ભિલામો : દ્વિદળી વર્ગમાં આવેલા એનાકાર્ડિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Semecarpus anacardium Linn. f. (સં. भल्लातक; હિં. भेला, भीलावा; મ. बीबा; ગુ. ભિલામો; બં. ભેલા; અં. માર્કિંગ નટ્ટ) છે. તે 12 મી.થી 15 મી. ઊંચું, મધ્યમ કદનું, પર્ણપાતી વૃક્ષ છે. તેના થડનો ઘેરાવો લગભગ 1.25 મી. જેટલો હોય છે. ભારતમાં તે ઉષ્ણ પ્રદેશોમાં થાય છે. તેની છાલ ઘેરા બદામી રંગની અને ખરબચડી હોય છે. પર્ણો સાદાં, મોટાં અને 17.5થી 60.0 સેમી. લાંબાં અને 10.0થી 30.0 સેમી. પહોળાં હોય છે. પુષ્પવિન્યાસ અગ્રીય લઘુપુષ્પગુચ્છી (panicle) પ્રકારનો હોય છે. પુષ્પ નાનાં, લીલાશ-પડતાં પીળાં અને દ્વિગૃહી (dioecious) હોય છે. ફળ અષ્ઠિલ (drupe) પ્રકારનું, ત્રાંસું-અંડાકાર, લીસું, ચળકતું અને લગભગ 2.5 સેમી. લાંબું હોય છે. જ્યારે તે પાકે છે ત્યારે કાળા રંગનું બને છે અને માંસલ નારંગી રંગના પુષ્પાસન પર ગોઠવાયેલું હોય છે.
આ પુષ્પાસન પૂરેપૂરું પાકતાં ખાઈ શકાય છે. તેનું ફળ કાળો, કડવો, તૈલી અને અત્યંત સ્ફોટકારી (vescicant) રસ ધરાવે છે. આ રસ સંકોચક (astringent) હોય છે અને શણના બનાવેલા કાપડ પર કે અન્ય પ્રકારના કાપડ પર નિશાની કરવા માટે વપરાય છે.
તેનો સ્ફોટકારી રસ (રાળ) પુષ્કળ પ્રમાણમાં ફિનૉલ ધરાવે છે. તેના બંધારણમાં ભિલાવાનૉલ(C21H32O2) નામનો ફિનૉલ મુખ્ય છે અને નિષ્કર્ષમાં તે લગભગ 46 % જેટલો હોય છે. તેના સ્ફોટકારી ગુણધર્મને અસ્ફોટકારી ગુણધર્મમાં ફેરવવા ઘણી પ્રક્રિયાઓનો વિકાસ થયો છે. આ અસ્ફોટકારી રાળ વાર્નિશ, લાખ અને મદ્યાર્કના બનેલા રોગાન, મીનો ચડાવવા, ચિત્રકામ, જલાભેદ્યતા (water-proofing) અને વીજરોધન (insulation) માટે વપરાય છે.
ભિલામાની રાળ પદાર્થની સપાટીનું વિલેપન કરવામાં ઉપયોગી છે. બેથી ત્રણ કલાક માટે 140° સે.થી 150° સે. તાપમાને ધાતુઓ પર ચઢતું તેનું અત્યંત પાતળું પડ ચમકીલું, સખત, સ્થિતિસ્થાપક, ર્દઢ (tenacious) અને હવામાનનું અવરોધક હોય છે. તેના પર ઊકળતા પાણીની કે કાર્બનિક દ્રાવકોની અસર થતી નથી. વનસ્પતિ-તેલ અને ટર્પેન્ટાઇન સાથે તેની રાળનું સહબહુલકીકરણ (copolymerization) કરાવતાં પ્રાપ્ત થતી નીપજ રેસા-ઉદ્યોગમાં જલાભેદ્ય તરીકે ઉપયોગી છે. તેની રાળના ફિનૉલિક ઘટકોના ક્લોરિનેટેડ વ્યુત્પન્નો કીટનાશક, પૂતિરોધી (antiseptic) અને ઊધઈ, પ્રતિકર્ષી (termite repllent) હોય છે. તે સંશ્લેષી સ્વચ્છક (detergent), અપતૃણનાશક અને અદાહ્ય (fireproof) પ્લાસ્ટિક બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. તેનો રદ્દી રબરના પુનર્જનન (regeneration) માટે અને સખત, અર્ધસખત કે પોચા રબર વડે બનતી ચીજોના ઉત્પાદનમાં ઉપયોગ થાય છે. તે ભેજ-અવરોધી અને આસંજક (adhesive) સંયોજનો બનાવવામાં અને સીલ કરવા માટે જરૂરી અજ્વલનશીલ (non-inflammable) પદાર્થોના ઉત્પાદનમાં વપરાય છે.
