ભાલપ્રદેશ : તળ ગુજરાતમાં આવેલો, બિનપિયત ઘઉંની ખેતીથી જાણીતો બનેલો સમભૌગોલિક સંજોગ ધરાવતો કુદરતી પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 21° 45´ ઉ. અ.થી 23° 00´ ઉ. અ. અને 74° 45´થી 72° 45´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તેની મહત્તમ ઉત્તર-દક્ષિણ લંબાઈ 95 કિમી. અને ઉત્તર ભાગની પહોળાઈ 65 કિમી તેમજ દક્ષિણ ભાગની પહોળાઈ 35 કિમી. જેટલી છે. આ પ્રદેશનો કુલ વિસ્તાર લગભગ 7,500 ચોકિમી. જેટલો થાય છે. તેની ઉત્તર અને દક્ષિણ તરફ અનુક્રમે અમદાવાદ જિલ્લો, ભાવનગર જિલ્લો અને ખંભાતનો અખાત આવેલા છે, જ્યારે પૂર્વ અને પશ્ચિમ તરફ અનુક્રમે ખેડા અને સુરેન્દ્રનગર જિલ્લા આવેલા છે. તેની વાયવ્યમાં કચ્છનું રણ અને અગ્નિ તરફ ખંભાતનો અખાત આવેલા છે. ભાલપ્રદેશમાં ધોળકા, ધંધૂકા, ખંભાત, માતર, ભાવનગર, વલભીપુર અને લીંબડી તાલુકાઓનાં કેટલાંક ગામોનો સમાવેશ થાય છે.
ભૂપૃષ્ઠ : કપાળની મધ્યમાં ખાડો હોય તો તે કપાળને સંસ્કૃતમાં ‘ભાલ’ કહે છે, એ જ રીતે આ પ્રદેશની ભૂમિ તેની આજુબાજુના પ્રદેશ કરતાં પ્રમાણમાં નીચી હોવાથી તે ભાલપ્રદેશ તરીકે ઓળખાય છે (સિંધમાં પણ દરિયાકાંઠાની નીચાણવાળી જમીનને ‘ભલ્લ’ કહેવામાં આવે છે). આ પ્રદેશ તળ ગુજરાતના લગભગ મધ્યભાગમાં આવેલો છે. ભાવનગરથી ખંભાત સુધીના તેના દરિયા-કિનારાની લંબાઈ 120 કિમી. જેટલી છે. તેની દક્ષિણે વલભીપુર પાસે વહેતી કાળુભાર અને ઉત્તરે વહેતી કેરી નદીઓનો ઢોળાવ અગ્નિ તરફનો છે. અહીં ભાલપ્રદેશની ઊંચાઈ 10 મીટર જેટલી છે, ધોળકા-ધંધૂકા તાલુકાનો મોટાભાગનો વિસ્તાર 10થી 13 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. ટૂંકમાં, આખાય પ્રદેશમાં વધુમાં વધુ ઊંચાઈ ક્યાંય પણ 25 મીટરથી વધુ નથી. ભાલપ્રદેશના દરિયાકિનારે ખારો પાટ પથરાયેલો છે. નજીકના સમુદ્રકિનારાની ઊંડાઈ સ્થળભેદે 4 મીટરથી 24 મીટર જેટલી છે. ખંભાતના અખાતમાં કિનારા નજીક ઘણા બેટ આવેલા છે, તેમાં માલબેંક અને બોંગોભાગો મહત્ત્વના છે. દરિયાકિનારે પંક-ભૂમિના ભાગો વધુ જોવા મળે છે, તેમ છતાં ક્યાંક ક્યાંક કાંપ-કાદવ(silt)વાળી જમીનો પણ છે.
જળપરિવાહ : અહીં વરસાદ ઓછો પડે છે. પ્રદેશનો ઢોળાવ અસમાન હોવા છતાં નદીઓ ખંભાતના અખાતને મળે છે. આ પ્રદેશમાં થઈને વહેતી નદીઓમાં સાબરમતી, ભાદર, ઘેલો, શેઢી, કેરી, ઓમકાર, શેલ્વા અને અંધારી-સુકભાદરનો સમાવેશ થાય છે. ઉપર્યુક્ત બધી જ નદીઓ મુદતી છે, વળી તે બધી જ નદીની વૃદ્ધાવસ્થાના તબક્કામાં વહેતી હોવાથી પાણીનો વેગ ઘટી જાય છે, પરિણામે નિક્ષેપક્રિયા વધુ પ્રમાણમાં થતી રહે છે. આમ ભાલપ્રદેશ ધોવાણની સમભૂમિ સ્વરૂપે જોવા મળે છે. મુખ આગળ કાંપ વધુ નિક્ષેપિત થતો રહેવાથી ચોમાસામાં આવતાં પૂરનાં પાણીને વહી જવા માર્ગ ન મળવાથી પાણી ફેલાઈ જાય છે, જે ક્યારેક નુકસાન પણ પહોંચાડે છે.
