ભારતની જૈવ વિવિધતા

ભારતની સજીવ સૃષ્ટિમાં દેખાતું વૈવિધ્ય. આમ તો ભારત દેશ પ્રકૃતિ, આબોહવા, સમાજ, સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા માટે પ્રખ્યાત છે. મુખ્યત્વે ઉષ્ણ કટિબંધ (tropical) પ્રદેશના ભારત વિસ્તારનાં વિભિન્ન પ્રાકૃતિક અને આબોહવાકીય અનુકૂળ પરિબળોને લીધે સજૈવ સૃષ્ટિ અત્યંત વૈવિધ્યપૂર્ણ રહેલી છે. બૃહદ્ વિવિધતા (megadiversity) ધરાવતા જૂજ પ્રદેશોમાં ભારતની ગણના થાય છે. પૃથ્વી પરની માત્ર 2 % જેટલી સપાટી ભારતને ફાળે આવેલી છે; પરંતુ પૃથ્વી પરની 5 % જેટલી જૈવ વિવિધતા ભારતમાં જોવા મળે છે. ઈ. સ. 1987માં ઉદગમંડલ(Ooty)માં ભારત સરકાર દ્વારા યોજાયેલ એક પરિસંવાદમાં રજૂ થયેલ માહિતી મુજબ ભારતમાં આશરે 45,000 જેટલી વનસ્પતિની વિવિધ જાતો અસ્તિત્વમાં છે, જે વૈવિધ્યની ર્દષ્ટિએ પૃથ્વી પરની કુલ વનસ્પતિની જાતોની 7 % જેટલી થાય છે. તે જ પ્રમાણે ભારતમાં 81,000 જાતનાં પ્રાણીઓ વસે છે. આ સંખ્યા પૃથ્વી પરનાં પ્રાણીઓની વિવિધ જાતોના 6.4 % જેટલી થાય છે.

જૈવ સૃષ્ટિની વિવિધતા ત્રણ વર્ગમાં વિભક્ત છે : (1) નિવસનતાંત્રિક (ecosystem) વિવિધતા, (2) જાતીય (species) વિવિધતા અને (3) જનીનિક (genetic) વિવિધતા.

નિવસનતાંત્રિક વિવિધતા

ભારતની ઉત્તરની સીમા તરીકે આવેલ હિમાલયના 1,500 મી. કરતાં વધારે ઊંચાઈએ આવેલા વિસ્તારની ગણના સમશીતોષ્ણ (temperate) ક્ષેત્ર તરીકે થાય છે; જ્યારે હિમાલયના શેષ ભાગની ગણના ઉષ્ણ કટિબંધ પ્રદેશમાં થાય છે. પર્યાવરણિક ર્દષ્ટિએ ભારતના અન્ય ભાગને હિમાલય તેમજ વિંધ્ય પર્વત વચ્ચે આવેલા ગંગાના મેદાન (Gangetic plain) અને મધ્યપ્રદેશ વિસ્તારમાં, રણપ્રદેશ અને સમુદ્રતટીય વિસ્તારમાં, પશ્ચિમ ઘાટ (west coast) અને દખ્ખણ સપાટ વિસ્તાર (Deccan plateau)માં વહેંચવામાં આવે છે.

(1) હિમાલયનો સમશીતોષ્ણ પ્રદેશ : આ પ્રદેશ અતિશીત અલ્પાઇન ક્ષેત્ર અને પર્વત(mountain)-ક્ષેત્રનો બનેલો છે.

() અલ્પાઇન ક્ષેત્ર : આ પ્રદેશની વનસ્પતિમાં ક્ષુપ (shrub), ઘાસ અને વામન (short) વૃક્ષોનો સમાવેશ થાય છે. ક્ષુપોમાં રહોડોડેન્ડ્રૉન(rhododendron)ની વિવિધ જાતો જોવા મળે છે. તે ઉપરાંત ગઢવાલ તેમજ કુમાઉ પ્રદેશમાં ‘ભોરાન’ વનસ્પતિ આવેલી છે. વામન વૃક્ષોમાં ભૂર્જપત્ર (Himalayan sivler berch) જ્યાં ત્યાં ફેલાયેલ છે. અગાઉ તેની છાલનો ઉપયોગ લખવા માટે કરવામાં આવતો. આ વનસ્પતિ ફલન-નિરોધી (anti-fertility) દવાની ગરજ સારે છે.

() પર્વતક્ષેત્ર : 1,500થી 3,500 મીટરની ઊંચાઈ સુધીનો પ્રદેશ. આ ક્ષેત્રમાં દેવદાર (cedar), બાદર (Himalayan silver fir), વિવિર (white willow), ચિર (chir pino) અને સીસમ(East Indian Rosewood)નાં વૃક્ષો આવેલાં છે. વિવિરમાંથી ક્રિકેટ માટેનાં બૅટ બનાવાય છે. સફરજન, અખરોટ, બદામ જેવાં ખાદ્ય ફળોનાં વૃક્ષોનો ઉછેર અને કેસર(saffron)ના છોડવાઓનો ઉછેર પણ આ પ્રદેશમાં કરવામાં આવે છે.

(2) હિમાલયનો ઉષ્ણ કટિબંધ પ્રદેશ : આ પ્રદેશને હિમાલયનો ઢોળાવ (Himalayan slope) અને પૂર્વ હિમાલય (Eastern Himalaya) – એમ બે ભાગમાં વહેંચવામાં આવે છે.

() : હિમાલયનો ઢોળાવ : આની ઊંચાઈ 1,500 મીટર કરતાં ઓછી હોય છે. જંગલમાં સીસમ, સાલ (shorea), દેવદાર, ઉંબર (ficus) અને અંજીરનાં વૃક્ષો ફેલાયેલાં છે. મુખ્યત્વે પ્રકાષ્ઠ (timber) તરીકે તેનો ઉપયોગ થાય છે. સપાટ પ્રદેશમાં ઘાસ ઊગે છે; જ્યારે શેષ ભાગમાં ડાંગર, મકાઈ, જવ, ઘઉં જેવા અનાજનું વાવેતર કરવામાં આવે છે.

() : પૂર્વ હિમાલય : આમ તો આ પ્રદેશ ઢોળાવને મળતો આવે છે. અહીં વરસાદ સારા પ્રમાણમાં પડે છે અને તેથી અહીંનું વાતાવરણ ભેજયુક્ત હોય છે. સીસમ, દેવદાર, કદંબ (antho-cephalus) જેવાં આર્થિક અગત્યનાં વૃક્ષો સારા પ્રમાણમાં જોવા મળે છે. દાર્જિલિંગ પ્રદેશ ચાના બગીચા માટે પ્રખ્યાત છે. અહીં ખાસી પ્રદેશની નેપેન્યસ કીટાહારી વનસ્પતિ પણ છે, જેનાં પ્યાલા જેવા આકારનાં પાંદડાંમાં કીટકો ફસાય છે. વળી નેતર પણ અહીં સારા પ્રમાણમાં ઊગે છે.

7,299 કિમી. વિસ્તારમાં ફેલાયેલ સિક્કિમનો નાનકડો પ્રદેશ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની વિવિધતા માટે પ્રખ્યાત છે. 5,000 જેટલી પુષ્પ-વનસ્પતિની જાતો થાય છે. તેમાંની 400 જાતની પુષ્પ-વનસ્પતિનું તો મૂળ વતન જ સિક્કિમ છે. અગાઉ 600 જાતની ઑર્કિડ વનસ્પતિ સિક્કિમમાં ફેલાયેલી, પરંતુ માનવ-હસ્તક્ષેપ(મુખ્યત્વે નિર્યાત)ને લીધે વનસ્પતિ-વૃક્ષોની જાતોમાં નોંધપાત્ર ઘટાડો થયેલો છે.

હિમાલયનું પ્રાણીજીવન : હિમાલયના અતિશીતપ્રદેશમાં હિમચિત્તો (snow leopard), યાક, શ્યામ-ગ્રીવ સારસ (black-neck crane) અને યામીન (હરણની એક જાત), બાંબુ ઉંદર (bamboo rat) અને દેવછાગલ (goral) વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. સપાટ પ્રદેશમાં બકરાં અને ઘેટાંનો ઉછેર મોટા પાયા પર કરવામાં આવે છે. સિક્કિમમાં એક વખતે 144 જાતનાં સસ્તનો વસતાં હતાં. ખાસ કરીને ચરાણને કારણે અને લણવાના અતિરેકને લીધે વિવિધતાની તેમજ સંખ્યાની ર્દષ્ટિએ પ્રાણીઓની વસ્તી ઘણી ઘટી છે. ખાસ કરીને હિમચિત્તો, કસ્તૂરીમૃગ, ભારલ (ઘેટાનો એક પ્રકાર), ગોરલ, સેરો (હરણની એક જાત), લાલ શિયાળ, વન્ય કૂતરાં જેવાં સસ્તનો નષ્ટપ્રાય પ્રાણી તરીકે જાહેર કરાયાં છે. લાલ પંડો તો ઘણા સમયથી અર્દશ્ય થઈ ગયો છે.

આખો હિમાલય પ્રદેશ પક્ષીઓની સમૃદ્ધિ અને વિવિધતા માટે પ્રખ્યાત છે. તેતર(pheasaut)ની 5, સાતભાઈ(babbler)ની 153, ઘુવડની 24, ફૂતકી(warbler)ની 79, દૈયડની 29, કીટ-ઝાલકો (fly-catchers)ની 45 અને વક્રગ્રીવા(લક્કડફોડ)ની 33 જાતિઓનાં પક્ષીઓ હિમાલયમાં જ્યાં ત્યાં ઉડ્ડયન કરતાં જોઈ શકાય છે. વળી પશ્ચિમઘાટમાં વસતા ચિલોત્રા (great horn-bills), રાખોડી બુલબુલ (ashy bulbul), પરી-નીલપક્ષી (fairy blue bird), પહોળી ચાંચવાળાં ચાષ (broad billed roller) અને હસતાં દૈયડ (laughing thrushes) જેવાં પક્ષી પણ હિમાલયમાં વસે છે. સિક્કિમમાં એક વખતે સારા પ્રમાણમાં દેખાતો મોનલ (એક જાતનું પક્ષી) હાલમાં ભાગ્યે જ દેખાય છે.

આકૃતિ 1 : હિમાલયનું ભયમાં મુકાયેલું પ્રાણીજીવન : (સિક્કિમ) : (1) કસ્તૂરીમૃગ (musk deer), (2) લાલ પંડા (ઘણા સમયથી સાવ અર્દશ્ય), (3) લાલ ડોક બતક (pink-headed duck), (4) મોનલ તેતર (monal pheasant), (5) યાક (yak), (6) ભારલ બકરી (તિબેટ), (7) ભમ્મર-શિંગડું (હરણ)

એ જ રીતે હિમાલયના ઈશાન પ્રદેશમાં આવેલ કળણપ્રદેશમાં વસતું લાલ ડોકવાળું બતક (pink-headed duck) 1935 પછી દેખાયું નથી.

ભારતનાં ગીચ જંગલોમાં વસતાં વાઘ, ચિત્તા, હાથી, લંગૂર, મગર જેવાં જંગલી પ્રાણીઓ પણ હિમાલયનાં ગીચ જંગલોમાં સારા પ્રમાણમાં વસે છે.

ગંગાનો મેદાની વિસ્તાર અને મધ્યપ્રદેશ : હિમાલય અને વિંધ્ય પર્વતની હારમાળા વચ્ચે આવેલો પ્રદેશ. ગંગાનો મેદાની વિસ્તાર અત્યંત ફળદ્રૂપ પ્રદેશ તરીકે પ્રખ્યાત છે. હિમાલયમાંથી વહેતી અનેક નદીઓ વચ્ચે આવેલા આ પ્રદેશમાં ડાંગર, શેરડી અને ઘઉંનું વાવેતર સારા પ્રમાણમાં કરવામાં આવે છે. અહીંનાં જંગલોમાં સીસમ, પલસ (butea), તેંડુ (spyros), અર્જુન (terminalia), પીપળ, સાગ, બાંબુ, ઉંબર સર્વત્ર ફેલાયેલાં છે. વાઘ, ચિત્તો, હાથી, સાબર અને લંગૂર જેવાં પ્રાણીઓ ગીચ જંગલમાં વસે છે. ગંગા નદીમાંનો ઘડિયાલ નામનો મગર દુનિયાનું એક અનોખું પ્રાણી છે.

રણપ્રદેશ : પાકિસ્તાનને અડીને આવેલ રાજસ્થાન અને કચ્છ પ્રદેશનો ઘણો ભાગ રણથી વ્યાપેલો છે. તેની વનસ્પતિ મુખ્યત્વે મુરુદભિદ (xerophytic) પ્રકારની છે, જેમાં બાવળ (acacia), વિલાયતી બાવળ (Prosopis juliflora), ખાકણ (salvadora), અને કેર (capparis) અગત્યની છે. આકડો (calatropis), ઘુસઘાસ (Panicum sp.) પણ ઘણી જગ્યાએ ઊગે છે. રણપ્રદેશનું મહત્વનું પ્રાણી તે ઊંટ. કચ્છ પ્રદેશનું જંગલી ગધેડું (ઘુડખર – wild ass) આ પ્રદેશનું એક અનોખું પ્રાણી છે, જે 45o સે. જેટલી ગરમી સહેલાઈથી સહન કરી શકે છે. ઘુડખર સામેની માનવીની વક્ર ર્દષ્ટિને લીધે તેની સંખ્યા ઓછી અને ઓછી થઈ રહી છે. જોકે તેને રક્ષિત પ્રાણીનો દરજ્જો આપવામાં આવ્યો છે.

