ભારહૂત : પુરાતત્વીય ઉત્ખનન દ્વારા મળેલો પ્રસિદ્ધ સ્તૂપ. તેના અવશેષો મધ્ય ભારતમાંથી મળી આવ્યા છે. આ સ્તૂપનો સમય આશરે ઈ. પૂ. 125નો માનવામાં આવે છે. સ્તૂપનો હર્મિકાનો કેટલોક ભાગ તેમજ તેના પૂર્વનું તોરણદ્વાર મળી આવ્યાં છે. આ તોરણદ્વાર સ્તૂપ પછી આશરે પચાસેક વર્ષ બાદ તૈયાર કરવામાં આવેલું છે. આ હર્મિકા અને તોરણદ્વારની આકૃતિઓ સાંચીના હર્મિકા અને તોરણદ્વારની આકૃતિઓને મળતી આવે છે. આ કોતરકામ ઉપસાવીને કરેલા શિલ્પ જેવું છે. સ્તૂપની ઉપરની રચના બિલકુલ નષ્ટ થઈ ગઈ છે. છતાં તેના રહ્યાસહ્યા અવશેષ ઉપરથી એમ અનુમાન થઈ શકે છે કે ઉપરનો ભાગ ઈંટનો બનાવેલો હશે. સ્તૂપનો વ્યાસ આશરે 20.4 મીટર છે. તેના નીચેના ભાગમાં નાના-નાના ગોખ છે. આ ગોખમાં દીવા મુકાતા હશે એમ માનવામાં આવે છે.
મધ્યપ્રદેશના સાંચીના સ્તૂપના કઠેડાના કલાત્મક કોતરકામ પછી શુંગ રાજાઓના રાજ્યકાલ દરમિયાન ભારહૂતના કઠેડાઓ અને તોરણદ્વારોમાં થયેલા કોતરકામથી ત્યાંની શિલ્પકલાની પ્રવૃત્તિ જાણી શકાય છે. આ શિલ્પકામમાં કોરેલા વિષયનાં શીર્ષક પણ કંડારેલાં છે. તોરણદ્વારના સ્તંભો ઉપર યક્ષો, યક્ષિણીઓ ઉપરાંત બીજા અપાર્થિવ દેવતાઓ કોરેલાં છે. કઠેડાના થાંભલાના કોતરકામમાં બુદ્ધના જીવનનાં ર્દશ્યો અને જાતકકથાઓ આલેખવામાં આવ્યાં છે. આવાં ર્દશ્યો રજૂ કરવાને માટે લાંબી, ચોરસ, ગોળ કે અર્ધગોળ તકતીઓ જરૂરિયાત પ્રમાણે કરેલી છે. પ્રાકારશીર્ષના પથ્થરમાં કોતરકામમાં પાણીનાં મોજાં કે વેલની ડિઝાઇન કરવામાં આવી છે. બુદ્ધના પૂર્વજન્મના જે પ્રસંગો(જાતકકથાઓ)માં બુદ્ધ પોતે બોધિસત્ત્વના નામે ઓળખાતા હતા તેમાં જરૂરિયાત પ્રમાણે બોધિસત્વને મનુષ્યદેહમાં આલેખેલા છે. જીવનના ઐતિહાસિક પ્રસંગોમાં બુદ્ધ ભગવાનને માનવદેહે રજૂ કર્યા નથી. તેમની રજૂઆત સંકેતરૂપે થયેલી છે. આવા સંકેતોમાં બોધિવૃક્ષ, વજ્રાસન, છત્ર, પાદમુદ્રા, ધર્મચક્ર, સ્તૂપ વગેરે છે. ત્યાંના શિલાલેખોમાં પણ ચોખવટ કરવામાં આવેલી છે કે – ભગવાન બુદ્ધને સંકેતોથી દર્શાવવામાં આવેલા છે.
ભારહૂતની શિલ્પકલા ઉત્તમ કોટિની છે. આકૃતિઓ રજૂ કરવાની શૈલી ખૂબ સ્વાભાવિક છે. ર્દશ્યોમાં ઉન્નત અને નિમ્ન, પાસેની અને દૂરની રજૂઆત કરવાનો સભાન પ્રયત્ન રહેલો છે. તોરણના સ્તંભો ઉપરની મોટા કદની યક્ષ અને યક્ષિણીની આકૃતિઓ એકબીજાથી નિરાળી જણાય છે.
કંડારેલાં ઐતિહાસિક ર્દશ્યોમાં ભગવાન બુદ્ધ સાથેની મુલાકાત માટે રાજા અજાતશત્રુ અને પ્રસેનજિતનું પોતાના રસાલા સાથેનું પ્રયાણ ધ્યાન ખેંચે તેવું છે. અજાતશત્રુ હાથી ઉપર અને પ્રસેનજિત રથમાં છે. બીજું અમૂલ્ય ગણાય તેવું શિલ્પ શ્રાવસ્તીના જેતવન-વિહારનું છે. આ વિહારની પાસે આમ્રવૃક્ષ, મંદિરો અને ઉદ્યાનમાં સોના-મહોરો ભરેલું ગાડું ખાલી કરતો ધનિક અનાથપિંડક દેખાય છે.
પશુઓ અને વૃક્ષોની રજૂઆત વૈવિધ્યપૂર્ણ છતાં સ્વાભાવિક છે. ફૂલપાંદડાંની અને પશુઆકૃતિઓની સમૃદ્ધિ અખૂટ છે. ફર્ગ્યુસન લખે છે કે હાથી, હરણાં અને વાંદરાં ખૂબ સુંદર રીતે પથ્થરમાં રજૂ કરેલાં છે. તે તે પશુઓની સાથેનું આવું તાર્દશપણું જગતના જાણીતા એવા કોઈ પણ ભાગના શિલ્પમાં જણાતું નથી. વૃક્ષોની રજૂઆત કરવામાં કારીગરો ઉત્તમ કોટિના પુરવાર થયા છે. ભારતીય કારીગરોની અખૂટ ધીરજને કારણે કથાઓને યથાતથ સ્વરૂપે જોઈ શકાય છે.
ઈ. પૂ. 150ના ભારહૂતના મળી આવેલા અવશેષોને વ્યવસ્થિત કઠેડાના સ્વરૂપમાં કોલકાતાના ઇન્ડિયન મ્યુઝિયમમાં ઊભા કરવામાં આવ્યા છે.
પ્રિયબાળાબહેન શાહ