ભારતીય-યવન સિક્કાઓ (Indo-Greek Coins) : પશ્ચિમોત્તર ભારતના ભારતીય-યવન (ઇન્ડો-ગ્રીક) રાજાઓના સિક્કાઓ. ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં તથા પંજાબમાં યવન (ગ્રીક) રાજાઓના શાસન દરમિયાન તેમણે અહીં નવીન સિક્કા-પદ્ધતિ દાખલ કરી હતી. સિકંદરના અવસાન પછી સીરિયામાં સેલુક નામે યવન સરદારની રાજસત્તા સ્થપાઈ હતી. એના સમયમાં ભારતમાં ચિનાબ-પ્રદેશમાં સૌભૂતિ નામે રાજા રાજ્ય કરતો હતો. તેણે ચાંદીના સિક્કા પડાવેલા તેના અગ્ર ભાગ પર રાજાની મુખાકૃતિ છે, જ્યારે પૃષ્ઠ ભાગ પર કુક્કુટની આકૃતિ, મર્ક્યુરી દેવની જાદુઈ લાકડી(કેડ્યુસિયસ)નું ચિહ્ન અને ‘સોફુતોઉ’ એવું ગ્રીક લખાણ છે.

ત્યારપછી બૅક્ટ્રિયાના ત્રીજા રાજા એઉથિદીમના પુત્ર રાજા દિમિત્ર- (લગભગ ઈ. પૂ. 150–140)ના સિક્કા પૂર્વ ગંધાર અને પંજાબમાંથી મળે છે. દિમિત્રના વંશમાં અપોલોદોત, મિનન્દર, સ્ત્રત 1લો, પંતલિયોન, અગથોક્લીસ, અંતિયોક, ઝોઇલ હિપ્પોસ્ત્રત વગેરે રાજા થયા; જ્યારે એઉક્રતિદના વંશમાં હિલિયોકલ અંતિઅલકિદ, હેરમય વગેરે રાજાઓ થયા. સિક્કાઓ પરથી આ રીતે 35 રાજાઓ અને બે રાણીઓની માહિતી ઉપલબ્ધ થાય છે. એમાં વર્ષ આપ્યાં ન હોઈ આ શાસકોનો રાજ્યકાલ કે કાલાનુક્રમ નક્કી કરવો મુશ્કેલ છે.

દિમિત્રનો તાંબાનો સિક્કો : અગ્રભાગ અને પૃષ્ઠભાગ

આ ભારતીય-યવન સિક્કાઓમાં શરૂઆતમાં સિકંદર, સેલુક અને બૅક્ટ્રિયાના રાજાઓએ તેમના દ્રક્મ નામના સિક્કાઓમાં ઍટિક તોલમાન (67.5 ગ્રેન) અપનાવેલું. પાછળથી ભારતીય યવન રાજાઓએ તેને સ્થાને ઈરાની તોલમાન (88 ગ્રેન) અપનાવ્યું. એઉક્રતિદે બૅક્ટ્રિયામાં સોનાના સિક્કા પડાવેલા. જ્યારે તેની રાણી અગથોક્લિયાએ ભારતમાં સોનાના સિક્કા પડાવેલા. અગાઉ દિમિત્રે ભારતીય ઢબે તાંબાના ચોરસ સિક્કા પડાવેલા, જેના અગ્ર ભાગ પરનું લખાણ ગ્રીકમાં અને પૃષ્ઠ ભાગ પરનું ખરોષ્ઠીમાં મળે છે. એઉક્રતિદે આવા દ્વિભાષી સિક્કા મોટી સંખ્યામાં પડાવ્યા હતા. એમાં ચાંદીના હેમિ-દ્રક્મ (અર્ધ-દ્રક્મ) સહુથી વધુ પ્રચલિત હતા. ભારતીય-યવન રાજાઓએ તાંબામાં ચોરસ સિક્કા સંખ્યાબંધ પડાવ્યા હતા, જે તક્ષશિલાના સ્થાનિક તાંબાના સિક્કાનું તોલમાન ધરાવે છે. પંતલિયોન અને અગથોક્લે થોડા તાંબા-નિકલના અને રાજા સ્ત્રત બીજાએ બિલન અને સીસાના સિક્કા પણ પડાવ્યા હતા.

આ સિક્કાઓના અગ્ર ભાગમાં મુખ્યત્વે રાજાના મુખની કે ઉત્તમાંગની આકૃતિ હોય છે. એઉક્રતિદે પોતાનાં માતાપિતાનાં ઉત્તમાંગ અંકિત કરાવેલાં. રાજમાતા અગથોક્લિયા અને સગીર રાજા સ્ત્રતની આકૃતિ તેમજ બીજા એક સિક્કામાં હેરમય અને એની પત્ની કલિયપની આકૃતિ નજરે પડે છે. દિમિત્રના કાંસાના કેટલાક સિક્કાઓ પર હરક્લિસનું ઉત્તમાંગ છે.

આ સિક્કાઓના પૃષ્ઠ ભાગ પર કોઈ ને કોઈ ગ્રીક કે દેવ કે દેવીની આકૃતિ અંકિત થયેલી જોવામાં આવે છે. એમાં ઝ્યૂસ, આરટેમિઝ, હરક્લિસ, ઍપોલો, નાઇકી, પલસ વગેરે ર્દષ્ટિગોચર થાય છે. ક્યારેક દેવનું પ્રતીક પણ અંકિત થતું; જેમ કે, દાયોસક્યુરોઇની બે ટોપીઓ અને ઍપોલોની ટિપૉઇ. તાંબાના સિક્કાઓ પર રાજાની આકૃતિને સ્થાને આ પ્રતીકો નજરે પડે છે. એઉક્રતિદના તાંબાના કેટલાક સિક્કાઓના પૃષ્ઠ ભાગ પર દેવતાની આકૃતિ નીચે ખરોષ્ઠીમાં ‘કપિશાની નગરદેવતા’ લખેલું છે. કેટલાક સિક્કાઓ પર અશ્વારૂઢ રાજા, હાથી, ખૂંધવાળો વૃષભ, ઊંટ વગેરે આકૃતિઓ અંકિત થઈ છે. ઘણા સિક્કાઓ પર વિવિધ ગુંફાક્ષરો(monograms)ની છાપ જોવા મળે છે.

આ સિક્કાઓની બંને બાજુ પર લખાણ હોય છે. તે અગ્ર ભાગ પર ગ્રીક ભાષા અને લિપિમાં અને પૃષ્ઠ ભાગ પર પ્રાકૃત ભાષા અને ખરોષ્ઠી લિપિમાં હોય છે. કેટલાક સિક્કાઓમાં પ્રાકૃત લખાણ ખરોષ્ઠીને બદલે બ્રાહ્મી લિપિમાં પણ હોય છે. તેમાં રાજાનું નામ અને તેનાં બિરુદ કોતરેલાં હોય છે.

રામજીભાઈ ઠા. સાવલિયા