સમુદ્ર તટવર્તી પ્રદેશ : અરબી સમુદ્રનો પશ્ચિમ કિનારો અને પશ્ચિમ ઘાટની પર્વતમાળા વચ્ચે આવેલો પ્રદેશ. આ પ્રદેશમાં આશરે 2,500 સેમી. જેટલો વરસાદ પડે છે. આ પ્રદેશમાં નાળિયેરી, તાડ અને ફણસ જેવાં વૃક્ષો જ્યાં ત્યાં જોવા મળે છે. કાજુ, કોકમ, સોપારી, અનનાસ, પપનસ, કેળાં અને જાત જાતની કેરીનાં વૃક્ષોનો ઉછેર મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. રબર અને ટેપિયોકા માટે કેરળ પ્રખ્યાત છે. ટેપિયોકા મિષ્ટ ખોરાકની ગરજ સારે છે. શેકીને, પાણીમાં ઉકાળીને તેમજ કાતરી બનાવીને ખોરાક તરીકે તેનો ઉપયોગ થાય છે. બિસ્કિટ, શરબત, બરફી અને સાબુદાણા જેવી ખોરાકી ચીજો પણ ટેપિયોકામાંથી બનાવાય છે.

દરિયાઈ પ્રાણીસૃષ્ટિ : ભારતનો દરિયો સજીવ સૃષ્ટિની વિવિધતા માટે જાણીતો છે. ખાસ કરીને કચ્છનો અખાત અને રામેશ્વર પાસે આવેલ મન્નારના અખાતના આંતરભરતી વિસ્તારમાં વાસ કરતા સજીવોને નિહાળવા માટે દુનિયાભરમાંથી જીવવિજ્ઞાનીઓ આ પ્રદેશોની મુલાકાત લેવા આવે છે. કચ્છના અખાતનો દરિયાકિનારો કાદવવાળો, ખડકાળ, પ્રવાળયુક્ત, રેતાળ અને દરિયાઈ શેવાળથી સમૃદ્ધ છે. આવા વિવિધ પ્રકારના નિકેતો(niches)માં  વસતા સજીવોમાં પણ વિવિધતા રહેલી છે.

કાદવવાળા કિનારામાં કર્ણછીપ (pinna), (મૃદુકાય) લિંગ્યુલા, જાત જાતનાં સમુદ્રફૂલ અને ફોરોનિડા જેવા સજીવો વસે છે. અંગુલિ વાદળી (finger sponge), ગોલવાદળી, જાંબુડિયા વાદળી જેવી વાદળીની વિવિધ જાતો; બ્રેન કૉરલ, મૂન કૉરલ જેવાં પરવાળાં; કૅસિયોપિયા, પૉર્પિટા, ફિરંગી મનવાર જેવાં કોષ્ઠાંત્રીઓ; સમુદ્રતારક, બરડતારા, સાગરગોટા અને સમુદ્રકાકડી જેવાં શૂળત્વચીઓ; સાધુ કરચલો (hermit crab), સામાન્ય કરચલો, ફિડલ કરચલો, જિંગા અને સ્કિવડ જેવાં સ્તરકવચીઓ; વ્યાઘ્ર-કોડી (tiger cowrie), નૉટિલસ,

આકૃતિ 2 : કચ્છના અખાતના આંતરભરતી-વિસ્તારમાં દેખાતી સામાન્ય સજીવ સૃષ્ટિ

શંકુ-કવચ (cone-shell), બટન-કવચ (button shell), છીપલાં, નારસિંગા (sepia), અષ્ટસૂત્રાંગી જેવાં મૃદુકાયો; ઍમ્ફિટ્રાઇટ, નીઉસ અને ઢલોમ કીડો (bristle worm) જેવાં નૂપુરકો જોવા મળે છે. ઓટ-સમયે બિહામણું સ્વરૂપ ધારણ કરતી દડો-માછલી, તેમજ દરિયાઈ શેવાળમાં આશરો લઈને વસતો જળઘોડો (sea horse) અને ચલમ-માછલી (pipe fish) જેવાં મત્સ્યો સૌનું ધ્યાન ખેંચે છે. વીજળીનો આંચકો આપતી વીજ-માછલી (electric fish narcine) અને કંટકમીન (spiny ray fish) રેતાળ જમીન સાથે એકરૂપ થઈ જાય છે. તેથી વીજળીના આંચકા ટાળવા અથવા તો કંટકમીનના ડંખથી બચવા સાવચેતી રાખવી પડે છે. ગુજરાતના અપતટવિસ્તાર(off shore)માં આર્થિક અગત્યની દોરા (thread fin), ઘોલ (ghol), પાપલેટ (pomfret), વામ (eel), રાવસ (Indian salmon). જાફરાબાદ તેમજ દક્ષિણ ગુજરાતના તટવિસ્તારની બૂમલા (Bombay duck) માછલીઓ સ્વાદિષ્ટ ગણાય છે. આમાંની મોટાભાગની માછલીઓની  પરદેશમાં નિકાસ પણ કરવામાં આવે છે.

પશ્ચિમઘાટ : આ પ્રદેશમાં પણ સારો એવો, એટલે કે 150 સેમી.થી 250 સેમી. જેટલો વરસાદ પડે છે અને આ વિસ્તાર ગીચ જંગલ તરીકે જાણીતો છે. જંગલમાં ઊગતાં વૃક્ષો મોટેભાગે ઊંચાં હોય છે. સાલ, સાગ (teak), સીસમ, સીડર, ગુયા (Dipto carpus), વાંસ (bamboo), કિંજળ (kindal) અને સદર (laurel) જેવાં વૃક્ષો જંગલમાં સારી રીતે પ્રસરેલાં છે. જાંબુ, હરડે, અંજની (iron wood) અને બિયો (Malabar kino tree) પણ જંગલમાં જોવા મળે છે. આ પ્રદેશમાં ઘણાં ફળ-ઉદ્યાનો (orchards) આવેલાં છે.

આ ઉદ્યાનોમાં સોપારી, કેળાં, ઇલાયચી, મરી, ફણસ, કેરી, નારિયેળી, કાજુ વગેરેનાં વૃક્ષોનો ઉછેર કરવામાં આવે છે. જંગલોમાં હાથી, વન્ય ભુંડ (wild-boar), જંગલી ભેંસ, ઊડતી ખિસકોલી, તાડનું વણિયર (Toddy cat) અને ઝરખ (Indian hyaena) વાસ કરતા હોય છે. જોકે હાલમાં ત્યાં વાઘ અને દીપડા જવલ્લે જોવા મળે છે. માનવીય હસ્તક્ષેપને લીધે તેમની સંખ્યા ઘણી ઘટી ગઈ છે. અપાદ (limbless) ઉભયજીવી (amphibian) પ્રાણી આ પ્રદેશનું વૈશિષ્ટ્ય ગણાય. નાના સાપ જેવાં દેખાતાં આ પ્રાણીઓ 25થી 30 સેમી. જેટલાં

આકૃતિ 3 : કચ્છના પશ્ચાત્-તટ વિસ્તારમાં વસતાં કેટલાંક દરિયાઈ પ્રાણીઓ : (1) જેલી-પ્રાણી (યૉર્પિટા) (કોષ્ઠાંત્રી), (2) સાધુ કરચલો (hermit crab) (સ્તરકવચી), (3) ઍમ્ફ્રિટ્રાઇટ (નૂપુરક), (4) નૉટિલસ (મૃદુકાય), (5) રારસિંગા (સેપિયા) (sepia) (મૃદુકાય), (6) વ્યાઘ્ર-કોડી (મૃદુકાય), (7) બટન-કવચ (મૃદુકાય), (8) શંકુ-કવચ (cone shell) (મૃદુકાય).

લાંબાં હોય છે. એ 4 પ્રજાતિઓમાં વહેંચાયેલાં હોય છે. અગાઉ જણાવ્યા પ્રમાણે અહીનાં કેટલાંક પંખીઓ હિમાલયમાં પણ જોવા મળે છે.

દખ્ખણ પ્રદેશ : મુખ્યત્વે આંધ્ર, તમિળનાડુ અને પૂર્વ કર્ણાટકનો બનેલો પ્રદેશ સૂકા પ્રદેશ તરીકે જાણીતો છે. આમાં પૂર્વ ઘાટ(east coast)નો પણ સમાવેશ કરવામાં આવેલો છે. આ પ્રદેશનો મધ્યભાગ ઉચ્ચ સમતલીય પર્વત-પ્રદેશનો બનેલો છે. ત્યાં સાગ, ચંદન, મુકુલ, સાલાઈ (Indian Obibanum tree), અંજન (Hardwickia), જંગલી આમલી (phyllanthus) અને સીડર જેવાં વૃક્ષો જોવા મળે છે. અહીં નારિયેળી, કેળ, કેરી, દ્રાક્ષ જેવાં ફળવૃક્ષોનો ઉછેર કરવામાં આવે છે. હાથી, વરુ, સાપ, વાંદરાં, શિયાળ, હરણ, સાબર વગેરે પ્રાણીઓ વન્ય વિસ્તારમાં વસે છે.

(2) જાતીય વિવિધતા

ભારતીય વૈદકશાસ્ત્રની ર્દષ્ટિએ અગત્યની એવી વનસ્પતિ : ભારતનાં બધાં ભૌગોલિક ક્ષેત્રોમાં રોગનાશક, શક્તિવર્ધક અને આરોગ્યવર્ધક તરીકે જાણીતી જાત જાતની વનસ્પતિ ઊગે છે. ગુજરાતમાં શૂલપાણેશ્વર અને ડાંગ પ્રદેશનાં ક્ષેત્રો વનૌષધિ માટે પ્રખ્યાત છે. ડાંગ પ્રદેશના ઘણા આદિવાસીઓ ઔષધીય વનસ્પતિના જાણકાર હોય છે; પરંતુ તેઓ અભણ હોવાથી તેમની જાણકારીનો લાભ બીજાને આપી શકતા નથી. ગુજરાત સરકારે આ લોકોની મદદથી આતરસૂંબામાં ઔષધઉદ્યાન(herbal garden)ની રચનાની એક યોજના ઘડી કાઢી છે. નર્મદા-સરોવર યોજના હેઠળ શૂલપાણેશ્વર વિસ્તાર ડૂબી જવાને કારણે જનીનિક પુંજ(genetic pool)નો સંગ્રહ કરવાની યોજના થઈ શકે. કેરળનું મલબાર ક્ષેત્ર વૈદકશાસ્ત્રના વિકાસ માટે પ્રખ્યાત છે. ત્યાં મસાજ (માલિશ) માટેનાં જાત જાતનાં તેલ બનાવાય છે. તેનાથી લગભગ અસાધ્ય ગણાતા લકવા, આમવાત અને સ્નાયુ તથા ચર્મને લગતા જાત જાતના રોગ મટાડવામાં સફળતા મળી છે.

