ભારતીય જ્ઞાનપીઠ : ભારતીય સાહિત્ય-સંસ્કારનું જતન કરનારી અને એને ઉત્તેજન આપનારી સંસ્થા. સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ સાહુ શાંતિપ્રસાદ જૈન દ્વારા વારાણસીમાં વિશિષ્ટ સંજોગોમાં 18 ફેબ્રુઆરી, 1944ના દિવસે તેની સ્થાપના થઈ.

ભારતીય જ્ઞાનપીઠની મુદ્રા

વારાણસીમાં 1944માં ભરાયેલા અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદના અધિવેશનમાં દેશભરના વિદ્વાનો એકત્ર થયા હતા. તેમને શાંતિપ્રસાદ જૈનને મળવાનો અવસર પ્રાપ્ત થયો. તેનો લાભ લઈ પ્રાચ્યવિદ્યાની વિવિધ શાખાઓમાં સંશોધન, ગ્રંથસંપાદન, ભાષાંતર, સંગ્રહ, સંચય, પ્રકાશન જેવાં કાર્યો સુપેરે પાર પાડવાની સુવિધા પૂરી પાડે તેવી કેન્દ્રીય અને રાષ્ટ્રીય સંસ્થાની આવશ્યકતા વિશે ચર્ચાવિચારણા કરીને સૂચિત યોજનાની રૂપરેખા રજૂ કરવામાં આવી. શાંતિપ્રસાદે વિદ્વાનોની એ યોજના સ્વીકારી અને ‘ભારતીય જ્ઞાનપીઠ’ નામની સંસ્થાની સ્થાપના કરી. એની સ્થાપના પ્રસંગે સંસ્થાના ઉદ્દેશો સમજાવતાં શાંતિપ્રસાદે કહેલું, ‘વિરલ પ્રાચીન ભારતીય ગ્રંથોનું સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવું તેમજ સમકાલીન ભારતીય ભાષાના મૌલિક સર્જનાત્મક વાઙ્મયને લોકોદય માટે ઉત્તેજન આપવું – આ ઉદ્દેશોની પૂર્તિ માટે ભારતીય જ્ઞાનપીઠની સ્થાપના કરવામાં આવી છે.’ તેમનાં પત્ની સ્વ. રમા જૈન વિદુષી હતાં અને આ સંસ્થાના કાર્યમાં સહયોગ આપવાની ભાવનાથી તેઓ જ્ઞાનપીઠનાં પ્રથમ અધ્યક્ષ થયાં. આ પદ ઉપર તેઓ 1975 સુધી રહ્યાં.

સંસ્થાનાં કાર્યો : સંસ્થાનું સમગ્ર કાર્ય ચાર ક્ષેત્રોમાં વહેંચી દેવામાં આવ્યું છે. પહેલા ક્ષેત્રમાં ‘મૂર્તિદેવી ગ્રંથમાલા’ની યોજના હેઠળ પ્રાચ્યવિદ્યાના હિંદુ, જૈન, આદિ પ્રાચીન ગ્રંથોનાં સંશોધન, સંપાદન અને પ્રકાશનનો વિસ્તૃત કાર્યક્રમ હાથ ધરાયો. તેમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, પાલિ ઉપરાંત પ્રાચીન કન્નડ અને તમિળ ભાષાઓને પણ આવરી લેવાઈ. સ્વ. નાથુરામ પ્રેમીએ મુંબઈમાં આ પ્રકારની ‘માણેકચંદ્ર ગ્રંથમાળા’નો આરંભ કરેલો. તેને પુનર્જીવિત કરાઈ. બીજા ક્ષેત્રમાં ‘લોકોદય ગ્રંથમાળા’ ચાલુ કરાઈ. તેમાં વર્તમાન ભારતીય ભાષાના સર્જકોની ગણમાન્ય કૃતિઓનાં પ્રકાશન તથા ઉત્તેજન સારુ નવોદિત સર્જકોની સત્વશીલ કૃતિઓના પ્રકાશનનો કાર્યક્રમ હાથ ધરાયો. ત્રીજા ક્ષેત્રમાં પ્રતિ વર્ષ ઉત્તમ સાહિત્યકૃતિને પુરસ્કારથી સન્માનવાની યોજના વિચારાઈ. તેનો આરંભ 1965નો પુરસ્કાર 1966માં આપીને કરાયો. તેમાં વિશેષ કાલખંડમાં ભારતની પ્રમુખ 18 ભાષાઓમાં પ્રકાશિત કૃતિઓમાંથી વિદ્યામંડળ દ્વારા ઉત્કૃષ્ટ કૃતિ પસંદ કરવામાં આવે છે. પ્રારંભે પુરસ્કારની રકમ એક લાખ રૂપિયા હતી. સમયાંતરે તેમાં વધારો કરાયો છે. ચોથા ક્ષેત્રમાં પુરાભિલેખ તથા પુરાતત્વીય સર્વેક્ષણ તથા સંવર્ધનની યોજના હાથ ધરાઈ. તેમાં જૈન સંપ્રદાયની કલાકૃતિઓ તથા ગ્રંથાદિનો અભ્યાસ કરવાનો તથા સંશોધનનો વિશેષ ઉપક્રમ પણ ગોઠવાયો. તેમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષાઓમાં ઉપલબ્ધ ભગવાન મહાવીરનાં સઘળાં કાવ્યાત્મક ચરિત્રોનું સંપાદન-પ્રકાશન હાથ ધરાયું. ‘જૈન કલા અને વાસ્તુ’ વિષય પર અધિકૃત ગ્રંથ તૈયાર કરાવી પ્રસિદ્ધ કરવાની કામગીરી પણ કરાઈ. તેમાં જૈન શિલ્પસ્થાપત્યોની છબીઓ મેળવી તેમનું સંકલન-પ્રકાશન કરીને તદ્વિષયક યોજનાનું પાલન પણ કરાયું.

