવર્તી’ કહેવાતો હતો. આમ છતાં વાસ્તવમાં સોલંકી રાજ્યનું રક્ષણ લવણપ્રસાદ કરતો હતો. ભીમદેવે એને પોતાના રાજ્યનો ‘સર્વેશ્વર’ બનાવ્યો અને વીરધવલને એનો યુવરાજ નીમ્યો.
થોડા વખતમાં દેવગિરિના યાદવ રાજા સિંઘણે ગુજરાત પર ચડાઈ કરી. તેથી લવણપ્રસાદ સૈન્ય લઈ સામે ગયો. ભરૂચ પાસે બંને સૈન્યોએ પડાવ નાખ્યો. એવામાં ઉત્તરમાંથી મારવાડના ચાર રાજાઓ ચડી આવ્યા. ગોધરા અને લાટના માંડલિક એમની સાથે ભળી ગયા. લવણપ્રસાદે સિંઘણ સાથે તાત્કાલિક સંધિ કરી એને પાછો કાઢ્યો અને મારવાડના રાજાઓને વશ કર્યા.
મીરશિકાર અર્થાત્ પ્રાય: અમીર શિકારે મેવાડની રાજધાની નાગદા જીતી ગુજરાત પર ચડાઈ કરી. તે વખતે વસ્તુપાલે આબુના રાજા ધારાવર્ષ સાથે મુસ્લિમ ફોજને આબુના ઘાટમાં આંતરી એના સૈનિકોને માર્યા. આ અમીરે શિકાર તે અલ્તમશ શમ્સુદ્દીન હોવો જોઈએ. એક અનુશ્રુતિ મુજબ મુઇઝુદ્દીનની માતા મક્કાની હજ કરવા જવા ગુજરાત આવી ત્યારે વસ્તુપાલે યુક્તિ વડે એને ઉપકૃત કરી, સુલતાનની મૈત્રી સાધી હતી.
ઈ. સ. 1238માં વીરધવલનું અને ઈ. સ. 1240માં વસ્તુપાલનું મૃત્યુ થયું. વીરધવલનો ઉત્તરાધિકાર એના પુત્ર વીસલદેવને મળ્યો. લવણપ્રસાદ-વીરધવલ તથા એમના મહામાત્ય વસ્તુપાલ – તેજપાલના સહારાને લઈને ભીમદેવ બીજાનાં છેલ્લાં વર્ષ એકંદરે સુખશાંતિમાં વીત્યાં.
રામજીભાઈ ઠા. સાવલિયા