આ પ્રદેશના ભૂગર્ભજળની સરેરાશ ઊંડાઈ 100 મીટર જેટલી છે. અહીંથી મેળવાતું પાણી મોટેભાગે તો ખારું હોય છે, જોકે કોઈક વખતે ક્યાંક ટૂંકા સમયગાળા માટે મીઠું પાણી મળી જાય છે ખરું. તેના કારણ માટે તે પ્રદેશના ખડકસ્તરોની સંરચના જવાબદાર ગણાવી શકાય. અહીંના સ્થાનિક લોકો વરસાદ અને વીરડા દ્વારા મીઠું પાણી મેળવે છે, પરંતુ તે અમુક સમયગાળા પૂરતું જ મળે છે.
આબોહવા : સામાન્ય રીતે ભાલ-પ્રદેશની આબોહવા સૂકી ઉષ્ણકટિબંધીય મોસમી પ્રકારની છે. અહીંનાં ઉનાળા-શિયાળાનાં સરેરાશ તાપમાન અનુક્રમે 40° સે. અને 10° સે. તથા જુલાઈ માસ દરમિયાનની સાપેક્ષ આર્દ્રતા 60 %થી 80 % જેટલી રહે છે. અહીં દર વર્ષે વરસાદ પડવાની શક્યતાઓ ઓછી હોય છે. અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગર પરથી આવતા ફરકાઓને કારણે વરસાદ પડે છે. આ ફરકાઓ અનિયમિત રીતે આંતરે આંતરે ઉદભવતા હોવાથી વરસાદ પણ તેવા સંજોગોમાં જ મળે છે. ચક્રવાતો વધુ જોરદાર હોય તો જ વરસાદની માત્રા વધુ રહે છે. સપ્ટેમ્બરમાં વરસાદ પડે તો તે ભાલપ્રદેશની ખેતી માટે લાભદાયી નીવડે છે. અહીં સરેરાશ વરસાદ 150થી 200 મિમી. જેટલો જ પડે છે. વરસાદની આવી અનિયમિતતા તેમજ અનિશ્ચિતિતાને લીધે સરેરાશ દર ત્રણ વર્ષે અહીં એક વર્ષ દુષ્કાળનું આવી જાય છે.
જમીન : આ પ્રદેશની મોટાભાગની જમીન મધ્યમ કાળી છે. જમીનમાં ખારાશનું પ્રમાણ વિશેષ છે, કારણ કે આ આખોય પ્રદેશ સમુદ્ર પાછો હઠવાથી બનેલો છે. ખારી જમીન બનવામાં આ સૂકા પ્રદેશમાં વરસાદ વરસવા કરતાં બાષ્પીભવનની ક્રિયા વધુ ઝડપી હોવાને કારણે જમીનમાં ક્ષારોનું પ્રમાણ એકત્રિત થતું જાય છે. જમીનના પડમાં રહેલા ક્ષારો કેશાકર્ષણથી ઊંચા સ્તરે આવે છે, જેથી જમીનની ક્ષારતા વધી જાય છે. તેમાં સોડિયમ ક્લોરાઇડ, કૅલ્શિયમ કાર્બોનેટ, મૅગ્નેશિયમ સલ્ફેટનું પ્રમાણ રહેલું છે. આવી જમીન ક્ષારીય અલ્કલ (saline alkali) ગણાય છે. કોઈક જગાએ કાંપની જમીન પણ જોવા મળે છે. સામાન્ય રીતે ભાલપ્રદેશમાં મધ્યમ-કાળી, રેતાળ-ગોરાડુ, ભાઠાની, પથરાળ અને દરિયાકિનારાની જમીનો જોવા મળે છે.
વનસ્પતિ : આ પ્રદેશની જમીનમાં ક્ષારપ્રમાણ વધુ અને વરસાદ ઓછો પડતો હોવાથી, વનસ્પતિનું પ્રમાણ પણ ઘણું જ ઓછું છે. પ્રદેશનું ભૂપૃષ્ઠ સપાટ છે. જ્યાં તળાવ હોય ત્યાં વૃક્ષો જોવા મળે છે, તેમાં બાવળ, કેરડાં અને પીલુડી મુખ્ય છે. ક્યાંક ક્યાંક લીમડો કે આમલી પણ નજરે પડે છે. દરિયાકિનારે નાળિયેરી, યુકૅલિપ્ટસ અને કાસુયારીનાં વૃક્ષો પણ જોવા મળે છે. કાદવવાળા વિસ્તારમાં ઘાસ થાય છે. અહીંની જમીનમાં ‘બીડ’ નામનું કંદમૂળ થાય છે. દુષ્કાળના વર્ષમાં પક્ષીઓ, પ્રાણીઓ અને લોકો તેનો પણ ઉપયોગ કરે છે. રણને આગળ વધતું અટકાવવા પરદેશી બાવળ (Juliflora) ઉગાડવામાં આવ્યા છે.
