ભીંગડાંવાળી જીવાત : પરવળ જેવાં વેલાવાળાં શાકભાજી અને ગુલાબ જેવા શોભા માટેના ફૂલછોડને ઉપદ્રવ કરતી રોમપક્ષ(Lepidoptera)ની જીવાત. જે તે પાક પ્રમાણે તેની જાતિ અલગ અલગ હોય છે. વળી હવામાન અને વિસ્તાર પ્રમાણે તેના જીવનચક્રમાં થોડો-ઘણો ફેરફાર જોવા મળે છે; તેમ છતાં તેનાથી થતું નુકસાન લગભગ એકસરખા પ્રકારનું હોય છે.
શેરડીની ભીંગડાંવાળી જીવાત Melanaspis glomerata (G.) શેરડીના સાંઠા પરની પાનથી ઢંકાયેલી આંતરગાંઠો ઉપર જોવા મળે છે. તેથી શરૂઆતમાં તેના ઉપદ્રવનો ખ્યાલ આવતો નથી; પરંતુ પાછળથી પાન સુકાઈને સાંઠા પરથી ખરી પડે છે, ત્યારે જ તેના ઉપદ્રવની ભયંકરતા જોવા મળે છે. બચ્ચાં પુખ્ત શેરડીના સાંઠામાંથી રસ ચૂસે છે, તેથી સાંઠા સંકોચાઈ જાય છે. ઉપદ્રવવાળી શેરડીમાંથી બનાવેલ ગોળ બરાબર જામતો નથી અને ખાંડની ટકાવારી ઘટે છે. તેનો ઉપદ્રવ જૂન માસથી શરૂ થાય છે. જીવાતનું આખું જીવનચક્ર 28થી 45 દિવસનું હોય છે અને વર્ષમાં 4થી 9 પેઢી થતી હોય છે.
પરવળના પાકમાં નુકસાન કરતી ભીંગડાંવાળી જીવાત Saissetia coffeae Wlk. અર્ધગોળાકાર, ભૂખરા રંગની અને ચળકતી સપાટીવાળી હોય છે. તે પરવળનાં પાન, વેલા, ફળ ઉપર એક જ જગ્યાએ ચીટકી રહી સતત રસ ચૂસે છે. તેના કારણે પરવળના વેલા સુકાઈ જાય છે. તેના શરીરમાંથી એક પ્રકારનો મધ જેવો ચીકણો પદાર્થ કાઢે છે, જે પાન પર પડતાં કાળી ફૂગ પેદા થાય છે.
ગુલાબની ભીંગડાંવાળી જીવાતનો ઉપદ્રવ મોટાભાગે ઑગસ્ટ-સપ્ટેમ્બર માસમાં જોવા મળે છે. લાલ-ભૂખરા રંગની આ જીવાતના થર ડાળીઓ ઉપર જોવા મળે છે. તે છોડના કુમળા ભાગોમાંથી રસ ચૂસે છે. જીવાતનું પ્રમાણ વધુ-પડતું હોય તો છોડ મરી જાય છે.
આ જીવાતનું સારું નિયંત્રણ કરવું હોય તો રોપવા માટેના શેરડીના ટુકડા ભીંગડાંવાળી જીવાતનો ઉપદ્રવ ન હોય તેવા ખેતરમાંથી પસંદ કરવા જોઈએ. શેરડીના કટકાને મેલાથિયોન 50 ઈસી. અથવા ડાયમિથોએટ 30 ઈસી.ના 0.1 %ના દ્રાવણમાં 15 મિનિટ સુધી બોળી રાખ્યા બાદ રોપણી કરવાથી ભીંગડાંવાળી જીવાતનો નાશ થાય છે અને જીવાતનો નવા પાકમાં ઉપદ્રવ થતો અટકે છે. ઊભા પાકમાં ભીંગડાંવાળી જીવાતનો ઉપદ્રવ વધતો જણાય તો છોડનાં નીચેનાં પાન દૂર કરી ફૉસ્ફામિડોન 0.03 % અથવા ડાયમિથોએટ 0.03 % અથવા મોનોક્રોટોફોસ 0.04 %નો છંટકાવ દવા થડ ઉપર પડે તે રીતે કરવામાં આવે છે. આ જીવાતના 21 જેટલા પરજીવી, 10 જેટલા પરભક્ષી કીટકો અને 5 અન્ય પરભક્ષી નોંધાયેલ છે. સૌરાષ્ટ્રના કોડીનાર વિસ્તારમાં શેરડીની ભીંગડાંવાળી જીવાતના કાયલોકોરસ નિગ્રિટ્સ અને ફેરોસાયમ્ન્સ હૉર્ની જેવાં અગત્યનાં પરભક્ષીની સારી વસ્તી જોવા મળે છે.
પરવળની ભીંગડાંવાળી જીવાતનાં પરજીવી (Ephaleta bruniventris (Mot) અને પરભક્ષી Eublemma scitula Ram. તથા Chrygoperla scelestes Banks તેમજ એસ્પરજિલસ નાઇઝર અને એસ્પરજિલસ ફ્લેવસ નામની ફૂગથી કુદરતી રીતે નિયંત્રણ થતું હોય છે. વધુ ઉપદ્રવ વખતે કાર્બોરિલ 0.2 % અથવા ક્વીનાલફોસ 0.08 % અથવા ડાયક્લોરવૉશ 0.05 % અથવા ક્લોરપાયરિફોસ 0.05 % પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવાથી સારું નિયંત્રણ થાય છે.
ગુલાબની ભીંગડાંવાળી જીવાતના નિયંત્રણ માટે થડ અને ડાળીઓના ઉપદ્રવિત ભાગ પર મેથિલિટેડ સ્પિરિટનું રૂનું પોતું ઘસવાથી સારી અસર થાય છે.
ધીરુભાઈ મનજીભાઈ કોરાટ
પરબતભાઈ ખી. બોરડ