ભારશિવ વંશ : કુષાણ સામ્રાજ્યના અંત અને ગુપ્તયુગના ઉદય પહેલાં ઈ.સ. ચોથી શતાબ્દીમાં શાસન કરી ગયેલ વંશ. એમણે ઉત્તર ભારતમાં પોતાની કીર્તિ ફેલાવી. પુરાણો અનુસાર એમની રાજસત્તાનાં કેન્દ્ર વિદિશા, પદ્માવતી (વર્તમાન–પદમ પવાયા), કાન્તિપુરી (કન્તિત, જિ. મીર્જાપુર) અને મથુરા હતાં. કાશીમાં ગંગાકિનારે એમણે દસ અશ્વમેધ યજ્ઞો કર્યા હતા, જેની સ્મૃતિ આજે પણ ‘દશાશ્વમેધ ઘાટ’ની સંજ્ઞામાં સુરક્ષિત છે. એનાથી સિદ્ધ થાય છે કે નાગરાજા ભારશિવ શક્તિશાળી હતા અને કુષાણોની શક્તિ નષ્ટ કરી દીર્ઘકાળ સુધી એમણે પોતાની પ્રભુતા કાયમ રાખી હતી.
વાકાટક વંશનાં તામ્રપત્રોમાંથી ભારશિવ કુળના રાજાઓ વિશેની વિગતો પ્રાપ્ત થાય છે. એમાં જણાવ્યા પ્રમાણે આ રાજાઓ શૈવ હતા. તેઓ પોતાના ખભા પર શિવલિંગનો ભાર ધારણ કરતા, તેથી તેઓ ‘ભારશિવ’ કહેવાતા. તેમણે પોતાના પરાક્રમથી ભાગીરથીના જળથી પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો હતો.
નાગવંશીય ભારશિવ મૂળ વિદર્ભનો માલૂમ પડે છે; કેમ કે ભાર રાજા ભગદત્તનો ઈ.સ. બીજી સદીનો એક શિલાલેખ મહારાષ્ટ્રમાં ભંડારા જિલ્લાના પૌની નામના ગામમાંથી પ્રાપ્ત થયો છે. પછીથી સંભવત: એણે ઉત્તરમાં જઈ ત્યાં પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું. ભારશિવોના ‘અધિરાજ’ (અધિપતિ) ભવનાગના તાંબાના સિક્કા મધ્યપ્રદેશની સુપ્રસિદ્ધ નાગ રાજધાની પદ્માવતીમાંથી પ્રાપ્ત થયા છે. ભારશિવોએ મધ્યભારતમાંથી વિદેશી કુષાણ સમ્રાટોની સત્તાનો અંત લાવી પ્રયાગ અને કાશી પોતાના અધિકારમાં કરી લીધાં હતાં. ભારશિવ રાજા ભવનાગ પ્રવરસેન પ્રથમનો સમકાલીન હતો. ભવનાગે પોતાની પુત્રી પ્રવરસેનના મોટા પુત્ર ગૌતમીપુત્ર સાથે પરણાવી હતી. આ વિવાહસંબંધના ફળસ્વરૂપ વાકાટકોને ઉત્તર ભારતના શક્તિશાળી નાગરાજાઓનું રક્ષણ પ્રાપ્ત થયું હતું. ઈ.સ.ની ત્રીજી અને ચોથી સદીમાં નવનાગ, શેષ, ભવનાગ, ભોગિન, સદાચંદ્ર વગેરે નાગ-ભાર શિવ રાજાઓ થઈ ગયા હતા. તેમનામાં ભવનાગ સૌથી પ્રતાપી રાજા હતા.
રામજીભાઈ ઠા. સાવલિયા