ભાબુઆ (શહેર) : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલા કૈમૂર જિલ્લાનું પાટનગર.
તે આશરે 25 05´ ઉ. અ. અને 83 62´ પૂ. રે. પર સ્થિત છે. તેનું ક્ષેત્રફળ 12 ચો.કિમી. છે. તે સમુદ્ર સપાટીથી આશરે 76 મીટર ઊંચાઈએ આવેલું છે. તેની વસ્તી 2025 મુજબ આશરે 71,000 જેટલી છે. અહીં હિંદુઓની વસ્તી 79.53%, મુસ્લિમ 20.10%, ખ્રિસ્તી 0.15%, શીખ 0.02% જ્યારે બૌદ્ધ અને જૈનોની વસ્તી અનુક્રમે 0.06% અને 0.01% છે.
આ શહેર મુખ્યત્વે ખેત-પેદાશો માટેનું ખરીદ-વેચાણ કેન્દ્ર છે. ખેત-પેદાશોને લગતા નાના એકમો જોવા મળે છે. જેમાં ડાંગર છડવાની મિલો, ઘઉંના લોટની મિલો, તેલીબિયાં અને કઠોળ તેમજ જંગલ પેદાશો, પશુઓ માટેનું ઘાસ વગેરેનું મુખ્ય વેચાણકેન્દ્ર છે. ખાંડની મિલ, તેલ મિલ વગેરે મિલો આવેલી છે. પશુઓ આધારિત ડેરી- ઉદ્યોગ, ચર્મઉદ્યોગ ખીલ્યો છે.
ભાબુઆ તે કૈમૂર જિલ્લાનું મુખ્ય રેલવેસ્ટેશન છે. જે ભાબુઆ સ્ટેશનથી આશરે 14 કિમી. દૂર આવેલું છે. આ રેલવેજંકશન પર દૂન એક્સપ્રેસ, કાલકા મેલ, મહાબોધિ એક્સપ્રેસ, ચંબલ એક્સપ્રેસ વગેરે ટ્રેનો પસાર થાય છે. આ શહેર પાસેથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 2 (GT Road), રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 30 પણ પસાર થાય છે.
અહીં જોવાલાયક સ્થળોમાં મુન્ડેશ્વરી માતાનું મંદિર, બૈદ્યનાથ ગામે ખાતે પ્રાચીન સ્થાપત્યના અવશેષો મળી આવ્યા છે. કારકટગઢ ગામ પાસે કરકટ જળધોધ આવેલો છે. તેલહર કુંડ અને ચેનપુર ખાતે હિન્દુ મંદિર જોવા લાયક છે.
જિલ્લાનું મુખ્ય શૈક્ષણિક કેન્દ્ર છે. અહીં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. વિનયન, વિજ્ઞાન અને વાણિજ્યના વિષયોનું અધ્યાપન કરાવતી કૉલેજો આવેલી છે. આયુર્વેદિક-યુનાની તેમજ ચિકિત્સાલયો, ક્ષય ચિકિત્સાલયો અને કુટુંબનિયોજન કેન્દ્ર પણ આવેલાં છે. ભોજપુરી, હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે.
ગિરીશભાઈ પંડ્યા
નીતિન કોઠારી