ભિંડરાનવાલે, જરનૈલસિંઘ (જ. 1947, પંજાબ; અ. 4 જૂન 1984, અમૃતસર) : પંજાબના ખાલિસ્તાનવાદી કટ્ટર નેતા. શીખ ખેડૂત કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. તેમણે શીખ ધર્મનું શિક્ષણ દમદમી તકસાલમાં મેળવ્યું અને ત્યારબાદ ત્યાં જ શીખ ધર્મગુરુ નિમાયા. 1971માં તેઓ મુખ્ય ધર્મગુરુ બન્યા. આ સમયે તેમને ભિંડરાનવાલે અટક મળી.

જરનૈલસિંઘ ભિંડરાનવાલે
શીખ ધર્મ ઉત્તમ ધર્મ છે અને છતાં તેને અન્યાય થઈ રહ્યો છે તેવી માનસિક ગ્રંથિઓને કારણે સમય જતાં તેઓ ઝનૂની અને ધર્માંધ બનવા લાગ્યા. એક તરફ અર્ધશિક્ષિત ગ્રામીણ શીખ યુવાનોની વધતી સંપત્તિ અને બીજી તરફ ધર્મમાં તેમની ઘટતી જતી શ્રદ્ધા જોઈને જરનૈલસિંઘ મન પર શીખ ધર્મ માટે કંઈક કરી છૂટવાનો પ્રબળ આવેગ સવાર થઈ ગયો. ધર્મથી વિમુખ બનનાર શીખો તેમની નજરમાં ‘પાખંડી’ હતા.
1980ના દસકાના શરૂઆતનાં વર્ષો દરમિયાન પંજાબના રાજકારણમાં અકાલી દળની લોકપ્રિયતાનો આંક ઊંચો જઈ રહ્યો હતો તેને અંકુશિત કરવા માટે ભિંડરાનવાલેનો ઉપયોગ કરવા સારુ કેટલાંક પરિબળો દ્વારા તેમને રાજકારણમાં લાવવામાં આવ્યા હતા એવી એક માન્યતા છે. રાજકીય જીવનમાં તેમને મહત્વનું સ્થાન આપવાના હેતુથી ‘દલ-ખાલસા’ નામનું એક અલાયદું જૂથ સ્થાપવામાં આવ્યું અને પંજાબના તે સમયના મુખ્યપ્રધાન પ્રકાશસિંઘ બાદલના પ્રધાનમંડળ વિરુદ્ધ એક શસ્ત્ર તરીકે દલ-ખાલસાને અને ભિંડરાનવાલેને બહેકાવવામાં આવ્યા. રાજકારણીઓ દ્વારા અપાતા મહત્વને કારણે તેઓ વધુ ને વધુ મહત્વાકાંક્ષી બનવા લાગ્યા. તેના જ પરિણામરૂપે સ્વતંત્ર શીખ રાજ્ય ‘ખાલિસ્તાન’ની માંગ મજબૂત કરવા તેમણે વિવિધ પ્રયાસો હાથ ધર્યા. ખાલિસ્તાનની સ્થાપના માટે તેમના જૂથે આંતકવાદનો માર્ગ લીધો; એટલું જ નહિ, પરંતુ પોતાનું ધ્યેય સિદ્ધ કરવા માટે ગેરબંધારણીય માર્ગોનો આશ્રય લેવાનું પણ તેમણે મુનાસિબ માન્યું. તેને લીધે પંજાબમાં હિંસા અને આંતકનો દોર શરૂ થયો. અખંડ ભારતની તરફેણ કરનાર શીખ અને પંજાબી નેતાઓની હત્યા કરવી, બુદ્ધિજીવીઓને રહેંસી નાંખવા, જાહેર તેમજ ખાનગી મિલકતોને નુકસાન પહોંચાડવું, તોડફોડ કરવી, બૅન્કો વગેરેમાં લૂંટ ચલાવવી, આગ ચાંપવી, રેલવે અને બસવ્યવહાર ખોરવી નાંખવો તેમજ તેમાં પ્રવાસ કરતા નિર્દોષ ઉતારુઓની કતલ કરવી – આવી પ્રવૃત્તિઓને તેઓ સરિયામ પ્રોત્સાહન આપવા લાગ્યા. આમ પંજાબમાં હિંસા અને આતંકની સ્થિતિ પેદા કરવામાં તેમનું નેતૃત્વ કેન્દ્રીય ભૂમિકા અદા કરતું રહ્યું. રાજકીય ધરપકડની દહેશતને કારણે તેમણે અને તેમના કટ્ટરપંથી સાથીઓએ શીખોના સૌથી પવિત્ર સ્થાન અમૃતસરના સુવર્ણમંદિરમાં રક્ષણ લીધું.
તેમની આતંકવાદી પ્રવૃત્તિઓ નાથવા માટે અને પંજાબમાં શાંતિ સ્થાપવા માટે ભારતનાં તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ ભારતીય સૈન્યને સુવર્ણમંદિરમાં લશ્કરી કાર્યવાહી હાથ ધરવાનો આદેશ આપ્યો, જે ‘ઑપરેશ બ્લૂ સ્ટાર’ નામથી જાણીતું બન્યું છે. 3 જૂન 1984ના રોજ ભારતીય લશ્કરે સુવર્ણમંદિરને ઘેરો ઘાલ્યો. તથા 4 જૂને સુવર્ણમંદિરમાં સેનાની ટુકડીઓએ પ્રવેશ કર્યો. આ કાર્યવાહી દરમિયાન સુવર્ણમંદિરના અકાલ તખ્તમાંથી ભિંડરાનવાલેનું શબ મળ્યું. ભારતીય લશ્કર સામે શરણાગતિને બદલે તેમણે આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવે છે.
રક્ષા મ. વ્યાસ