તેના ફળમાં રહેલા બીજનો બદામ જેવો સ્વાદ હોય છે અને બદામની અવેજીમાં કેટલીક વાર ઉપયોગમાં લેવામાં આવે છે; પરંતુ તે ખાતાં ત્વચીય વિસ્ફોટ (eruption) થવાની શક્યતા રહે છે. તેનું રાસાયણિક બંધારણ આ પ્રમાણે છે : ભેજ 3.8 %; પ્રોટીન 26.4 %; મેદ 36.4 %; રેસા 1.4 %; અન્ય કાર્બોદિતો 28.4 % અને ક્ષારો 3.6 %; કૅલ્શિયમ 295 મિગ્રા.; ફૉસ્ફરસ 836 મિગ્રા. અને લોહ 6.1 મિગ્રા. પ્રતિ 100 ગ્રા. હોય છે. તેના બંધારણમાં થાયેમિન રાઇબોફ્લેવિન અને નિકોટિનિક ઍસિડ જેવાં પ્રજીવકો અને આર્જિનિન, હિસ્ટિડિન, લાયસિન, લ્યુસિન, આઇસોલ્યુસિન, મિથિયોનિન, થ્રિયોનિન, ફીનિલ એલેનિન, વૅલાઇન અને ટ્રિપ્ટોફેન જેવા આવશ્યક ઍમિનોઍસિડની હાજરી હોય છે.
બીજમાંથી રતાશપડતું બદામી, અડધું-પડધું સુકાતું (semidrying) અને આનંદદાયક સ્વાદ ધરાવતું તેલ (20 % થી 25 %) પ્રાપ્ત થાય છે. તેના તેલનો ઊધઈ સામે કાષ્ઠ-પરિરક્ષક તરીકે અને ગાડાની લાકડાની બનેલી ધરીના ઊંજણ તરીકે ઉપયોગ થાય છે.
તેનું કાષ્ઠ પીળી રેખાવાળું ભૂખરું સફેદ અને મધ્યમ ભારે (વજન 592 કિગ્રા./ઘનમી.), સુરેખથી માંડી થોડાક પ્રમાણમાં અંતર્ગ્રથિત દાણાદાર હોય છે. તેના સંશોષણ દરમિયાન તિરાડો પડે છે. તેનો ઉપયોગ સસ્તા અને હલકા પ્રકારનું રાચરચીલું, સુવેષ્ટન (packing), પેટીઓ અને ખોખાં તથા દીવાસળીની પેટીઓ અને પાતળી ચીપો બનાવવામાં થાય છે.
ફલાવરણનો રસ પ્રતિજીવાણુ (antibacterial) ગુણધર્મો ધરાવે છે. ભિલાવાનૉલના સલ્ફોનેટ અને આર્સેનિક વ્યુત્પન્નો અસ્ફોટકારી હોય છે તે પૈકીમાંના કેટલાંક Bacillus pyogenes, B. coli, Staphylococcus અને Streptococcus pneumaticus સામે જીવાણુનાશક પ્રક્રિયા દર્શાવે છે. ફળનો નિષ્કર્ષ નાસિકાકંઠનળી(naso-pharynx)ના બાહ્યત્વચાભ (epidermoid) કાર્સિનોમાના સંવર્ધિત કોષો સામે અસરકારક માલૂમ પડ્યો છે. અન્નનળી અને મોંના કૅન્સરના દર્દીઓને ફળનો રસ મોં દ્વારા આપતાં તેની પ્રતિ-કૅન્સર સક્રિયતા જણાઈ છે, જેથી રોગલક્ષણસુધારણા (clinical improvement). લાક્ષણિક શમન (symptomatic relief) અને આયુષ્યમાં વધારો થાય છે. તેની વિષાળુ (toxic) અસરો જોવા મળી નથી. દૂધ સાથે ફળને ઉકાળી મેળવેલો નિષ્કર્ષ ગૃધ્રસી(sciatica)ની ચિકિત્સામાં ઉપયોગી છે. ફળ અંકુશકૃમિ-રોગ(ankylostomiasis)માં લાભદાયી સિદ્ધ થયું છે. પ્રાયોગિક પ્રાણીઓને ફળનો નિષ્કર્ષ મોં વાટે આપતાં તે અલ્પગ્લુકોઝ રક્તક (hypoglycemic) ક્રિયાશીલતા દર્શાવે છે.
