ભારત સેવાશ્રમ સંઘ : રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માનવધર્મ અને સમાજસેવાને વરેલું લોકહિતૈષી સંગઠન, જેમાં સંન્યાસીઓ અને નિઃસ્વાર્થી કાર્યકર્તા ભ્રાતૃભાવથી ઈ. સ. 1917થી અવિરત જનકલ્યાણનાં કાર્ય કરી રહ્યા છે. સંસ્થાની સ્થાપના યોગાચાર્ય સ્વામી પ્રણવાનંદજી (1896–1941)એ પોતાના જન્મસ્થાન બાજિતપુરા(જિ. ફરીદપુર, બાંગ્લાદેશ)માં સ્મશાનની નિકટના સ્થાનમાં વનદેવી દુર્ગાના સ્થાનક પાસે આશ્રમ બનાવીને ત્યાં કરી હતી. 1919માં કૉલકાતામાં આશ્રમ સ્થાપ્યો, જે સમય જતાં સંસ્થાની પ્રવૃત્તિનું કેન્દ્ર બન્યો. 1923માં બાજિતપુરાના આશ્રમને વિધિવત રીતે ‘ભારત સેવાશ્રમ સંઘ’ નામ અપાયું અને સ્વામી પ્રણવાનંદજી મહારાજ (જેમનું મૂળ નામ બ્રહ્મચારી વિનોદ હતું તેઓ) પ્રસિદ્ધિ પામ્યા. 1924માં સપ્ત ઋષિ જેવા પ્રથમ સાત શિષ્યો અને ત્યારબાદ આશ્રમના સંગઠનને દૃઢ કરવા 83 યુવાન શિષ્યોને સંન્યાસ દીક્ષા આપી તૈયાર કર્યા. આ વર્ષે સિદ્ધપીઠ બાજિતપુરમાં ત્રિશૂળની સ્થાપના કરી ત્રિશૂળપૂજાના ઉત્સવનો પ્રારંભ કર્યો. ગયા ધામમાં આશ્રમની સ્થાપના અને તીર્થસુધારણા કાર્યનો પ્રાંરભ થયો અને કાશી તથા પ્રયાગરાજમાં પણ આશ્રમો સ્થાપી પ્રચાર મંડળીઓ કાર્યરત કરી. 1928માં બનારસ આશ્રમમાંથી દુર્ગાપૂજાના ઉત્સવનો પ્રારંભ કર્યો. 1934માં હિંદુ મિલન મંદિરની પરિકલ્પના સાકાર થઈ અને હિંદુ સંગઠનના કાર્યનો પ્રારંભ થયો. 1941માં સ્વામી શ્રી પ્રણવાનંદજી મહારાજની અવતારલીલાનું સમાપન થયું. 25 વર્ષની એમની નિશ્રામાં સંઘના ઉદ્દેશ્ય, યમ-નિયમ, કાર્યપ્રણાલી તેમજ હાથ ધરાતી પ્રવૃત્તિઓ અંગે સુદૃઢ બંધારણ અને દિશાનિર્દેશ પ્રાપ્ત થયે સંઘનું સંગઠન મજબૂત પાયા પર સ્થિર થયું.
