ભીંડાના રોગો : ભીંડા પર થતા રોગો. ભીંડા દ્વિદળી વર્ગના માલ્વેસી કુળની વનસ્પતિ છે. તેના કુમળા ફળમાંથી ભારતમાં સર્વત્ર શાક બનાવાય છે. વિશેષ માત્રામાં તેના ફળમાં લોહતત્વ અને અન્ય પોષક તત્વો હોવાથી શાકભાજીમાં તે આગવું સ્થાન ધરાવે છે. ભીંડાની ઘણી જાતો છે, પરંતુ પુસા શાવણી, પરભણી ક્રાન્તિ, નીમકર તેમજ કેટલીક સંકર (hybrid) જાતો પીળી નસના મોઝેક રોગ સામે પ્રતિકારશક્તિ ધરાવતી હોવાથી તેમનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. ભીંડામાં પીળી નસનો મોઝેક, ભૂકી છારો, ભીંડાનો સુકારો, સર્કોસ્પોરાનાં પાનનાં ટપકાં, અલ્ટર્નેરિયાનો પાનનો ઝાળ, પાનનો ગેરુ, પાનનો કાલવ્રણ, ધરુ-મૃત્યુ અને મૂળના ગંઠવા-કૃમિ અગત્યના રોગ છે.
1. ભીંડાની પીળી નસનો મોઝેક : ભારતમાં આ રોગથી દર વર્ષે ખૂબ જ નુકસાન થાય છે. તેથી આ રોગ ભીંડાની ખેતીમાં અવરોધક પરિબળ છે. આ પીળી નસનો મોઝેક રોગ વિષાણુથી થાય છે. આ રોગનો ફેલાવો બેમિસિયા ટબાકી નામની મોલો (Aphid) જીવાતથી થાય છે. છોડની કોઈ પણ અવસ્થામાં, બીજના ઊગવાથી તે છોડની પરિપક્વ અવસ્થા સુધીમાં ગમે ત્યારે આ રોગનું આક્રમણ થઈ શકે છે.
આ વિષાણુનું આક્રમણ થતાં પાનની બધી જ નસો સ્પષ્ટ પીળી થઈ જતી હોય છે. પાનની નસોની વચ્ચેના ભાગમાં ઝાંખાં લીલાં પીળાં ધાબાં જોવા મળે છે. આ વિષાણુની વાહક જીવાત મોલોની સંખ્યા વધુ હોય તો રોગની માત્રા વધી જતાં છોડની વૃદ્ધિ અટકી જાય છે. આવા તીવ્ર રોગિષ્ઠ છોડ બટકા અને નબળા, પીળાં કે ઝાંખાં પીળાં પાનવાળા જોવા મળે છે. આવા છોડ પર નાની પીળી શિંગો બેસે છે, જેથી ઉત્પાદન સાથે તેની ગુણવત્તા ખૂબ જ ઘટી જાય છે. રોગિષ્ઠ છોડ પર ફૂલ ઓછાં આવે છે. ફળ પીળાં, નાનાં અને કઠણ થાય છે. આ રોગથી 50 %થી 100 % જેટલું નુકસાન થાય છે.
નિયંત્રણ : આ વિષાણુજન્ય રોગનું નિયંત્રણ શક્ય નથી, જેથી પરભણી ક્રાન્તિ, પુસા શ્રાવણી, ગુજરાત ભીંડા હાઇબ્રીડ-1 જેવી રોગ-પ્રતિકારક જાતોની વાવણી કરી પાકની શરૂઆતની અવસ્થામાં રોગિષ્ઠ છોડ ઉપાડી નાશ કરવો પડે છે અને વિષાણુના વાહક મોલો કીટકોનો નાશ કીટનાશક દવાના છંટકાવથી કરી તેનું નિયંત્રણ કરવામાં આવે છે.
2. ભૂકી છારો : ભીંડા ઉગાડતા સૂકા અને ઠંડા પ્રદેશમાં ઇરિસિફી સિકોરેસિરમ નામની ફૂગથી આ રોગ ઊપજે છે અને તે ખૂબ જ નુકસાન કરે છે. પાકની કોઈ પણ અવસ્થામાં તેના પર આ ફૂગ આક્રમણ કરે છે. શરૂઆતમાં આક્રમણવાળાં પાન ઉપર લીલાં પીળાં ધાબાં જોવા મળે છે. આ પીળા ભાગમાં ફૂગની વૃદ્ધિ થવાથી સફેદ બીજાણુ અને બીજાણુદંડ ઝીણા સફેદ પાઉડર સ્વરૂપે પાનની સપાટી ઉપર ફેલાય છે. આ રોગની વિપરીત અસર હેઠળ પાનની સપાટી ઉપર સફેદ ભૂકી સ્વરૂપે બીજાણુ અને બીજાણુદંડ જોવા મળતા હોવાથી આ રોગને ભૂકી છારોના નામે ઓળખવામાં આવે છે. પાંદડાં પર ભૂકી છારો ફેલાતાં ખોરાકના અભાવે પાંદડાં પીળાં થઈ મરી જતાં, પાન સુકાઈને ખરી પડે છે. આવા છોડ ઉપર પીળાં નાનાં કોકળાયેલાં નાઇટ્રોજન તત્વની અછત હોય એવાં, છોડ-પાન દેખાય છે. છોડ નબળો થતાં ફૂલ અને ફળની સંખ્યા ખૂબ જ ઘટી જાય છે અને ઉત્પાદન પણ ખૂબ જ ઓછું મળે છે.
