ભીંડા : દ્વિદળી વર્ગમાં આવેલા માલ્વેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Abelmoschus esculentus (Linn.) Moench syn. Hibiscus esculentus Linn (સં. भिंडीवक, चतुष्टवंड; હિં. भींडी; બં. ધેરસ; મ. ભેંડી, ભેંડા; અં. Lady’s; finger) છે. તે એકવર્ષાયુ, ટટ્ટાર, શાકીય, રોમિલ અને લગભગ 0.9 મી.થી 2.1 મી. ઊંચી જાતિ છે. તેનું સમગ્ર ભારતમાં મિશ્ર-પાક કે ઉદ્યાનપાક (garden crop) તરીકે વાવેતર થાય છે. તેનાં પર્ણો પંજાકાર 3થી 5ખંડી અને દંતુર હોય છે. તેનાં પુષ્પો પીળાં હોય છે. છતાં મધ્યમાં કિરમજી (crimson) રંગનાં હોય છે. ફળ વિવરીય (loculicidal) પ્રાવર (capsule) પ્રકારનું અને લગભગ 12.5 સેમી.થી 30.0 સેમી. લાંબું, પિરામિડ જેવું કે શિંગડાં જેવું, લીલા કે આછા પીળાશપડતા લીલા રંગનું, લીસું કે રોમિલ હોય છે અને તે ઊભી ખાંચો ધરાવે છે. બીજ ગોળાકાર અને વિપુલ હોય છે.

જાતો : ભીંડાના પાકમાંથી વધારે ઉત્પાદન મેળવવા ગુજરાત હાઇબ્રીડ ભીંડા-1, પરભણી ક્રાંતિ, પંજાબ સિલેક્શન-7, પંજાબ પદ્મિની, પુસા સાવની, ઓકરા-7, વિજય, પુસા મખમલી, વિશાલ, વર્ષા અને પાદરા એસ 18-6નો વાવણીમાં ઉપયોગ કરવામાં આવે છે. ઉપર્યુક્ત જાતો પૈકી ગુજરાત હાઇબ્રીડ-1 ભીંડા અને પરભણી ક્રાંતિ પંચરંગિયા રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. ગુજરાત ભીંડા હાઇબ્રીડ-1 પરભણી ક્રાંતિ કરતાં 33 % વધુ ઉત્પાદન આપે છે. આ પાકમાંથી વધારે ઉત્પાદન મેળવવા ભલામણ કરેલી નીચે પ્રમાણેની ખેતીપદ્ધતિ અપનાવવી આવશ્યક છે.

ભીંડા — પર્ણ અને પુષ્પ સાથે

જમીન : ભીંડાના પાકને વધુ કાળી, ચીકણી અને રેતાળ પ્રકાર સિવાયની ફળદ્રૂપ સારા નિતારવાળી જમીન માફક આવે છે.

વાવણીનો સમય : વાવણીલાયક વરસાદ થયેથી જૂન-જુલાઈમાં અને ઉનાળામાં ફેબ્રુઆરી-માર્ચમાં વાવણી કરવામાં આવે છે.

વાવણીનું અંતર : થાણીને વાવણી કરવી હોય તો 60 x 30 સેમી. અથવા 45 x 30 સેમી. અને ઓરીને વાવણી કરવી હોય તો 45 x 60 સેમી.ના અંતરે વાવણી કરવામાં આવે છે. થાણીને વાવેતર કરવામાં હેક્ટરે 4થી 6 કિગ્રા. અને ઓરીને વાવણી કરવામાં હેક્ટરે 7થી 10 કિગ્રા. બિયારણની જરૂર પડે છે. ઓરીને વાવેલા ભીંડા 30 સેમી.ના અંતરે રાખવામાં આવે છે.

ખાતરવ્યવસ્થા : જમીન તૈયાર કરતી વખતે હેક્ટર દીઠ 10થી 12 ટન છાણિયું ખાતર નાખી કરબથી આડી-ઊભી ખેડ કરીને જમીનમાં બરાબર ભેળવવામાં આવે છે. ભીંડાના પાકને હેક્ટરે 100 કિગ્રા. નાઇટ્રોજન અને 50 કિગ્રા. ફૉસ્ફરસ અને જે જમીનમાં પૉટાશ તત્વની ઊણપ હોય તેમાં 40 કિગ્રા. પૉટાશ નાખવાની ભલામણ કરવામાં આવે છે. ફૉસ્ફરસ અને પૉટાશનો બધો જ જથ્થો પાયાના ખાતર તરીકે ચાસમાં ઊંડે આપવામાં આવે છે. જ્યારે નાઇટ્રોજન હેક્ટરે 50 કિગ્રા વાવણી બાદ ત્રીજા અઠવાડિયે અને બાકીનો 50 કિગ્રા. નાઇટ્રોજન વાવણી બાદ 40 દિવસે પુષ્પ આવતાં પહેલાં આપવામાં આવે છે.