ભારતમાં સર્વત્ર વપરાતી કેટલીક અગત્યની વનસ્પતિ

    નામ અંગ્રેજી નામ વિવિધ રોગોમાં તેની ઉપયોગિતા
     1     2         3
1. ઇસબગોળ (કુળ) spongel seed મંદ રેચક
2. ઓળિયો (અલિયામૂળ) Aloe રેચક
3. એરંડ (ફળ) castor મંદ રેચક
4. ગુળવેલ (પ્રકાંડ) Tinospora તાવ, અશક્તિ અને કમળામાં
5. અશ્વગંધા (મૂળ) Withania asshwagandha દાંતનો દુખાવો, પથરી, પક્ષાઘાત અને શરદીમાં
6. કુંવારપાઠું aloac સ્ત્રીના તમામ રોગો, કમળો અને કૉસ્મેટિકમાં
7. શતાવરી Sakacel mishi શક્તિવર્ધક, તાવ, ત્રિદોષ અને
8. નસોતર (ગુલિકા) Indian tubercle પથરીમાં રેચક
9. તુલસી (પાંદડાં) Holy basil કફનાશક, તાવનાશક, પેટની તકલીફમાં
10. કચુરા (પ્રકંદ) Kachchur પેટની તકલીફમાં
11. હળદર (પ્રકંદ) turmeric પેટની તકલીફમાં
12. આદુ (પ્રકંદ) ginger પેટની તકલીફ, કફ અને હેડકીમાં ઉત્તેજક
13. લીંડીપીપર (ફળ) Lidi pepper પેટની તકલીફ, કફ અને હેડકીમાં
14. કલંભા (મૂળ) Columba ઊલટી-શામક, શક્તિવર્ધક, અતિસાર અને પેટના દુખાવામાં,
15. કોકમ (ફલાવરણ) Kokum અતિસાર, શ્લેષ્મ–અતિસાર અને જખમમાં
16. જાયફળ (ફળ) nutmeg અતિસારમાં
17. જેઠીમધ (પ્રકંદ) Liqua ricea કફનાશક
18. અરડૂસી (પાંદડાં) vasaka કફનાશક, શરદીમાં
19. ગૂગળ (ગુંદર) Indian Bdellium tree ઘા, પૂતિરોધી (antiseptic)
20. હરડે (ફળ) Myro balan તાવનાશક, પૂતિરોધી, જઠરવ્રણમાં
21. હિંગ (થડ) Ephedra અસ્થમા અને ઉટાંટિયામાં શ્વાસવર્ધક
22. નાગરમોથ (મૂળ) nut-grass મૂત્રલ, તાવશામક, ઘા રૂઝવવામાં
23. સર્પગંધા (મૂળ) Rau wolfia દાબ-હ્રાસી (hypertension), પ્રશાંતક (tranquilizer)
24. વછનાગ (મૂળ, કંદ) aconite લેપ, અસ્થમા અને સોજામાં
25. ઇંદ્રજવ (બીજ) Palaindigo કામોત્તેજક, કૃમિનાશક
26. દિકામાળી (ગુંદર) Gardenia બાળ-ચિકિત્સા માટે; ચેતાવિકાર અને અતિસારમાં
27. કરિયાતું (આખો ક્ષુપ) chirata (સુદર્શન-ચૂર્ણ) ચિરકાલીન તાવ- શામક
28. કડુ (ભૂસ્તરી-stolon)  (પ્રમૂળ) Rhizome, આરોગ્યવર્ધક, મૂત્રલ, પેટના વિકારમાં
picrorhiza મલેરિયા તાવ અને કમળામાં, મૂત્રલ
29. સુવા (શુષ્ક ફળ) Indian dill વાતહર, બાળકો માટે ડીલ જલ, મરડામાં
30. બ્રાહ્મી (બધા ભાગો) Brahmi ચેતાવર્ધક (brain-tonic)
31. બાવચી (બીજ, ફળ) Bavchi કોઢમાં
32. વેખંડ sweet flag અતિસાર
33. ડુંગળી (કંદ) onion મૂત્રલ, કફનાશક, ઉપનાહ (poultice)
34. લસણ (કંદ) garlic કફનાશક, ઉટાંટિયું અને ત્વચાના વ્યાધિમાં
35. લીલી ચા (leaf) lemon-grass વાતરોધક, પેય
36. ફુદીનો (પાંદડાં) corn-mint ઉત્તેજક, વાતનાશક
37. મેથી (બીજ) fenugreek શક્તિવર્ધક, વાતનાશક, મધુમેહ- રોધક, પોલ્ટીસ અને જઠર-વ્રણ-(peptic ulcer)માં

આકૃતિ 4–5 : ભારતની વનૌષધિઓના પ્રકારો :
(1) કુંવાર, (2) ગૂગળ, (3) ગળો, (4) જેઠીમધ, (5) નાગરમોથ, (6) શતાવરી, (7) અશ્વગંધા, (8) અરડૂસી

ભારતની ખાદ્ય ફળસંપત્તિ : આહારના ભાગરૂપે, નાસ્તા દરમિયાન ભોજન સાથે કે વ્રતપાલન વખતે નૈવેદ્ય તરીકે વપરાતાં ફળોનો ઉછેર ઉદ્યાનકળા(horticulture)ના ભાગરૂપે કરવામાં આવે છે. આ ફળો રસ અને માવાયુક્ત, સ્વાદિષ્ટ અને વિટામિન ‘C’થી સમૃદ્ધ હોય છે. ખાદ્ય જૈવ રસાયણો મુખ્યત્વે દ્રાવ્ય શર્કરા, પ્રોટીન અને વિટામિનોનાં બનેલાં હોય છે. સહેલાઈથી પચી શકે તેવાં હલકાં હોવાથી માંદગી દરમિયાન અને માંદગી પછી દર્દીઓને, બાળકોને અને વૃદ્ધોને આપવામાં આવે છે. ખાસ કરીને નાળિયેરનું પાણી, મોસંબી, સફરજન જેવાં ફળો માણસની તબિયતમાં ઝડપી સુધારો લાવે છે. ભારતનાં કહેવાય તેવાં ફળોમાં કેરી, પપૈયું, સીતાફળ, રામફળ, મામફળ, જામફળ, અનનાસ, ફણસ, ટેટી, ચીભડાં, લીંબુ, સંતરાં, મોસંબી, નારંગી, આમળાં, રાયણ, જાંબુ, કરમદાં, બોર, આંબળાં, કોકમ, કાજુ અને લીચી જેવાંનો સમાવેશ થાય છે. વળી પરદેશનાં પણ, પછી ભારતમાં સારા પ્રમાણમાં ઉછેરાતાં ફળો અને સૂકા મેવામાં સફરજન, તડબૂચ, અંજીર, દાડમ, જરદાળુ, પીચ, ચેરી, પેર, નાસપાતી, રાસબેરી, બદામ, સ્ટ્રોબેરી અને દ્રાક્ષ નોંધપાત્ર છે.

આકૃતિ 6 : ભારતની સામાન્ય શાકભાજી અને ખાદ્ય ફળો

મોટાભાગનાં ફળોમાંથી કાર્બનયુક્ત અથવા કાર્બન વિનાનાં જાત જાતનાં પીણાં બનાવવામાં આવે છે. વળી તે ફળોમાંથી બરફી, હલવો, જામ, જેલી, માર્મલેડ, અથાણું વગેરે તૈયાર કરવામાં આવે છે.

ભારતમાં ઉછેરાતી શાકભાજી : શાકભાજી આહારનું એક આવશ્યક ઘટક છે. પોષક તત્વોથી સમૃદ્ધ હોવા ઉપરાંત તેમાં રેસામય ઘટકો આવેલાં હોવાથી પચનતંત્રમાં ખોરાકનું પાચન, વહન અને મળ-ત્યાગ સહેલાં બને છે. શાકભાજીના પ્રકારો નીચે મુજબ છે :

1. કંદ અને મૂળ : મૂળા, અળવી, રતાળુ, શક્કરિયાં, બટાટા, નોલકોલ, મોગરી, ગાજર અને બીટ.

2. પાંદડાં : તાંદળજો, મેથી, પાલખ, સુવા, કોબીજ, પોઈ, પતરવેલિયું, લૂણી.

શાકભાજી માટેનાં ફળ : દૂધી, રીંગણી, પરવળ, ભીંડા, ગલકાં, તૂરિયાં, ચોળી, ગુવાર, ફણસી, પંડોળાં, કાકડી, કારેલાં, કંકોડાં, કોલી ફ્લાવર (ફૂલ), ટમેટાં, રસોઈને સ્વાદિષ્ટ બનાવવા વપરાતા વાનસ્પતિક પદાર્થો ડુંગળી, લસણ, કોથમીર, ફુદીનો, આદુ, આમલી, કોકમ, મીઠો લીમડો, મરચાં વગેરે.

રસોઈમાં વપરાતો તેજાનો (ગરમ મસાલો) : હિંગ, હળદર, રાઈ, જીરું, ધાણા, મેથી, અજમો, મરી, ઇલાયચી, ખસખસ, તજ, સૂંઠ, જાયફળ, મરચાં (સૂકાં), દાલચીની અને લવિંગ.

ઉપર જણાવેલ મોટાભાગની વનસ્પતિઓનું મૂળ વતન ભારત છે. જ્યારે બટાટા, ટમેટાં, મરીનું મૂળ વતન દક્ષિણ અમેરિકા છે. ગાજર, કોબી, નોલકોલ અને કોલી ફ્લાવરનું મૂળ વતન યુરોપ અને મૂળા, પાલખ જેવાંના મૂળ વતન તરીકે ભૂમધ્ય કાંઠાના પ્રદેશો છે.

ફૂલની વિવિધ જાતો : મનમોહક રંગ, સુગંધી તેમજ ધ્યાન ખેંચે એવા દેખાવને લીધે પુષ્પો માનવ ઉપરાંત પતંગિયાં જેવા કીટકો અને પક્ષીઓને પણ આકર્ષે છે; જ્યારે મધમાખી અને ઘણાં પક્ષીઓ ફૂલમાંથી પુષ્પરસ (nector) ચૂસતાં હોય છે. મંદિરમાં કે ઘરમાં ભગવાનને ચડાવવા માટે ફૂલોનો બહોળો ઉપયોગ થાય છે. ભારતની નારી વેણી કે ગજરામાં ફૂલનો ઉપયોગ કરે છે. વળી તે એકાદ ફૂલ લઈને અંબોડામાં પણ ખોસતી હોય છે. સ્વાગતસમારંભ, લગ્નસમારંભ કે મંડપની શોભા માટે ફૂલો વ્યાપક પ્રમાણમાં વપરાય છે. મૃત વ્યક્તિઓ પ્રત્યે આદર દર્શાવવામાં પણ તેમનો ઉપયોગ થાય છે. વળી ઘરની કે જાહેર સ્થળોની શોભા વધારવા માટે ફૂલોની માળાઓ કે ગુચ્છોનો ઉપયોગ થાય છે. શાસ્ત્રીય નૃત્યના કલાકારો પણ પુષ્પોનો ઉપયોગ કરે છે. સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ તો લાલ ગુલાબી ફૂલને હંમેશાં પોતાના કોટના બટનમાં ખોસતા હતા ! ભારત ખુશબોદાર અને દેખાવમાં સુંદર એવાં અનેક જાતનાં ફૂલો માટે પ્રખ્યાત છે. તેમાંનાં ઘણાંમાંથી તો અત્તર બનાવાય છે. સુગંધીદાર અને આકર્ષક ફૂલોમાં ગુલાબ, ચમેલી, મોગરો, જાઈ, જૂઈ, ગુલછડી (tube-rose), કેતકી તેમજ લીલા અને પીળા ચંપા સર્વપ્રિય છે. તુલસી, બારમાસી, ચાંદની, જાસૂદ, લાલ અને પીળી કરેણ અને પારિજાતકનો ઉપયોગ ભગવાનની પૂજામાં થાય છે. આકડાનાં ફૂલ (calatropis) હનુમાનને મનગમતાં હોવાનું મનાય છે. વળી વિપરીત પર્યાવરણિક પરિબળોનો સામનો કરી શકે તે માટે સફેદ અને પીળો ચંપો, જાસૂદ, ચાંદની તથા બોગેનવિલા જેવી પુષ્પવનસ્પતિનું સારા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. શોભાનાં ફૂલ ચોમાસામાં અને શિયાળામાં વાવવામાં આવે છે. બગીચાનાં સામાન્ય ફૂલોમાં ગલગોટા, ડેલિયા, સૂરજમુખી, પૉપી, લિલી, જાસૂદ, રહોડોડેન્ડ્રૉન, કેના, ક્રાઇસથિમમ, વછનાગ (daisy), પ્રિમરોઝ, હૉલીહૉક, બિગ્નોનિયા, ફ્લૉક્સ, તનમનિયાં (Balsam), જેન્શિયા, ગુલછડી, તગર (rose-bay), ગ્લૅડિયોલસ અને પિટુનિયાનો નિર્દેશ કરી શકાય. ભારતનાં આકર્ષક ફૂલોમાં કસુંબી, ઓર્કિડ, સારસાપરિલા (smilax) અને ખિયર (Lycium) જેવાં વન્ય ફૂલોનો સમાવેશ થાય છે.

પ્રાણીસૃષ્ટિમાં વિવિધતા

કીટક-સૃષ્ટિ : કીટકો દુનિયાનાં સૌથી વધારે પ્રભાવક (dominant) પ્રાણીઓના સમૂહ તરીકે જાણીતા છે. અન્ય સજીવોના મુકાબલે જાતીય વૈવિધ્ય અને કુળસંખ્યાની ર્દષ્ટિએ તેમનું પ્રમાણ સવિશેષ છે. કીટકોની આશરે દસ લાખ જેટલી જાતો દુનિયામાં છે. ભારતમાંયે તેમનું પ્રમાણ મોટું છે. કીટકો સર્વભક્ષી હોય છે અને તેમની પ્રજનનક્ષમતા આશ્ર્ચર્ય પમાડે તેવી હોય છે; દા.ત., રાણી ઊધઈ (queen white ant) પોતાના જીવનકાળ દરમિયાન કરોડોની સંખ્યામાં ઈંડાં મૂકે છે.

