ભાનુદત્ત (તેરમી–ચૌદમી સદી) : સંસ્કૃત ભાષાના આલંકારિક અને કવિ. તેઓ મિથિલાના રહેવાસી હતા તેથી તેમને ‘મૈથિલ’ કહેવામાં આવે છે. ભાનુદત્તના પિતાનું નામ ગણેશ્વર અથવા ગણનાથ કે ગણપતિ હતું એમ જુદા જુદા ગ્રંથોના આધારે કહી શકાય. તેમના એક ચમ્પૂકાવ્ય ‘કુમારભાર્ગવીય’માં તેમની વંશાવળી આ પ્રમાણે આપી છે : રસેશ્વર–સુરેશ્વર–વિશ્વનાથ–રવિનાથ–ભવનાથ–મહાદેવ–ગણપતિ–ભાનુદત્ત. આમ તેમની સાત પેઢીના પૂર્વજોનાં નામો આપ્યાં છે.

તેમના સમય વિશે પણ મતભેદ છે, છતાં ઉપલબ્ધ પુરાવાઓ પરથી તેમનો સમય તેરમી–ચૌદમી સદીનો નક્કી કરી શકાય. સર્વપ્રથમ તેમણે ભોજ (અગિયારમી સદીનો પૂર્વાર્ધ) અને મમ્મટ(અગિયારમી સદીનો ઉત્તરાર્ધ)ના ઉલ્લેખો કર્યા છે અને જયદેવના બારમી સદીમાં રચાયેલા ‘ગીતગોવિન્દ’ની ગાઢ અસર નીચે ‘ગીતગૌરીશ’ નામનું કાવ્ય રચ્યું છે; તેથી બારમી સદી પછી તેઓ થઈ ગયાનું મનાય છે. એમના ગ્રંથ ‘રસમંજરી’ પર 1572માં ગોપાલે વિલાસ નામની ટીકા લખી છે, તેથી તેરમી–ચૌદમી સદીમાં તેઓ થઈ ગયાનું અનુમાન થયું છે. તેમના ગ્રંથોમાં ‘રસમંજરી’ અને ‘રસતરંગિણી’ બંને ખૂબ જાણીતા છે. તેઓ રસવાદી આચાર્ય છે. તેમના ‘રસમંજરી’ નામના નાના કદના જાણીતા ગ્રંથ પર સંસ્કૃતમાં જુદી જુદી 11 ટીકાઓ લખાઈ છે. તેમના બીજા ગ્રંથ ‘રસતરંગિણી’માં રસનું વિસ્તૃત નિરૂપણ છે. તેના પર સંસ્કૃતમાં કેટલીક ટીકાઓ રચાઈ છે. એ પછી ત્રીજો ‘અલંકારતિલક’ નામનો અલંકારશાસ્ત્રનો પાંચ પરિચ્છેદોનો બનેલો ગ્રંથ પણ પ્રગટ થયેલો છે. તેમનું ‘ગીતગૌરીશ’ નામનું ચોથું કાવ્ય પણ પ્રકાશિત થયેલું છે. 10 સર્ગોનું બનેલું આ કાવ્ય ‘ગીતગોવિંદ’ની સાથે ઘણું સામ્ય ધરાવે છે. તેમનો પાંચમો ગ્રંથ ‘રસપારિજાત’ નામનો સુભાષિતસંગ્રહ છે, જે પ્રગટ થયેલો છે. તેમણે જ્યોતિષ વિશે ‘મુહૂર્તસાર’ નામનો ગ્રંથ લખ્યો હોવાનો સંભવ છે. જ્યારે ‘શૃંગારદીપિકા’ નામનો અલંકારશાસ્ત્રનો ગ્રંથ અને ‘કુમારભાર્ગવીય’ નામનું 12 ઉચ્છવાસનું બનેલું ચમ્પૂકાવ્ય હસ્તપ્રતમાં સચવાયેલાં છે, પરંતુ પ્રકાશિત થયેલાં નથી. ‘ચિત્રચંદ્રિકા’ નામના ગ્રંથનો ફક્ત ઉલ્લેખ ‘અલંકારતિલક’ નામના ગ્રંથમાં પ્રાપ્ત થાય છે.

ભાનુદત્તના પિતા ગણેશ્વરના શ્લોકો ભાનુદત્તે ‘રસપારિજાત’માં આપ્યા છે, તેથી તેમના પિતા પણ કવિ હોવાનું જાણવા મળે છે. ભાનુદત્તના સાળા મિશરૂ મિશ્રે ‘વિવાદચંદ્ર’ નામનો ધર્મશાસ્ત્રનો ગ્રંથ રચ્યો છે. એમના વંશજ પંડિત બદરીનાથ ઝાએ તેમના ગ્રંથ ‘રસમંજરી’ પર સંસ્કૃતમાં ટીકા લખી છે. ભાનુદત્તે પોતાના શ્લોકો પણ કેટલીક વાર ઉદાહરણ તરીકે આપ્યા છે.

પ્ર. ઉ. શાસ્ત્રી