ભાવે, શિવાજી (જ. ?; અ. 12 જૂન 1992, પવનાર, વર્ધા) : રચનાત્મક કાર્યકર. વિનોબા ભાવેના સૌથી નાના ભાઈ. બાળપણમાં કેટલોક સમય એમના કાકા પાસે ગાગોદામાં રહ્યા હતા. પછી વડોદરા ગયા. સમજણા થયા ત્યારથી માતાને ઘરકામમાં મદદ કરતા. સેવાચાકરી કરતા. તેર વર્ષની વયે માતાનું મૃત્યુ થયું.
વિનોબા અને બાળકોબાની જેમ શિવાજી પણ 16 વર્ષની ઉંમરે ઘર છોડી આશ્રમમાં ગયા. શરૂઆતમાં તેઓ કસ્તૂરબા પાસે રહી રસોડાનું અને ખાસ કરીને વાસણ માંજવાનું કામ કરતા. પોતાને મજૂર તરીકે ઓળખાવતા અને સખત મજૂરીનું કામ કરતા. 1920માં એ રાજાજી પાસે એમની સેવામાં રહ્યા. 1921માં ચાર મહિના સુથાર પાસે રહી સુથારી કામ કર્યું. 1923માં સત્યાગ્રહાશ્રમમાં માટી ઉપાડવાનું અને ઈંટો બનાવવાનું કામ કર્યું. 1925થી ત્રણ વર્ષ સુધી એમણે રોજ ત્રણ કલાક ખાદી વણવાનું કામ કર્યું. વિનોબા જે કામ બતાવતા તે પૂરી હોંશથી કરતા. 1926માં ત્રણ મહિના બાળકોબાની સેવા માટે ચિંચવડ રહ્યા.
તેમણે સત્યાગ્રહમાં ભાગ લઈ બે વખત કારાવાસ ભોગવ્યો હતો. 1932થી 12 વર્ષ આખા મહારાષ્ટ્રમાં ગીતાઈ-પ્રચાર માટે ફર્યા. ગામડે ગામડે પ્રવાસ દરમિયાન એમને બસ, ગાડી વગેરે માટે ખૂબ રાહ જોવી પડતી. એ સમયનો સદુપયોગ કરી જ્ઞાનેશ્વરીનો શબ્દકોશ તૈયાર કરવા માટે નોંધ કરવામાં લાગી જતા. આમ પળેપળનો ઉપયોગ કરી એમણે ‘જ્ઞાનેશ્વરી શબ્દાર્થ કોશ’ તૈયાર કર્યો.
મહાદેવભાઈના મૃત્યુ પછી એમની સ્મૃતિમાં ફાળો ઉઘરાવી ધૂળિયામાં મહાદેવ મંદિર–ગાંધી તત્વજ્ઞાન મંદિર–ઊભું કરવામાં આવ્યું. ત્યાં ગૌશાળા પણ ઊભી થઈ. ત્યાં શિવાજીનું અધ્યયન, અધ્યાપન, લેખન, પ્રકાશનકાર્ય ચાલતું જ રહ્યું. વિનોબાનાં ઘણાંખરાં પુસ્તકો ત્યાં છપાયાં. તેનું પ્રૂફવાચન શિવાજી પોતે કરતા હતા.
વડોદરામાં પિતાજીની બીમારીના સમાચાર વિનોબાને મળ્યા એટલે એમણે શિવાજીને વડોદરા મોકલ્યા, ત્યાં થોડો વખત પિતાની સેવાચાકરી કરી એમને સમજાવીને ધૂળિયા લઈ આવ્યા અને ત્યાં અંત સુધી એમની સેવા કરી.
1980માં પંજાબમાં શિવાજીની કારને અકસ્માત નડ્યો. દિવસો સુધી લુધિયાણાની એક મિશન હૉસ્પિટલમાં રહ્યા. ત્યાં ઠીક થયા પછી વિનોબાએ એમને પવનાર બોલાવી લીધા. ત્યારથી એમનું મુખ્ય સ્થાન પવનાર રહ્યું. બ્રહ્મવિદ્યામંદિરની બહેનોનો સ્વાધ્યાયવર્ગ તેઓ ચલાવતા. સર્વોદય અને અધ્યાત્મ વિશે એમણે મરાઠી, હિંદી અને ગુજરાતીમાં ઠીક ઠીક સાહિત્યનિર્માણ કર્યું છે. એમના ‘ભગવાન બુદ્ધ’ (1964) ગ્રંથને સ્વામી આનંદે ગુજરાતીમાં ઉતારી આપ્યો છે.
રમણભાઈ મોદી