ભાવે, વિનોબા [જ. 11 સપ્ટેમ્બર 1895, ગાગોદા, જિ. કુલાબા (રાયગડ); અ. 15 નવેમ્બર 1982, પવનાર, વર્ધા] : ગાંધીમાર્ગી સેવક, ચિંતક અને સંત. જન્મ ચિત્તપાવન બ્રાહ્મણ કુટુંબમાં. મૂળ નામ વિનાયક નરહરિ ભાવે. પિતા સ્વમાની, વ્યવસ્થાપ્રિય, વૈજ્ઞાનિક અને બુદ્ધિનિષ્ઠ. માતા રુક્મિણીબાઈ ભક્ત અને ભોળાં. એ વહેલી પરોઢિયે ઊઠી સંતોનાં ભજનો ગાતાં ગાતાં ઘરનાં બધાં કામોમાં ગરકાવ રહેતાં. શિવભક્ત દાદા શંભુરાવ ચાંદ્રાયણ વ્રત કરતા અને નાના ‘વિન્યા’(વિનાયક)ને પણ સાથે રાખતા. દાદા, દાદી, મા સૌ એમને રામાયણ- મહાભારતની વાતો કહેતાં. એ વાતાવરણે વિનાયકમાં બાળપણમાં બ્રહ્મજિજ્ઞાસા પેદા કરી. આઠમે વર્ષે એમણે ‘જ્ઞાનેશ્વરી’ વાંચી. સંત તુકારામ અને મોરોપંત પંડિતનું સાહિત્ય વાંચ્યું. માતાના મોઢે ગવાતા રામદાસના અભંગો સાંભળી ‘દાસબોધ’ની ઊંડી અસર વિનાયકના ચિત્ત પર પડી. પિતા વડોદરામાં નોકરી કરતા હતા એટલે કુટુંબને વડોદરા જવું પડ્યું.
દસમે વર્ષે વિનાયકને જનોઈ દેવાઈ. તે જ વર્ષે એમણે બ્રહ્મચર્યપાલનનો સંકલ્પ કર્યો. એમને પગલે પગલે એમના બે ભાઈઓ બાળકોબા અને શિવાજી પણ સંન્યાસને વર્યા. પ્રખર વૈરાગી શંકરાચાર્ય વિનાયકના આદર્શ ગુરુ. બુદ્ધિનિષ્ઠ અને તર્કનિષ્ઠ વિનાયક શાળાના અભ્યાસમાં પણ પ્રતિભાશાળી નીવડ્યા. વડોદરાના સયાજીરાવ પુસ્તકાલયનો વિનાયક અને એમના મિત્રોએ ખૂબ લાભ લીધો. વિનાયકનું મિત્રમંડળ મોટું હતું. એમની સાથે રાષ્ટ્ર અને ઈશ્વર અંગે ચર્ચાઓ ચાલે. 1914માં એમણે વિદ્યાર્થીમંડળ સ્થાપ્યું અને અભ્યાસ-વર્ગ ચલાવ્યા. ગણિત પણ એમનો ખૂબ પ્રિય વિષય. કવિતા રચવાનો વિનાયકને શોખ. સરસ કવિતા રચાય તો માતાને સંભળાવી એ તરત અગ્નિદેવને અર્પણ કરતા. આમ જ એક દિવસ એમણે બધાં પ્રમાણપત્રો બાળી નાખ્યાં. 25મી માર્ચ 1916માં મિત્રો સાથે ઇન્ટરની પરીક્ષા આપવા નીકળ્યા, પણ રસ્તામાં સૂરત સ્ટેશને ગાડી બદલી अथातो ब्रह्मजिज्ञासा કહીને કાશી પહોંચ્યા. ત્યાં 8´ × 5´ની એક નાનકડી ઓરડીમાં રહી જ્ઞાનોપાસના આરંભી. એક વખત દ્વૈતવાદીઓ અને અદ્વૈતવાદીઓ વચ્ચે વાદવિવાદ થઈ રહ્યો હતો. અંતે અદ્વૈતના વિજયની જાહેરાત થઈ. ત્યારે એ ચર્ચા સાંભળતો યુવાન વિનાયક આગળ આવી બોલ્યો, આમાં તો અદ્વૈતની હાર થઈ ગણાય; કારણ કે ચર્ચા દરમિયાન વ્યવહારમાં દ્વૈત સ્વીકારાય છે, અને આગળ એ પણ જણાવ્યું કે વ્યવહારમાં દ્વૈતવાદી બની જવાને બદલે દ્વૈતવાદીઓને પણ પોતાનામાં સમાવી લઈને વાસ્તવિક અદ્વૈત સિદ્ધ કરવું જોઈએ.