આમ બધા કાર્યક્રમો જોશભેર અમલમાં મુકાયા. થોડાં જ વર્ષોમાં આ સંસ્થાના ઉપક્રમે અપભ્રંશ, અંગ્રેજી, ઉર્દૂ, કન્નડ, તમિળ, પાલિ, પ્રાકૃત, સંસ્કૃત, હિંદી આદિ ભાષાઓમાં સેંકડો ગ્રંથો પ્રકાશિત થઈ ચૂક્યા છે. જૈન શિલ્પસ્થાપત્યોની હજારો છબીઓ મેળવવામાં આવી છે. વિરલ હસ્તપ્રતો, ચિત્રો, છબીઓ, કલાવસ્તુઓ વગેરેને આધુનિક ઢબે સુરક્ષિત રીતે જાળવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વળી એ સર્વને અનુલક્ષીને પ્રકાશનકાર્ય પણ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર આગળ વધી રહ્યું છે.

મુખ્ય કાર્યાલય દિલ્હી ખસેડી વારાણસીને શાખા-કાર્યાલય બનાવી  ત્યાં અભ્યાસની સુવિધા વિકસાવાઈ છે. સ્વ. શાંતિપ્રસાદ તથા સ્વ. રમા જૈન  ઉપરાંત જૈન પરિવારના જ શ્રેયાંસપ્રસાદ જૈન, અ. ક. જૈન તથા લક્ષ્મીચંદ્ર જૈન આદિ મહાનુભાવોએ સંસ્થામાં નોંધપાત્ર સેવા આપી છે.

જ્ઞાનપીઠ પુરસ્કાર : ભારતીય જ્ઞાનપીઠ સંસ્થા સૌથી વધારે જાણીતી થઈ તેના જ્ઞાનપીઠ પુરસ્કારથી. વાર્ષિક એક લાખ રૂપિયાના આ પુરસ્કારની સ્થાપના 1965માં થઈ. પ્રથમ પુરસ્કાર 1966માં મલયાળમ કૃતિ ‘ઓતક્કુળલ’ માટે ગ. શંકર કુરૂપને અર્પણ કરાયો. 1982માં તેની રકમ વધારીને દોઢ લાખ રૂપિયા કરાઈ. સમયાંતરે પુરસ્કારની રકમમાં વધારો કરાતો રહ્યો છે. ટૂંક સમયમાં સાહિત્યક્ષેત્રે જ્ઞાનપીઠ પુરસ્કારે મોટી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. આ પુરસ્કારે ભારતની ભિન્ન ભાષાઓનો આત્મા એક જ છે એ સિદ્ધ કરી બતાવ્યું છે. દિલ્હીમાં ભવ્ય સમારંભ યોજી રાષ્ટ્રપતિ જેવી સન્માનનીય વ્યક્તિના વરદ હસ્તે પુરસ્કારનું અર્પણ કરાય છે. પુરસ્કારની રકમના ચેક ઉપરાંત વાગ્દેવીની કાંસ્યમૂર્તિ પણ પ્રતીક રૂપે અપાય છે. પ્રમુખ ભારતીય ભાષાઓના પ્રતીક એવા પાંખડીઓવાળા કમળના આસન ઉપર હાથોમાં જ્ઞાન-ઉપકરણો ધારણ કરતી ચતુર્ભુજ વાગ્દેવીની પ્રતિમા પણ કલાર્દષ્ટિએ સુંદર હોય છે. મધ્યપ્રદેશની ધારા નગરીમાં આવેલા સરસ્વતી મંદિરમાં રાજા ભોજે 1035માં પ્રતિષ્ઠિત કરેલી વાગ્દેવીની મૂળ મૂર્તિ તેનો પ્રેરણાભૂત આધાર છે. (આ વાગ્દેવીની મૂળ મૂર્તિ બ્રિટિશ સંગ્રહાલય, લંડનમાં છે.) લેખક તથા તેની કૃતિ વિશે પ્રશસ્તિપત્ર અપાય છે. સમારંભ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમમાં કવિતાવાચન, કવિસંમેલન, નૃત્ય, ગીતસંગીત આદિ પ્રસ્તુત કરવામાં આવે છે.

