ભારતી, સોમસુંદર (જ. 1876; અ. 1954) : તમિળ લેખક. વીસમી શતાબ્દીમાં તમિલનાડુમાં રાષ્ટ્રીયતાનો પ્રચાર કરનારા લેખકોમાં સોમસુંદર ભારતીનું સ્થાન અગ્રેસર રહ્યું છે. એમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી એમ. એ. તથા એલએલ.બી.ની પદવી મેળવી અને વકીલાત શરૂ કરી. એમણે અધ્યયનકાળમાં જ અનેક તમિળ વિદ્વાનોને મળી તમિળ સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો હતો. એમણે થોડો સમય અન્નામલ્લઈ યુનિવર્સિટીમાં તમિળના પ્રાધ્યાપક તરીકે પણ કાર્ય કર્યું.
એમની સાહિત્યિક પ્રતિભા બહુમુખી હતી. એ કવિ, વિવેચક અને નિબંધકાર હતા. ‘મારિવાયિલ’ (મેઘદૂત) અને ‘મંગલકુરિરિચ પોયલ’ એમની પ્રસિદ્ધ કાવ્યકૃતિઓ છે. ‘મારિવાયિલ’માં પાંડ્ય રાજકુમારી ચિત્રાંગદા પોતાને અને પુત્ર બભ્રુવાહનને છોડી ગયેલા અર્જુનને મેઘ દ્વારા સંદેશો મોકલે છે; એ વીસમી સદીનું શ્રેષ્ઠ તમિળ દૂતકાવ્ય મનાય છે. ‘મંગલ કુરિરિચ પોયલ’ સામાજિક કથાકાવ્ય છે. એમાં તમિળભાષીઓના મુખ્ય તહેવાર પોંગલની પશ્ચાદભૂમિમાં તેમણે ઉચ્ચ મધ્યમવર્ગના લોકોના જીવનનાં ઉદ્દેશો અને ભાવનાઓનું વિશ્લેષણ કર્યું છે. તમિળના પ્રાચીનતમ વ્યાકરણ ‘તોલુકાપ્પિયમ્’ પરની એમની ટીકા એમની વિદ્વત્તાની દ્યોતક છે. ‘દશરથન નિરૈયુમ કૈકેયી કુરૈયુમ’માં દશરથ અને કૈકેયીના ચારિત્ર્યનું અભિનવ ર્દષ્ટિએ વિશ્લેષણ થયું છે. ‘ચેરયતાત તાય સુરૈ’, ‘તિરુવળળુવર’ તથા ‘પલૈલ તમિળનાડુ’ એમની પ્રસિદ્ધ કૃતિઓ છે.
ચન્દ્રકાન્ત મહેતા