ભામિનીભૂષણ [અલંકાર, 1, 2, 3, 4, 5 (1886, 1889, 1891, 1892, 1895)] : ‘શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગ’ના આદ્યસંસ્થાપક શ્રીમન્નૃસિંહાચાર્યે રચેલા 5 અલંકારો. તેમાં તેમણે સ્ત્રીજાગૃતિ, નારી-પ્રતિષ્ઠા અને વિધવાઓના પ્રશ્નોને સ્પર્શી કુમારિકા, યુવતીઓ અને પુત્રીઓને સુબોધનો ઉપદેશ કર્યો છે. તદુપરાંત તેમાં જીવ, ઈશ્વર, મૃત્યુ, પુનર્જન્મ વગેરે ગૂઢ વિષયોને પણ સરળ અને રોચક શૈલીમાં વણી લીધા છે.
લેખકે આ માટે વાર્તાનું સ્વરૂપ સ્વીકાર્યું છે. મુખ્ય કથાની સાથે અનેક આડકથાઓ ગૂંથી વાર્તાના રોચક માધ્યમ દ્વારા સ્ત્રીસુબોધની વાતોને વહેતી કરી છે. અલ્પશિક્ષિત અને વિશેષત: તો અશિક્ષિત સ્ત્રીઓને કેન્દ્રમાં રાખીને સુબોધ કર્યો હોવાથી રૂઢિપ્રયોગો અને કહેવતો, વિવિધ બોલીઓ, તર્કશુદ્ધ દલીલો, સૂત્રાત્મક વાક્યો, ઉચિત ઉપમા-ઉત્પ્રેક્ષા આદિ અલંકારો, સુગેય પદ્યો વગેરેના વિનિયોગને લીધે પ્રાસાદિક શૈલીમાં લખાયેલો આ ઉપદેશપ્રધાન ગ્રંથ આકર્ષક બન્યો છે અને તેની અનેક આવૃત્તિઓ થઈ છે. જ્યારે સમાજમાં રૂઢિચુસ્તતા અને વિચારોમાં કૂપમંડૂકતા પુષ્કળ પ્રમાણમાં હતી અને સ્ત્રી-ઉન્નતિ, કેળવણી વગેરે વાતોથી સંરક્ષક-વર્ગ ભડકતો હતો તેવા સમયમાં પંડિતયુગમાં ધર્માચાર્ય શ્રીમન્નૃસિંહાચાર્યે સંસારસુધારો, સ્ત્રીઉન્નતિ તથા સ્ત્રીકેળવણીના પ્રશ્નો ચર્ચવાનું સાહસ કર્યું છે.
‘ભામિનીભૂષણ’ના પાંચે અલંકારોની વસ્તુસંકલના પૂર્વયોજિત છે. લેખકે પ્રથમ અલંકારમાં વાર્તામાધ્યમે ગૃહ તથા સ્ત્રીઓની આવશ્યક ફરજો સંબંધી ઉપદેશ આપ્યો છે. દ્વિતીય અલંકારમાં આડકથાઓ વિશેષ છે. ગૃહ કરતાં ધર્મ સંબંધી ઉપદેશ પ્રધાનપણે છે. ભાષા, વિષયનિરૂપણપદ્ધતિ વગેરેમાં પ્રથમ અલંકાર જેવી હળવાશ નથી, પણ શૈલી વિષયાનુકૂળ ગાંભીર્ય ધારણ કરે છે. તૃતીય અલંકારમાં સ્ત્રીઓને જાણવાયોગ્ય કેટલીક વ્યવહાર અને પરમાર્થની સર્વોપયોગી વાતોને વણી લીધી છે. ચતુર્થ અલંકારમાં વર્ણભેદ, સુખ, મહામાયાશક્તિ અને સ્વરૂપો, મૃત્યુ, પરમેશ્વરનું સ્વરૂપ વગેરે પ્રશ્નોની ચર્ચા કરેલી છે. પંચમ અલંકારમાં લેખકે શ્રીરંગશેઠના પુત્રોની કથા દ્વારા તથા દોષજ્ઞ અને દૈવજ્ઞના ઉપદેશ દ્વારા ‘ભામિનીભૂષણ’ના નિષ્કર્ષરૂપે અનેક કઠિન સમસ્યાઓ રજૂ કરી છે. ચતુર્થ-પંચમ અલંકાર ગહન વિષયોને સ્પર્શે છે. આ કથાઓરૂપી મણકાઓમાં સળંગસૂત્રતા ન હોવા છતાં તત્વચિંતનનો અને સ્ત્રીઓને સુયોગ્ય માર્ગદર્શન આપતો મહત્વનો ગ્રંથ ગણાયો છે.
લવકુમાર દેસાઈ