સલ્ફરની ભૂકીનો છંટકાવ અથવા ભીંજક સલ્ફર કે સલ્ફરવાળી દવા રોગની શરૂઆત થતાં તરત જ છાંટવાથી રોગ સંપૂર્ણપણે કાબૂમાં આવી જાય છે.
3. ભીંડાનો સુકારો : આ રોગ ફ્યુઝેરિયમ નામની જમીનજન્ય ફૂગથી થાય છે. આ રોગની અસર હેઠળ ક્યારેક ભીંડાનો પાક સંપૂર્ણ નિષ્ફળ જતો જોવા મળે છે.
બીજના વાવેતર બાદ રોગની શરૂઆત થઈ જાય છે અને ફૂગનું આક્રમણ થતાં છૂટાછવાયા છોડ મૂરઝાવા લાગે છે અને પાકમાં પાણીની અછતનાં લક્ષણો જોવા મળે છે. આવા છોડનાં પાન પીળાં પડીને મૂરઝાઈ, સુકાઈ મૃત્યુ પામે છે અને સુકાયેલા છોડ ખેતરમાં કૂંડાળા આકારે આગળ વધે છે.
રોગિષ્ઠ છોડનાં મુખ્ય મૂળ અને જમીન નજીકના થડના ભાગ ઉપર કાળાં ધાબાં જોવા મળે છે. મૂળ ઉપરની છાલ કાળી થાય છે. તંતુમૂળ કાળાં પડવાથી સડીને મૃત્યુ પામે છે. તદુપરાંત છોડના થડને ચીરતાં તેની અન્નવાહિની અને જળવાહિનીઓ કાળી પડી ગયેલી જોવા મળે છે. મૂળ દ્વારા અન્નવાહિની અને જળવાહિનીમાં પ્રવેશ કરી ફૂગ વૃદ્ધિ પામે છે. પરિણામે પાણી અને ખોરાકનું વહન અટકે છે, જેના કારણે પાણી અને ખોરાકની અછતને લીધે છોડ મૂરઝાઈને સુકાઈ જાય છે. આ રોગનો ફેલાવો જમીનમાં પાણી મારફતે ફેલાય છે, જે ગોળ કૂંડાળામાં આગળ વધે છે. રોગની તીવ્રતા વધુ હોય તો 70 %થી 80 % જેટલું નુકસાન થાય છે.
નિયંત્રણ પગલાં તરીકે (1) રોગપ્રતિકારક જાતોની વાવણી કરવી પડે છે. (2) બીજજન્ય ફૂગનો નાશ કરવા બીજને કાર્બનડાઝિમ કે કૅપ્ટાન કે થાયરમનો પટ આપી વાવણી કરવાની થાય છે. (3) રોગવાળા ખેતરમાં ડાંગર જેવા પાકની વાવણી કરી પાકની ફેરબદલી કરવામાં આવે છે. (4) છોડના અવશેષો ભેગા કરી, બાળી નાશ કરવામાં આવે છે અને (5) જમીનને ઊંડી ખેડ કરી ઉનાળામાં તપાવવામાં આવે છે.
4. સર્કોસ્પોરાનાં પાનનાં ટપકાં : સર્કોસ્પોરાની બે પ્રજાતિની ફૂગો ભીંડાનાં પાન ઉપર ટપકાંનો રોગ કરે છે, જેમાં સર્કોસ્પોરા મલાઇન્સિસ પ્રજાતિની ફૂગનાં ટપકાં અનિયમિત ભૂખરા રંગનાં હોય છે, જ્યારે સર્કોસ્પોરા અબેલમોસ્સી પ્રજાતિની ફૂગનાં ટપકાં કાળાં ખૂણિયાંવાળાં હોય છે. આ બંને ફૂગો ભેજવાળા વાતાવરણમાં પાન ઉપર ટપકાં પેદા કરે છે. પરિણામે છોડ ઉપરનાં પાનો ખરી પડે છે. જે વિસ્તારમાં આ રોગ થતો હોય ત્યાં પાકની વાવણી બાદ એક માસથી દર પંદર દિવસે કાર્બનડાઝિમ જેવી અસરકારક ફૂગનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે.
