ભારદ્વાજ, આર. આર. (જ. 31 ઑગસ્ટ 1903, ખાડ, જિ. હોશિયારપુર, પંજાબ; અ. 19 ડિસેમ્બર 1985) : ભારતમાં છબીકલાના પિતામહ. એમની છબીઓ જેટલી જીવંત છે, એટલું જ એમનું જીવન પણ રોમાંચક છે.
મેટ્રિક્યુલેશનના અભ્યાસ દરમિયાન જ એમને ચિત્રકળાનો શોખ પેદા થયો હતો. 1923માં અભ્યાસ આગળ ધપાવવા માટે લાહોરની મેયો સ્કૂલ ઑવ્ આર્ટ્સમાં જોડાયા. આ ચિત્રશાળામાં અબ્દુલ રહેમાન ચુટ્ટાણી નામના ગુરુ મળી ગયા. તેમની સલાહથી છબીકલા શીખવા તરફ તેઓ વળ્યા. આ નવી વિદ્યામાં પ્રવીણતા પામવા માટે ભારદ્વાજ ખંતપૂર્વક લાગી પડ્યા. એક વર્ષ પહેલાં જ પિતાજીની છત્રછાયા ગુમાવી હોવાથી જીવન-નિર્વાહની વ્યવસ્થા પણ પોતે જ કરવાની હતી. દરમિયાન લાહોરના સંગ્રહાલયમાંનાં શિલ્પ-સ્થાપત્યની અદભુત મૂર્તિઓની જીવંત છબીકલાથી લાહોરના કલા-પ્રેમીઓમાં એમનું નામ જાણીતું થઈ ગયું.
1925માં તેમણે ભારતના પુરાતત્વ-મોજણી-વિભાગમાં નોકરી સ્વીકારી અને તે દરમિયાન પેશાવરથી વારાણસીનો પ્રવાસ ખેડ્યો. તેમણે માનવ-સભ્યતાના સૌથી પ્રાચીન અવશેષ-સ્થળ હડપ્પામાં 3 વર્ષ વિતાવ્યાં. 1929માં લાહોરમાં પોતાનો સ્ટુડિયો ખોલ્યો. 1934નું વર્ષ પણ એમના જીવનમાં ઓછું મહત્વપૂર્ણ ન રહ્યું; કેમ કે, એ વર્ષે કૅમેરાનિર્માણની વિખ્યાત કંપની ‘કોડૅક’ના જનરલ મૅનેજરે ભારદ્વાજને ‘ટૅકનિકલ પ્રદર્શક’નું કામ સોંપ્યું. આ નોકરીનાં 6 વર્ષો દરમિયાન તેમણે સમગ્ર ભારતનો પ્રવાસ ખેડ્યો અને તે દરમિયાન ભારતના વિખ્યાત છબીકારોને પણ મળ્યા.
પુરસ્કારો અને અભિનંદનોનો પ્રવાહ જાણે હવે શરૂ થયો એવું નથી. 1934માં બર્લિનમાં યોજાયેલ ‘વિશ્વ-છબીકલા મેળા’માં તેમને પુરસ્કાર મળ્યો હતો. 1937માં તેમને ‘કોડૅક ઇન્ટરનૅશનલ સેલૉં ઑવ્ ફોટોગ્રાફી’ના સમારંભમાં સુવર્ણચંદ્રક મળ્યો હતો. પૂર્વના કોઈ પણ છબીકારને આ ચંદ્રક મળ્યો હોય એવો આ પ્રથમ અવસર હતો.
1942માં પર્વતોની રાણી ગણાતા મસૂરીમાં તેમણે બીજો એક સ્ટુડિયો ખોલ્યો. એ દિવસોમાં મસૂરીમાં વસતા યુરોપિયનોમાં પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા મળવાથી સ્ટુડિયો સારો ચાલવા લાગ્યો, પરંતુ 1947માં અંગ્રેજો ચાલ્યા ગયા અને સ્ટુડિયો બંધ થઈ ગયો, ત્યારે કલામર્મજ્ઞ ઉદ્યોગપતિ લાલા કૈલાસપતિ સિંઘાનિયાએ એમને મુંબઈ બોલાવ્યા.
ભારદ્વાજની છબીઓની વિષયસૂચિમાં વિવિધતા છે. એમને મન પ્રકૃતિને સમજવા માટે છબીકલા સૌથી મોટું સાધન બની રહી. બધાં સ્વરૂપમાં સુંદરતાને કૅમેરામાં ઝડપવાની ક્ષમતા ધરાવતા ભારદ્વાજના સંગ્રહમાં એક લાખથી વધુ ફોટો નૅગેટિવ છે અને હજારો છબીઓ છે; તેમાં ખાસ કરીને હિમાલયની અવનવી છબીઓ રંગ જમાવે છે. તેમની દરેક છબી કાવ્યમય સૌંદર્ય ધરાવે છે અને કાવ્યસહજ અસર કરે છે.
રમેશ ઠાકર