આકૃતિ 7 : ભારતની વૈવિધ્યપૂર્ણ પુષ્પસૃષ્ટિ : (1) બિગોનિયા (Begonia tuberhybrids), (2) ડેસી Michaelmas (aster novi belgii), (3) ઝિનિયા, Zinnia (Zinnia elegans),  (4) જાસૂદ, Hibiscus (Hibiscus syriacus); (5) ગુલાબ, hybrid tea rose (Rosa dilecta); (6) હૉલીહૉક, hollyhock (Althaea rosea); (7) રહોડોડેન્ડ્રૉન, rhododandronચ (8) ગલગોટા, french marigold (Tagetes patula); (9) ડેલિયા, dahlia (Dahlia pinna); (10) સૂરજમુખી (sunflower); (11) પૌરસ્ત્ય પૉપી, oriental poppy (Papaver bracteatum); (12) હિમાલયની વાદળી પૉપી, (himalayan blue poppy (Meconopopsis betonicifolia); (13) પિટુનિયા, petunia (Petunia hybrida); (14) લિલી, day lily (Hemerocallis fulva); (15) કેના, canna (Canna generalis); (16) ક્રાઇસેંથિમમ Chrysanthemum  (Chrysanthemum morifolium); (17) ફ્લૉક્સ (Phlox paniculata)

આર્થિક અગત્યની ર્દષ્ટિએ કીટકોને લાભકારક અને હાનિકારક એવા બે ભાગમાં વહેંચી શકાય છે. લાભકારી કીટકોમાં પરાગનયનમાં મદદરૂપ એવા કીટકો, નકામા નીંદામણનો નાશ કરનાર કીટકો, હાનિકારક સજીવોનું ભક્ષણ કરી જનારા કીટકો ઉપરાંત પરભક્ષી કીટકોનો સમાવેશ થાય છે. ઘણા કીટકો અન્ય સજીવો(ખાસ કરીને પક્ષીઓ)ના ખોરાકની ગરજ સારે છે. માનવીને તે મધ, રેશમ, મીણ જેવી આર્થિક અગત્યની વસ્તુઓ પૂરી પાડે છે.

આકૃતિ 8 : ભારતના કેટલાક ઉપયોગી અને હાનિકારક કીટકો
(1) અને (1અ) બ્લાસ્ટોફાગ ભમરો, (2) ફૂદું (પરાગનયન), (3) મધમાખી (ચાકર), (3અ) મધમાખીનો પગ, (4) લૅન્ટાના કીટ, (5) રહાઇનો, છાણ-ભમરો (dung roller), (6) તબેલા-માખી (stable fly), (7) મરઘી-જૂ, (8) ઢોર-જૂ (cattle louse), (9) બિલાડી-ચાંચડ (cat flea), (10) શ્વાન-ચાંચડ (dog flea), (11) ટાબાનસ માખી, (12) કૃષ્ણ માખી (black fly), (13) જૂ-માખી (louse fly), (14) માંસ-માખી (flesh fly), (15) રેતમાખી (sand fly), (16) ખોદ-માખી (warble fly), (17) મરઘી-ચાંચડ (hen flea).

આમ, લાભકારી કીટકોમાં નર ભમરો (Blasto phega), જાત જાતનાં ફૂદાં (moths), મધમાખી જેવા પરાગનયનમાં મદદરૂપ કીટકો, મૃત અને કોહવાતા પદાર્થોને ખોરાક તરીકે સ્વીકારનાર કીટકો, આર્થિક અગત્યની વસ્તુઓ પૂરી પાડનાર કીટકો; દા.ત., રેશમ-ફૂદાં (silkworm), લાખ-કીટકો વગેરે જાણીતા છે.

હાનિકારક કીટકોમાં ઘરમાખી, મચ્છર વગેરેનો નિર્દેશ કરી શકાય છે. જૂ, ચાંચડ, માંકડ જેવા કીટકો પણ માનવ માટે હાનિકારક છે. તબેલા-માખી (stable fly), રેતમાખી (sand fly), માંસ-માખી (flash fly), કૃષ્ણ માખી (black fly) જેવા કીટકો પાલતુ અને અન્ય પશુઓનું લોહી ચૂસે છે. બિલાડી, કૂતરાં, મરઘી જેવાં પાલતુ પ્રાણીઓના શરીર પર બિલાડી જૂ (cat-flea), કૂતરા-જૂ (dog-flea), મરઘી-જૂ (hen fly) બેસીને લોહી ચૂસતી હોય છે. ખેતરમાં પાકનો તેમજ ઘરમાં અનાજ, કઠોળ, લોટ વગેરેનો નાશ કરનાર કીટકોની જાતો હજારોની સંખ્યામાં છે.

ગુજરાતનાં પક્ષીઓ : ગુજરાતમાં જાત જાતનાં પક્ષીઓ જોવા મળે છે. ઊડવાની ક્ષમતા ધરાવતાં આ પ્રાણીઓ વસવાલાયક સ્થળોમાં બધે વાસ કરતાં હોય છે. તેમાંનાં મોટાભાગનાં પક્ષીઓ (દા. ત, કાગડો, ચકલી, કબૂતર) કાયમી વસવાટ કરનારાં હોય છે. કેટલાંક અમુક ઋતુમાં, ખાસ કરીને શિયાળામાં જ જોવા મળે છે. સાઇબીરિયા જેવા પ્રદેશોમાં વાસ કરતાં આવાં પક્ષીઓ ત્યાંની શિયાળાની વિપરીત ઠંડીને ટાળવા ગુજરાતમાં સ્થળાંતર કરે છે. થોડાં પક્ષીઓ ગુજરાતમાંથી પસાર થઈને અન્ય સ્થળે જતાં હોય છે. યોગ્ય પર્યાવરણના અભાવે સ્થળાંતરી પક્ષીઓની સંખ્યા ઘટવા માંડી છે; દા. ત., એક વખતના વિશાળ નારાયણ સરોવરનો વિસ્તાર ઘટી જવાથી ત્યાંનાં કાયમી અને સ્થળાંતરી પક્ષીઓ ઉપરાંત અન્ય વન્ય પ્રાણીઓની જાતો લુપ્ત થવાની અણીએ પહોંચી છે. જોકે ગુજરાતનો વન અને પર્યાવરણ-વિભાગ વન્ય પ્રાણીઓને સંરક્ષણ આપવા પ્રયત્નશીલ રહ્યો છે અને ઘણા વન્ય વિસ્તારોને રાષ્ટ્રીય ઉદ્યાન  અને અભયારણ્ય તરીકે જાહેર કરી, વન્ય પ્રાણીઓની સંખ્યા ઘટે નહિ તેની કાળજી રાખે છે.

ગુજરાતમાં વસતાં કેટલાંક કાયમી (residual) અને સ્થળાંતરી પક્ષીઓની જાતો નીચે મુજબ છે :

(1) જલચરો અને જલાશયની આસપાસ વાસ કરતાં પક્ષીઓ : સુરખાબ (flamingo), લાલ પગ (red shank), ચમચો (spoon bill), ગુલાબી પેણ (red pelican), તુતવારી (નાની અને ટપકીલી-common and sand pipers), સફેદ છાતીવાળો કલકલિયો (king fisher) અને નાનો કાજિયો (little cormorant).

માનવી વસાહતની આસપાસ રહેતાં પક્ષીઓ : કોયલ, હડિયો બુલબુલ (red vented bulbul), ટિટોડી (red watiled lapwing),

આકૃતિ 9 : ગુજરાતમાં સામાન્યપણે દેખાતાં કેટલાંક પક્ષીઓ : (1) નાની તુતવારી (common piper), (2) ટપકીલી તુતવારી (sand piper), (3) લાલ પગ, (4) ટર્ન સ્ટોન (5) બપૈયો, (6) ગારખોદ (fan tailed snipe), (7) હડિયો બુલબુલ, (8) ભગવી સમળી, (9) નાનો કાજિયો, (10) ચમચો, (11) ચોટલિયો સાપમાર ગરુડ, (12) સુરખાબ, (13) શકરો, (14) કપાસી, (15) ધોળવો ઝુમ્મસ, (16) ચેતવો.

નાનો પતરંગો (green bee eater), લક્કડખોદ (woodpecker), મોર, ચકલી અને કાગડો.

ખુલ્લી જમીન, ખેતી અને જંગલ જેવા વિસ્તારોમાંનાં પક્ષીઓ : શકરો (shikra), મોટી નાચણ પંખો (fan-tailed fly catcher), ચેતવો (કરોડિયો – garganey), બપૈયો (common hawk), કપાસી (black-winged kite), ગીધ, ચોટલિયો સાપમાર ગરુડ (crested hawk eagle), ધોળવો ઝુમ્મસ (tawny eagle), ભગવી સમળી (Brahminy kite), તલિયો હોલો (spotted dove), થરથરરો (red start black ટર્નસ્ટોન).

જાતઅંતર્ગત ભિન્નતા (species variation) : પૃથ્વી પર વસતાં વિવિધ સજીવોના વર્ગીકરણમાં જાત(species)ને એકમ તરીકે ગણવામાં આવે છે. લક્ષણોની ર્દષ્ટિએ કોઈ પણ બે જાતના સજીવોમાં ભિન્નતા રહેલી હોય છે. આમ તો લીંબુ તરીકે ઓળખાતાં સંતરાં (loose skinned orange) અને મોસંબી(thick skinned orange)માં ઘણું સામ્ય રહેલું છે. પરંતુ તેમનામાં રહેલી કેટલીક ભિન્નતાઓ પણ જોવા મળે છે. તેથી તેમની ગણના બે સ્વતંત્ર જાતો તરીકે કરવામાં આવે છે. વાઘ અને સિંહ પણ બે સ્વતંત્ર જાતનાં પ્રાણીઓ છે. આ સજીવોમાં જનીનિક સંકુલની ર્દષ્ટિએ ઘણું સામ્ય રહેલું છે અને સંકરણપ્રજનન વડે સંતાનોને જન્મ આપી શકે છે. જોકે આ સંતાનો જનીનિક ર્દષ્ટિએ વંધ્ય હોય છે.

લીંબુ પ્રજાતિમાં દેખાતી વિવિધતા : 22 જેટલી જાતનાં લીંબુઓનું મૂળ વતન ભારત છે; જ્યારે અન્ય 15 જેટલી જાતનાં લીંબુનો ઉછેર પ્રાયોગિક ર્દષ્ટિએ ભારતમાં કરવામાં આવે છે.

ભારતમાં ઉછેરાતી લીંબુ (lemon) પ્રજાતિની કેટલીક સામાન્ય જાતો

નામ અંગ્રેજી શાસ્ત્રીય નામ ઉપયોગિતા
1. સંતરાં loose skinned orange Citrus reticulata નાસ્તા માટે, પેય
2. મોસંબી thick skinned orange C. sinensis આરોગ્યવર્ધક, પેય
3. ખાટાં લીંબુ sour lime C. aurantifolia અથાણું, લીંબુરસ, તેલ વગેરે
4. ચાકોત્રા forbidden fruit C. grindis નાસ્તો, અથાણું, જામ
5. મીઠાં લીંબુ sweet lime C. limettoides ઔષધિ, નાસ્તો, જામ, અથાણું
6. મોટાં લીંબુ lemon C. limon નાસ્તો, પેય (શરબત)
7. મહાપુંગ (તુરંજ) citron C. medica અથાણું માર્મલેડ ઔષધિ
8. ચાકોત્રા grape fruit C. paradisi નાસ્તા, દારૂ, દવા, જેલી વિ.
9. પપનસ forbidden fruit C. maxima જામ, માર્મલેડ
10. ખાટાં લીંબુ sour orange C. aurantium નાસ્તા, લિમલેટ, પીણાં, અથાણું, માર્મલેડ

ભારતમાં એક પ્રજાતિનાં વિભિન્ન જાતીય પ્રાણીઓ

1. પ્રજાતિ Panthera
(1)     વાઘ tiger Panthera tigris tigris
(2)     સિંહ lion Panthera leo persila
(3)     દીપડો panther Panthera pardus pardus
2. પ્રજાતિ Canis
(1)     વરુ wolf Canis lepus
(2)     શિયાળ jackal Canis aureus
(3)     કૂતરાં dog Canis familiaris
3. પ્રજાતિ Felis
(1)     બિલાડી cat Felis Cattus (domesticus)
(2)     જંગલી બિલાડી wild cat Felis constantina
(3)     રણની બિલાડી desert cat Felis chaus kutas
4. પ્રજાતિ Equus
(1)     ઘોડો horse Equus caballus
(2)     ગધેડું ass Equus asinus
(3)     ઘુડખર wild ass Equus hemionus

વાંદરા નામે ઓળખાતા અંગુષ્ઠધારી સસ્તનો ભારતનાં બધાં પ્રદેશોમાં વસે છે. માંકડાના નામે ઓળખાતા વાંદરાની ત્રણ જાતો ભારતમાં વસે છે. લંગૂર (હનુમાન) વાંદરાને મળતા હોવા છતાં પ્રજાતિની ર્દષ્ટિએ સાવ જુદા હોય છે.

(1) ટોપી માંકડું (the bonnet macaque) (Macaca radiata) : મધ્યમ કદ; પૂંછડી લાંબી; માથા પરના વાળ વિગ જેવો આકાર બનાવે છે. તે સપાટ અને દખ્ખણ પ્રદેશમાં જોવા મળે છે.

(2) હ્રીસસ માંકડું (Macaca mulatta) : લાલ કમર અને તલસ્થ પૂંછડી-પ્રદેશ. લટકતી (pendulous) પૂંછડી. ઘણાં ધાર્મિક સ્થળોમાં તેઓ જોવા મળે છે.

(3) આસામ માંકડું (Macaca assamensis) : હ્રીસસ માંકડાને મળતું, પરંતુ લાલ રંગનો અભાવ.

