ભાદુડી, શિશિરકુમાર (જ. 1889; અ. 29 જૂન 1959, કૉલકાતા) : ભારતીય રંગભૂમિના મેધાવી બંગાળી અભિનેતા. શિક્ષિત પરિવારના ફરજંદ તરીકે એમને ઉચ્ચ ઉદારમતવાદી શિક્ષણની તક મળી. કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાં અંગ્રેજી વિષય સાથે એમણે એમ.એ. કર્યું. એમના વિદ્યાગુરુઓમાં ભાષાવિજ્ઞાની સુનીતિકુમાર ચૅટરજી અને કલા-સમીક્ષક સુહરાવર્દી વગેરે હતા. 19 વર્ષની નાની વયે એમણે શેક્સપિયરના ‘જુલિયસ સીઝર’ નાટકમાં બ્રૂટસ અને 1911માં દ્વિજેન્દ્ર રૉયના ‘ચંદ્રગુપ્ત’ નાટકમાં ‘ચાણક્ય’ની ભૂમિકા ભજવી પ્રેક્ષકોનાં મન જીતી લીધાં. નાટકના દિગ્દર્શક સુનીતિકુમાર ચૅટરજીએ નાટકની પ્રસ્તુતિમાં ભારતીય અને યુનાની વેશભૂષામાં રાખેલી કાળજીનો તેમના પર પ્રભાવ પડ્યો હતો. કલકત્તા યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટના અવેતન મંડળ ‘ઓલ્ડ ક્લબ’ દ્વારા પ્રસ્તુત અનેક નાટકોમાં એમણે અભિનય કર્યો. 1912માં રવીન્દ્રનાથ ટાગોરની 50મી વર્ષગાંઠે પ્રદર્શિત નાટક જોવા કવિ જાતે આવ્યા હતા. એ પછીનો લગભગ એક દાયકો પત્નીવિયોગને કારણે તેઓ રંગમંચથી દૂર રહ્યા.
1921માં શિક્ષક તરીકેની નોકરીને તિલાંજલિ આપી નાટ્ય-અભિનયને પોતાનું જીવન તેમણે સમર્પિત કર્યું. તત્કાલીન બંગાળી રંગભૂમિમાં ધંધાદારી તત્વનું ખૂબ જોર હતું. પારસી વેપારી જે. એફ. મદને કૉર્નવૉલિસ સિનેમાઘરને નાટ્યઘરમાં ફેરવી જાહેરાત કરી કે એમ. એ. ભણેલા નટ શિશિરકુમાર ભાદુડી ‘આલમગીર’ નાટકમાં ભૂમિકા ભજવશે. એ જાહેરાતે સનસનાટી મચાવી દીધી. પરંતુ જૂની અભિનયશૈલીના એ નાટકની તેમણે જે નવી રીતે પ્રસ્તુતિ કરી એ જોઈને પ્રેક્ષકો અને વિવેચકો આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ આ થિયેટરમાં પોતે ઇચ્છે એવી રીતે નાટ્યપ્રસ્તુતિની સ્વતંત્રતા ન હોવાથી તેમણે 1924માં મનમોહન થિયેટર ભાડે રાખીને પોતાની કારકિર્દીનું સર્વોત્તમ નાટક ‘સીતા’ પ્રસ્તુત કર્યું. સંયત આંગિક અભિનય અને ઘેરા-ગંભીર અવાજ સાથે એમણે કરેલો રામનો અભિનય ભારતીય થિયેટરનું ઊજળું પ્રકરણ છે. એ પછી તેમણે પાછા વળીને જોયું નથી. અનેક મુશ્કેલીઓ પાર કરતાં એમણે ‘કર્ણાર્જુન’, ‘નરનારાયણ’, ‘દિગ્વિજયી’, ‘પ્રફુલ્લ’, ‘શાહજહાં’ નાટકો દ્વારા શ્રેષ્ઠ અભિનેતા તરીકેની પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો. ‘નવનાટ્યમંદિર’ નામની સંસ્થાની 1934માં એમણે સ્થાપના કરી, એના ‘શ્રીરંગમ્ થિયેટર’માં 15 વર્ષ પલાંઠી વાળીને બેઠા અને અનેક નાટકોમાં સફળ અભિનય કર્યો. પરંતુ બંગાળી પ્રેક્ષકોના નાટ્યરસમાં જમાનો બદલાતાં તફાવત પડતો જતો હતો. એથી ટિકિટબારી પર એમનાં નાટકોને સફળતા નહોતી મળતી. છેવટે 1956માં ભારે આર્થિક બોજ નીચે એમણે રંગમંચનો ત્યાગ કરવો પડ્યો. જીવનનાં અંતિમ 3 વર્ષ ભારે ગરીબાઈ અને કડવાશમાં વિતાવ્યાં.
તેમણે દ્વિજેન્દ્ર રૉય અને વિદ્યાવિનોદનાં પુરાણી શૈલીનાં નાટકોમાં નવી અભિનયશૈલી પ્રયોજી હતી. પરંતુ પ્રેક્ષકોને અનુરૂપ નવા નાટ્યકારો એ સમયે ન મળ્યા. પોતાની કારકિર્દી દરમિયાન એમણે અનેક નટ-લેખક-દિગ્દર્શકોને સતત પરોક્ષ તાલીમ પણ આપી જોઈ હતી. તેઓ બહુ રૂપાળા નહોતા, એમની ઊંચાઈ પણ ઓછી હતી, પરંતુ ‘સીતા’ નાટકમાં રામ, ‘ચંદ્રગુપ્ત’માં ચાણક્ય કે ‘દિગ્વિજય’માં નાદિરશાહ જેવાં ઐતિહાસિક પૌરાણિક પ્રતિભાશાળી પાત્રોની પ્રસ્તુતિમાં પોતાના આંગિક-વાચિક અભિનયથી ઊણપ સાલવા દીધી નહિ. એમણે કહ્યું છે કે ‘લોકનાટ્ય જાત્રામાંથી જો બંગાળી થિયેટરનો વિકાસ કર્યો હોત તો એ ખરેખર રાષ્ટ્રીય રંગમંચ હોત, પરંતુ આપણી રંગભૂમિ વિદેશી પ્રવાહે વિકસી છે, જેનો હવે ત્યાગ થઈ શકે તેમ નથી. એને પણ હવે એનું સ્થાન મળવું જોઈએ; પરંતુ મારે તો આપણા આગવા રાષ્ટ્રીય રંગમંચની સ્થાપના કરવી હતી. પણ એમાં હું નિષ્ફળ ગયો છું. કોઈ રંગમંચે જો ટિકિટબારી પર જ નિર્ભર રહેવું પડે અને અભિનયના પ્રયોગો માટે એમાં જો તક ન રહેતી હોય તો રંગભૂમિ કોઈ આગવી સંસ્કૃતિને અભિવ્યક્તિ ન આપી શકે.’ તેઓ ખૂબ ક્ષમતા-સંપન્ન અભિનેતા અને દેશના નવનાટ્ય આંદોલનના ઉદગાતા હતા.
હસમુખ બારાડી