ત્રણ મહિના સુધી ઊંડા અધ્યયનમાં રત રહેલા વિનાયકને હવે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બંનેનું આકર્ષણ રહ્યું. એવામાં બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના ઉદઘાટન પ્રસંગે રાજામહારાજાઓને ભડકાવનારું ગાંધીજીએ આપેલું ભાષણ વિનાયકને આકર્ષી ગયું. એમણે ગાંધીજીને પત્ર લખી કેટલાક પ્રશ્નો પૂછ્યા. જવાબમાં ગાંધીજીએ રૂબરૂ મળવા જણાવ્યું. વિનાયક સાતમી જૂન 1916ના દિવસે અમદાવાદના કોચરબ આશ્રમે પહોંચ્યા. ત્યાં ગાંધીજીની આંતરબાહ્ય એકતા વિનાયકને ઊંડાણમાં સ્પર્શી ગઈ. હિમાલયની શાંતિ તેમજ બંગાળની ક્રાંતિ બંનેનો અદભુત સંગમ એમને ત્યાં દેખાયો. તે ક્ષણથી જ એમણે એમનું જીવન ક્રાંતિના કાર્યને અર્પણ કરી દીધું. આમ ગાંધીજી દ્વારા વિનાયક વિનોબા બન્યા. ગાંધીજીએ એક વખત એમના સાથી ઍન્ડ્રૂઝને કહેલું કે વિનોબા આશ્રમનાં દુર્લભ રત્નોમાંના એક છે. થોડો વખત આશ્રમમાં રહી વિનોબા ગાંધીજીની રજા લઈ એક વર્ષ દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરવા વાઈની પ્રાજ્ઞ પાઠશાળામાં ગયા. નારાયણ શાસ્ત્રી મરાઠે પાસે ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્રો તથા શાંકરભાષ્ય, મનુસ્મૃતિ અને પાતંજલ યોગદર્શનનો અભ્યાસ કર્યો. પગે ચાલી ગીતા પર વ્યાખ્યાનો આપ્યાં અને વર્ષ પૂરું થતાં આશ્રમમાં પાછા ફર્યા.
જમનાલાલ બજાજના અનુરોધથી વર્ધામાં સત્યાગ્રહાશ્રમની શાખા ચલાવવા ગાંધીજીએ 1921માં વિનોબાને વર્ધા મોકલ્યા. ત્યાં ગાંધીજીનાં બધાં રચનાત્મક કામો હાથ ધરી તપોમય જીવન જીવ્યા. અધ્યયન અને અધ્યાપનના ફળસ્વરૂપે ‘ઉપનિષદોનો અભ્યાસ’, ‘ગીતાપ્રવચનો’, ‘ગીતા-પદાર્થ-કોશ’, ‘સ્થિતપ્રજ્ઞદર્શન’, ‘સ્વરાજ્ય-શાસ્ત્ર’ વગેરે સાહિત્યનું નિર્માણ થયું. ખાવું, પીવું, કાંતવું, વણવું વગેરે કામોનો યોગ (કર્મયોગ) પણ સાથે સાથે ચાલ્યો. એ જમાનામાં આશ્રમમાં કર્મયોગનું તંત્ર ખૂબ કડક રહેતું. વિનોબા એમાં અગ્રસ્થાને રહેતા. ‘ગીતાઈ’ અને ‘ગીતાપ્રવચનો’ વિનોબાની અત્યંત લોકપ્રિય કૃતિઓ છે. ‘ગીતાઈ’નો શબ્દશ: અર્થ સમજવા માટે એમણે ‘ગીતાઈ શબ્દકોશ’ તૈયાર કર્યો અને ગીતાના શ્લોકોના ગહન અર્થ સમજવા માટે એમણે ‘ગીતાઈ-ચિંતનિકા’ તૈયાર કરી. વિશિષ્ટ જનો માટે વિનોબાએ ‘ગીતાધ્યાયસંગતિ’, ‘સ્થિતપ્રજ્ઞદર્શન’ અને ‘સામ્યસૂત્ર’ની રચના કરી. આ રીતે વિનોબા ગીતાના સૂત્રકાર, ભાષ્યકાર, કોશકાર અને સમાલોચનાકાર બન્યા. ગીતામાંથી શંકરાચાર્યે જ્ઞાનયોગ, જ્ઞાનદેવે ભક્તિયોગ, તિલકમહારાજે કર્મયોગ તો વિનોબાએ એ ત્રણેયના સમન્વયરૂપ સામ્યયોગનું પ્રતિપાદન કર્યું.
