ભાવબૃહસ્પતિ (ઈ.સ. 12મી સદી) (જ. ?, વારાણસી): સોલંકીકાલીન ગુજરાતના પાશુપત મતના વિદ્વાન આચાર્ય. તેઓ ગાર્ગ્ય ગોત્રના કાન્યકુબ્જ બ્રાહ્મણ હતા. ભાવબૃહસ્પતિ નંદીશ્વરનો અવતાર ગણાતા. બાળપણમાં એમને અધ્યયન વિના પૂર્વના સંસ્કારોના બળે ચૌદ પ્રકારની વિદ્યાઓમાં નિપુણતા પ્રાપ્ત થઈ હતી. એમણે પાશુપત વ્રત ગ્રહણ કર્યું હતું. પોતે પરમ પાશુપતાચાર્ય હતા અને પાશુપત મતને લગતા કેટલાક ગ્રંથોની રચના પણ કરી હોવાનું જણાય છે.

એમણે રાજાઓને દીક્ષા આપવા, પશુપતિનાં સ્થાનોની રક્ષા કરવા તથા યાત્રાઓ કરવા માટે પ્રવાસ આરંભ્યો. એમણે એટલાં બધાં તીર્થસ્થાનોની યાત્રા કરી કે એમને ‘નાનાતીર્થકરોપમાન’ની પદવીથી નવાજવામાં આવેલા. અવંતી(ઉજ્જયિની)માં મહાકાલદેવના મઠમાં કેટલાંક વર્ષો સુધી રહી કઠણ તપ કર્યું. તપને લીધે તેઓ ‘તપોનિધિ’ તરીકે પણ ખ્યાતિ પામ્યા.

તપના પ્રભાવથી એમણે માળવાના પરમાર રાજાઓને શિષ્ય બનાવ્યા અને ત્યાંના પાશુપત-મઠોનું સંરક્ષણ કર્યું. તેમણે ગુર્જરેશ્વર જયસિંહદેવ(સિદ્ધરાજ)ને સોમનાથના શિવાલયનો જીર્ણોદ્ધાર કરવાનો ઉપદેશ કર્યો. રાજાએ એમને મુખ્ય આચાર્યપદ આપ્યું અને શ્રદ્ધાથી એમની સેવા કરી, પરંતુ સિદ્ધરાજ જીર્ણોદ્ધાર કરાવે તે પહેલાં તો રાજા સ્વર્ગવાસી થયો. ભાવબૃહસ્પતિએ કુમારપાલને જીર્ણોદ્ધાર કરવાનો ઉપદેશ કર્યો અને એ રીતે સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર થયો, વાસ્તવમાં ત્યાં નવો જ મેરુપ્રાસાદ રચાયો. સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર રાજા કુમારપાલના ઉદાર રાજ્યાશ્રયથી તથા ભાવબૃહસ્પતિના સક્રિય પુરુષાર્થથી થયો હતો.

કુમારપાલ જીર્ણોદ્ધાર થયેલા મંદિરને જોઈ અતિ પ્રસન્ન થયો અને તેણે ભાવબૃહસ્પતિને ‘ગંડ’નું પદ કાયમ માટે અર્પણ કર્યું. (‘ગંડ’નો અર્થ મહંતોના સંદર્ભમાં પ્રધાન (મુખ્ય) અથવા શ્રેષ્ઠ (ઉત્તમ) એવો છે.) કુમારપાલે બ્રહ્મપુરી નામનું સ્થાન તામ્રપત્ર પરના લિખિત શાસનથી તેમને વંશપરંપરાગત રીતે આપ્યું. વિશેષમાં તેણે એમને સોમનાથ તીર્થના સર્વેશ–ગંડેશ્વર બનાવ્યા અને એમને પોતાની મુદ્રા પહેરાવી.

ભાવબૃહસ્પતિએ પ્રભાસપાટણમાં નવા મેરુપ્રાસાદની દક્ષિણમાં તથા ઉત્તરમાં મજબૂત દુર્ગ બંધાવ્યો. અનેક શિવાલયોને સમરાવ્યાં. આ ઉપરાંત નૃપ-શાલા, રસોડાં, સ્નાન માટેના શુદ્ધ જળ માટે સરસ્વતી વાવ તથા નવા નગરમાંના લોકો માટે બે વાવો કરાવી. વળી બ્રાહ્મણોને ઘર બંધાવી આપવામાં આવ્યાં અને મંદિરો ઉપરાંત જાહેર લોક-કલ્યાણનાં અન્ય કાર્યો પણ થયાં. આ સર્વ કુમારપાલની લોક-હિતની ઉદાત્ત ધર્મભાવના સૂચવે છે.

ભાવબૃહસ્પતિનાં પત્નીનું નામ મહાદેવી હતું. એમને ચાર પુત્રો – અપરાદિત્ય, રત્નાદિત્ય, સોમેશ્વર અને ભાસ્કર તથા પ્રતાપદેવી નામે એક પુત્રી હતાં. પ્રતાપદેવીનું લગ્ન વિશ્વેશ્વરરાશિ નામના વિદ્વાન પાશુપતાચાર્ય સાથે થયું હતું.

આમ ભાવબૃહસ્પતિ વિદ્વાન અને સમર્થ આચાર્ય તથા અણહિલવાડના ચૌલુક્ય રાજાઓના ગુરુ તેમજ પાશુપતમઠના સ્થાનપતિ હતા. પ્રભાસતીર્થના સોમનાથ મંદિરનાં તથા અન્ય મંદિરોનાં નિર્માણ, જીર્ણોદ્ધાર અને નિભાવમાં એમનો ઘણો મહત્વનો ફાળો રહ્યો હતો.

પ્રભાસ-પાટણનો કુમારપાલના સમયનો વલભી સંવત 850(ઈ. સ. 1169)નો શિલાલેખ (ગુ. ઐ. લે. ભાગ 2, નં. 155) તથા ભીમદેવ 2જા(ઈ. સ. 1179થી 1243)નો વેરાવળનો શિલાલેખ (એજન, નં. 204) ભાવબૃહસ્પતિના જીવન પર સારો એવો પ્રકાશ પાડે છે.

રામજીભાઈ ઠા. સાવલિયા