ભીમતાલ

January, 2001

ભીમતાલ : હિમાલયની તળેટીમાં આવેલું એક પ્રાચીન તીર્થસ્થાન. નૈનીતાલથી તે 18 કિમી. દૂર આવેલું છે. તે એક ડુંગરની ખીણમાં રચાયેલું મોટું સરોવર છે અને તેની આસપાસ બીજાં નાનાં-મોટાં 60 જેટલાં સરોવરો આવેલાં છે. સરોવરની મધ્યમાં એક નાનીશી ટેકરી આવેલી છે. સરોવરને કાંઠે ભીમેશ્વર નામનું પ્રસિદ્ધ શિવાલય અને સમીપમાં પુરાણપ્રસિદ્ધ કર્કોટક નાગનું સ્થાનક આવેલું હોઈ સ્થાનિક યાત્રાળુઓ અહીં અવારનવાર આવે છે. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય મનમોહક અને વાતાવરણ ખુશનુમા હોઈને નૈનીતાલ આવનારા સહેલાણીઓ નૌકાવિહાર તેમજ પશુસવારી માટે ભીમતાલની સહેલગાહે અવશ્ય આવે છે.

પ્રવીણચંદ્ર પરીખ