5. અલ્ટરનેરિયાનાં પાનનાં ટપકાં : આ રોગ અલ્ટરનેરિયા પ્રજાતિની ફૂગથી ભૂખરા કાળા રંગના જખમોની ફરતે પીળાં આભાસવાળાં ટપકાં કરે છે. આ ટપકાંઓ વૃદ્ધિ પામી એકબીજા સાથે ભેગાં થઈ પાનનો સુકારો કરે છે અને સુકાયેલાં અપરિપક્વ પાનો ખરી પડે છે. આ રોગના નિયંત્રણમાં ડાયથેન એમ-45, બોર્ડોમિશ્રણ કે તાંબાયુક્ત દવાનો છંટકાવ કરવામાં આવે છે.
6. પાનનો ગેરુ : રોગ યુરોમાઇસિસ હેટેરોજિનેસ નામની ફૂગથી થાય છે. આ ફૂગનું આક્રમણ થતાં પાન ઉપર ઊપસેલાં ચાઠાં કે ટપકાં થાય છે. રોગના નિયંત્રણ માટે રોગની શરૂઆત થતાં ડાયથેન એમ-45 જેવી ફૂગનાશકનો છંટકાવ કરવામાં આવે છે.
7. પાનનો કાલવ્રણ કે ફૂગનાં કાળાં ટપકાં : ભીંડાની ડાળી અને પાન ઉપર કોલેટ્રોટ્રાયકમ નામની ફૂગના આક્રમણથી તે થડ અને ડાળી ઉપર બેઠેલાં કાળાં ચાઠાં અને પાન ઉપર કાળા ભૂખરા રંગનાં ટપકાં કરે છે. આ ટપકાં ભેગાં થવાથી તે પાનનો ઝાળ કે સુકારો કરે છે. રોગ દેખાતાં આ રોગના નિયંત્રણ માટે કાર્બનડાઝિમ કે તાંબાયુક્ત ફૂગનાશકનો છંટકાવ પંદર દિવસે કરવામાં આવે છે.
8. ધરુ-મૃત્યુ અથવા ઉગસૂક કોહવારો : જમીનજન્ય પિથિયમ કે ફાયટોપ્થોરા જેવી ફૂગનું આક્રમણ થતાં બીજના અંકુરથી નીકળતા કુમળા છોડ ઢળી પડી મરી જાય છે. આ રોગ પાકની શરૂઆતની અવસ્થામાં વિશેષ નુકસાન કરે છે. આ રોગમાંથી બચવા પાળા કરી બીજની વાવણી કરાય છે અને પાકની શરૂઆતની અવસ્થામાં ખેતરમાં પાણી ભરાઈ ન રહે તેની કાળજી રખાય છે.
ફૂગનાશક ખૂબ જ ખર્ચાળ હોવા ઉપરાંત ફૂગનાશકની અસર થોડા સમય માટે રહેતી હોય છે.
9. કૃમિથી થતો મૂળ ગાંઠનો રોગ : ગંઠવા-કૃમિ તરીકે ઓળખાતો આ રોગ મેલોડોગાયની પ્રજાતિના કૃમિથી મૂળમાં ગોળ કે લંબગોળ ગાંઠ પેદા કરે છે. મૂળમાં આ કૃમિનો પ્રવેશ થવાથી છોડને પાણી અને ખોરાકની અછત પેદા થાય છે, જેથી છોડ પીળો, નબળો થાય છે અને તેની વૃદ્ધિ અટકી જાય છે. આવા છોડ ઉપાડીને જોવાથી તેનાં મૂળમાં કૃમિની અસર હેઠળ ગાંઠો ઊપસેલી જોવા મળે છે. આ રોગના નિયંત્રણ માટે (1) કૃમિનાશક રાસાયણિક દવા પાકની શરૂઆતની અવસ્થામાં જમીનમાં અપાય છે. (2) રોગપ્રતિકારક જાતો વવાય છે. (3) પાકની ફેર-બદલી કરાય છે. (4) જમીનમાં લીમડા કે અખાદ્ય ખૉળ આપવાથી જમીનમાં કૃમિની માત્રા ઘટાડી શકાય છે. ભીંડાના પાકને નુકસાન કરતી વિવિધ જીવાતોમાં મોલો, તડતડિયાં, સફેદ માખી અને પાન કથરી છોડના વૃદ્ધિકાળ દરમિયાન રસ ચૂસીને નુકસાન કરે છે. ઉપરાંત સફેદ માખી પચરંગિયો રોગ ફેલાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. ડૂંખ અને ફળ કોરી ખાનાર ઇયળથી શરૂઆતમાં ડૂંખમાં અને શિંગો બેસતાં તેમાં નુકસાન કરે છે. તેથી બજારમાં વેચવાલાયક શિંગો મળતી નથી. આ ઉપરાંત ભીંડાના પાકમાં પાન વાળનારી ઇયળ, ઘોડિયા ઇયળ, પાનકોરિયું, થડનું ચાંચવું, કાંસિયાં, ડોળ, લીલી ઇયળ, પાન ખાનારી ઇયળ વગેરેથી પણ નુકસાન થતું હોય છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ
પરબતભાઈ ખી. બોરડ
ધીરુભાઈ મનજીભાઈ કોરાટ