ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર (Bhabha Atomic Research Center – BARC), ટ્રૉમ્બે : ન્યૂક્લિયર વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીની વિવિધ વિદ્યાશાખાઓમાં મૂળભૂત અને પ્રાયોજિત સંશોધનની સુવિધાઓ અને જવાબદારીઓ અદા કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા. આ સંસ્થા સંશોધન અને વિકાસ માટે આવશ્યક પ્રશિક્ષણ વિજ્ઞાન તથા ટેક્નૉલોજીના ક્ષેત્રના અધિકારી જનોને આપે છે, અને તે રીતે એ ક્ષેત્રોમાં પ્રશિક્ષિત માનવબળ તૈયાર કરે છે. ન્યૂક્લિયર અને અન્ય દ્રવ્ય-સામગ્રીના ઉત્પાદન માટે તે પ્રૌદ્યોગિકી વિકસાવે છે. ઔદ્યોગિક, ઔષધીય, જૈવ અને (આહાર-સાચવણી સમેત) કૃષિક્ષેત્રે સમસ્થાનિકો (isotopes) અને વિકિરણ(radiation)ના ઉપયોગોને લગતાં સંશોધન અને વિકાસનું તે સંચાલન કરે છે. તે ન્યૂક્લિયર સંશોધન અને પાવર રિઍક્ટરના વિવિધ ઘટકોની રચના અને ચકાસણી પરત્વે સંશોધન અને વિકાસનું કાર્ય કરે છે. વળી ઇલેક્ટ્રૉનિક સાધનો અને તેમને સંલગ્ન સામગ્રીની રચના કરવા માટે પણ તે સંશોધન અને વિકાસની યોજનાઓ ધરાવે છે.
ઇતિહાસ : શાંતિમય હેતુઓ માટે ભારતની કેન્દ્ર સરકારે પરમાણુ(ન્યૂક્લિયર)ઊર્જાના વિકાસની જવાબદારી ઉપાડી લીધી. તે માટે કેન્દ્ર સરકારે 1948માં પરમાણુ-ઊર્જા અધિનિયમ (Atomic Energy Act) તૈયાર કર્યો. આ અધિનિયમ અંતર્ગત પરમાણુ-ઊર્જા પંચની રચના કરવામાં આવી અને ડૉ. હોમી જહાંગીર ભાભાને તેના પ્રથમ અધ્યક્ષ બનાવ્યા અને શાંતિમય હેતુઓ માટે ભારતમાં પરમાણુ ઊર્જાના ઉત્પાદનનું ઉત્તરદાયિત્વ તેમને સોંપવામાં આવ્યું. 1954માં આ પંચે પૂર્ણ કદના પરમાણુ-ઊર્જા કાર્યક્રમનું આયોજન કર્યું. તત્પશ્ચાત્ પરમાણુ-ઊર્જાના વિકાસ માટે ભારત સરકારે પરમાણુ-ઊર્જા વિભાગ(DAE)ના નામે અલગ મંત્રાલય શરૂ કર્યું અને ભાભાને તેના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. અહીં ભૌતિક, રાસાયણિક, ધાત્વિક, ઇજનેરી સંશોધન માટેની અને ટ્રૉમ્બે ખાતે રિઍક્ટર સંશોધન સુવિધાઓ પૂરી પાડતી પ્રયોગશાળાઓ તૈયાર કરવામાં આવી. પરમાણુ-ઊર્જા સ્થાપન(ટ્રૉમ્બે)નો 20–1–1957ના રોજ વિધિપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો. તા. 1–4–1959થી અલગ વિભાગ તરીકે તેની કામગીરી શરૂ થઈ. ભાભા તેના પ્રથમ નિયામક બન્યા.
હોમી ભાભાના અકાળ આકસ્મિક અવસાન બાદ આ સંસ્થાનું નામ 1967થી ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર (BARC) રાખવામાં આવ્યું.
