ભાર્ગવ, પ્રતીક (જ. 13 ફેબ્રુઆરી 1979, સૂરત, ગુજરાત) : દક્ષિણ ગુજરાતના આશાસ્પદ યુવા-તરણસ્પર્ધક. તે ગુજરાત રાજ્યના 1997–98ના વર્ષના પ્રતિષ્ઠિત ‘સરદાર પટેલ ઍવૉર્ડ’ના વિજેતા છે.
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સૂરતમાંથી બી. કૉમ. થયા બાદ હાલ (2001) તે એમ. બી. એ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. રાષ્ટ્ર, રાજ્ય તથા યુનિવર્સિટી કક્ષાની તરણસ્પર્ધામાં ભાગ લઈ તેમણે 9 સુવર્ણચંદ્રક, 15 રજતચંદ્રક અને 3 કાંસ્યચંદ્રક મેળવ્યા છે. 1997–98માં તે ગુજરાત રાજ્ય ‘સીનિયર’ ચૅમ્પિયન અને 1999–2000 માટે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ચૅમ્પિયન બન્યા.
1997–98માં ગુજરાત રાજ્ય યોજિત વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્રતરણ સ્પર્ધામાં અરબી સમુદ્રમાં ચોરવાડથી વેરાવળ સુધીનું 21 દરિયાઈ માઇલ(આશરે 39 કિમી.)નું અતિ મુશ્કેલ અંતર 6 કલાક 18 મિનિટમાં પાર કરીને સુવર્ણચંદ્રક મેળવ્યો.
આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેમણે ફિના (FINA) (વિશ્વ તરણ સંસ્થા) માન્ય ‘25મી ક્રોએશિયન મૅરેથન–2000’માં ભારતના એકમાત્ર તરણ સ્પર્ધક તરીકે બારમું સ્થાન પ્રાપ્ત કર્યું.
ગુજરાત રાજ્યના સર્વોચ્ચ ‘સરદાર પટેલ ઍવૉર્ડ’ ઉપરાંત તેમને સૂરત જુનિયર ચેમ્બર દ્વારા 1998ના વર્ષનો ‘આઉટસ્ટૅન્ડિંગ યંગ પ્લેયર ઍવૉર્ડ’ આપવામાં આવ્યો છે. તરણ-સ્પર્ધક તરીકેની તેમની ઉજ્જ્વલ સિદ્ધિઓ બદલ તેમને વિવિધ સ્તરે કુલ 36 સુવર્ણચંદ્રક, 41 રજતચંદ્રક અને 14 કાંસ્યચંદ્રકો પ્રાપ્ત થયા છે.
બળદેવભાઈ કનીજિયા