1934માં વિનોબાએ વર્ધાથી બે માઈલ દૂર નાસવાડીમાં ગ્રામસેવા-કેન્દ્ર સ્થાપી આજુબાજુનાં ગામોમાં રચનાત્મક પ્રવૃત્તિઓ ઉપાડી. અસ્પૃશ્યતાનિવારણ, ખાદી, કુષ્ઠસેવા ઉપરાંત ખેતી-ગોસેવાનું કાર્ય ત્યાં ચાલતું. વિનોબાએ કાંતણની મજૂરી પર ગુજરાન ચલાવવાનું બીડું ઝડપ્યું. એનાથી કાંતણનું મહેનાતણું વધારવામાં મદદ થઈ. ત્યાં ચાર વર્ષના સખત પરિશ્રમથી વિનોબાની તબિયત લથડી. એટલે ગાંધીજીએ એમને કામ અને ચિંતન છોડી આરામ કરવા જણાવ્યું. બધું છોડી વિનોબા પવનારમાં આવેલા જમનાલાલ બજાજના બંગલામાં આરામ કરવા ગયા. તબિયત સુધરતાં ત્યાં જ આશ્રમજીવન શરૂ થયું. પવનારમાં ‘પરમધામ’ આશ્રમ અસ્તિત્વમાં આવ્યો. ખેતી માટે જમીન ખેડતાં ત્યાં જમીનમાંથી અનેક પ્રાચીન ભગ્ન મૂર્તિઓ નીકળી. એમાં સૌથી મહત્વપૂર્ણ હતી ભરત–રામમિલનની એક પ્રચંડ મૂર્તિ. જેવી મૂર્તિની કલ્પના વિનોબાએ 1932માં આપેલાં ગીતા-પ્રવચનોમાં કરી હતી, તેવી જ આ મૂર્તિ મળી આવતાં વિનોબાએ એને ઈશ્વરી કૃપા ગણી એની પ્રતિષ્ઠા કરી અને એ રીતે ત્યાં ભરત-રામમંદિર અસ્તિત્વમાં આવ્યું.
બીજા મહાયુદ્ધ (1939–45) વખતે બ્રિટિશ સરકારે હિંદને વગર પૂછ્યે યુદ્ધમાં સંડોવ્યું એટલે યુદ્ધવિરોધી વ્યક્તિગત સત્યાગ્રહની યોજના ગાંધીજીએ વિચારી. એના પહેલા સત્યાગ્રહી તરીકે વિનોબાને જાહેર કર્યા. વિનોબાએ સત્યાગ્રહ કરી ત્રણ વાર જેલ ભોગવી. 1942માં ‘ભારત છોડો’ આંદોલન વખતે પણ વિનોબાની ધરપકડ થઈ. એમને તમિલનાડુની વેલોર જેલમાં રાખ્યા. ત્યાં એમણે તમિળ, તેલુગુ, કન્નડ અને મલયાળમ એ દક્ષિણની ચાર ભાષાઓ શીખવાનું શરૂ કર્યું. લાંબા જેલવાસ પછી 1945માં તેમને મુક્તિ મળી અને તેઓ પવનાર પાછા આવ્યા.
