ભારતીય જનતા પક્ષ : બહોળા અર્થમાં હિંદુત્વમાં શ્રદ્ધા ધરાવતો તથા દેશની સ્વતંત્રતા અને અખંડિતતાને વરેલો જમણેરી રાજકીય પક્ષ. તેની આગવી વિચારસરણી અને સંગઠનની વિશેષતાને લીધે ભારતીય રાજકારણમાં તે ચોક્કસ સ્થાન ધરાવે છે. આ પક્ષનો ચિંતનસ્રોત ઓગણીસમી સદીના પ્રારંભે શરૂ થયેલા પુનરુત્થાનવાદીઓના વિચારોમાં રહેલો જણાય છે. આ ચિંતકોનું માનવું હતું કે ભારતીય સમાજવ્યવસ્થા અને રાજ્યવ્યવસ્થામાં ઉદભવેલ વિકારોનું કારણ વૈદિક સંસ્કૃતિનાં મૂલ્યોની અવગણના હતી. આથી ભારતીય સમાજનું નવનિર્માણ પ્રાચીન વૈદિક સંસ્કૃતિ અને હિંદુ ધર્મના આધ્યાત્મિક ઉત્થાન અને ઉદારતાની ભાવનાનાં મૂલ્યોને આધારે થવું જોઈએ. ઓગણીસમી સદીના ભારતના આ પુનરુત્થાનવાદીઓનું માનવું હતું કે રાજનીતિ એ ધર્મનીતિથી અલગ ન હોઈ શકે. સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, લોકમાન્ય ટિળક, લાલા લજપતરાય, બિપિનચંદ્ર પાલ, વીર સાવરકર અને ડૉ. કેશવરામ બલિરામ હેડગેવાર જેવા ચિંતકો આ વિચારપ્રવાહના અગ્રણી રહ્યા હતા.
ભારતમાં તે સમયે બ્રિટિશ સરકારનું શાસન હતું. આ સરકારે ભારતમાં લાંબો સમય શાસન ટકાવવા ભારતીય સમાજમાં કોમી ધોરણે ભાગલા પડાવવા અનેક પ્રયુક્તિઓ અજમાવી હતી. આ પરિસ્થિતિએ 1906માં મુસ્લિમ લીગને અને 1907માં હિંદુ મહાસભાને જન્મ આપ્યો. મુસ્લિમ લીગ પોતાના સંગઠન અને અંગ્રેજોના પીઠબળને લીધે મુસ્લિમ લઘુમતીને તેનાં ઉદ્દામવાદી હિતો માટે સંગઠિત કરી શકી, પરંતુ હિંદુ મહાસભાનું સંગઠન એટલું મજબૂત ન હતું. વળી, હિંદુ ધર્મ પોતે પણ ઉદાર માળખું ધરાવતો હતો.
આમ છતાં કૉંગ્રેસ પણ હિંદુઓનાં હિતોનું રક્ષણ કરી શકતી નથી તેવું માનનારા કૉંગ્રેસના કાર્યકરોમાંના એક ડૉ. કેશવરામ બલિરામ હેડગેવારે હિંદુ સમાજને સંગઠિત કરવા માટે 1925માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામના બિનરાજકીય સંગઠનની સ્થાપના કરી. ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીએ સંઘના સહયોગથી 21 ઑક્ટોબર 1951ના રોજ ભારતીય જનસંઘની સ્થાપના કરી. ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી આ પક્ષના સ્થાપક પ્રમુખ બન્યા.

અટલબિહારી વાજપેયી
ભારતીય જનતા પક્ષના પ્રથમ રાષ્ટ્રીય પ્રમુખ
1952ની લોકસભાની પ્રથમ ચૂંટણીમાં જ ભારતીય જનસંઘે રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા માટે જરૂરી 3.5 % મત મેળવ્યા; પરંતુ ભારતીય જનસંઘને ડૉ. શ્યામાપ્રસાદના નેતૃત્વનો લાભ લાંબો સમય મળે તે પહેલાં જ તેમનું અવસાન થયું. એક સંગઠિત, શિસ્તબદ્ધ અને ઉત્કટ રાષ્ટ્રવાદી ભાવના ધરાવતા પક્ષ તરીકે જનસંઘે ઉત્તર ભારતમાં સારી એવી લોકચાહના સંપાદિત કરેલી. હિંદીભાષી, શહેરી મધ્યમવર્ગ, નોકરિયાતો અને નાનામોટા દુકાનદારો અને વ્યાપારીઓમાં તે વિશેષ લોકપ્રિય હતો. મુસ્લિમો, દલિતો, આદિવાસીઓ વગેરે લઘુમતીઓનો ઝાઝો વિશ્વાસ તે સંપાદન કરી શક્યો નહિ. અગાઉની ચૂંટણીઓના પ્રમાણમાં 1967ની ચૂંટણીઓમાં પક્ષનો દેખાવ પ્રભાવશાળી હતો. લોકસભાની 35 બેઠકો અને વિવિધ રાજ્યોની વિધાનસભાઓમાં કુલ 302 બેઠકો મેળવી તે અસરકારક વિરોધપક્ષનું સ્થાન ધરાવતો હતો.
