ભાવપ્રકાશ : એક અત્યંત લોકપ્રિય અને સર્વોપયોગી આયુર્વેદિક સંગ્રહગ્રંથ. ઉત્તર પ્રદેશમાં આવેલા કનોજના રહીશ લટકમિશ્રના પુત્ર પંડિત ભાવમિશ્રે (1556થી 1605 દરમિયાન) ભારતમાં પૉર્ટુગીઝોના આગમન બાદ આ ગ્રંથ લખ્યો છે. આયુર્વેદીય ઉપલબ્ધ સાહિત્યમાં ચરક, સુશ્રુત અને ‘અષ્ટાંગહૃદય’ને ‘બૃહદ્ત્રયી’ અને ‘માધવનિદાન’, ‘ભાવપ્રકાશ’ અને ‘શાઙર્ગધરસંહિતા’ને ‘લઘુત્રયી’ કહે છે.
આયુર્વેદનો આ ગ્રંથ વનસ્પતિચિકિત્સાપ્રધાન છે. તેમાં રસ–ઔષધિઓનો પ્રયોગ ગૌણ છે. વર્તમાનકાળે સમગ્ર ભારતનાં બધાં રાજ્યોમાં ‘ભાવપ્રકાશ’ ચિકિત્સકો અને આયુર્વેદના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ પ્રચલિત અને ઉપયોગી ગ્રંથ છે. આચાર્ય ભાવમિશ્રે પ્રાચીન સંહિતાઓનાં નિદાન, ચિકિત્સા, સ્વસ્થવૃત્ત, શરીરરચના, દેહધાર્મિક ક્રિયાઓ અને પ્રસૂતિતંત્ર જેવા અનેક વિષયોનું સુંદર સંકલન કરવાની સાથે તેમાં પોતાના અનુભવ અને બુદ્ધિબળના આધારે ઘણી ઉપયોગી માહિતી આપી છે.
ભારતની તમામ યુનિવર્સિટીસંલગ્ન આયુર્વેદિક કૉલેજોમાં ‘ભાવપ્રકાશ’ – ગ્રંથોક્ત ‘વનસ્પતિનું જ્ઞાન’ (નિઘંટુ) આપવામાં આવે છે. વર્તમાન સમયે વૈદ્યો, આયુર્વેદિક ઔષધનિર્માતાઓ અને આયુર્વેદના વિદ્યાર્થીઓ – આયુર્વેદિક ચિકિત્સા કરનારા બધા માટે ‘ભાવપ્રકાશ’ (બે ખંડમાં) અત્યંત ઉપયોગી તૈયાર સંદર્ભ કે પથદર્શિકા જેવો મહત્વનો ચિકિત્સાગ્રંથ છે. વાગ્ભટરચિત ‘અષ્ટાંગહૃદય’ પછી આયુર્વેદનાં સર્વ અંગોનું સંકલન કરી, સંગૃહીત કરેલ તે સંસ્કૃત ભાષામાં રચાયેલો છેલ્લો ચિકિત્સાગ્રંથ છે.
બળદેવપ્રસાદ પનારા