(4) લંગૂર (હનુમાન) (Presbytis entellus) : રંગે આછું ભૂરું; જ્યારે હાથ, પગ અને ચહેરાનો રંગ કાળો, લટકતું પૂંછડું, ર્દઢ વાળની ભમ્મર.

(3) જનીનિક વિવિધતા (genetic variation) : ઘણા સજીવો એક જ જાતિના હોવા છતાં, વિવિધતાની ષ્ટિએ તે અનેક પ્રકારોમાં વહેંચાયેલા છે. મુખ્યત્વે ભિન્ન પર્યાવરણિક, ભૌગોલિક કે અન્ય પરિબળોની અસર હેઠળ વીતતા સમયને આધીન તેઓ ભિન્ન સ્વરૂપ ધારણ કરે છે; દા. ત., ફળની વિવિધતા માટે જાણીતી કેરી એક જ જાતની (શાસ્ત્રીય નામ : Mangifera indica) હોવા છતાં ઓછામાં ઓછા હજાર જેટલા કેરીના પ્રકારો માત્ર ભારતમાં નોંધાયેલા છે. ખાસ કરીને તેનાં ફળો સ્વાદ, સોડમ અને મજ્જા(pulp)ની ર્દષ્ટિએ સાવ જુદાં હોય છે. તે જ પ્રમાણે ભારતનાં બધાં પાલતુ કૂતરાં (શાસ્ત્રીય નામ : Canis familiaris) એક જાતિનાં હોય છે. જ્યારે વાળ, પૂંછડી, કાન, આકાર જેવી લાક્ષણિકતાઓની ર્દષ્ટિએ તેમાં વિવિધતા છે.

કેરી (Mangifera indica) : રુચિકર સ્વાદ, મજાની (aromatic) સોડમ, તેની મીઠાશ (sweetness) અને ખટાશ(acidity)માં સધાયેલ સુમેળને લીધે, તેની ગણના ફળના રાજા (king of fruits) તરીકે થયેલી છે. અપક્વ ખાદ્ય કેરીમાં શર્કરાનું પ્રમાણ 3 %થી 4 % જેટલું, જ્યારે અમ્લતાનું પ્રમાણ 1 %થી 2 % જેટલું હોય છે. કેરી પાકી જતાં શર્કરાનું પ્રમાણ 15 % જેટલું વધે છે; જ્યારે અમ્લતાનું પ્રમાણ નહિવત્ બને છે. જોકે કેટલીક કેરીઓમાં ખટાશનું પ્રમાણ વધુ હોય છે. તેનો ઉપયોગ અથાણામાં અને આંબોળિયાં તરીકે થાય છે. આંબોળિયાં(આમસોલ)ને લીધે કઢી (curry) અને કઠોળની વાનગીઓ સ્વાદિષ્ટ બને છે. કેરીનો બહોળો ઉપયોગ નાસ્તા તરીકે કે ભોજનોત્તર સમય દરમિયાન કરવામાં આવે છે. ઉનાળામાં ભોજનસમારંભોમાં મિષ્ટાન્ન તરીકે કેરીનો રસ પીરસવામાં આવે છે. શરબત, કાર્બનયુક્ત (carbonated) પેયો કે આઇસક્રીમ બનાવવામાં પણ કેરી સારા પ્રમાણમાં વપરાય છે. સીલ કરેલ ડબ્બામાં કેરીનો રસ બારેય માસ ઉપલબ્ધ હોય છે. કેરીની હજાર જેટલી જાતોનો ઉછેર ભારતમાં કરવામાં આવે છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારમાં કેરીનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.

ભારતમાં ઉછેરાતી અને આર્થિક ર્દષ્ટિએ અગત્યની કેટલીક જાતો

ક્રમ  નામ    ઉછેરનાં ક્ષેત્રો   ગુણવત્તા પાકની ઋતુ
1. આફૂસ દ. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા સારામાં સારી એપ્રિલ–જૂન
(અલ્ફાન્સો, ફર્નાદિન, મનુખુરાદ કેરી પણ આફૂસના પ્રકાર તરીકે જાણીતી છે.)
2. પાયરી મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ સારી એપ્રિલ–જૂન
3. તોતાપુરી દક્ષિણ ભારત સારી એપ્રિલ–જૂન
4. મલગોવા કર્ણાટક દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર, સારી એપ્રિલ–જૂન
5. રાજાપુરી ગુજરાત મધ્યમ સ્વાદ, (અથાણાં અને છૂંદા માટે સારી) મે–જૂન
6. કેસર સૌરાષ્ટ્ર સારી મે–જૂન
7. સુંદરી ગુજરાત, આંધ્ર મધ્યમ એપ્રિલ–મે
8. જમાદાર ગુજરાત મધ્યમ મે
9. સરદાર ગુજરાત મધ્યમ મે
10. વનરાજ ગુજરાત મધ્યમ એપ્રિલ–મે
11. નીલમ દક્ષિણ ભારત મધ્યમ માર્ચ–મે
12. બદામી કર્ણાટક, આંધ્ર મધ્યમ માર્ચ–મે
13. ગોલા આંધ્ર મધ્યમ માર્ચ–એપ્રિલ
14. લંગડો ઉત્તરપ્રદેશ, બિહાર સારી જૂન–જુલાઈ
15. દશેરી ઉત્તરપ્રદેશ, પંજાબ સારી જૂન–ઑગસ્ટ
16. મુંબઈ (પીળી) ઉત્તરપ્રદેશ, બિહાર મધ્યમ મે –જૂન
17. માલદા (મુંબઈલીલી) ઉત્તર પ્રદેશ મધ્યમ માર્ચ–જૂન
18. ગુલાબ-ખસ બિહાર ઘણી સારી મે–ઑગસ્ટ
19. સફદર-પસંદ બિહાર સારી અપ્રિલ–જૂન
20. મુંડપ્પા કર્ણાટક ઘણી સારી એપ્રિલ–મે

પાન (નાગરવેલ) : શાસ્ત્રીય નામ Piper betel. મુખવાસ તરીકે સોપારી સાથે ચાવીને કૂચો કરીને ખવાતું પાન. નાગરવેલ ‘પાન’ ભારતની વિશિષ્ટતા છે. પાકિસ્તાનની પ્રજા પણ પાનની શોખીન છે. ભારતમાંથી પાનની નિકાસ થાય છે. નાગરવેલનું વાવેતર કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ, તમિળનાડુ અને ઉત્તરપ્રદેશમાં મોટા પાયા પર કરવામાં આવે છે. કદમાં સૌથી નાનું, પરંતુ ખાસ લહેજતદાર મઘાઈ પાન ખૂબ પ્રખ્યાત છે. કપૂરી પણ લોકપ્રિય પાન છે. આ બંને પ્રકારનાં પાનનો ઉછેર ઉત્તરપ્રદેશમાં કરવામાં આવે છે.

સામાન્યપણે ચાવવામાં ઘણા લોકો તાજા પાનનો ઉપયોગ કરે છે, જ્યારે કેટલાક વિરંજિત (bleached) અથવા ધવલીકૃત (blanching) પાન ખાવાનું પસંદ કરે છે. જનીનિક વિવિધતા માટે જાણીતી અન્ય વનસ્પતિમાં ફણસ, કેળાં, જામફળ, નાળિયેર, સફરજન, જાંબુ, વટાણા, રીંગણી, મરચાં, મરી, ગુલાબ, ગલગોટા વગેરેનો સમાવેશ થાય છે.

કપૂરકોડી, પાંઢરી, કુહે, ગાંગેરી, કાળી જેવા વિવિધ નાગરવેલના વિવિધ પ્રકારનું વાવેતર મહારાષ્ટ્રમાં કરવામાં આવે છે. કર્ણાટકમાં અંબાડી, કપૂરકોડી, કનિગલે, કરિબળિળ જેવા તો કેરળમાં કૂટકોડી, નાદનકોડી, પુદુકોડી; નાગરવેલના પ્રકારો ઉછેરાય છે. તમિળનાડુમાં ચેન્નુર, ચિત્તિકોડી, કમ્મર પાનના સત્યાવરમ્ પ્રકાર માટે પ્રખ્યાત છે. બંગ્લા પાનની વપરાશ પણ સારા પ્રમાણમાં છે. તેનો ઉછેર બંગાળ, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં થાય છે. મઘાઈ ઉપરાંત ઉત્તરપ્રદેશમાં કપૂરી, મહોબા, કાકેર અને સેઉન્ટા જેવી નાગરવેલોનું વાવેતર કરવામાં આવે છે. આ ઉપરાંત આસામ અને મધ્યપ્રદેશમાં પણ નાગરવેલનું વાવેતર થાય છે.

આકૃતિ 10 : લીંબુની કેટલીક જાતો (પ્રજાતિ એક – જાતિ અનેક) :
(1) સંતરાં, (2) ખાટાં લીંબુ, (3) મોસંબી, (4) ચાકોત્રા (Grape fruit) (Citrus grandis).

પાલતુ જાનવરો અને જનીનિક વિવિધતા માનવી કેટલાંક પ્રાણીઓને શોખથી પાળે છે. જ્યારે કેટલાંક પાલતુ પ્રાણીઓ આર્થિક ર્દષ્ટિએ અગત્યનાં છે.

ગાય (બળદ) : શાસ્ત્રીય નામ Bosindicus. ભારતની ગાય બ્રાહ્મણ અને ઝેબુ તરીકે ઓળખાય છે. દેશી ગાયની અગત્યની ઓલાદો તરીકે ગીર (સૌરાષ્ટ્ર), કાંકરેજ (ઉત્તર ગુજરાત), હરિયાણી (ઉ. ભારત), મેવાતી (ઉ. ભારત), થરપારકર (રાજસ્થાન), ડાંગી (ગુજરાત), શાહીવાળ (પંજાબ), સિંધી (બધા પ્રદેશો), નાગોરી (રાજસ્થાન), રાથ (રાજસ્થાન), માલવી (મધ્યપ્રદેશ), ગવલી (વર્ધા–નાગપુર), ખિલારી (કર્ણાટક), અમૃતમહાલ (કર્ણાટક), હાલીકર (કર્ણાટક), નેલોર (આંધ્ર), કૃષ્ણાવેલી (આંધ્ર) અને કાંગાયામ (તમિળનાડુ) જેવાંનો નિર્દેશ કરી શકાય. ભારતીય ગાયો સારા પ્રમાણમાં ગુણવત્તાવાળું  દૂધ આપે તે માટે તેમનું સંકરણ જર્સી, હૉલ્સ્ટિન, આયરશાયર, બ્રાઉન-સ્વિસ, રેડહૉર્ન, શોર્ટહૉર્ન જેવી ઓલાદો સાથે કરવામાં આવે છે. આ સંકરિત સંતાનો ગરમ હવા સહન કરવા ઉપરાંત સારી ગુણવત્તાવાળું અને પ્રમાણમાં વધારે દૂધ આપે છે. આવી સંકરિત ગાયોમાં શાહિવાળ અને બ્રાઉનસ્વિસનાં સંકરણ-સંતાન કરણસ્વિસ અને થરપારકર અને હૉલ્સ્ટિનનાં સંકરણ-સંતાન કરણ-ફ્રીજ દુધાળી ઓલાદો તરીકે પ્રખ્યાત છે. પરદેશના અનેક ભાગોમાં સંકરણ-પ્રજા માટે ભારતના બ્રાહ્મણ સાંઢનો ઉપયોગ મોટા પાયા પર કરવામાં આવે છે.

ભેંસ/પાડા : ભારતીય ભેંસનું શાસ્ત્રીય નામ Bubalis bubalis છે. અંગ્રેજી નામ : Asian water buffalow છે. ભેંસના દૂધમાં માખણનું પ્રમાણ વધારે હોય છે અને તે વધુ દૂધ આપે છે. તેથી ભેંસનો ઉપયોગ મુખ્યત્વે  દુધાળા પ્રાણી તરીકે કરવામાં આવે છે. પાડા ખાસ ઉપયોગી ગણાતા નથી. જોકે વસૂકી ગયેલી ભેંસ અને પાડાને ગાડાં ખેંચવામાં કે ખેતરમાં ઉપયોગમાં લેવાય છે. ગુજરાતની જાણીતી ભેંસોમાં સૂરતી, મહેસાણી અને જાફરાબાદીનો સમાવેશ થાય છે. ભારતની અન્ય પ્રખ્યાત ભેંસ તરીકે મુરાહ (પંજાબ-હરિયાણા), નીલીરાની (પંજાબ), નાગપુરી, પંઢરપુરી અને તોડા (મહારાષ્ટ્ર) વગેરેનો નિર્દેશ કરી શકાય.

આકૃતિ 11 : ગુજરાતમાં વસતાં કેટલાંક સામાન્ય અને આરક્ષિત (protected) પ્રાણીઓ : (1) જરખ (hyaena), (2) કાંકરેજ ગાય, (3) વાનર, (4) ઘુડખર, (5) ચિત્તો, (6) ચિંકારા, (7) સિંહ, (8) શિયાળ, (9) કાળિયાર.

