ભાણ :  સંસ્કૃત રૂપકના દસ પ્રકારોમાંનો એક. રૂપકનો તે વિલક્ષણ પ્રકાર છે. ભરતથી શરૂ કરીને (‘નાટ્યશાસ્ત્ર’) વિશ્વનાથ (‘સાહિત્યદર્પણ’) સુધીના નાટ્યશાસ્ત્રીઓએ તેની વ્યાખ્યા કરી છે. તેમાં એક જ પાત્ર હોય છે, જે નાયક અથવા વિટ હોય છે. આ એકોક્તિરૂપક પ્રકારમાં એક જ અંક હોય છે. નાયક આકાશભાષિત દ્વારા પોતાનો અને બીજાં પાત્રોનો સંવાદ બોલે છે. બીજાં પાત્રો કાલ્પનિક હોય છે અને તે પણ બોલતાં આલેખાય છે ત્યારે નાયક ‘શું કહ્યું તેં ? – કિંમ્ બ્રવીષિ ?’ એ પ્રમાણે પ્રશ્ન કરી તેનાં વચનોની પુનરુક્તિ કરે છે. ભાણનું વસ્તુ કાલ્પનિક હોય છે અને તેમાં એક જ અંક હોય છે અને એક જ પાત્ર બોલે છે તેથી તેને ‘ભાણ’ કહે છે. આ નાયક વિટ ઉપરાંત ધૂર્ત, ચોર કે જુગારી પણ હોઈ શકે છે. તે પોતાનાં વચનો ઉપરાંત કોઈ કુલટા, કુટ્ટની, વેશ્યા કે દૂતીનાં વચનો રજૂ કરે છે. ‘ભાણ’માં શૃંગારરસનું પ્રાધાન્ય હોય છે, કોઈક વખત વીરનું. અભિનય મુખ્યત્વે વાચિક હોય છે. તેમાં પ્રાધાન્ય હોય છે ભારતી વૃત્તિનું, કૈશિકી કે સાત્વતીનું નહિ. પ્રેમપરાક્રમો નિરૂપતા ‘ભાણ’માં અદભુત, રૌદ્ર અને હાસ્યરસો ગૌણ રૂપે આવી શકે છે. અહીં દસેય લાસ્યાંગો પ્રયોજી શકાય છે. વિશ્વનાથે તેના ‘સાહિત્યદર્પણ’માં ભાણની થોડી વધુ વિગતે વ્યાખ્યા કરી છે. ઉત્તર-પ્રત્યુત્તર અને પુનરુક્તિ રૂપે નાયક અથવા વિટની ઉક્તિ હોવાને કારણે તેની નાટ્યાત્મકતા અને અસરકારકતા જણાઈ આવે છે. તેનાં ઉદાહરણો છે – ‘લીલામધુકર’, ‘રામાભ્યુદય’ વગેરે. ‘ઉભયાભિસારિકા’, ‘ધૂર્તવિટસંવાદ’, ‘કર્પૂરચરિત’, ‘પદ્મપ્રાભૃતક’ – એ ‘ચતુર્ભાણી’માં રહેલાં ચાર ભાણો; ‘શૃંગારતિલકભાણ’, ‘શૃંગારભૂષણભાણ’, ‘વસંતતિલકભાણ’ ‘શૃંગારસર્વસ્વભાણ’, ‘રસસદનભાણ’, ‘મુકુન્દાનન્દભાણ’ વગેરે ભાણો પ્રકાશિત થયેલાં છે.

રમેશ બેટાઈ