સિદ્ધિઓ : ભાભા પરમાણુ સંશોધન કેન્દ્રની સિદ્ધિઓ માત્ર નોંધપાત્ર નહિ, ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે. એશિયાનું પ્રથમ રિઍક્ટર ‘અપ્સરા’ અહીં સ્થાપિત કરવામાં આવ્યું. ત્યારબાદ ‘ઝર્લિન’, ‘પૂર્ણિમા’, ‘ધ્રુવ’ અને ‘સાઇરસ’ (એશિયાનું મોટામાં મોટું દ્રવ્ય-ચકાસણી અને સમસ્થાનિકો તૈયાર કરતું સંશોધન-રિઍક્ટર) રિઍક્ટરો ઊભાં કરવામાં આવ્યાં. ભાભા પરમાણુ સંશોધન કેન્દ્રનાં આ બધાં રિઍક્ટરો સંશોધનલક્ષી છે. વિશ્વમાં માત્ર છ રાષ્ટ્રો ધરાવે છે તેવો પ્લૂટોનિયમ-પ્લાન્ટ, તબીબી ઉત્પાદો(products)ના વિકિરણ દ્વારા રોગાણુરહિત કરવા માટેનો આઇસોમેડ (ISOMED) પ્લાન્ટ તથા ઇલેક્ટ્રૉનિક ઉપકરણોની રચના અને વિકાસની સુવિધાઓ તે ધરાવે છે. કલકત્તાના વેરિએબલ એનર્જી સેન્ટરનું કાર્ય અને તેની જાળવણી આ કેન્દ્ર કરે છે. આ સંસ્થાએ યુરેનિયમ–233ને સફળતાપૂર્વક છૂટું પાડવાની કામગીરી બજાવી છે. પોકરણ–1 અને પોકરણ–2નાં શાંતિમય ભૂગર્ભ પરમાણુ-પરીક્ષણોની સફળતા આ સંસ્થાને આભારી છે.
વિશિષ્ટ સુવિધાઓ : વિજ્ઞાન અને ઇજનેરીના વિદ્યાર્થીઓને પ્રશિક્ષણ આપવા માટે આ સંસ્થા આયોજન કરે છે. ન્યૂક્લિયર વિજ્ઞાનની ભિન્ન ભિન્ન વિદ્યાશાખાઓ માટે ખાસ હેતુ પાર પાડવા માટે તે કુશળ વ્યક્તિઓ તૈયાર કરે છે. ન્યૂક્લિયર વિજ્ઞાનના ઉપયોગો માટે તે ટૂંકી મુદતના અભ્યાસક્રમોનું આયોજન કરે છે.
ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપ, ઈ.એસ.આર. સામગ્રી, ગૅસ-લિક્વિડ ક્રોમોગ્રાફ, માસ-સ્પેક્ટ્રૉમિટર, રેડિયો ગ્રાફિક કૅમેરા, વાન-દ-ગ્રાફ પ્રવેગક અને અન્ય અદ્યતન સામગ્રી આ સંસ્થામાં ઉપલબ્ધ છે. આ સંસ્થાનું વિવિધ હેતુલક્ષી ‘અનુપમ’ કમ્પ્યૂટર અદ્વિતીય છે.
તેની કાર્યશાળા પ્રયોગશાળાઓ અને પાવર-પ્રકલ્પો માટે જરૂરી સામગ્રી તથા ઘટકોની રચના કરે છે.
ભારે પાણી (D2O), ટિટેનિયમ, ઝિર્કોનિયમ વગેરેના ઉત્પાદન માટે આ કેન્દ્ર પાયલટ પ્લાન્ટ ધરાવે છે.
આ સંસ્થામાં પૃથક્કરણ અને સ્પેક્ટ્રૉસ્કોપિક પ્રયોગશાળાઓ, આહાર-કિરણન (food irradiation) અને પ્રક્રિયા-પ્રયોગશાળા, વિશ્વસનીયતા મૂલ્યાંકન પ્રયોગશાળા, સમસ્થાનિકતા ઉત્પાદન અને પ્રક્રિયા એકમોની વ્યવસ્થા છે.
અહીં 1 મેગાવૉટનું રિઍક્ટર અપ્સરા, 100 મેગાવૉટનું ધ્રુવ, 40 મેગાવૉટનું સાઇરસ રિઍક્ટર છે અને તે સંશોધનલક્ષી છે.
પુસ્તકાલય અને માહિતીસેવાઓ : અહીં આશરે સાત લાખ પુસ્તકો, આશરે 1,750 સામયિકો ઉપરાંત પેટન્ટ રિપૉર્ટો, મહાનિબંધો અને વિડિયો-કૅસેટો છે. આંતર પુસ્તકાલય લોન, રેપ્રોગ્રાફિક અને ભાષાંતર સેવાઓ પણ ઉપલબ્ધ છે.
પ્રવૃત્તિઓ : ન્યૂક્લિયર વિજ્ઞાન અને તેના પ્રયોજન માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અધિવેશનો, પરિસંવાદોનું આ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવે છે.
પ્રકાશનો : ભાભા અણુ સંશોધન કેન્દ્ર સમાચારપત્ર તથા ન્યૂક્લિયર માહિતીપત્ર રિઍક્ટર, ન્યૂક્લિયર અને ન્યૂટ્રૉન ભૌતિકીની વર્તમાન માહિતી-સેવાઓનું પ્રદાન કરે છે.
ડૉ. હોમી ભાભા, ડૉ. રાજા રમન્ના, ડૉ. પી. કે. આયંગર, ડૉ. આર. ચિદમ્બરમ્ અને ડૉ. અનિલ કાકોડકર જેવા સમર્થ નિયામકોએ આ સંસ્થાનું ઘડતર કર્યું છે.
પ્રહલાદ છ. પટેલ