પિયત : વરસાદ ખેંચાય તો સગવડ પ્રમાણે પિયત આપવામાં આવે છે. ઉનાળુ ભીંડાને 6થી 7 દિવસના ગાળે પિયત આપવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં ભીંડાના પાકને પ્રત્યેક 60 મિમી.ની ઊંડાઈનાં કુલ આઠ પિયત આપવાની સલાહ છે, જેમાં પ્રથમ પિયત વાવણી બાદ તરત જ, જ્યારે બીજું અને ત્રીજું પિયત પંદર દિવસના ગાળે આપવામાં આવે છે. બાકીનાં પિયત દસ દિવસના ગાળે આપવામાં આવે છે.

આંતરખેડ અને નીંદામણ : જરૂર મુજબ બેથી ત્રણ વખત આંતરખેડ અને નીંદણ કરવામાં આવે છે. જ્યાં મજૂરોની તંગી હોય અથવા વરસાદના લીધે હાથથી નિંદણ શક્ય ના હોય તેવા સંજોગોમાં ફ્લુક્લોરાલીન (બાસાલીન) હેક્ટરે 1.5 લીટર પ્રમાણે પ્રી.-ઇમરજન્સ એટલે કે પાક અને નીંદામણના બીજનું સ્ફુરણ થાય તે પહેલાં વાવણી પછી 24 કલાકમાં છંટકાવ કરવામાં આવે છે અને 20થી 25 દિવસે હાથથી નીંદણ કરવામાં આવે છે.

પાકસંરક્ષણ : ભીંડામાં કાબરી ઇયળ, પાન કથીરી, લીલાં તડતડિયાં અને મોલોની જીવાતનો ઉપદ્રવ ખાસ જોવામાં આવે છે. કાબરી ઇયળ માટે ડી.ડી.વી.પી. 10 લીટર પાણીમાં 5 મિલી. દવા અથવા એન્ડોસલ્ફાન 10 લીટર પાણીમાં 20 ગ્રામ દવાનું પ્રવાહી મિશ્રણ છાંટવામાં આવે છે. પાન કથીરી, તડતડિયાં, સફેદ માખી અને મોલોના નિયંત્રણ માટે ભીંડાની વાવણી વખતે કાર્બોફ્યુરાન 3 % દાણાદાર દવા હેક્ટરે 30 કિગ્રા. પ્રમાણે આપવામાં આવે છે. જરૂર જણાય તો ફૉસ્કામીડૉન 10 લીટર પાણીમાં 3 મિલી. અથવા ડાયમીથોએટ 10 લીટર પાણીમાં 10 મિલી.નો છંટકાવ કરવામાં આવે છે. હેક્ટરે દ્રાવણનું પ્રમાણ પાકની વૃદ્ધિ અને ઉંમર પર આધાર રાખે છે.

ભીંડામાં ભૂકી છારો તથા ભીંડાનો પીળી નસનો રોગ આવે છે. ભૂકી છારા માટે પાક બે માસનો થાય ત્યારે દ્રાવ્ય ગંધક 10 લીટર પાણીમાં 25 ગ્રામ પ્રમાણે અથવા કાર્બોન્ડાઝીમ 50 % દ્રાવ્ય ભૂકી 10 લી. પાણીમાં 5 ગ્રામ પ્રમાણે ઓગાળી 10થી 12 દિવસના અંતરે છંટકાવ કરવામાં આવે છે. દ્રાવણનો વપરાશ પાકની વૃદ્ધિ પ્રમાણે કરવામાં આવે છે. પીળી નસના રોગ માટે શોષક પ્રકારની દવાઓથી ચૂસિયા પ્રકારની જીવાતોનું નિયંત્રણ કરવામાં આવે છે. રોગપ્રતિકારક જાતો પંજાબ-7 અને પરભણી ક્રાંતિનો ઉપયોગ સલાહભર્યો ગણાય છે.

ઉત્પાદન : ભીંડાના પાકમાંથી 25થી 30 વીણી આવે છે અને હેક્ટરે 10,000થી 15,000 કિગ્રા. લીલી શીંગો મળે છે. ઉનાળુ ઋતુમાં જ્યારે અન્ય શાકભાજીની અછત વર્તાય છે ત્યારે ઉનાળુ ભીંડા તેની પોષક મૂલ્યતા સ્વાસ્થ્યપ્રદાન અને ઉત્પાદનને લીધે આગવું સ્થાન ધરાવે છે.

ભીંડામાં વિટામિન એ, બી, સી તથા પ્રોટીન સારા પ્રમાણમાં, ઉપરાંત તેમાં આયોડીન હોય છે.

ઉપયોગ : ભીંડાનો ઉપયોગ શાકભાજી ઉપરાંત આયુર્વેદિક ઔષધિ તરીકે પેશાબની તકલીફો, મરડો અને હૃદયની નબળાઈઓમાં ફાયદાકારક છે. પાક લીધા પછી તેના છોડનો ઉપયોગ કાગળ-ઉદ્યોગમાં તેમજ થડમાંથી રેસા કાઢી દોરડાં બનાવવામાં થાય છે.

જયંતિલાલ છોટાભાઈ પટેલ