ઉદ્દેશ્ય : 1917માં આશ્રમની સ્થાપના વખતે સ્વામીજીએ હિંદુ ધર્મ તથા સંસ્કૃતિનો પુનરુદ્ધાર કરીને ભારત તેમતજ વિશ્વમાનવને મહાજાગૃતિ, મહામિલન, મહાસમન્વય અને મહામુક્તિના માર્ગ પર સંચાલિત કરવા માટે સંઘની સ્થાપના કરી છે એમ જાહેર કરેલું. તદનુસાર સમગ્ર ભારતની સર્વપ્રકારે સેવા કરવી, ભૂખ્યાને ભોજન, વસ્ત્ર વિનાનાને વસ્ત્ર, રોગીઓને દવા-દારૂ, આફત-મુશ્કેલીમાં મુકાયેલાને રાહત આપવી. આ શારીરિક સેવાઓ ઉપરાંત ધર્મ વિનાનાને ધર્મનું શિક્ષણ, અભણોને અક્ષરજ્ઞાન, તીર્થયાત્રીઓને ભય વિના રહેવાની તથા તીર્થક્રિયાઓ કરવાની સગવડ આપવી, બાળકો અને યુવાનો કે દેશ-સમાજનું ભવિષ્ય છે તેમને સંયમ સાધના અને નૈતિક ચારિત્ર્ય-ઘડતરમાં સહાયતા કરવી, સમાજના નબળા, પછાત, વંચિત, અસ્પૃશ્ય ગણાતા લોકોને પણ સદાચાર-સંપન્ન, શિક્ષિત બનાવી સમાજના ઉચ્ચ વર્ણની સાથે સમાન અધિકારો, મર્યાદા અપાવી બેસાડવા, ધર્મપૂજાને વ્યાવહારિક રીતે આચરણમાં મૂકી બતાવવી જેવા ઉદ્દેશોની પૂર્તિ કરવા સંઘ તરફથી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ અને આયોજનો વખતોવખત હાથ ધરવામાં આવે છે. 2021 સુધીમાં સમગ્ર ભારતમાં 65 મુખ્ય કેન્દ્રો અને વિદેશોમાં 12 સહકેન્દ્રો કાર્યશીલ છે.
સંઘ માટેના દશધા યમ-નિયમ : ઉપરોક્ત ઉદ્દેશોને બર લાવવા અને કાર્યકર્તાઓના આધ્યાત્મિક ઉત્થાન માટે પ્રશ્નોત્તર રૂપે નિશ્ચિત કરેલા દશધા યમ-નિયમોનું અનુશીલન અને પરિપાલન અપેક્ષિત કરવામાં આવ્યું છે : (1) જીવનનું ધ્યેય શું ? – મહામુક્તિ, આત્મતત્વની ઉપલબ્ધિ. (2) ધર્મ એટલે શું – ત્યાગ, સંયમ, સત્ય અને બ્રહ્મચર્ય. (3) મહામૃત્યુ એટલે – આત્મવિસ્મરણ. (4) ખરું જીવન એટલે – આત્મજ્ઞાન, આત્મસ્મૃતિ, આત્માનુભૂતિ. (5) મહાપુણ્ય એટલે ? – વીરત્વ, પૌરુષત્વ, મનુષ્યત્વ, મુમુક્ષુત્વ. (6) મહાપાપ એટલે – દુર્બળતા, ભીરુતા, કાયરતા, સંકુચિતતા, સ્વાર્થપરાયણતા. (7) મહાશક્તિ એટલે ? – ધીરતા, સ્થિરતા અને સહિષ્ણુતા. (8) શ્રેષ્ઠ ભાથુ એટલે ? – આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા, આત્મમર્યાદા. (9) મહાશત્રુ એટલે ? – આળસ, નિદ્રા, તંદ્રા, જડતા, ષડરિપુઓ (કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર) તેમ જ ઇંદ્રિયસમૂહ. (10) પરમ મિત્ર એટલે ? – ઉદ્યમ, ઉત્સાહ અને ખંત.