કટોકટી પછી થયેલી ચૂંટણીમાં વિપક્ષો એક થયા. તેના કારણે 1977માં ભારતીય જનસંઘ જનતા પક્ષમાં વિલીન થયો. એ સમયે લોકસભાની ચૂંટણીઓમાં જનસંઘે 96 જેટલી બેઠકો મેળવી હતી. 1980ની લોકસભાની ચૂંટણીઓમાં જનતા પક્ષનો નામોશીભર્યો પરાજય થતાં પક્ષ તૂટ્યો. વળી, જનતા પક્ષની નેશનલ એક્ઝિક્યૂટિવ કાઉન્સિલમાં એક ઠરાવ પસાર થયો કે પક્ષના સભ્યો રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ જેવા અન્ય કોઈ પણ સંગઠનના સભ્યો બની શકે નહીં. એટલે કે બેવડું સભ્યપદ પક્ષનો સભ્ય મેળવી શકશે નહી. આ ઠરાવ પછી ભારતીય જનસંઘ જૂથના સભ્યોએ એ જ વર્ષે ભારતીય જનતા પક્ષની સ્થાપના કરી. આમ નવા નામે અને નવા સ્વરૂપે પક્ષનો પુનર્જન્મ થયો. પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયી, પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી જેવા નેતાઓ ભારતીય જનતા પક્ષના સ્થાપક સભ્યો હતા.
પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે અટલબિહારી વાજપેયીની પસંદગી થઈ. આ પક્ષે ‘રાષ્ટ્રવિરોધી ન હોય તેવા કોઈ પણ સાંસ્કૃતિક સંગઠનમાં પક્ષના સભ્યો ભાગ લઈ શકશે’ તેવા ઠરાવ સાથે, જે કારણસર જનતા પક્ષમાં ભાગલા પડ્યા હતા તે ‘બેવડા સભ્યપદ’નો પ્રશ્ન ઉકેલી નાંખ્યો. 1984માં લોકસભામાં માત્ર બે બેઠકો સુધી જેનો આલેખ નીચો ઊતર્યો હતો તે પક્ષે નેવુંના દાયકામાં પોતાની કામગીરીમાં સુધારો કર્યો. 1989માં થયેલી લોકસભાની ચૂંટણીમાં પક્ષનો દેખાવ સુધર્યો અને 86 બેઠકો પર વિજય મેળવ્યો. એલ.કે. અડવાણી પ્રમુખ બન્યા ત્યારબાદ રામજન્મભૂમિનું આંદોલન શરૂ થયું હતું. લાલકૃષ્ણ અડવાણીની 1990માં યોજાયેલી સોમનાથથી અયોધ્યાની રામરથયાત્રાને દેશભરમાં ખૂબ જ હૂંફાળો પ્રતિભાવ મળ્યો હતો. એ યાત્રાના કારણે રાજકીય વિવાદનો પણ જન્મ થયો હતો. એ ગાળામાં જ મુરલી મનોહર જોશીની એકતા યાત્રા પણ સફળ રહી હતી. એના કારણે પક્ષમાં નવી ઉર્જાનો સંચાર થયો હતો. અટલબિહારી વાજપેયીની સર્વસમાવેશક નીતિને બદલે અડવાણીના નેતૃત્વમાં ભાજપે એ વખતે હિન્દુત્વની નીતિ અજમાવી હતી અને અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટેની માગણી વધુ તીવ્ર બની હતી. ડિસેમ્બર-1992માં અયોધ્યામાં વિવાદિત ઢાંચો તૂટ્યો ત્યારે દેશભરના સંવેદનશીલ શહેરોમાં નાના-મોટા રમખાણો ફાટી નીકળ્યા હતા.