સિંચાઈ : આ પ્રદેશની જમીન ખારી અને વરસાદ ઓછો હોવાથી પિયત ખેતી લેવા અહીં નહેરો દ્વારા સિંચાઈ કરવામાં આવે છે, આ કારણે અહીંની જમીનને વધુ નુકસાન પહોંચ્યું છે. કેશાકર્ષણની ક્રિયાને કારણે જમીનોની ક્ષારતામાં વધારો થયો છે. હરિયાળી ક્રાંતિની ઝુંબેશ આ પ્રદેશ માટે વધુ નુકસાનકારક નીવડી છે.
ખેતી : ભાલપ્રદેશની ખેતી બિનપિયત છે. અહીં મુખ્યત્વે ઘઉં, કપાસ, જુવાર, બાજરી અને ચણાનું વાવેતર થાય છે. ખેડૂતોને પણ ઘઉં-કપાસની ખેતીમાં જ વધુ રસ હોય છે. તે જો નિષ્ફળ જાય તો જ તેઓ ચણાનું વાવેતર કરે છે. જુવાર-બાજરીનું પણ વાવેતર તે જ ગાળામાં થાય છે. જુવાર-બાજરીના વાવેતરનો તેમનો હેતુ પ્રાણીઓના ખોરાક માટેનો હોય છે. આમ ભાલપ્રદેશ મુખ્યત્વે તો ઘઉં માટે જાણીતો છે. અહીંની ઘઉંની મુખ્ય જાતોમાં કાઠા, વાજિયા અને ચાસિયા છે; પરંતુ હવે નવાં બિયારણોનો ઉપયોગ વધ્યો છે, તેમાં અરણેજ-206 અને 217 તથા અરણેજ 624 મુખ્ય છે. આ પ્રદેશમાં વર્ષમાં માત્ર એક જ વાર પાક લેવામાં આવે છે. આ પ્રદેશમાં ઉત્તમ બિયારણ, રાસાયણિક ખાતરનો ઉપયોગ, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉત્પાદનના વધારા માટે પ્રયાસો થઈ રહ્યા છે.
1991 મુજબ ભાલપ્રદેશની કુલ વસ્તી આશરે 15 લાખ જેટલી છે.
ભૂસ્તરીય ઇતિહાસ : આજના ભાલપ્રદેશનો મોટો ભાગ પહેલાં સમુદ્ર હેઠળ હતો. તળગુજરાત (પ્રાચીન આનર્ત) અને સૌરાષ્ટ્ર (પ્રાચીન સુરાષ્ટ્ર) એક સામુદ્રધુની દ્વારા જુદા પડતા હતા. ઓછા પ્રમાણમાં ભૂસંચલન અને વધુ પ્રમાણમાં દ્રવ્યપૂરણીને કારણે આ પ્રદેશ ક્રમશ: જેમ જેમ ઊંચો આવતો ગયો, તેમ તેમ દરિયાનાં પાણી ખંભાતના અખાત તરફ વધુ ને વધુ દક્ષિણે ખસતાં ગયાં. પૂરણીરચિત આ પ્રદેશ ભાલ (જેનો અર્થ પ્રાકૃતમાં ભલ્લ, અથવા ભેજવાળી જમીન થાય છે.) તરીકે ઓળખાતો થયો. આ ઘટના આજે પણ ચાલુ જ છે. નળ સરોવર તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ નળ સરોવર પ્રાગૈતિહાસિક સામુદ્રધુનીનો છેલ્લો અવશેષ છે. તળ ગુજરાત અને સૌરાષ્ટ્ર બંને વચ્ચેના સેતુરૂપ પ્રદેશ એટલે આજનો ભાલનળકાંઠાનો વિસ્તાર. જ્યારે આ પ્રદેશ સામુદ્રધુની સ્વરૂપે હતો ત્યારે અહીં હોડીઓ દ્વારા વ્યવહાર ચાલતો હતો, તેની સાબિતીરૂપે બંદર તરીકે ‘લોથલ’નું ઉદાહરણ આપી શકાય. તળગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ જતા-આવતા લોકો હોડીનો ઉપયોગ કરતા હશે ! આના પુરાવા રૂપે કચ્છના પૂર્વ ભાગમાં રાપર તાલુકામાં મોટા રણને કાંઠે આવેલ સુરકોટડા અને ધોળાવીરા ગણાવી શકાય. આ પ્રકારના ફેરફારોને કારણે ખંભાતનો અખાત ઉત્તરથી દક્ષિણ તરફ ખસતો ગયો અને સમુદ્રનું સ્થાન ભૂમિએ લીધું. આ કારણે જ અહીં લગભગ બધે જ ખારું પાણી મળે છે, જોકે અપવાદરૂપે કોઈક જગાએ મીઠું પાણી પણ મળી રહે છે.
નીતિન કોઠારી