આશ્રમની કાર્યપ્રણાલી : આશ્રમમાં ધર્મજીવન અને કર્મકેંદ્ર માટે નિર્ધારિત કાર્યપ્રણાલીનું દૃઢતાપૂર્વક પાલન કરવા ત્રિસ્તરીય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એમાં પ્રથમ વિભાગમાં બ્રહ્મચારીઓ આશ્રમમાં રહી આશ્રમનાં સેવાકાર્યો કરતા રહે અને સાથોસાથ ઉચિંત સાધના-ભજન અને ધર્મગ્રંથોનું અધ્યયન કરતા રહે. એમનામાં જેમની ચિત્તશુદ્ધિ બરાબર થઈ ગયેલી જણાય તેમને બીજા વિભાગમાં સામેલ કરવામાં આવે. આ વિભાગના સાધક વર્ગને બહારનાં કામકાજોમાં જવાનું રહે નહિ. તેઓ માત્ર ધ્યાન-જપ, શાસ્ત્રાધ્યયન અને આશ્રમની ભીતરનાં કામકાજ અને વ્યવસ્થા સંભાળે. આ વિભાગમાં જેમની સંતોષકારક પ્રગતિ હોય તેઓને ત્રીજા વિભાગમાં સામેલ કરાય, જેમાં તેઓ પોતાનાં આગવાં સાધના-ભજન અન સ્વાધ્યાયમાં જ રત રહે. સાથોસાથ બીજા સાથીઓના ધાર્મિક જીવનના ઘડતરમાં ઉચિત સહાયતા કરતા રહે. આશ્રમનો બધો જ કારભાર આ ઢબે ચાલતો રહે અને એના દ્વારા આશ્રમવાસીઓનું ધર્મજીવન યોગ્ય રીતે ઘડાય અને તેમના સાધના-સ્વાધ્યાય તથા પરસ્પરના સ્નેહ-સદભાવ અને શ્રદ્ધા-ભક્તિ તેમજ સેવાભાવ દિનપ્રતિદિન ખીલતાં રહે એવો આમાં અંતરાશય રહેલો છે.
સેવા-પ્રવૃત્તિઓ : માનવસેવા અને આત્મસાક્ષાત્કાર આ સંઘનાં બે મુખ્ય ધ્યેયો છે. એને પરિપૂર્ણ કરવા માટે આશ્રમમાં અને આશ્રમ બહાર મુખ્યત્વે દશધા પ્રવૃત્તિઓ કરવામાં આવે છે : (1) સંન્યાસી સંગઠન, જેમાં સંન્યાસીઓને સંગઠિત કરીને ધર્મના પ્રચાર અને સમાજસેવાનાં કાર્યોમાં જોડવામાં આવે છે. હાલ લગભગ 300 જેટલા સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ આ કાર્યમાં પ્રવૃત્ત છે. (2) ધર્મ-પ્રચાર – આ અંગે સંઘ તરફથી 10 પ્રચારક દળોની રચના કરી છે જે ભારતનાં શહેરો અને ગામોમાં ફરીને આ પ્રવૃત્તિ કરે છે. (3) વિદેશોમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર – સનાતન ધર્મના સાર્વજનિક આદર્શોના પ્રચાર-પ્રસાર માટે મલાયા, મ્યાંમાર, સિંગાપોર, આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, દક્ષિણ અમેરિકા, ઇન્ડોનેશિયા જેવા દેશોમાં શિષ્યમંડળો મોકલવામાં આવે છે. હાલમાં વેસ્ટ ઇન્ડિઝ અને દક્ષિણ અમેરિકામાં 22 સાંસ્કૃતિ કેન્દ્રો દ્વારા ભારતીય સંસ્કૃતિનું મિશનકાર્ય ચાલે છે. (4) તીર્થસુધાર – તીર્થસ્થાનોમાં ચાલતા અનાચાર બંધ કરાવી ધાર્મિક વાતાવરણ ફેલાવવું, યાત્રીઓને સ્વાર્થી લોકોથી રક્ષણ આપવું, રથયાત્રા કે મોટા કુંભમેળા જેવા પર્વ પ્રસંગોએ આવતા લાખો લોકોની સગવડ-સુવિધા માટે