કૂતરાં : શાસ્ત્રીય નામ Canis familiaris. ભારતમાં જ્યાં ત્યાં કૂતરાં રખડતાં હોય છે. કૂતરું એક વફાદાર પ્રાણી છે; તેથી ઘણા લોકો શોખથી કૂતરાંનું પાલન કરતા હોય છે. માનવ ઉપરાંત પાલતુ પ્રાણીઓનું રક્ષણ કરવા માટે પણ કૂતરાંને પાળવામાં આવે છે. ગુના-શોધક તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. કૂતરાંની સૂંઘવાની શક્તિ ઘણી તીક્ષ્ણ હોય છે અને તેને વિશિષ્ટ કાર્ય માટે કેળવી શકાય છે. આલ્સેશિયન કૂતરાની મદદથી ગુનેગારને પકડી શકાય છે. હાઉંડ કૂતરા શિકારી કૂતરા તરીકે પ્રખ્યાત છે. પોમેરેનિયન, પગ, બુલડૉગ, સ્પેનિયલ, મૅસ્ટિફ, રિટ્રીવર જેવાં કૂતરાંઓને પાલતુ (pet) તરીકે પોષવામાં આવે છે. ભારતમાં ઉછેરવામાં આવતાં આ મોટાભાગનાં કૂતરાંનું મૂળ વતન વિદેશમાં હોવાનું જણાયું છે.

વિવિધતા માટે જાણીતાં અન્ય પાલતુ જાનવરમાં ઘેટાં, બકરાં અને ઘોડાનો સમાવેશ થાય છે.

અનાજના પાકો અને જનીનિક વિવિધતા

ચોખા : શાસ્ત્રીય નામ Oriza sativa. ચોખાનો ઉપયોગ આહાર તરીકે ભારતના લગભગ બધા લોકો ઓછાવત્તા પ્રમાણમાં કરે છે. જ્યાં વરસાદ સારા પ્રમાણમાં પડતો હોય તેવા દરિયાકાંઠાના પ્રદેશમાં તેમજ પૂર્વ અને ઈશાની પ્રદેશોના વિસ્તારમાં ડાંગરના પાકનો ઉછેર સારા પ્રમાણમાં થાય છે. દખ્ખણના સપાટ પ્રદેશમાં વાવવામાં આવતી ડાંગર માટે પાણીની જરૂરિયાત સહેજ ઓછી હોય છે. તે સૂર્યના સહેજ વધારે પડતા તાપને સહન કરી શકે છે. ડુંગરાળ પ્રદેશની ડાંગર ઓછા તાપમાને પાકે છે. એક ગણતરી મુજબ ભારતમાં આશરે 30,000 પ્રકારની ડાંગરનું વાવેતર થાય છે. પશ્ચિમ ઘાટમાં આશરે 150 પ્રકારની ડાંગરનો પાક લેવામાં આવે છે. મહારાષ્ટ્રના માત્ર વરલી વિસ્તારમાં ડાંગરના 40 જેટલા પ્રકારોની ખેતી થાય છે. ડાંગરના આ વિવિધ પ્રકારો વિશિષ્ટ પ્રકારના નિવસનતંત્ર માટે અનુકૂલન પામેલા હોય છે. ભારતના બાસમતી ચોખાનો દાણો લંબાઈ, એકરૂપતા અને સોડમ માટે પ્રખ્યાત છે અને આ ચોખાની નિકાસ દુનિયાના સમૃદ્ધ દેશોમાં કરવામાં આવે છે. બાસમતીમાંથી જનીનિક ઇજનેરી (genetic engineering) વડે એક વિશિષ્ટ પ્રકારનું નિર્માણ કરી તેની પેટંટ એક અમેરિકન કંપની લેવા મથતી હતી; પરંતુ ભારત સરકારના પ્રયત્નને લીધે આ પેટંટ નામંજૂર થઈ છે. ગુજરાતમાં સ્વાદિષ્ટ ગણાતા પ્રકારોમાં કમોદ, કોલમ અને જીરાસાળ અગત્યના છે. સુખવેલ અને સૂતરસાલ પ્રકાર માટે પણ સારી માંગ હોય છે. હાલમાં ગુજરાતમાં થયેલા સંશોધનને આધારે તૈયાર કરવામાં આવેલ પ્રકારોમાં Gaur–1, G–100, રત્ના, ISR અને મસૂરી ડાંગરનું વાવેતર પણ ગુજરાતના ઘણા ભાગોમાં કરવામાં આવે છે.

ઘઉં : શાસ્ત્રીય નામ Triticum vulgare. ભારતમાં દરિયા-કાંઠાનાં ક્ષેત્રો સિવાય બાકીના બધા પ્રદેશોમાં તેનું વાવેતર કરવામાં આવે છે. મુખ્યત્વે તે એક શિયાળુ પાક છે. ભારતના સ્વાતંત્ર્યોત્તર કાળની શરૂઆતમાં ઘઉંનો પાક પ્રમાણમાં અત્યંત ઓછો હોવાથી તેની આયાત મોટા પાયા પર કરવામાં આવતી હતી. આ સમસ્યાનો ઉકેલ લાવવા ઘઉંના બીજના કેટલાક પ્રકારો મેક્સિકોમાંથી આયાત કરવામાં આવ્યા અને ઈ.સ. 1965માં લર્મા-રો પ્રકારના ઘઉંનું સંકરણ કરવામાં આવ્યું. તેનાં સારાં પરિણામો આવ્યાં. પરિણામે સંકરણથી કલ્યાણ-227, સોના-222, સોનાલિકા-S. 308, શરબતી, સોનારા શેરા, મોતી જેવા બીજના પ્રકારો સંકરણ દ્વારા મેળવવામાં આવ્યા. હાલમાં ભારત અનાજની બાબતમાં સ્વનિર્ભર થયું છે. ભારતે હાંસલ કરેલી આ સિદ્ધિને હરિયાળી ક્રાંતિ ‘green revolution’ તરીકે વર્ણવવામાં આવે છે. ગુજરાતના ભાલ પ્રદેશમાં ઉછેરાતા ઘઉંના પાકનું પ્રમાણ એકરદીઠ સહેજ ઓછું હોવા છતાં ગુણવત્તાની ર્દષ્ટિએ તે વખણાય છે. હાલમાં સંશોધનના પરિણામે પ્રાપ્ત કરેલ NP–710, NP–718, કલ્યાણ, સોનાલિકા J–17 અને J–26 ઘઉંનું વાવેતર ગુજરાતમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.

ભારતમાં ડાંગર અને ઘઉં ઉપરાંત અનાજ તરીકે જુવાર, બાજરી, મકાઈ, કોદરા, જવ, રાગી, રાજમા વગેરે પાક પણ ઓછાવત્તા પ્રમાણમાં વિવિધ સ્થળોએ લેવામાં આવે છે.

ભારત દેશ મુખ્યત્વે ઉષ્ણ કટિબંધ પ્રદેશનો બનેલો છે અને તેમાં ઇંડો-મલાય, યુરેશિયન અને આફ્રો ટ્રૉપિકલ પરિમંડળોનો સમાવેશ થાય છે. તેમાંનો ઇંડો-મલાય પ્રદેશ જૈવ વિવિધતાની ર્દષ્ટિએ સમૃદ્ધ છે. ભારતમાં ડુંગરાળ પ્રદેશ, ગીચ જંગલ, કળણો, સમપ્રદેશ વિસ્તાર, આર્દ્ર ભૂમિ (wet-land) જેવાં નિવસનતંત્રો આવેલાં છે. ઉનાળામાં વધતા તાપમાને ચોમાસા(મૉન્સૂન)નો પવન ફૂંકાતો હોવાથી શેષ ઉનાળો વર્ષાઋતુમાં ફેરવાય છે. પરિણામે બીજના ફલનથી તેનું રૂપાંતરણ બીજાંકુર અને વૃક્ષમાં થાય છે.

ખોરાક માટે બધાં પ્રાણીઓ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે વનસ્પતિ પર  આધાર રાખે છે. મબલખ ખોરાક અને અનુકૂળ આબોહવાને લીધે ભારતની પ્રાણીસૃષ્ટિ વૈવિધ્યપૂર્ણ બની છે. આમ, જૈવ-ભૌગોલિક, પર્યાવરણીય અને આબોહવાગત પરિબળોના આંતરવિક્ષેપણ(inter-spersion)થી સજીવ સૃષ્ટિ ચેતનવંતી થઈ ચૂકી છે.

સજીવ સૃષ્ટિની યોગ્ય જાળવણી માટે ભૂપ્રદેશનો  આશરે 30 % જેટલો પ્રદેશ જંગલનો બનેલો હોય તે ઇચ્છવાજોગ છે; પરંતુ માનવના હસ્તક્ષેપને લીધે ભારતના જંગલવિસ્તારમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતમાં તો હાલમાં જંગલનું પ્રમાણ માત્ર 4.6 % જેટલું જ છે.

માનવીના હસ્તક્ષેપને લીધે સજીવ સૃષ્ટિ પર થતી વિપરીત અસર

જંગલનો વિનાશ : માનવી પોતાની જરૂરિયાતો અને લાલસાને પોષવા જંગલ પર અતિક્રમણ કરતો આવ્યો છે. વધતી વસ્તીને પહોંચી વળવા માટે થતા આવાસોના નિર્માણ, ઔદ્યોગિક વસાહતોના વિસ્તાર, જલવિદ્યુત જેવી યોજનાઓનો અમલ વગેરે કારણોથી જંગલનો વિસ્તાર સતત ઘટી રહ્યો છે. કેરળના પૂયમકુટ્ટી વિસ્તારમાં જલવિદ્યુતની એક યોજના ઘડાઈ રહી છે. આ યોજના પરિપૂર્ણ થતાં જંગલનો નોંધપાત્ર વિસ્તાર પાણીમાં ડૂબી જશે. હાલમાં આ વિસ્તાર હાથીઓ માટેના સંવનનપ્રદેશ તરીકે પ્રખ્યાત છે. ત્યાં દર વર્ષે આશરે 23,500 ટન જેટલો બરુ (reed) ઊગે છે. તેનો ઉપયોગ ચટાઈ (mat), ટોપલી તેમજ વિવિધ પ્રકારની જરૂરી અને આકર્ષક વસ્તુઓના નિર્માણ માટે થાય છે. 100 જેટલી જાતનું ઇમારતી લાકડું (timber), 174 જાતની ઉપયોગી વનસ્પતિ, પાલતુ જાનવરો માટે માત્ર ખોરાક અને ઘાસચારો પૂરી પાડતી 90 જેટલી જાતની વનસ્પતિ, 35 જાતનાં ગુંદર અને મસાલા(spices)ના 22 જેટલા પ્રકારો આ વિસ્તારમાંથી હાલમાં મળે છે. તેથી કેરળની પ્રજાએ આ યોજના સામે સખત વિરોધ નોંધાવ્યો છે. આશરે 15 વર્ષ અગાઉ આવી જ એક યોજના કેરળના ‘સાઇલન્ટ વેલી’ વિસ્તારમાં ઘડી કાઢવામાં આવી હતી. કેરળની પ્રજાએ તેનો સખત વિરોધ કર્યો હતો અને સરકારને આ યોજના પડતી મૂકવાની ફરજ પડી હતી.

ઓરિસાના દરિયાકાંઠે મત્સ્યપકડાશના યાંત્રિકીકરણથી કાચબાનો વિનાશ : ઓરિસાના દરિયાકાંઠે અને ખાસ કરીને ગહિર્મઢ ક્ષેત્રમાં દર વર્ષે રેતીમાં ખાડો ખોદી ત્યાં પોતાનાં ઈંડાં મૂકવા લાખોની સંખ્યામાં ભૂરા-લીલા રંગના કાચબા (green leather back turtle) આવતા હતા; પરંતુ આ વિસ્તારમાં યાંત્રિક ટ્રૉલરો વડે માછલીઓ પકડવાની જાળમાં હજારોની સંખ્યામાં કાચબાઓ ફસાય છે અને મૃત્યુ પામે છે. પરિણામે દરિયાઈ મોજાંને લીધે હજારોની સંખ્યામાં કાચબાનાં મૃતશરીરો દરિયાકિનારે નજરે પડે છે. એક અંદાજ પ્રમાણે ઈ. સ.

આકૃતિ 12 : દરિયાઈ કાચબો અને તેનાં ઈંડાં (olive ridley-sea turtle and its eggs) : આવા કાચબા –ઓરિસાના ગહિર્મઢના દરિયાકિનારે ઈંડાં મૂકતાં હોય છે. માનવીના હસ્તક્ષેપને લીધે ઈંડાંનું સેવન બરાબર થતું નથી. વળી માનવી ખોરાક તરીકે તેમનાં ઈંડાંનો ઉપયોગ કરે છે. પરિણામે દરિયાકિનારે મુકાતાં આ ઈંડાં દર વરસે લાખોની સંખ્યામાં વિનાશ પામતાં હોય છે.