આયુર્વેદ અનુસાર તે કડવો, તીખો, તૂરો, ઉષ્ણ, શુક્રકર, મધુર અને લઘુ છે અને કફ, વાયુ, કૃમિ, અર્શ, ઉદર, આનાહ, મેહ, સંગ્રહણી, કોઢ, ધોળો કોઢ, ગુલ્મ, અગ્નિમાંદ્ય, વ્રણવિકાર, રક્તવિકાર અને તાવનો નાશ કરે છે. તેનું ફળ તીક્ષ્ણ, પાકું, તીખું, દીપન, સ્વેદલ, સારક, યકૃદુત્તેજક, મૂત્રલ, કુષ્ઠઘ્ન, અર્શોહર, વાજીકર, જ્ઞાનતંતુઓને ઉત્તેજક, રક્તાભિસરણને ઉત્તેજક, કાસહર, શ્ર્લેષ્મનિ:સારક, શોથહર, આમનાશક, શ્ર્વેતકણો વધારનાર, તૂરું, ધાતુપ્રદ, વૃષ્ય, બલપ્રદ, ઉષ્ણ, પાચક, સ્નિગ્ધ, અગ્નિવર્ધક, તીક્ષ્ણ, છેદક, ભેદક, મેધાકર અને એકંદરે રસાયણરૂપ છે અને કફ, વ્રણ, શ્ર્વાસ, શ્રમ, આનાહ, આધ્માન, સંગ્રહણી, મલબદ્ધતા, કૃમિ, શૂળ, ઉદર, અર્શ, કોઢ, જ્વર, શોફ, ગુલ્મ તથા રક્તપિત્તનો નાશ કરે છે. તેનાં બીજ મધુર, બૃંહણ, વૃષ્ય, દીપન, પૌષ્ટિક, વાયુહારક, દાંતને મજબૂતી આપનાર અને તર્પક છે અને શોફ, અરુચિ, દાહ, પિત્ત અને વાયુનો નાશ કરે છે. ફળનાં જીંડવાં સ્વાદુ, કેશ્ય, અગ્નિદીપક અને પિત્તનાશક છે.
ચામડી પર તેનું તેલ લાગવાથી કે તેલની વરાળનો સ્પર્શ થવાથી દાઝ્યા હોય તેવા ફોલ્લા થાય છે. તે ઉપર તલ વાટી તેમાં કાળી માટી નાખી અથવા માખણમાં કે દૂધમાં તલ વાટી લેપ કરવામાં આવે છે; અથવા જેઠીમધ, તલ, માખણ અને દૂધ એકત્રિત કરી લેપ કરવામાં આવે છે. પિત્તપ્રકૃતિવાળી વ્યક્તિઓ ભિલામાનું સેવન કરતી હોય ત્યારે તડકામાં ફરે તો તે અથવા દહીં, મરચાં, અથાણાં કે તળેલી વાનગીઓ લે તો તે અનુકૂળ આવતું નથી. ભિલામાનું સેવન કરનારે દૂધ અને રોટલી, દૂધ અને ભાખરી અથવા ઘી અને જીરામાં વઘારેલ શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ.
તે કૃમિ, મૂળવ્યાધિ, કાખમાંજરી (બાંબલાઇ), બદ, ગંડમાલા, પડજીભ, ઉધરસ, આધાશીશી, સોજો, ઉડાણું (ગૂમડું), કાનમાં પરુ, તણખિયા પ્રમેહ, જિહવાસ્તંભ, બુદ્ધિજાડ્ય, મૂકત્વ, ખોડો, દાદર, અંડવૃદ્ધિ, મૂર્છા, સંધિવાયુ અને પક્ષાઘાતમાં ઉપયોગી છે.
ભિલામાની જઠર અને ગુદનલિકા ઉપર અસર વધારે થાય છે. યકૃતમાં નિયમપૂર્વક ઝડપી રુધિરાભિસરણ થતાં ગુદનલિકામાં રુધિરનું દબાણ ઓછું થાય છે. તેથી હરસના મસા નાના થઈ જાય છે અને ગુદાને ઉત્તેજન મળવાથી મળસંગ્રહ થતો નથી. બંને મૂત્રપિંડો પર પણ તેની અતિતીવ્ર અને ઉત્તેજક ક્રિયા થાય છે. શરૂઆતમાં મૂત્રનું પ્રમાણ પુષ્કળ વધી જાય છે, પરંતુ તે તુરત જ થાકી જતાં મૂત્રની ઉત્પત્તિ ઘટી જાય છે. તેની ઉત્તેજક ક્રિયા એટલી તીવ્ર હોય છે કે કેટલીક વાર મૂત્ર રુધિરવાળું બને છે. ભિલામાથી નાડીનું પ્રમાણ વધે છે અને હૃદયના ધબકારા સ્પષ્ટ થાય છે. શ્વેતકણો વધતાં અને રસગ્રંથિને ઉત્તેજના મળતાં ગાંઠ અને પિંડની વૃદ્ધિ ઓછી થાય છે.