જ્ઞાનપીઠ ‘જ્ઞાનોદય’ નામે માસિક પત્રનું પ્રકાશન કરે છે. તેમાં નવોદિતોની રચનાઓ પણ છપાય છે. બીજું માસિક ‘જ્ઞાનપીઠ પત્રિકા’ પ્રકાશિત થાય છે. નીવડેલા સાહિત્યકારોની કૃતિઓ તેમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે.

દર વર્ષે ભારતીય ભાષાઓમાંથી ઉત્તમ કૃતિના લેખકને ભારતીય જ્ઞાનપીઠ તરફથી પારિતોષિક અપાય છે.

ઈ. 2000 સુધીમાં જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર મહાનુભાવો નીચે મુજબ છે :

1965  ગ. શંકર કુરૂપ, મલયાળમ

1966   તારાશંકર બંદ્યોપાધ્યાય, બંગાળી

1967   ઉમાશંકર જોશી, ગુજરાતી તથા ક. વ. પુટપ્પા, કન્નડ

1968   સુમિત્રાનંદન પંત, હિંદી

1969   ફિરાક ગોરખપુરી, ઉર્દૂ

1970   વિ. સત્યનારાયણ, તેલુગુ

1971   વિષ્ણુ દે, બંગાળી

1972   રામધારીસિંહ દિનકર, હિંદી

1973   દત્તાત્રય ર. બેંદ્રે, કન્નડ તથા ગોપીનાથ મહાંતી, ઊડિયા

1974   વિષ્ણુ સખારામ ખાંડેકર, મરાઠી

1975   પ. વ. અકિલન, તમિળ

1976   આશાપૂર્ણાદેવી, બંગાળી

1977   શિવરામ કરંત, કન્નડ

1978   સચ્ચિદાનંદ વાત્સ્યાયન, હિંદી

1979   વીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્ય, આસામી

1980   સ. ક. પોત્તેકાટ, મલયાળમ

1981   અમૃતા પ્રીતમ, પંજાબી

1982   મહાદેવી વર્મા, હિંદી

1983   મસ્તી વેંકટેશ આયંગર, તમિળ

1984   તકઝી શિવશંકર પિલ્લૈ, મલયાળમ

1985   પન્નાલાલ પટેલ, ગુજરાતી

1986   સચ્ચિદાનંદ રાઉતરામ, ઊડિયા

1987   વિષ્ણુ વામન શિરવાડકર ‘કુસુમાગ્રજ’, મરાઠી

1988   ચ. નારાયણ રેડ્ડી, તેલુગુ

1989   કુર્રાતુલૈન હૈદર, ઉર્દૂ

1990   વિનાયક કૃષ્ણ ગોકાક, કન્નડ

1991   સુભાષ મુખોપાધ્યાય, બંગાળી

1992   નરેશ બ. મહેતા, હિંદી

1993   સીતાકાન્ત ભગવાન મહાપાત્ર, ઊડિયા

1994   ઉડિપિ રાજગોપાલાચાર અનંતમૂર્તિ, કન્નડ

1995   મ. ત. વાસુદેવન્ નાયર, મલયાળમ

1996   મહાશ્વેતાદેવી, બંગાળી

1997   સરદારઅલી જાફરી, ઉર્દૂ

1998   ગિરીશ કર્નાડ, કન્નડ

1999   નિર્મલ વર્મા હિંદી અને ગુરુદયાલસિંહ પંજાબી

બંસીધર શુક્લ