1997માં આ વિસ્તારમાં કાચબાના 15,000 કરતાં વધારે મૃતદેહો જોવા મળ્યા હતા અને સો કરતાં પણ ઓછા જીવંત કાચબા દરિયાકાંઠે ઈંડાં મૂકવામાં સફળ નીવડ્યા હતા. આમ તો કાચબા પ્રજનનપ્રક્રિયા દરિયામાં કરતા હોય છે અને માત્ર માદા કાચબી ઈંડાં મૂકવા દરિયાકિનારે આવતી હોય છે. આ દરિયા વિસ્તારમાં દરરોજ આશરે 60થી 70 જાળો વડે માછલીઓ પકડાય છે. જો કાચબા-અપવર્જન-સાધન (TED – turtle trawler excluder device) વડે માછલીઓ પકડવામાં આવે તો કાચબા જાળમાં ફસાતા બચી શકે.

આટલાંટિક મહાસાગરમાં પાથરેલી જાળમાં ડૉલ્ફિનો ફસાય છે અને મરી જાય છે. આ બાબતમાં અમેરિકાની પ્રજા જાગ્રત છે. તેઓએ હવે ડૉલ્ફિન ફસાય તેવી માછલીઓની જાળ પર સ્વેચ્છાએ પ્રતિબંધ મૂક્યો છે. તેથી માછલી પકડનારાઓ હવે ડૉલ્ફિન-અપવર્જક સાધનો વાપરતા થઈ ગયા છે.

સિક્કિમની સજીવ સૃષ્ટિ : હિમાલયમાં આવેલ આ પ્રદેશ 5000 જેટલી પુષ્પ-વનસ્પતિના મૂળ વતન તરીકે પ્રખ્યાત છે. આ પ્રદેશ એક વખતે ‘ઑર્કિડ’ વનસ્પતિ માટે જાણીતો હતો. લગભગ 600 જેટલી જાતની ઑર્કિડ વનસ્પતિનું મૂળ વતન સિક્કિમ હતું; પરંતુ મોટા પ્રમાણમાં કરવામાં આવતી ઑર્કિડની નિકાસને લીધે તેમની સંખ્યા સાવ ઘટી ગઈ છે. તે જ પ્રમાણે 144 જાતનાં સસ્તનો અહીં વસતાં હતાં. હાલમાં સિક્કિમના વનવિસ્તારમાં તેઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તૃણપ્રદેશનાં પાલતુ જાનવરોના ચરાણની સમસ્યાને કારણે તથા લણવાના અતિરેકને લીધે વન્ય સસ્તનોની સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ છે. હાલમાં 39 જાતનાં સસ્તનો આરક્ષિત જાહેર કરાયાં છે, જેમાં લાલ શિયાળ, વન્ય કૂતરા, લાલ પંડા, કસ્તૂરી-મૃગ (musk deer), હિમચિત્તો (snow leopard), ભારલ (ઘેટાં), ગોરલ, સેરો (હરણને મળતું પ્રાણી) અને શપીનો સમાવેશ થાય છે. સિક્કિમનું મોનલ (pheasant) પક્ષી પણ આરક્ષિત જાહેર કરાયું છે.

આકૃતિ 13 : સિક્કિમની વૈવિધ્યપૂર્ણ વનસ્પતિ-સૃષ્ટિ : (1) સિક્કિમની વૈશિષ્ટ્યપૂર્ણ વનસ્પતિ, (2) સિક્કિમના સોનામ તળાવ પાસે ઊગતી વિરલ (rare) વનસ્પતિ, (3) રહોડોડેન્ડ્રૉન (ફૂલ), (4) સિબિડિયન પ્રજાતિનું ઑર્કિડ ફૂલ.

સાઇલંટ વૅલીની સજીવ સૃષ્ટિ : મલબારના પશ્ચિમ ઘાટમાં આવેલ સાઇલંટ વૅલીનું વર્ણન એક અનોખી વસાહત તરીકે કરી શકાય. આ ખીણની જીવાદોરી તરીકે આવેલ કુંતિપુઝા નદીનો ધોધ વર્ષાઋતુ દરમિયાન કાન બહેરા થાય તેટલો અવાજ કરી પોતાનું અસ્તિત્વ સૂચવે છે. નદીકિનારે આવેલ તેની ધાર પરથી પસાર થવું મુશ્કેલ છે. 90 ચોરસ કિલોમીટર ક્ષેત્રમાં વ્યાપેલી આ વૅલી નીલગિરિ પર્વતની હારમાળાથી ઘેરાયેલ ગાઢ સદાપર્ણી (evergreen) જંગલની બનેલી છે. કુંતિપુઝા નદી આ ખીણમાંથી પસાર થતાં આશરે 1,500 મીટર નીચે ઊતરે છે. અહીં મોસમનો વરસાદ આશરે 300 મિમી. હોય છે. આ ખીણ દુર્ગમ હોવાથી તે આજ સુધી માનવીના આક્રમણથી સુરક્ષિત રહી છે.

1843–1853 દરમિયાન પરદેશના એક વનસ્પતિવિદ અને સર્જન વાઇટે ખીણમાં આવેલ વનસ્પતિસૃષ્ટિનું વર્ણન કર્યું હતું. વળી ઉદગમંડળ (Ooty) વનસ્પતિ-ઉદ્યાનના નિર્માતા વિજ્ઞાની ડબ્લ્યૂ. સી. મકલવૉરે (Mclvor) પણ સાઇલંટ ખીણની વનસ્પતિની માહિતી આપેલી. કોઈક વાર આ ખીણમાં રહેલ વિરલ સજીવોના સંશોધન માટે પ્રવાસ કરવાનું સાહસ કેટલાક સંશોધકો ખેડતા હોય છે.

સામાન્ય માન્યતા મુજબ ભારતના દખ્ખણ વિસ્તાર(Deccan peninsula)માં વિવિધતા અને વિપુલતાની ર્દષ્ટિએ ઑર્કિડ (orchid) વનસ્પતિનું પ્રમાણ ઘણું ઓછું છે; પરંતુ માત્ર આ ખીણમાં ઑર્કિડની 108 જેટલી જાતિઓ નોંધાયેલી છે. Acantho phiplum bicolor ઑર્કિડ અહીં અને શ્રીલંકામાં જોવા મળે છે. નૅશનલ બૉટાનિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર પી. પુષ્પાંગદન અને વનસ્પતિ-વિજ્ઞાની સતીશકુમારના જણાવ્યા મુજબ સાઇલંટ ખીણ એટલે દવાકીય (medicinal) વનસ્પતિનો ભંડાર. ઈ. સ. 1995માં કેરળના વન-વિભાગે પ્રસિદ્ધ કરેલ ‘Silent-Valley : Whispers of Reason’ મુજબ અહીં 21 જાતની એવી સપુષ્પ વનસ્પતિ છે, જે વિજ્ઞાન માટે સાવ નવી એટલે કે અનન્ય છે. કીટનાશકો (pesticides), ખાતર અને કૃત્રિમ પદાર્થોથી સાવ વિમુક્ત એવા વનસ્પતિપેદાશ(crop)ના 120 જેટલા પ્રકારો આ ખીણમાં હોવાનું નોંધાયું છે. આ પેદાશની ગણના તંદુરસ્ત (robust) પ્રકાર (strain) તરીકે કરવામાં આવે છે. અહીંથી મળતી એક પેદાશ પાક મરી (pepper) છે અને તેને સાચવવા જનીન-અભયારણ્ય સ્થાપવાના પ્રયાસો જારી છે.

ખીણમાં વસતા ઉભયજીવીઓમાં બે વિશિષ્ટ પ્રકારના દેડકા – એક ઘંટડી જેવો અવાજ કરતો દેડકો (tinkling frog) અને બીજો સરકતો દેડકો (gliding frog) – સૌનું ધ્યાન ખેંચે છે. ખીણનાં નોંધપાત્ર સરીસૃપો તરીકે દક્ષિણાત્ય લીલી-ગરોળી (Southern-green lizard), પીત-શ્વેત પટાવાળો કૃષ્ણસર્પ અને વિશાળનેત્ર શ્યામ-ભૂરા રંગવાળા સર્પ(large-eyed brongback tree-snake)નો નિર્દેશ કરી શકાય.

પ્રકૃતિવિજ્ઞાની જ્યૉર્જ મૅથ્યૂના જણાવ્યા મુજબ વિરલમાં વિરલ કહી શકાય તેવાં પતંગિયાં આ ખીણમાં સ્વચ્છંદ વિહાર કરતાં હોય છે. ત્રાવણકોર સાંધ્ય-તામ્રવર્ણી-પતંગિયું (Travancroe-evening) એમાંનું એક છે. આ વર્ગનું લગભગ લુપ્તપ્રાય એક પતંગિયું 1993માં પેરિયારના વ્યાઘ્ર-આશ્રયસ્થાન(tiger-reserve)માં જોવા મળ્યું હતું.

વળી, કેરળના વનવિભાગે વિરલ ગણાતાં ત્રણ પક્ષીઓની (માળ બાંધતું મલાય-બિટર્ન પક્ષી, ભક્ષ્ય પકડવા ઉતરાણ કરતું Peninsular bug ઘુવડ અને કલગીધારક સર્પ-ગરુડ (crested serpent eagle) –એ ત્રણની) ધ્યાનાકર્ષક તસવીરો (photographs) પ્રસિદ્ધ કરી છે. પક્ષીવિદ સુગથને સંશોધનના ભાગરૂપે નિહાળેલ આ જાતનાં પંખીઓ અને તેમની વર્તમાન સ્થિતિ(status)નું વર્ણન કર્યું છે. તેમાં વિરલ ગણાતા મલબારના સિસોટી વગાડતા કસ્તૂરો પક્ષી(Malabar–whistling thruso)ની નોંધ કરી છે.

સાઇલંટ ખીણમાં વસતા વૃક્ષનિવાસી સસ્તનોની વિવિધતા ખાસ નોંધપાત્ર છે. અસામાન્ય ગણાતા સિંહપુચ્છ વાનરવર્ગના 275 જેટલા સભ્યો ખીણમાં જ્યાં ત્યાં લટાર મારતા જોવા મળે છે. તેમનો મનગમતો ખોરાક Cullenia exorillata વનસ્પતિનાં ફળ છે. આ ફળ ખીણમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી તેઓ કાયમી ધોરણે આ ખીણમાં વસે છે. ખીણમાં વસતાં વન્ય પ્રાણીઓમાં હાથી, વાઘ, દીપડો, આળસુ રીંછ (sloth bear), વન્ય ભુંડ (wild boar) જેવાં મોટા કદનાં સસ્તનોનો સમાવેશ થાય છે. પૂરતા ખોરાકના અભાવે તેમની વસ્તી મર્યાદિત છે. જોકે નાના કદનાં વન્ય બિલાડી અને મંગૂસ જેવાં સસ્તનો સારા પ્રમાણમાં વસતાં જોવા મળે છે.

જલપ્રદૂષણ

ઔદ્યોગિક વિકાસની ર્દષ્ટિએ દુનિયામાં ભારત દેશની ગણના દશમા ક્રમાંકના સૌથી વિકસિત દેશ તરીકે થાય છે; પરંતુ યોગ્ય આયોજનના અભાવમાં ઔદ્યોગિક ક્ષેત્રોમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતનો વટવાથી વાપી સુધીનો પ્રદેશ ઔદ્યોગિક ર્દષ્ટિએ એક અત્યંત વિકસિત પ્રદેશ તરીકે પ્રખ્યાત છે; પરંતુ યોગ્ય જલબહિ:સ્રાવ(effluent)ની વ્યવસ્થાના અભાવે આ પ્રદેશમાં આવેલી લગભગ બધી નદીઓ વત્તા-ઓછા પ્રમાણમાં પ્રદૂષિત બની છે. અમદાવાદ શહેરમાંથી વહેતી સાબરમતી નદી ભારતની સૌથી વધુ પ્રદૂષિત નદીઓમાં દશમા ક્રમાંકની નદી તરીકે કુખ્યાત છે. ભારતની ગંગા અને યમુના જેવી નદીના કિનારા પર આવેલાં દિલ્હી, અલ્લાહાબાદ, કાનપુર, અયોધ્યા, કાશી જેવાં શહેરોના મલપ્રવાહ (sewerage) તેમજ ઔદ્યોગિક બહિ:સ્રાવના વિમોચનથી તેમના પાણીમાં સ્નાન કરવું પણ ખતરનાક બન્યું છે અને માનવીનું આરોગ્ય ભયમાં મુકાયું છે. આ વિસ્તારમાં કૅન્સર, ચેપી રોગો, ત્વચીય અને ફેફસાંના રોગોનું પ્રમાણ ઘણું વધ્યું છે. ગંગા નદીમાં ઘડિયાલ મગર એક અનોખા પ્રાણી તરીકે પ્રખ્યાત હતું. આજે તેની સંખ્યા સારા એવા પ્રમાણમાં ઘટી ગઈ છે. તે જ પ્રમાણે આ જલપ્રવાહોમાં મુક્તપણે વિહાર કરતી કાયમી તેમજ સ્થળાંતરી માછલીઓનું અસ્તિત્વ પણ ભયમાં મુકાયું છે.