ભિલામાની માત્રા અધિક થાય તો પહેલાં ખાજ આવે છે, બહુ જ ઘામ થાય છે, બળતરા થાય છે, તરસ લાગે છે અને પછી પેશાબ લાલ થાય છે. આવાં લક્ષણો જણાય ત્યારે ભિલામો બંધ કરવામાં આવે છે અને નાળિયેરનું પાણી અથવા આંબલીનાં પાનનો રસ ઉતાર રૂપે આપવામાં આવે છે.
પાચનતંત્રના શિથિલતાપ્રધાન રોગો પર ભિલામો વાપરવાનો વધારે રિવાજ છે. અગ્નિમાંદ્ય, અપચન, આફરો, કબજિયાત, ગ્રહણી, હરસ, ઉદરરોગ અને ગુલ્મ પર તેનો ઉપયોગ થાય છે. હરસના મસાને તેનો ધુમાડો પણ આપવામાં આવે છે. તે પ્લીહાવૃદ્ધિ અને યકૃતની વૃદ્ધિ પર પણ અપાય છે. ગૃધ્રસી, જ્ઞાનતંતુશોથ, પક્ષાઘાત, અર્દિત (મોઢાનો પક્ષાઘાત) અને ઊરુસ્તંભમાં તે માંસપેશીઓની ક્રિયા સુધારે છે એટલે ગતિભ્રંશ ઓછો થાય છે. મગજના અતિશય ઉપયોગને લીધે થાક લાગે તો ભિલામાથી ફાયદો થાય છે. તે મગજના આવરણના સોજામાં ગુણકારક છે. નવા અને તીવ્ર આમવાતમાં ભિલામાથી બહુ સારો લાભ થાય છે. જીર્ણ આમવાતમાં તેનો ઉપયોગ થતો નથી. દમ પર તે અત્યુત્તમ ઔષધ ગણાય છે. ફેફસામાં સોજો આવી તાવ આવતો હોય અને લોહીવાળો કફ પડતો હોય ત્યારે તેની સાથે જેઠીમધ આપવામાં આવે છે. તે કામોત્તેજક હોવાથી કામ-સંબંધી રોગોમાં પુરુષત્વ વધારવા માટે પણ તેનો ઉપયોગ છૂટથી થાય છે.
અમૃતભલ્લાતક નામનું તેનું ચાટણ એકથી બે ચમચી સવારે લઈ દૂધ પીવાનો રિવાજ છે. તેનાથી સાંધાના વા અને કમરનો દુખાવો દૂર થાય છે. ચિંચાભલ્લાતક નામની વટી પાકી આંબલી અને ભિલામાની બનાવટ છે. તેનો વર્ધમાન ક્રમમાં ઉપયોગ કરવાથી કમરનો દુખાવો અને આમવાત જેવા રોગો મટે છે. નારસિંહ ચૂર્ણમાં ભિલામા સાથે અન્ય પોષક દ્રવ્યો મિશ્ર કરવામાં આવે છે, જેથી વાના કે રાજયક્ષ્મા જેવા રોગના દર્દીઓને આપવાથી તેમનું બલ પણ વધે છે અને રોગ દૂર થાય છે. તે સફેદ કોઢને પણ મટાડે છે. ધીરજ રાખીને લાંબા સમય સુધી ઉપર જણાવેલા પૈકી કોઈ પણ એક યોગનો ઉપયોગ કરવાથી સફેદ કોઢ મટી જાય છે. ભિલામાનું તેલ દૂધ સાથે બલ પ્રમાણે એક માસ સુધી લેવાથી તે રસાયન-પ્રયોગ તરીકે કામ કરે છે અને વ્યક્તિ તમામ રોગોથી મુક્ત થઈ દીર્ઘાયુષ્ય ભોગવે છે.
ગોવિંદપ્રસાદ કૃષ્ણલાલ દવે
બળદેવભાઈ પટેલ