કૅમ્પ યોજવાં, જેમાં રહેવા, જમવાની વ્યવસ્થા, ભૂલા પડેલાને માર્ગદર્શન, સ્નાનઘાટ પર પહેરો રાખવો, ભીડનું નિયંત્રણ કરવું, તબીબી સગવડ કરવી જેવાં વ્યવસ્થાને લગતાં કાર્યોની સાથે વૈચારિક સંમેલનો યોજવા જેવી ધાર્મિક અને બૌદ્ધિક પ્રવૃત્તિઓ પણ હાથ ધરાય છે. તીર્થસ્થાનોમાં યાત્રીનિવાસ અને સેવાશ્રમોની સ્થાપના દ્વારા આ પ્રવૃત્તિ સંચાલિત થાય છે. સંઘનાં તીર્થ-સુધારાના કાર્યક્રમોની ભારે પ્રશંસા થઈ છે. (5) આદર્શ શિક્ષણ-પ્રસાર – વિશ્વવિદ્યાલયના શિક્ષણની સાથોસાથ વિદ્યાર્થીઓ અને નવયુવકોમાં નૈતિક, ધાર્મિક અને ચારિત્ર્યિક શિક્ષણ માટે આદર્શ વિદ્યાર્થીભવનો, બ્રહ્મચર્યાશ્રમો તેમજ ગુરુકુળોની સ્થાપના કરવામાં આવી છે. સેંકડો પ્રાથમિક શાળાઓનું પણ નાનાં બાળકો માટે સંઘ તરફથી સંચાલન થાય છે. (6) જનસેવા – પૂર, દુકાળ, ભૂકંપ, ત્સુનામી જેવાં દૈવી સંકટો વખતે દુઃખી અને પીડિતોને સહાય અને સેવા-શુશ્રૂષા કરવામાં આવે છે. (7) સમાજ સંગઠન – છિન્નભિન્ન હિંદુ સમાજને સંગઠિત, શક્તિશાળી અને આત્મરક્ષણ માટે સમર્થ બનાવવા માટે ગામેગામ મિલનમંદિર અને રક્ષકદળની સ્થાપના કરવામાં આવે છે. અસ્પૃશ્યતા નિવારણ, લોભ, લાલચ અને લાચારીથી ધર્માંતર કરેલા નર-નારીની શુદ્ધિ કરી તેમને હિંદુ ધર્મમાં સામેલ કરવામાં આવે છે. આદિવાસીઓમાં સદાચાર અને શિક્ષણનો પ્રચાર કરીને તેમની સ્થિતિ સુધારવાનું મુખ્ય કાર્ય પણ મિલન મંદિરો દ્વારા થઈ રહ્યું છે. (8) હિંદુ રક્ષકદળગઠન : હિંદુ મિલન મંદિરને અધીન રક્ષકદળને વ્યાયામ, લાઠી, તલવાર જેવાં આત્મરક્ષણ મૂલક કસરતો શીખવામાં આવે છે. (9) આદિવાસી સંગઠન : આદિવાસીઓમાં ધર્મ અને સદાચારનો પ્રચાર, ધર્મશાળા, છાત્રાવાસ, નિઃશુલ્ક દવાખાનાં ચલાવવામાં આવે છે. (10) સત્ સાહિત્ય પ્રચાર : સંઘ તરફથી માસિક પત્રિકાઓના પ્રકાશનમાં બંગાળીમાં ‘પ્રણવ’, અંગ્રેજીમાં ‘મહામિલન’ અને ગુજરાતીમાં ‘હિંદુ મિલન મંદિર’ પ્રકાશિત થાય છે જ્યારે હિંદીમાં ‘પ્રણવજ્યોત’ ત્રિમાસિક પત્રિકા રૂપે પ્રકાશિત થાય છે. આ ઉપરાંત બંગાળીમાં 100, હિંદી, ગુજરાતી અને અંગ્રેજી પ્રત્યેકમાં 25 ગ્રંથો પ્રકાશિત થયા છે, જેમાં મુખ્યત્વે સંઘસ્થાપક સ્વામીજીનો સત્ ઉપદેશ વિવિધ સ્વરૂપે અપાયો છે.
સંઘ પ્રમુખની નિશ્રામાં કાર્ય કરે છે અને પ્રથમ પ્રમુખ સ્વામી પ્રણવાનંદજી મહારાજ (1917–1941)થી માંડીને હાલના પ્રમુખસ્વામી માધવાનંદજી મહારાજને (ઈ. સ. 2014થી વર્તમાન) સુધી આઠ પ્રમુખોનું સબળ નેતૃત્વ પ્રાપ્ત થયું છે.
પ્રવીણચંદ્ર પરીખ