પેટ્રોલિયમ પેદાશોના ફેલાવાને લીધે ઉદભવતી દરિયાઈ જૈવ વિવિધતાની અવનતિ : મોટાં બંદરોમાં મોટા પ્રમાણમાં ચાલતી અવરજવરને લઈને બળતણ તરીકે વપરાતી પેટ્રોલિયમ પેદાશોને કારણે દરિયાકાંઠાનો વિસ્તાર પેટ્રોલિયમ તેલો વડે છવાયેલો રહે છે. ભારતમાં માર્માગોવાના પશ્ચિમ દરિયાકાંઠે વર્ષાઋતુમાં આશરે 40 ટન જેટલા ડામરના ગોળાઓ પ્રસરે છે. પાણીના ઉપલા સ્તરે ખનિજ-તેલોનો પાતળો થર ફેલાતાં સૂર્યપ્રકાશની પ્રવેશક્ષમતા તેમજ શ્વસનયોગ્ય વાયુઓની વિનિમયક્ષમતા ઘટે છે અને તેની વિપરીત અસર પ્રકાશ-સંશ્લેષણ અને શ્વસનપ્રક્રિયા પર થાય છે. પરિણામે સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ જોખમમાં મુકાય છે.

હૂંડિયામણ કમાવા માટે દરિયાનાં ખોરાકી પ્રાણીઓની પકડાશના અતિરેકથી, ગુણવત્તા અને વિવિધતાની ર્દષ્ટિએ દરિયાઈ સજીવ સૃષ્ટિમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે.

ભારતનાં આંતર-પ્રદેશીય જળાશયોમાં દાખલ કરવામાં આવેલ વિદેશી માછલીઓની સ્થાનિક માછલીઓનાં જીવન અને વૈવિધ્ય પર  માઠી અસર થાય છે. મૂળ પરદેશની એવી આશરે 300 જાતની માછલીઓને એક યા બીજા કારણસર ભારતનાં મીઠાં જળાશયોમાં દાખલ કરવામાં આવી છે. મોટાભાગની આ માછલીઓ પ્રચુર (prolific) પ્રમાણમાં સંતાન-ઉત્પાદકો (breeders) હોવાથી તેઓ સ્થાનિક માછલીઓના ભોગે જળાશયનો મોટો વિસ્તાર રોકી લેતી હોય છે.

એક ખોરાકી જલજીવ તરીકે ટિલાપિયા માછલી (મૂળ વતન આફ્રિકા) ઘણાં વર્ષો પૂર્વે ભારતનાં જળાશયોમાં દાખલ કરવામાં આવેલી. તેમનો મનગમતો ખોરાક શેવાળ (alga). મીઠાં જળાશયોમાં શેવાળ સહેલાઈથી અને સારા પ્રમાણમાં વૃદ્ધિ પામતી હોવાથી ટિલાપિયા ઝડપથી વૃદ્ધિ પામવા ઉપરાંત વિપુલ પ્રમાણમાં સંતાનોને જન્મ આપતી રહી. આશરે પચીસેક વર્ષો પૂર્વે ટિલાપિયાને અમદાવાદના કાંકરિયા તળાવમાં છોડવામાં આવેલી. જૂજ સમયમાં જ કાંકરિયા તળાવમાં ટિલાપિયાનો ભારે ફેલાવો થયો. તે વર્ષાઋતુનો સમય હતો. એક દિવસ પરોઢિયે પાણીના ઉપલા સ્તરે લાખોની સંખ્યામાં એ માછલીઓ મૃત અવસ્થામાં જોવામાં આવી. શેવાળની વિપુલતાને લીધે તળાવમાં ટિલાપિયાની સંખ્યામાં બેહદ વધારો થયો હતો. રાત્રિના સમયે પ્રકાશ-સંશ્લેષણપ્રક્રિયાના અભાવે પ્રાણવાયુ પેદા થતો નથી. સંભવત: સજીવોથી ખીચોખીચ તળાવમાં શ્વાસોચ્છવાસ માટે રાત્રિના સમયે પ્રાણવાયુના ભારે વપરાશથી મળસકે તેનું પ્રમાણ સાવ ઘટી જતાં માછલીઓ મરણ પામી. કેટલીક રાજ્ય-સરકારો દ્વારા ટિલાપિયાના સંવર્ધન સામે મનાઈહુકમ છતાં, જૂજ સમયમાં સારી સંખ્યામાં ટિલાપિયાનું ઉત્પાદન થતું હોવાથી માછીમારો તેમનો જ ઉછેર કરવાનું પસંદ કરે છે.

આકૃતિ 14 : માછલીઓ : (1) ટિલાપિયા, (2) ચીનની સુવર્ણ કાર્પ, (3) બિડાલમીન, (4) મચ્છરભોજી સ્થાનિક માછલી.

નીલગિરિ પ્રદેશમાં આવેલ ઉદગમંડળ(Ooty)ના તળાવમાં ઈ. સ. 1874માં ચીનમાંથી આયાત કરવામાં આવેલ સોનેરી-કાર્પ (golden-carp : Carrassius carrassius) માછલીને છોડવામાં આવી. તળાવમાં તેના ઉત્પાદનનું પ્રમાણ વધવાથી હાલમાં જળાશયમાં રહેતી સ્થાનિક કારલા અને મહસીર (Tortor) જેવી માછલીઓનું અસ્તિત્વ ભયમાં મુકાયું છે.

મચ્છરના નિયંત્રણાર્થે ચાલમાછલી (Top-minnow, : Gambusia affinis) અને ગપ્પી માછલીઓ(Poecillia reticulate) ભારતનાં જળાશયોમાં છોડવામાં આવે છે. આમ છતાં તેથી મચ્છરોની સંખ્યામાં ખાસ ઘટાડો થયો નથી; જ્યારે સ્થાનિક માછલીઓના ભોગે તેમની સંખ્યામાં વધારો થતો રહ્યો છે. તે જ પ્રમાણે નીંદામણના નિયંત્રણ માટે ભારતનાં તળાવમાં ઘાસ-કાર્પ દાખલ કરવામાં આવી છે. વળી ભારતનાં ઘણાં જળાશયોમાં અન્ય સજીવોના ભોગે આર્થિક ર્દષ્ટિએ નિરુપયોગી ગણાતી હાયસિંથ વનસ્પતિનું પ્રમાણ ઘટવાને બદલે વધતું રહ્યું છે.

કેટલાંક વર્ષો પૂર્વે ભારતનાં આંતરપ્રદેશીય જળાશયોમાં આફ્રિકન બિડાલમીન (cat fish : Clarias gariepinus) અને લાલ પિરાણા (Serrasalmus nattereri) અધિકૃત રીતે દાખલ કરવામાં આવેલ, જે હાલમાં સ્થાનિક પ્રાણીઓ – ખાસ કરીને અપૃષ્ઠવંશી – માટે ખતરનાક પુરવાર થયેલ છે. આ માછલીઓનો નાશ કરવા ભારત સરકારે આપેલ આદેશની અવગણના કરીને મોટા પાયા પર વેચાણાર્થે તેમનું સંવર્ધન કરવામાં આવે છે.

ભારતનાં તળાવોમાં 300 કરતાં વધારે પ્રકારની પરદેશી માછલીઓ છોડવામાં આવેલી છે. તેમાંની ઘણી માછલીઓ માંસાહારી છે. હવે તેમનો ફેલાવો ભારતનાં અન્ય ઘણાં આંતરપ્રદેશીય જળાશયોમાં થયેલો છે. ભારતમાં સ્થાનિક ગણાતી 650 જેટલી જાતની મીઠા જળાશયની માછલીઓ નોંધવામાં આવેલી છે.

આમ તો પ્રદૂષણ, ખનિજ-ખોદકામ (mining), જંગલ-વિસ્તારમાં થતો ઘટાડો, જળાશયોમાં વધતું રાસાયણિક ઝેરી પદાર્થોનું પ્રમાણ જેવાં અનેક કારણોસર ભારતની સજીવ જલ-સૃષ્ટિની વિવિધતા અને વિપુલતાના પ્રમાણ પર માઠી અસર પડી છે. ભારતની કુદરતી સજીવ-સંપત્તિનો વારસો જાળવવા જળાશયોમાં થતા પરદેશી માછલીઓના ઉમેરણથી થતી વિપરીત અસરને ધ્યાનમાં રાખીને જળાશયના પર્યાવરણની સાચવણીની યોજના સત્વરે કરવામાં આવે તે હિતાવહ છે.

સજીવ સૃષ્ટિની જાળવણી : આમ તો ભારતના નિવાસીઓ સજીવ સૃષ્ટિની જાળવણી માટે હંમેશાં જાગ્રત રહ્યા છે અને તેઓ સૈકાઓથી પ્રાકૃતિક સંપત્તિ પ્રત્યે આદર દર્શાવતા આવ્યા છે.

ઈ. સ. ત્રણ દાયકા પૂર્વે ભારતમાં વન્ય જીવોના પાલન માટે કાયદા ઘડવામાં આવ્યા હતા. ભારતમાં આજે પણ એક યા બીજા દેવતાના વાહન કે લાડીલા (pet) પ્રાણી તરીકે વાઘ, ગરુડ, હાથી, હરણ, હનુમાન (વાંદરા), નાગસર્પ, મૂષક, નંદી, પાડો (યમરાજનું વાહન), હરણ જેવાની ગણના થાય છે. ઘણા હિંદુઓએ તેમની હત્યા પ્રત્યે સ્વૈચ્છિક પ્રતિબંધ મૂક્યો છે. પીપળો, વડ, તુલસી અને બીલી જેવી વનસ્પતિને હિંદુઓ પવિત્ર માની તેમની પૂજા અને તેમનું જતન કરે છે. હાલમાં ‘ચિપકો’ આંદોલન વડે હિમાલયના નિવાસીઓએ વૃક્ષોને ઘેરીને ઝાડ કાપવાની યોજનાને બંધ કરાવી છે. હિમાલયના કુમાઉ ક્ષેત્રમાંનાં જંગલોમાં આવેલાં વૃક્ષોને કાપવાથી, અતિવૃષ્ટિને લીધે જમીન પોચી થઈને ઢસડાવાથી તાજેતરમાં માન-સરોવરના 200 કરતાં વધારે યાત્રિકો એકીસાથે મૃત્યુ પામ્યા હતા.

માનવીના હસ્તક્ષેપને લીધે થતા સજીવ સૃષ્ટિના વિનાશની પર્યાવરણ પર થતી વિપરીત અસરને ટાળવા ભારતમાં સજીવ સંપત્તિના રક્ષણાર્થે યોગ્ય પગલાં ભરાવા માંડ્યાં છે. સજીવ સંપત્તિની જાળવણી, સજીવ સૃષ્ટિનું  વૈવિધ્ય, ભંગુર (tragile) નિવસનતંત્રનું મૂલ્યાંકન અને નિવસનતંત્રને ટકાવી રાખવાનાં પ્રયોજનોથી ભારતમાં વનસ્પતિ સર્વેક્ષણ સંસ્થા, પ્રાણી સર્વેક્ષણ સંસ્થા, વન સર્વેક્ષણ સંસ્થા અને વન્યજીવ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થાઓ સમૃદ્ધ એવી જૈવ સંપત્તિનું સર્વેક્ષણ, જૈવિક પર્યાવરણિક લાક્ષણિકતાઓનું જતન, વિતરણની રીતિ, વિદ્યુત યોજનાઓનો અમલ, ખેતરોને પાણીપુરવઠો પહોંચાડવાની વ્યવસ્થા અને કુદરતી સંપત્તિનું યોગ્ય રીતે રક્ષણ વગેરે બાબતો પ્રત્યે પૂરતું ધ્યાન આપે છે.

હાલમાં માનવવસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે. આમ છતાં પૃથ્વી પાસે બધાંને પોષી શકે તેટલી સામગ્રી હજુ છે. મહાત્મા ગાંધીજીનું વચન આ સંદર્ભમાં અગત્યનું છે : ‘The earth has enough for everyone’s need but not for any one’s greed.’

માનવીની લાલસાથી અને યોગ્ય વ્યવસ્થાપનનો અભાવ, ઔદ્યોગિક વિકાસ, શહેરીકરણ અને બળતણ-વપરાશમાં થતો વધારો જેવાં પરિબળોની અસર હેઠળ ઉદભવતી પ્રદૂષણની વિપરીત અસર નિવસનતંત્ર અને સજીવ સૃષ્ટિ પર થઈ રહી છે. માનવીની પ્રગતિ માટે ઔદ્યોગિક વિકાસ અનિવાર્ય છે, પરંતુ પર્યાવરણને ભોગે થતો આ વિકાસ સરવાળે માનવી સહિત સર્વ સજીવ સૃષ્ટિ માટે વિઘાતક થશે. પર્યાવરણ-હિતકર્તા (environment-friendly) ઉત્પાદનોના નિર્માણથી તેમજ ઔદ્યોગિક બહિ:સ્રાવો પર યોગ્ય નિયંત્રણ કરવાથી પર્યાવરણ પર થતાં અનિષ્ટ પરિણામો ટાળી શકાય. તે જ પ્રમાણે સુગ્રથિત યોજનાઓ વડે શહેરીકરણને લીધે થતી વિપરીત અસરમાંથી મુક્તિ મેળવી શકાય.

મ. શિ. દૂબળે