1948માં ગાંધીજી શહીદ થયા. એ પછી 1948ના માર્ચમાં સેવાગ્રામમાં વિશાળ ગાંધી પરિવાર ભેગો થયો. તેમાં વિનોબાએ સર્વોદય સમાજ રચવાનો વિચાર રજૂ કર્યો. બાપુને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ સૂત્રાંજલિ છે એમ જણાવી દર વર્ષની 12મી ફેબ્રુઆરીએ ગાંધીજીના શ્રાદ્ધદિને દેશભરમાં ઠેર ઠેર સૂત્રકૂટો રચી સૂત્રાંજલિ અર્પવાનો અને ‘સર્વોદય મેળો’ યોજવાનો કાર્યક્રમ વિનોબાએ દર્શાવ્યો. એ પછી પંડિત નહેરુના અનુરોધથી રાજસ્થાનના મેવ જાતિના મુસલમાનોના પુનર્વસવાટનું કામ હાથ ધર્યું. છ મહિનાની એ કામગીરી દરમિયાન સરકારી તંત્રની મર્યાદા વિનોબાના ધ્યાનમાં આવી એટલે પંડિત નહેરુ સાથે ચર્ચા કરી એ પાછા પવનાર આવ્યા. ત્યાં પસંદ કરેલા સાથીઓને રાખી કાંચનમુક્તિ અને ઋષિખેતીના પ્રયોગો કર્યા. ધન અને બજારથી મુક્ત થઈ શ્રમાધારિત સ્વાવલંબી જીવન જીવવાનો આ પ્રયોગ હતો. વસ્ત્ર-સ્વાવલંબન માટે સામૂહિક કાંતણ ચાલતું હતું.
વિનોબાનું સૌથી મહત્વનું કાર્ય 1951ની અઢારમી એપ્રિલે એમણે શરૂ કરેલું ભૂદાનયજ્ઞ આંદોલનનું કાર્ય હતું. જીવનભરનાં રચનાત્મક કામો અને સાધનાના ટોચકળશરૂપ એ કાર્ય હતું. તેનું નિમિત્ત બની તેલંગણની સામ્યવાદીઓની નક્સલવાદી હિંસક પ્રવૃત્તિઓ. અઢારમી એપ્રિલે પ્રથમ 100 એકર જમીન ગરીબોમાં વહેંચવા દાનમાં મળી અને બીજા દિવસથી ભૂદાનયજ્ઞ આંદોલન માટે વિનોબાની પદયાત્રા શરૂ થઈ, જે સતત 14 વર્ષ ચાલી. તેને પરિણામે 50 લાખ એકર જમીન ભૂદાનમાં મળી. તેમાંની 32 લાખ એકર જમીનનું ગરીબોમાં વિતરણ થયું. પૃથ્વીની બે વખત પ્રદક્ષિણા થઈ શકે એટલી લાંબી વિનોબાની એ પદયાત્રા થઈ. તે દરમિયાન બીજી ઘણી સિદ્ધિઓ હાંસલ થઈ. ગાંધીવિચારનો એક સુવ્યવસ્થિત પિંડ બંધાયો. ચંબલના બહારવટિયાઓનું હૃદય-પરિવર્તન થયું. એમણે સંતને ચરણે શસ્ત્ર–સમર્પણ કરી સ્વેચ્છાએ સજા ભોગવી. ભૂદાનમાંથી ગ્રામદાન, જીવનદાન, સંપત્તિદાન, સર્વોદય-પાત્ર, શાંતિસેના વગેરે કાર્યક્રમો અસ્તિત્વમાં આવ્યા. દેશના જુદા જુદા ભાગોમાં છ આશ્રમોની રચના થઈ. ગ્રામદાનથી સુલભ ગ્રામદાન તરફ વળવાની પ્રક્રિયાને વિનોબાએ સૌમ્ય સત્યાગ્રહનો પ્રકાર ગણાવ્યો તથા સૌમ્યતર અને સૌમ્યતમ સ્વરૂપ પ્રયોજવાની વાત કરી. વિનોબાએ એને પ્રજાસૂય યજ્ઞ કહીને એ યજ્ઞમાં સૌને સામેલ થઈને જમીન, ધન, બુદ્ધિ અને શ્રમશક્તિમાંથી જેની પાસે જે કાંઈ હોય તેનો થોડો હિસ્સો આપવાનું અને જનશક્તિ, સજ્જનશક્તિ, વિદ્વજ્જનશક્તિ, મહાજનશક્તિ અને શાસનશક્તિ – એ પાંચેય શક્તિઓના સહયોગ દ્વારા દંડશક્તિથી ભિન્ન, હિંસાશક્તિની વિરોધી એવી ત્રીજી લોકશક્તિ ખડી કરવાનું આહવાન કરેલું. બ્રહ્મવિદ્યા, ગ્રામદાન, ગ્રામસ્વરાજ, શાંતિસેના અને આચાર્યકુલને વિનોબાએ પોતાના પંચાયતન તરીકે રજૂ કરેલાં. સર્વોદયમાં શ્રદ્ધા ધરાવનારા સર્વોદય-પ્રેમીઓ દર મહિને એક દિવસ ઉપવાસ કરી ઉપવાસ-દાન કરે તથા ગામના દરેક ઘરમાંથી એક એક વ્યક્તિના પ્રતિનિધિત્વવાળી ગ્રામસભા સર્વાનુમતિથી કાર્યકારિણી સમિતિ રચે અને એમાં જે કંઈ નિર્ણય થાય તે માન્ય ગણાય; વગેરે આંદોલનનાં વિવિધ પાસાં રજૂ કરી વિનોબાએ સર્વોદયનું સંપૂર્ણ દર્શન રજૂ કર્યું. આમ પંચશક્તિ સહયોગ, પંચાયતન, ઉપવાસદાન અને સર્વસંમતિથી જે કંઈ નિર્ણય થાય તે માન્ય, એ વિનોબાનો ચતુ:સૂત્રી કાર્યક્રમ રચનાત્મક કાર્યક્રમની આધ્યાત્મિક બુનિયાદ પર રચાયેલો છે.
જૂન 1966માં વિનોબાએ સૂક્ષ્મ કર્મયોગમાં પ્રવેશવાની જાહેરાત કરી. પચાસ વર્ષ પૂર્વે, આ જ દિવસે એ ગાંધીજીને પહેલવહેલા મળેલા. એમના આદેશ પ્રમાણે 50 વર્ષ સુધી આચરેલો કર્મયોગ ગાંધીજીને સમર્પિત કરી એ સૂક્ષ્મ કર્મયોગમાં પ્રવેશ્યા. તે પછી ચાર વર્ષે જૂન 1970ના દિવસે ‘સૂક્ષ્મતર કર્મયોગ’નો આરંભ થયો. ઑક્ટોબર 1970માં વિનોબાએ ક્ષેત્રસન્યાસનો નિર્ણય કર્યો. પવનારના બ્રહ્મવિદ્યા-મંદિરમાંથી બહાર ન નીકળવાનો એમનો નિરધાર હતો. કર્મમુક્તિના આ ગાળા દરમિયાન એક અપવાદ એ રહ્યો કે ભારતીય સંસ્કૃતિના પાયારૂપ ગાય અને તેના વંશજોની મોટા પાયા પર થતી કતલ રોકવા એમણે બાવીસમી એપ્રિલ 1979ના રોજ ઉપવાસ શરૂ કર્યા. પણ તે વખતના ભારતના વડાપ્રધાન મોરારજી દેસાઈએ પશુસંવર્ધનનો વિષય કેન્દ્રીય સૂચિમાં મૂકવાની ખાતરી આપી એટલે વિનોબાજીએ છઠ્ઠા દિવસે ઉપવાસ તો છોડ્યા, પણ એમના નિકટના સાથી અચ્યુતભાઈ દેસાઈને ‘આ દેશમાં નાનાંમોટાં, કોઈ પણ વયનાં ગાયબળદની હત્યા ન થવી જોઈએ’ એવો સંદેશ આપીને દેવનાર ખાતે સત્યાગ્રહ કરવા મોકલ્યા.
નવેમ્બર 1982માં વિનોબાને હૃદયરોગનો હુમલો થયો. એમના નિવાસસ્થાને ડૉક્ટરોની ટુકડી આવી પહોંચી. ખૂબ કાળજીભરી સારવારથી ચાર દિવસ બાદ તેમની તબિયતમાં સુધારો થયો. ડૉક્ટરોએ તેમને ભયમુક્ત જાહેર કર્યા. પણ તે જ દિવસથી વિનોબાએ દવા, પાણી, આહાર લેવાનું બંધ કર્યું અને અગિયાર દિવસ બાદ એમણે તદ્દન સહજ રીતે પ્રાણત્યાગ કર્યો.
ભારત સરકારે તેમને મરણોપરાંત ભારતરત્નના ખિતાબથી નવાજયા છે.
રમણભાઈ મોદી