ભાવસાર, નટવર પ્રહલાદજી (જ. 7 એપ્રિલ 1934, ગોઠવા, ગુજરાત) : અમેરિકામાં સ્થિર થયેલા ગુજરાતના ચિત્રકાર. પિતા ગામડાની શાળાના આચાર્ય.
અમદાવાદની શેઠ સી. એન. ફાઇન આર્ટ્સ કૉલેજમાં રસિકલાલ પરીખના માર્ગદર્શન નીચે 1956માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યા પછી મુંબઈ જઈ 1958માં તેમણે સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી આર્ટ માસ્ટરનો ડિપ્લોમા મેળવ્યો. આ પછી એક વરસ તેમણે રાજસ્થાનની બનસ્થલી યુનિવર્સિટીમાંથી ભીંતચિત્રોની પદ્ધતિઓ અંગેનો ટૅકનિકલ અભ્યાસ કર્યો. આ પછી અમદાવાદ આવી સ્થિર થયા અને ભીંતચિત્રો બનાવ્યાં, તથા સી. એન. ફાઇન આર્ટ્સ કૉલેજમાં અધ્યાપક નિયુક્ત થયા (1958થી 1962). સાથે સાથે તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં બી.એ. કર્યું. એ જ અરસામાં નવી દિલ્હીમાં યોજાયેલા ‘ઇન્ડસ્ટ્રિયલ ફેર’માં એક મ્યૂરલ (ભીંતચિત્ર) ચિત્રિત કર્યું. તેઓ અમદાવાદમાં ‘પ્રોગ્રેસિવ પેઇન્ટર્સ’ જૂથમાં જોડાયા અને જેરામ પટેલ, બાલકૃષ્ણ પટેલ, પીરાજી સાગરા, છગનલાલ જાદવ, શરદ પટેલ અને અન્ય ચિત્રકારો સાથે દિલ્હી, મુંબઈ, અમદાવાદ, સૂરત અને અમૃતસરમાં જૂથપ્રદર્શનો કર્યાં.
1963માં તેઓ અમેરિકા ગયા અને ફિલાડેલ્ફિયાની યુનિવર્સિટી ઑવ્ પેન્સિલ્વેનિયાની સ્કૂલ ઑવ્ ફાઇન આર્ટ્સમાં જોડાયા. 1965માં અહીંથી માસ્ટર ઑવ્ આર્ટ્સ(ફાઇન)ની પદવી મેળવી. આ અભ્યાસ માટે તેમને યુનિવર્સિટી ઑવ્ પેન્સિલ્વેનિયાની ફૉરિન સ્ટુડન્ટ સ્કૉલરશિપ મળતી હતી. આ અભ્યાસ દરમિયાન તેમનાં શિક્ષિકા ચિત્રકાર જેનેટ બ્રોસિયસના ઘનિષ્ઠ પરિચયમાં આવ્યા. આ સંબંધ ધીમે ધીમે આત્મીયતા અને લગ્નમાં પરિણમ્યો. 1965થી 1966 સુધી તેમને ચિત્રો કરવા માટે જૉન. ડી. રૉકફેલર થર્ડ ફંડ ફેલોશિપ મળી. ત્યારબાદ તેમણે ન્યૂયૉર્ક શહેરના મૅનહટન વિસ્તારના ગ્રિનિચ વિલેજમાં રહેઠાણ અને વિશાળ કદનો સ્ટુડિયો (loft) પ્રાપ્ત કર્યાં. ન્યૂયૉર્ક અને અમેરિકાના ચિત્રકારો–શિલ્પીઓના પરિચયમાં આવ્યા.
1967માં તેઓ એશિયા સોસાયટી ગૅલરીના દિગ્દર્શક ડૉ. વૉશ્બર્નને મળ્યા, જેમની સહાયથી તેમનાં ચિત્રોનાં વધુ પ્રદર્શનો અને વેચાણ થયાં. હવે નટવર ગ્રિનિચ વિલેજનો લૉફ્ટ મૂકીને મૅનહટનના સોહો વિસ્તારની હાવર્ડ સ્ટ્રીટના એક લૉફ્ટ પર આવ્યા.
1963, 1964, 1966માં ફિલાડેલ્ફિયા; 1967માં ડેલાવેર; 1968, 1970માં બૉસ્ટન; 1970થી 1977 સુધી ન્યૂયૉર્ક; 1970 અને 1972માં સિડની અને 1978માં મિકિમટલસ્ટન ખાતે તેમનાં ચિત્રોનાં પ્રદર્શનો યોજાયાં હતાં.
બૉસ્ટન મ્યુઝિયમ, વ્હિટની મ્યુઝિયમ ઑવ્ અમેરિકન આર્ટ (ન્યૂયૉર્ક), લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસ (વૉશિંગ્ટન), ફિલાડેલ્ફિયા આર્ટ મ્યુઝિયમ (ફિલાડેલ્ફિયા), મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑવ્ આર્ટ (ન્યૂયૉર્ક), રોઝ આર્ટ મ્યુઝિયમ (મૅસેચૂસેટ્સ), બેન ઍન્ડ ઍબી ગ્રે ફાઉન્ડેશન (સેંટ પૉલ), યુનિવર્સિટી ઑવ્ મૅસેચૂસેટ્સ, યુનિવર્સિટી ઑવ્ ડેલાવેર અને યુનિવર્સિટી ઑવ્ ર્હોડ આઇલૅન્ડ ખાતે તેમની કૃતિઓ કાયમી સંગ્રહમાં સ્થાન પામી છે.
1967થી 1969 સુધી યુનિવર્સિટી ઑવ્ ર્હોડ આઇલૅન્ડ, અમેરિકામાં તેમણે કલાશિક્ષણની કામગીરી બજાવી હતી.
આજીવન અમૂર્ત ચિત્રકલાની આરાધના કરનાર નટવર ભાવસાર અતિવિશાળ કૅન્વાસપટોને ભોંય પર મૂકી તેના ઉપર ટ્રૉલી, સીડી ઇત્યાદિ વડે રંગો રેડીને ચિત્રો બનાવવા માટે પણ જાણીતા છે. હાલ (2001) તેઓ ન્યૂયૉર્કમાં રહે છે.
અમિતાભ મડિયા