1995માં એકલે હાથે ગુજરાતમાં અને સાથી પક્ષો સાથે મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને ઓડિશા જેવાં રાજ્યોમાં સત્તા પ્રાપ્ત કરી. 1996માં કેન્દ્ર-કક્ષાએ અટલબિહારી વાજપેયીના નેતૃત્વ નીચે 13 દિવસની અને 1998માં 13 માસની સરકારની રચના થઈ. 1999માં તે ‘રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન’ (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ- એનડીએ)ની સરકારનો મુખ્ય ભાગીદાર પક્ષ બન્યો અને 1999માં થયેલી ચૂંટણીમાં ભાજપને 183 બેઠકો મળી તે સાથે જ અટલબિહારી વાજપેયીના નેતૃત્વમાં એનડીએની સરકાર બની અને અટલબિહારી વાજપેયી 2004 સુધી વડાપ્રધાન રહ્યા. તેમ જ લાલકૃષ્ણ અડવાણી નાયબ વડાપ્રધાન બન્યા.
2004ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો હતો. 2004ની ચૂંટણીમાં ભાજપને 186 બેઠકો પર વિજય મળ્યો હતો. કોંગ્રેસ અને સાથીપક્ષોને બહુમતી મળતા મનમોહન સિંહ વડાપ્રધાન બન્યા હતા. એ ચૂંટણી પછી અટલબિહારી વાજપેયીએ સક્રિય રાજનીતિમાંથી નિવૃત્તિ લીધી હતી અને ભાજપનું સુકાન લાલકૃષ્ણ અડવાણીના હાથમાં આવ્યું હતું. 2009ની ચૂંટણી લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં લડાઈ હતી, પરંતુ પક્ષને ધારણાં કરતાં ઓછી બેઠકો મળી હતી. ભાજપને એ ચૂંટણીમાં માત્ર 116 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.
2014ની ચૂંટણી ભાજપ માટે ઐતિહાસિક બની રહી હતી. 2013ના નવેમ્બર માસમાં જ ભાજપે નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા હતા. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડાયેલી એ ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. ભાજપને 282 બેઠકો મળી હતી. એનડીએને કુલ 336 બેઠકો અંકે કરવામાં સફળતા મળી હતી. એ સાથે જ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા હતા. 1984 પછી કોઈ એક પક્ષને પૂર્ણ બહુમતી મળી હોય એવું પહેલી વખત બન્યું હતું. 2019માં ફરી વખત ભાજપે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ ચૂંટણી લડીને વધુ એક વખત ઈતિહાસ રચ્યો હતો. 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે 303 બેઠકો મેળવી હતી.
2014થી સત્તા પર આવેલા નરેન્દ્ર મોદીએ ઘણાં મહત્વના નિર્ણયો લીધા હતા. જેમાં ભાજપની વર્ષોની માગણી એવી 370ની કલમનો પણ સમાવેશ થાય છે. ભાજપ જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ રદ્ કરવાની માગણી વર્ષોથી કરતો હતો. 2019માં ભાજપે જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ રદ્ કરી હતી. એ જ રીતે સિટિઝન એમેડમેન્ટ એક્ટ અને ત્રિપલ તલાક સામેનો કાયદો પણ ભાજપની સરકારે બનાવ્યો છે. એટલું જ નહીં, ભાજપની સરકાર કેન્દ્રમાં સત્તાસ્થાને હતી ત્યારે જ સુપ્રીમ કોર્ટે રામજન્મભૂમિના કેસનો મહત્વનો ચુકાદો આપ્યો હતો. તેના કારણે વર્ષોથી ચાલતો વિવાદ ઉકેલાયો હતો અને અયોધ્યામાં રામમંદિરનો પાયો નખાયો હતો. ભાજપ રામમંદિર બાંધવાની માગણી પણ વર્ષોથી કરતો હતો. નરેન્દ્ર મોદીએ જ રામમંદિરનો શિલાન્યાસ કર્યો હતો.
કેન્દ્રમાં સતત બે ટર્મથી વિજેતા બનનારા ભાજપના નેતૃત્વમાં ઘણાં રાજ્યોમાં પણ સરકાર બની છે. ગુજરાતમાં રાષ્ટ્રીય જનતા પાર્ટીના બે-અઢી વર્ષને બાદ કરતાં 1995થી ભાજપની સરકાર છે. 2001થી 2014 સુધી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા. એ પછી આનંદીબેન પટેલ મુખ્યમંત્રી બન્યાં. ત્યારબાદ વિજય રૂપાણી મુખ્યમંત્રી રહ્યા અને 2021માં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા છે.
મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણ ત્રણ વખત મુખ્યમંત્રી બન્યા. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડનવિસ 2014થી 2019 દરમિયાન મુખ્યમંત્રી રહ્યા હતા. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ 2017થી મુખ્યમંત્રીપદે છે. ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, આસામ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કર્ણાટક, અરૂણાચલ પ્રદેશ, હરિયાણા, મણિપુર, ત્રિપુરા, ગોવા જેવા રાજ્યોમાં ભાજપની સરકાર છે.
વિચારસરણીની દૃષ્ટિએ ભાજપ મધ્યમમાર્ગી ગણી શકાય. તે ભારતીય જનસંઘના સમયથી મિશ્ર અર્થકારણનો સમર્થક છે. સમય અને સંજોગોની માંગ પ્રમાણે તે સાવચેતીપૂર્વક કેટલાંક પરિવર્તનોને સ્વીકારે છે. ધાર્મિક અને સામાજિક વિચારોની દૃષ્ટિએ ભાજપ જમણેરી વિચારધારાની નજીક છે. વૈચારિક રીતે રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રીય સમન્વય, લોકશાહી, વિધેયાત્મક બિનસાંપ્રદાયિકતા, મૂલ્ય-આધારિત રાજનીતિ તથા ગાંધીવાદી સમાજવાદ – આ પાંચ તેના મુખ્ય સિદ્ધાંતો છે.
ભાજપના સંગઠનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરિવારમાંથી અને સમાજના વિવિધ સમૂહોમાંથી આવતા એમ બે પ્રકારના કાર્યકરો છે. પક્ષના સંગઠનના પ્રત્યેક તબક્કે નિયમિત ચૂંટણીઓ થાય છે. અત્યાર સુધીના મોટાભાગના કિસ્સાઓમાં સર્વસંમતિથી હોદ્દેદારો પસંદ કરાય છે. પક્ષના બંધારણ મુજબ પ્રત્યેક હોદ્દા પર કોઈ પણ વ્યક્તિ સતત બે સત્રથી વધુ વાર ઉમેદવારી કરી શકતી નથી અને એક જ વ્યક્તિ એકસાથે બે હોદ્દા ધારણ કરી શકતી નથી. તેના અન્ય ઘટકોમાં વિદ્યાર્થી મોરચો (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ), કિસાન મોરચો અને શ્રમિક મોરચો જેવા પેટા ઘટકો છે.

બંગારુ લક્ષ્મણ
એક સમયે શહેરી મધ્યમવર્ગનો પક્ષ ગણાતો હતો. તેના બદલે હવે ભાજપે દેશભરના ખૂણે ખૂણે લોકપ્રિયતા મેળવી છે. દરેક રાજ્યોમાં ઐતિહાસિક પરિણામો મેળવીને નવા નવા રેકોર્ડ્સ છેલ્લાં વર્ષોમાં બનાવ્યા છે. કેન્દ્ર-કક્ષાએ અને ઘટક રાજ્યોમાં મોરચા સરકારોના ભાગીદાર બનવા પક્ષે પોતાના પરંપરાગત નીતિવિષયક અભિગમમાં સમય અને સંજોગો પ્રમાણે ફેરફારો કર્યા છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ
ક્રમ નામ કાર્યકાળ
1 અટલ બિહારી વાજપેયી 1980થી 1986
2 લાલકૃષ્ણ અડવાણી 1986થી 1991
3 મુરલી મનોહર જોશી 1991થી 1993
4 લાલકૃષ્ણ અડવાણી 1993થી 1998
5 કુશાભાઉ ઠાકરે 1998થી 2000
6 બાંગારુ લક્ષ્મણ 2000થી 2001
7 જનાકૃષ્ણમૂર્તિ 2001થી 2002
8 વૈંકેયા નાયડુ 2002થી 2004
9 લાલકૃષ્ણ અડવાણી 2004થી 2005
10 રાજનાથ સિંહ 2005થી 2009
11 નીતીન ગડકરી 2009થી 2013
12 રાજનાથ સિંહ 2013થી 2014
13 અમિત શાહ 2014થી 2020
14 જેપી નડ્ડા 2020થી –
ગજેન્દ્ર શુક્લ
હર્ષ મેસવાણિયા